વર્તમાન સમયમાં સંચાલન ક્ષેત્રે ગાંધી વિચારોની ઉપયોગિતા

                                                                                                                     

  - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકની ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ ત્યારે રંગભેદ થકી અશ્વેતોને શ્વેતપ્રજા તરફથી સેંકડો વર્ષ સુધી થયેલો અન્યાય યાદ આવ્યો. ઘઉંવર્ણા શ્રી સુનકની સિદ્ધિ વર્ષો સુધી પ્રેરણારુપ બનશે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની સામે સત્યાગ્રહના શ્રી ગણેશ ૧૯૦૬માં કર્યા બાદ ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં સ્વદેશાગમન કરીને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી. ૩૨ વર્ષ સુધીમાં જનજાગૃતિ, લોકશક્તિ અને સુયોગ્ય વ્યૂહરચનાથી કેવા પરિણામો હાંસલ કરી શકાય છે તેનો પ્રત્યક્ષ પ્રયોગ કરી દર્શાવ્યો. આજે ગાંધીજીના વિચારો અને સિદ્ધિઓને વિકૃત રીતે ચિતરવાનો ઉદ્યોગ પરીકથાની રાજકુમારી જેમ દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે. કમનસીબે આ પ્રવૃત્તિથી દેશના કરોડો યુવાન-યુવતીઓને વ્યક્તિત્વ વિકાસના શ્રેષ્ઠ ઉદાહરણ સમા ગાંધીજીના વારસાથી વંચીત રહેવાનું થશે. ગાંધીજીની પસંદગી દ્વિતીય સહસ્ત્રાબ્દિના મહામાનવ તરીકે થઈ જે તેમનો વિશ્વવ્યાપી પ્રભાવ દર્શાવે છે.

તેમના દીર્ઘ જાહેર જીવન ૧૯૦૬ થી ૧૯૪૭ના ૪૧ વર્ષના ગાળામાં તેમણે પત્રો, લેખો, પ્રવચનો અને વાતચીતના માધ્યમથી આપણી સમક્ષ પરમ શ્રેયાર્થીનું જીવન કેવું હોય તે અંગે અગણિત વિચારો રજૂ કર્યાં છે. વિજ્ઞાન અને ટૅકનોલોજીની હરણફાળ બાદ સાંપ્રત સમયમાં ગાંધી વિચાર પ્રસ્તુત છે ? કોર્પોરેટ જગતમાં આધુનિક સંચાલન પદ્ધતિ અંગે વિપૂલ સાહિત્ય નિર્માણ થયું છે. આ સંદર્ભમાં ગાંધી વિચારોના સંચાલન (મેનેજમેન્ટ) ક્ષેત્રે કશો ઉપયોગ છે ? ગાંધી વિચાર થકી શું આપણે સંચાલનને વધારે કાર્યક્ષમ, વધારે માનવીય અને અસરકારક બનાવી શકીએ ? આ પ્રશ્નોનો જવાબ ‘હા’ છે. ગાંધી વિચારોના માધ્યમથી આઝાદીની લડતમાં જો કરોડો લોકોમાં નવચેતના પ્રગટાવી શકાય તો તે પદ્ધતિથી લાખો લોકોને નોકરીએ રાખી કામ કરતી બહુ રાષ્ટ્ર્‌ીય કંપનીઓ અનેક મુદ્દે નવતર વસ્તુઓ શીખી શકે તેમાં લેશમાત્ર શંકા કરવાનું કારણ નથી. આજે ૫૨ (બાવન) જેટલી મહાકાય બહુરાષ્ટ્ર્‌ીય કંપનીઓનું સંચાલન ભારતીય મૂળના તજજ્ઞો કરે છે ત્યારે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ, ગાંધી વિચારોના પ્રભાવ અને ઉપયોગિતા અંગે ઊંડાણપૂર્વક અને તટસ્થ વિચારણા કરી જરૂરી છે. ગાંધી વિચાર દ્વારા સુશાસન અને સફળ સંચાલન કેમ કરી શકાય તેના અનેક ઉદાહરણો સરદાર પટેલે સત્યાગ્રહોમાં અને ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી તરીકે આપણને આપ્યા છે. સંચાલન ક્ષેત્રે મેનેજરોમાં જે ગુણો અપેક્ષિત છે તેની સરખામણી ગાંધીજીના ગુણો સાથે કરવાથી આપણને એ વાતની પ્રતીતિ થશે કે ગાંધીના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી શકે તેમ છે.

ગાંધીજીના ગુણોમાંથી સર્વપ્રથમ સત્યનિષ્ઠાને સ્થાન આપવું પડે, ધંધામાં ખોટું કરવું પડે તેવી વ્યાપક માન્યતા વચ્ચે એક હકીકતનો સૌ સ્વીકાર કરે છે કે કોઈપણ કંપની હોય, ઉત્પાદિત માલસામાન હોય કે બ્રાન્ડ હોય દરેક માટે ગ્રાહકોમાં વિશ્વસનીયતા હોવી અનિવાર્ય છે. ગાંધીજીની દેખીતી રીતે ‘અહિંસા’ ‘સત્યાગ્રહ’ની વાત કોને ગળે ઉતરે ? યુવાનોને તો નહીં જ પણ ઈતિહાસ સાક્ષી છે કે મુઠ્ઠીભર હાડકાંનો દુર્બળ દેહ ધરાવતા ગાંધીના આહ્‌વાનથી લાખો લોકોએ આજીવન ત્યાગ, સેવા, સાદગી અને નિડરતા અપનાવ્યા. તાજેતરમાં સ્વ. મોતીભાઈ ચૌધરીની જન્મ શતાબ્દિની ઉજવણીમાં ગ્રામભારતી અમરાપુર જવાનું થયું. અગાઉ શ્રી રામુભાઈ પટેલની જન્મ શતાબ્દિએ માઢી જવાનું થયું હતું. અનેક આજીવન ભેખધારી ગાંધીજનો અને તેમના પરિવારોને મળવાનું થયું ત્યારે ગાંધી સંસ્કારોના વ્યાપ અને ઉંડી અસરનો અહેસાસ થયો. ક્રાંતિકારીઓના નામ અને શહાદતનું ઓઢણું ઓઢીને તેમના થકી આઝાદી મળી તેવા લખાણો કરતાં વિદ્ધાનોને ગાંધીયુગના આંદોલનની અસર દર્શાવતી કથાઓ, તસ્વીરો, ફિલ્મો, ગીતોમાંથી કશું જ નહીં દેખાતું હોય ? કોઈપણ યુગપુરુષ પણ માણસ હોય છે. તેમની ત્રૂટિઓ, મર્યાદાઓ હોય શકે પણ યુગપરિવર્તનના સૌથી સબળ પ્રહરી અંગે આધાર-પૂરાવા વિના બેફામ વિધાનો કરવામાં હવે તો બહાદૂરીનો ભાવ અનુભવતા લોકો તૈયાર થયા છે. વાસ્તવિક જીવનમાં લોકો ગાંધીના ત્યાગ અને સમર્પણના કારણે તેમને મહાન માને છે. ગાંધી માર્ગે ચાલવું તે કઠીન કાર્ય છે. સીધાં ચઢાણ છે. વ્યક્તિ કે કંપની, સરકાર કે સંસ્થા સૌ માટે વિશ્વસનીયતા મહત્ત્વની છે. ગાંધીએ પોતાના વિચાર, વાણી, વર્તન થકી એકવાક્યતા જાળવી હત. તેમના તમામ વિચારો જેમના તેમ સ્વીકાર લેવા સામે તેમણે જ આપણને ચેતવ્યા છે.  ગાંધીજીનો બીજો ગુણ તેમની મુક્ત વિચારધારા - જૈન દર્શનના અનેકાંતવાદ પ્રમાણે અને ઋગ્વેદની ઋચા પ્રમાણે દરેક દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત કરવાની તેની તૈયારી છે. સિદ્ધાંત નિષ્ઠ ગાંધી ખાદી, સત્ય, મદ્યનિષેધ, શાકાહાર, કુદરતી ઉપચાર અંગે આગ્રહપૂર્વક લખે છે. માંદા-રિબાતા વાછરડાના જીવનનો અંત લાવવામાં ગાંધી અહિંસાને આડી આવવા દેતા નથી. બાદશાહ ખાનના પરિવાર માટે માંસાહારની વ્યવસ્થા કરવામાં ગાંધી કશો સંકોચ રાખતા નથી. આજે ગાંધી હોત તો તે કદાચ ખાદીની રોજગારી આપવાની મર્યાદા કે દારુબંધીના દૂષણો અંગે લખતા હોત. તેમણે કહ્યું હતું; ‘‘મારા માટે સાતત્ય રાખવું જરૂરી નથી, જેમ જેમ નવી માહિતી મળે તેમ હું મારા મંતવ્યો ધરમૂળથી બદલી દઉં છું. મારા લખાણોમાં વિરોધાભાસ જોવા મળે તો મારા છેલ્લા લખાણને પ્રમાણભૂત ગણવું.’’ ખુલ્લું મન અને સત્યની સતત ખોજ એ ગાંધીજીના વ્યક્તિત્વના પાયાના મુદ્દાઓ છે. આજના યુગમાં અનેક લોકો ‘‘અભી બોલા, અભી ફોક’’ની ઉક્તિ મુજબ ચાલે છે ત્યારે કોઈપણ ભોગે સત્યને વળગી રહેવું અને અન્યાયનો પ્રતિકાર કરવાની ફરજ અદા કરતી વખતે કોઈ ડર ન રાખવો તે ગાંધી વિચારધારાનો મજબૂત સ્તંભ છે.

ગાંધીજીનો ત્રીજો ગુણ સતત પરિશ્રમ અને સમયપાલનનો છે. તેમના ૭૮ વર્ષના જીવનમાં તેમણે પ્રમાદ સેવ્યો નથી. દરરોજ સવારે ૪-૩૦ થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેતા ગાંધી પાસેથી આપણે સમયનું મૂલ્ય સમજી સતત પ્રવૃત્તિશીલ રહેવાનું શીખવા જેવું છે. આજના જીવનમાં ખાસ કરીને સફળ થવા માટે ચીવટની ખૂબ જરૂર છે. ‘‘કોઈપણ કામ યોગ્ય રીતે કરવું તે યોગ છે.’’ તેવું ભગવદ્‌ ગીતા કહે છે. ગાંધીજીએ દરેક કાર્ય કૌશલ્યપૂર્ણ રીતે કરવાની જે ચીવટ રાખી છે તે અજોડ છે. કાંતવાનું હોય કે લખવાનું, પ્રવચન કરવાનું હોય કે પત્ર વ્યવહાર, ગાંધીનો આગ્રહ દરેક કામ પૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને વ્યવસ્થિત રીતે કરવાનો છે. આપણે જીવનમાં ગાંધીજી જેમ ખૂબ વ્યવસ્થિત થઈએ તો આપણી ઉર્જાનો સદુપયોગ થાય. આજે સમય બરબાદીની ઘણી બાબતો છે. કશા અર્થ વિનાની પ્રવૃત્તિમાં યુવાનો સમય વેડફે તેની જગ્યાએ જીવનની દરેક ક્ષણ અન્યના સુખ માટે વાપરનારા ગાંધીજનોએ સમાજ ઘડતરમાં જે પ્રદાન કર્યું છે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની જરૂર છે.

ગાંધીજીનો ચોથો ગુણ સાદગી અને કરકસરનો છે. ગાંધીજી ખપ પૂરતું જ વાપરવા કહે છે. સૃષ્ટિ સમૃદ્ધ છે પણ તેનો અર્થ એ નથી કે આપણે તેનું અમર્યાદ શોષણ કરીએ. જીવનધોરણ સુધારવા માટે, અગણિત ઈચ્છાપૂર્તિ માટે કુદરતી સંસ્થાનનો વધારે પડતો ઉપયોગ થશે તો માનવજાત માટે જોખમ ઉભું થશે તેવું કહેવાવાળા ગાંધી મોખરે છે. જહૉન રસ્કિન થોરો ટોલ્સટોય જેવા ચિંતકોના પ્રભાવ હેઠળ ગાંધીની વિકાસની વ્યાખ્યા હેઠળ છે. ૧૯૪૫ પછી વિજ્ઞાન-ટૅકનોલોજીની અગણિત શોધોથી આપણે ખુશ હતા પણ હવે તેની વિપરીત અસરો સમજીએ છીએ ત્યારે ગાંધીની સાદગી અને કરકસરની સલાહ પ્રસ્તુત છે. 

ગાંધીનો પાંચમો ગુણ તેની હાસ્યવૃત્તિ છે. અનેક તણાવના કારણો, મુશ્કેલીઓ અને વિટંબણા વચ્ચે ગાંધી સદાય ચિંતામુક્ત રહી હસતા રહે છે - હસાવતા રહે છે. આ ગુણ જીવનના તમામ ક્ષેત્રમાં ઉપયોગી છે. આપણો તણાવ સૌ માથે નાખીને તેનો ગુણાકાર કરતા રહેવા કરતાં અંતે તો ઈશ્વરનું ધાર્યું થાય છે તેવી શ્રદ્ધા સાથે હસીને હળવા રહેવા માટે ગાંધીજીનું જીવન સમજવું ઉપયોગી છે. 

જે ગાંધીદ્વેષથી પીડિત છે, જેમનો હેતુ ગાંધીના સત્ય, પ્રેમ અને સંવેદનાના ત્રિવેણી સંગમને પ્રદૂષિત કરવાનો છે. જેમના માટે પરિણામહીન હિંસા, વેરભાવ સહજ છે તેમને પ્રભ્‌ુ સદ્‌બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સહ...

Comments

Popular posts from this blog