ભારત અને અમેરિકાની મૈત્રી
- પ્રવીણ ક. લહેરી
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય મહેમાનગતી કરીને અમેરિકાએ સૌથી પ્રથમ વખત ભારત પ્રત્યેનો ઝૂકાવ દર્શાવ્યો છે. વિશ્વની સૌથી મોટી લશ્કરી અને આર્થિક તાકાત ધરાવતી મહાસત્તા મૈત્રીનો હાથ લંબાવે છે ત્યારે તે અંગે અનેક પ્રશ્નો પણ થાય છે.
આપણી આઝાદીના ૭૬-૭૬ વર્ષ સુધી ભારતના વિકાસમાં રોડા નાખનાર અમેરિકા શરૂઆતથી જ ભારતને ભરોસાપાત્ર માનતું નથી. ભારત રશિયા સાથે છે તેથી તેનામાં વિશ્વાસ ન કરાય તેવી માનસિકતા અમેરિકી શાસક વર્ગમાં હતી અને આજે પણ છે. એવું તો શું બન્યું કે અમેરિકાએ ઉચ્ચ ટેકનોલોજી સાથે જંગી મૂડીરોકાણ ભારતમાં કરવા માટે તત્પરતા બતાવી છે. અમેરિકા એક બાજુ ભારત અંગે સાશંક રહ્યુ પણ બીજી બાજુ ભારતીયોએ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાને અગ્રતા આપી ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરી લાખો યુવાન-યુવતીએ અમેરિકામાં જ કારકિર્દી આગળ ધપાવી. ૧૯૬૦-૭૦ ના દાયકાઓમાં ભારતના યુવાધન અને તેમાં પણ બુદ્ધીશાળી વર્ગ હિજરત કરી જાય છે તે રોકવા માટે પણ ચર્ચાઓ થતી હતી. સમાજવાદી સમાજરચનાના સ્વપ્નને સાકાર કરવા માટે અંકુશો, લાયસન્સ, ક્વોટા, પરમિટ રાજ હતું. તેના કારણે વિદેશ ભણવા ગયેલા યુવાનો-યુવતીઓને પરત ફરવાની ઈચ્છા ન હતી. ૧૯૭૦-૮૦ ના દશકાઓમાં અમેરિકાથી આવતા બિનનિવાસી ભારતીયઓ ભારતની વ્યવસ્થાની કટૂ આલોચન કરવાની સાથે અમારે અમેરિકામાં તો આમ અને તેમની વાતો કરતાં હતાં. ભારતની ગંદકી અવ્યવસ્થા, પછાતપણું, વહેમો, રૂઢિઓ વગેરેના કારણે આપણા દેશનું શું થશે તેવી ચિંતા સાથે ઘણાં તો હું હવે ભારત આવીશ નહીં તેવા સંકલ્પ સાથે પરત જતાં હતા. ૧૯૯૦ પછી પરિસ્થિતિ પલટાય, ભારતમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ આધુનિક જીવનશૈલી સામાન્ય બની. આજે એકલા ગુજરાતમાં જ ૬૦૦૦૦ જેટલા બિનનિવાસી ભારતીયો વિદેશી નાગરિકો હોવા છતાં ત્યાંનો વસવાટ છોડીને ભારતમાં લોંગ ટર્મ વિઝાપર રહે છે. અનેક વડિલો શિયાળો ભારતમાં તો ઉનાળો વિદેશમાં એમ આવનજાવન કરતાં રહે છે. ભારતીયોએ અમેરિકામાં જે રીતે તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર હાજરી દર્શાવી તેથી સામાન્ય અમેરિકનના મનમાં ભારત માટે માનની લાગણી ઉભી થઈ. બિનનિવાસી ભારતીય પરિવારની બીજી-ત્રીજી પેઢીના બાળકોએ શાળા-કોલેજમાં અભ્યાસમાં જે હીર દાખવ્યું તેનાથી પૂર્વ પ્રમુખ ઓબામા કહેતાં હતાં કે જો અમેરિકન બાળકો સારી રીતે ભણશે નહીં તો નોકરીઓ મુંબઈ,બેંગ્લોર, અમદાવાદ ભણતાં યુવાનો લઈ જશે. અમેરિકાને એક સત્ય સમજાયું. સરેરાશ ભારતીય સારા સંસ્કાર, બુદ્ધિમતા, પરિશ્રમ અને નિષ્ઠાથી જીવે છે. જે સમાજમાં તે રહે છે તેનું અહિત નથી કરતો અને તે દેશના વિકાસ અને સુખમાં સુંદર પ્રદાન કરે છે.
અમેરિકા શરૂઆતથી પાકિસ્તાનને પોતાનું વિશ્વાસુ સાથી માનીને તેને તમામ પ્રકારની મદદ કરવા તત્પર રહ્યું છે. ૧૯૭૪ માં પાકિસ્તાને અમેરિકાના તત્કાલ વિદેશમંત્રી હેનરી કિસિંજરને બેઈજીંગ (ચીન) સાથે મનમેળ કરાવી આપ્યો તેથી અમેરિકા તેના પ્રત્યે વધારે ઝૂક્યું. ૯/૧૧ અમેરિકાના ટવીન ટાવર પરના હમલાએ પાકિસ્તાનની આંતકવાદી પ્રવૃત્તિઓ ઉજાગર કરી. છેલ્લે બિન લાદેન પેશાવરમાં છૂપાયેલો મળ્યો ત્યારથી અમેરિકાને અહેસાસ થયો કે ઈસ્લામના નામે પાકિસ્તાન અમેરિકાના હિતોને નુકશાન કરી શકે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પીછેહઠ કરવી પડી તેના માટે પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વોએ પણ ભૂંડી ભુમિકા ભજવીને અમેરિકાને સારું એવું નુકસાન પહોંચાડ્યું હતું. આવા સંજોગોમાં પાકિસ્તાન પરનો અમેરિકાનો વિશ્વાસ ડગ્યો છે પણ હજી તે પાકિસ્તાનમાં પોતાના લશ્કરી અડ્ડા જાળવી રાખવા માટે પાકિસ્તાનને સહાય કર્યા કરશે તે વાત ભારતે ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.
આપણા વડાપ્રધાનના મિત્ર ગણાતા અને ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા બરાક ઓબામા અમેરિકા-ભારતના સબંધો સુધરે તે માટે સહાયરૂપ બને તેવી અપેક્ષા હતી. વર્તમાન અમેરિકી પ્રમુખ જો બાઈડન ૧૦ વર્ષ ઓબામાના સહયોગી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. આમ પણ જો બાઈડેન માટે પ્રચાર કરવાથી માંડીને તેમને માર્ગદર્શન આપતા હોવાની હકીકત છે. કમનસીબે બરાક ઓબામાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકાની સૌથી જાણીતી ન્યુઝ ચેનલ સી. એન. એનને ઈન્ટરવ્યુ આપી જે વિધાનો કર્યા તેથી સૌ અચંબામાં પડી ગયા. ગુજરાતી કહેવત ‘ધરણ ટાણે સાપ કાઢ્યો’ જેમ ઓબામાએ શ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં લઘુમતિ ખાસ કરીને મુસ્લિમો સલામત નથી. જો ૨૦૨૪ માં શ્રી મોદી ફરી વડાપ્રધાન બનશે તો ભારતમાં લોકશાહી સમાપ્ત થઈ જશે એમ કહીને જે ટીકા કરી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતે ઓબામાની ટીકાનો સણસણતો જવાબ આપ્યો છે. ઓબામાએ આ પ્રવચન માટે જ્યોર્જ સોરાસ નામના ભારત વિરોધી અબજોપતિ પાસેથી ૪૦ લાખ ડૉલર રૂા. ૩૨૦ કરોડની ફી મેળવી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે. ભારત વિરોધી જૂથોને ભૂતકાળમાં અમેરિકાની સરકારોએ છાવરી છે એટલું જ નહીં પણ પ્રોત્સાહન આપ્યું છે. ભારત-અમેરિકાની મૈત્રીમાં પાકિસ્તાન તરફી તત્વો, વંશીય ગુરુતાગ્રંથિથી પીડાતા જ્યોર્જ સોરોસથી માંડીને કોંગ્રેસના સામ પિત્રોડાએ નકારાત્મક ભુમિકા ભજવી છે. ભવિષ્યે પણ આ તત્વો અમેરિકન સરકાર અને પ્રજામત પર હાવી ન થઈ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
પાકિસ્તાન પછી આપણું બીજું પાડોશી ચીન તો શ્રી મોદીની સફળતાથી ખૂબ વ્યગ્ર છે, ઉગ્ર બનતું જાય છે. એક બાજુ જો બાઈડન ચીનની સરમુખત્યારીની ટીકા કરે છે ત્યારે અમેરિકાના વિદેશપ્રધાન ચીન છંછેડાય નહીં તે માટે અગાઉ રદ કરેલો પ્રવાસ કરી ચીનને થાબડભાણા કરે છે. ચીન અને અમેરિકા વચ્ચે અરસપરસનું અવલંબન છે. ચીન સાથે વેપાર ઘટાડવાની નીતિનો અમલ કિડીવેગે થઈ રહ્યો છે. આપણો વેપાર અમેરિકા સાથે વધે અને બન્નેનો વેપાર ચીન સાથે ઘટે તે માટે નક્કર યોજના બનાવી તેનો ઝડપથી અમલ થાય તે જરૂરી છે.
ભારત અમેરિકન મૈત્રી માટે ચીનની મહત્વકાંક્ષા, ઉદ્ધતવર્તન અને રશિયા સાથે ધરી બનાવવાની ચેષ્ટા, અમેરિકાને યેનકેન પ્રકારે ભારતથી દૂર રાખવાની રહેશે. ચીને હવે જ્યારે રશિયા, તૂર્કી, ઈરાન, સાઉદી અરેબિયા સાથે ધનીષ્ઠ સબંધો વિકસાવવાની અગ્રતા આપી છે ત્યારે આગામી દિવસોમાં આપણા દેશે અનેક પડકારો ઝીલવાના છે. ચીનનો આગ્રહ ભારત, અમેરિકા, ઓસ્ટ્ર્ેલીયા અને જાપાન વચ્ચેનું કવાડ જોડાણ રદ થાય તે માટે છે. હવે રશિયા પણ ૭૮ વર્ષના ઈતિહાસમાં ભારતની નીતિની ખુલ્લી ટીકા કરી ભારતે કવાડ છોડી દેવું જોઈએ તેમ કહે છે. ફરી એકવાર અમેરિકા, ચીન,રશિયા જેવી ત્રણ ત્રણ મહાસત્તાઓ અને દુશ્મનાવટ ધરાવતા પાડોશી ચીન અને પાકિસ્તાન તેમજ મુસ્લિમ રાષ્ટ્રોના સંઘ વચ્ચે આપણે આપણા હિતની રક્ષા કરવાની છે.
સમય કઠીન છે. ભવિષ્ય માટે ભારતે અનેક લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની યાત્રાએ ભારત-અમેરિકા વચ્ચેની મૈત્રીમાં નવો અધ્યાય શરુ કર્યો છે. ભારતનો વિકાસ અને વિશ્વમાં શાંતિ આ બે ઉદ્દેશો એકબીજાના પૂરક છે.
Comments
Post a Comment