મણિપુર : ગૃહયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ
- પ્રવીણ ક. લહેરી
ભારતના ૫ૂર્વોત્તર રાજ્યો આસામ, ત્રિપૂરા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ, મેઘાલય અને સિક્કિમ એમ આઠ રાજ્યો વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વના છે. ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્ર્ીય સરહદોના કારણે પૂર્વોત્તર રાજ્યો ભારત સાથે સંપૂર્ણ આત્મિયતા અનુભવે તે માટેના અત્યાર સુધીના પ્રયત્નો ઉણા ઉતર્યાં છે. આઝાદી બાદ અસ્થિરતા, અરાજકતા, હિંસા, આતંકવાદ, જુદા જુદા વંશીય જૂથો વચ્ચેનું વૈમન્સ્ય, ખ્રિસ્તી ધર્મનો પ્રછન્ન પ્રચાર અને ખૂબ મોટી વસ્તીનું ધર્માતરણ જેવા અનેક પ્રશ્નોના કારણે ઉત્તર પૂર્વ ભારત સરકાર માટે ચિંતારુપ રહે છે. ૧૯૭૪માં ભારતમાં વિલિન થયેલ સિક્કિમ સિવાયના ૭ રાજ્યો ૧૯૪૭ થી ૧૯૭૨ના ૨૫ વર્ષો દરમિયાન આસામનો ભાગ હતાં. આસામમાં તે સ મયે જે વંશીય આદિજાતિ જૂથો હતાં તેમાં ભારત સાથે રહેવામાં અનિચ્છા હતી. ૧૯૭૨માં મુખ્ય વંશીય જૂથોને સાચવીને નાના નાના ૬ રાજ્યોની સ્થાપના થઈ તેની અસરો અંગે વિભિન્ન મંતવ્યો છે. એક પક્ષનું માનવું છે કે આના કારણે ઉત્તરપૂર્વમાં શાંતિ સ્થપાય છે. નાના રાજ્યો સ્થાનિક લોકોની અપેક્ષા સંતોષે છે. બીજા પક્ષનું માનવું છે કે હકીકતમાં નવા રાજ્યોમાં પણ અલગ અલગ વંશીય જૂથો છે. તેઓ વચ્ચેની ખેંચતાણ અને અરસપરસનો અવિશ્વાસ આજે પણ જેમનો તેમ છે. તાજેતરની મણિપુરની ઘટના એ બે વંશીય જૂથોના હિતોના ટકરાવને કારણે જ પેદા થઈ છે.
સૌથી ચિંતાનો વિષય એ છે કે છેલ્લા ૨ માસથી આ આંતરવિગ્રહ ચાલુ જ છે. અંદાજે ૩૦૦ વ્યક્તિઓના મોત પછી પણ ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ છે. અગાઉ કદી ન બન્યું હોય તે પ્રમાણમાં શસ્ત્રાગારો લૂંટવામાં આવ્યા છે. ખાનગી જૂથોની અથડામણમાં સ્વયંસંચાલિત શસ્ત્રોનો વપરાશ થાય છે. ઉન્માદી ટોળાઓ જાહેર સંપત્તિ ઉપરાંત રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીના રહેઠાણ અને પરિવારને હિંસાનું લક્ષ્યાંક બનાવે છે. સ્થાનિક શાંતિપ્રિય પ્રજા નિઃસહાય બની આ મોત અને માલમિલ્કતની ખાનાખરાબી જોઈ રહી છે. મણિપુરના એક નિવૃત્ત લેફટેનન્ટ જનરલ દ્વારા આ સ્થિતિ પર અંકુશ મેળવવામાં થઈ રહેલ વિલંબ અંગે અંગત આક્રોશ વ્યક્ત કર્યો છે. આના અનુસંધાને આપણા ઈતિહાસમાં એકી સાથે અસંખ્ય નિવૃત્ત લશ્કરી નેવીના અને એરફોર્સના અધિકારીઓએ સરકારને ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે વિનંતી કરી છે.
અગાઉ ભારતન સરકારના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે મણિપુરની મુલાકાત લઈને સ્થિતિ શાંત અને સામાન્ય બને તે માટે પ્રયત્ન કર્યો છે. લૂંટાયેલા શસ્ત્રો સ્વેચ્છાએ પરત કરવાની તેની અપીલને મર્યાદિત પ્રતિભાવ મળ્યો છે. હજી સલામતિનું વાતાવરણ સર્જવા માટે સૌથી પ્રથમ ઉપદ્રવીઓ સાથે કડક કામ લઈને સૌથી પ્રથમ શાંતિ બહાલ કરી જનજીવન સામાન્ય બને તેન અગ્રતા આપવી જોઈશે. આ આંદોલનના મૂળમાં કોર્ટના ચૂકાદાથી એક વંશીય જૂથનો આદિજાતિમાં સમાવેશ કરવાનો નિર્ણય સરકાર સમયમર્યાદામાં કરે તે છે. આદિજાતિ તરીકેના લાભો અન્ય જૂથને કેમ આપવા તેવા મુદ્દા સાથે જો કોઈ આંતરવિગ્રહની સ્થિતિનું સર્જન કરે તો સંભવતઃ અનેક જગ્યાએ અનામત મુદ્દે અશાંતિ સર્જાય તેવી ભીતિ અસ્થાને નથી.
મણિપુર આમ તો નાનું રાજ્ય છે. મણિપુરનો વિસ્તાર ૨૨૩૪૭ ચો.કિ.મી.નો છે. વસ્તી ૨૭,૨૧,૭૫૬ની છે. રાજ્યોના એક જિલ્લા જેટલી વસ્તી અને ક્ષેત્રફળ ધરાવતા મણિપુર રાજ્યની સરકાર માટે શાસન ચલાવવામાં મુશ્કેલી ન હોવી જોઈએ. ભારત સરકાર ઉત્તરપૂર્વના રાજ્યોની આર્થિક સહાય ઉદાર હાથે આપે છે. મુશ્કેલી એ છે કે ભ્રષ્ટાચાર, વંશીય તણાવ અને પર્વતીય ભૂમિના કારણે વિકાસના કામો યોગ્ય રીતે થતાં નથી. મણિપુરના આંદોલનના મૂળમાં ‘અનામત’નો પ્રશ્ન છે. ‘અનામત’ એ એક એવું ગાજર છે જે ખાવા માટે સૌ ડોક લંબાવતા રહે છે.
મણિપુરની વસ્તીમાં ધર્મની દૃષ્ટિએ વર્ગીકરણ કરીએ તો હાલ હિન્દુઓ ૪૧ ટકા, ખ્રિસ્તીઓ ૪૧ ટકા અને અન્ય વિવિધ સ્થાનિક ધર્મો સાથે ૧૮ ટકા લોકો છે. આ મુદ્દે નોંધપાત્ર હકીકત એ છે કે ૧૯૬૧ થી ૨૦૧૧ના પચાસ વર્ષના સમયગાળામાં હિન્દુઓની ૧૯૬૧ની ૬૨ ટકા, વસ્તી ઘટીને ૪૧ ટકા થઈ છે ત્યારે તે જ કાળખંડમાં ખ્રિસ્તી વસ્તી ૧૯ ટકાથી વધીને ૪૧ ટકા થઈ છે. ગ્રામીણ વિસ્તારમાં ખ્રિસ્તી વસ્તીનું પ્રમાણ ૫૩ ટકા જેટલું છે. પચાસ વર્ષમાં ધર્માંતરણ દ્વારા ખ્રિસ્તી વસ્તીમાં ૨૨ ટકાનો વધારો થયો અને તેની સંખ્યા બેવડાથી પણ વધી છે. આ સામે હિન્દુ વસ્તીમાં ૨૧ ટકાનો ઘટાડો દર્શાવે છે કે ઉત્તરપૂર્વમાં વટાળ પ્રવૃત્તિમાં કોઈ ઓટ નથી આવી. વંશીય ધોરણે મૈત્રીયની વસ્તી ૫૩ ટકા છે. નાગા જાતિની વસ્તી ૨૪ ટકા અને કુકીની વસ્તી ૧૬ ટકા છે. કુકી અને નાગા જાતિ હાલ મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે. જ્યારે મોટાભાગના મૈત્રીય લોકો હિન્દુ ધર્મ પાળે છે. ધર્મ અને માન્યતાઓના પરિવર્તનને કારણે મણિપુરની પ્રજામાં એકતા સ્થાપવાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ખીણના વિસ્તારમાં હિન્દુઓની બહુમતિ છે. તો પર્વતીય જિલ્લાઓમાં ખ્રિસ્તીઓનું પ્રમાણ વધારે છે.
હાલના કાયદા મુજબ પર્વતીય વિસ્તારોમાં માત્ર આદિજાતિની વ્યક્તિઓ જ જમીન ખરીદી શકે છે. ખીણના ગામોમાં જ્યાં મૈત્રીય લોકો વસે છે ત્યાં નાગા-કુકી, ઝોમ્બી વંશીય જૂથોને જમીન ખરીદવાની છૂટ છે. આ અસમાનતાથી નારાજ મૈત્રીય લોકોએ પોતાને પણ આદિજાતિ ગણવાની માંગ સરકારી પાસે કરી. સરકારે તે અંગે કાંઈ પ્રતિભાવ ન આપતાં હાઈકોર્ટમાં રીટ દાખલ થઈ. હાઈકોર્ટના એક ન્યાયાધિશે આ રીટનો નિકાલ કરતાં આદેશ કર્યો; ‘‘રાજ્ય સરાર મૈત્રીય લોકોની માંગણી અંગે ત્વરિત નિર્ણય કરે - શક્ય હોય તો ચાર સપ્તાહમાં નિર્ણય કરે.’’ ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવી ગુજરાતી ઉક્તિ જેવું થયું. પર્વતીય વિસ્તારમાં નવનિર્મિત ‘જીમ’ના મકાનના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી પહોંચે તે પહેલાં કુકી-નાગા-ઝોમ્બી વંશીય જૂથોએ આ મકાનને આગ ચાંપી બાળી નાખ્યું.
તા.૩જી મે ૨૦૨૩ના રોજ આદિજાતિ એકતા સંગઠ્ઠનના નામે વિશાળ રેલી કાઢી અને હિંસક બનાવોની હારમાળા સર્જાઈ. ભારત સરકારે ૧૦,૦૦૦ સૈનિકોના લશ્કરને મોકલી પરિસ્થિતિનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કર્યો. કમનસીબે મણિપુરનો ઉકળતો ચરુ ઠરવાનું નામ નથી લેતો. આમ જોઈએ તો એક સમુદાયની માંગણી સરકાર વિચારે તેવા સૂચનાત્મક આદેશના પગલે આટલી વ્યાપક હિંસા ફાટી નીકળે જેમાં ખાનગી વ્યક્તિઓના ટોળા આધુનિક હથિયારોથી સુસજ્જ હોય, સરકારી શસ્ત્રાગારોમાંથી શસ્ત્રો લૂંટાય અને સમગ્ર રાજ્યને અરાજકતામાં ધકેલી દેવાય ત્યારે અમુક પ્રશ્નો જરૂર થાય. મણિપુર રાજ્ય રાજાશાહી હેઠળ હતું ત્યારે કુકી જાતિના લોકોને બર્માથી લશ્કરમાં નોકરી માટે બોલાવ્યા હતા. જે અહીં વસી તો ગયા પણ આ સમુદાય સામે આક્ષેપ છે કે તેઓએ જંગલો આડેધડ કાપીને અફીણની ખેતીથી મણિપુર જેવા શાંત રાજ્યમાં ગુન્હાખોરીને પ્રોત્સાહન આપ્યું છે. ૧૬ ટકા વસ્તી ધરાવતો આ સમુદાય કોની પ્રેરણા અને પ્રોત્સાહનથી આંતરવિગ્રહની સ્થિતિ સર્જે છે તે પ્રશ્ન બારીક તપાસ માંગી લે છે. વંશીય હિંસાનો દોર શરુ થાય તો ભવિષ્યે સમગ્ર ઉત્તરપૂર્વમાં ફરી તણાવગ્રસ્ત વાતાવરણ પેદા થાય. મણિપુરની આગ બુઝાવવામાં કોઈ પક્ષીય કે વિભાજિત અભિગમ ન રાખતાં રાષ્ટ્ર્ીય હિતને ધ્યાને લઈને તેનો ઉકેલ સત્વરે આવે તેવી આશા રાખીએ.
મણિપુરની ઘટનાઓ ભારતમાં અસ્થિરતા સર્જવાના કાવતરનું ટ્રેલર તો નથી ને ? આપણો દેશ ઝડપી આર્થિક વિકાસ સાધી રહ્યો છે તેનાથી અનેક દેશના પેટમાં ચૂંક આવે છે. ભારતને તેના સમદ્ધ ભવિષ્યના માર્ગે પ્રગતિ કરવામાં જે અવરોધો આવે છે તેને મક્કમતાથી હટાવી શાંતિ સ્થાપવી અનિવાર્ય છે.
Comments
Post a Comment