માનસિક તણાવ : નિવારવાના ઉપાયો
- પ્રવીણ ક. લહેરી
સમાજમાં માનસિક તણાવના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને માનસિક તણાવ દૂર કરવાના ઉપાયો કરીએ તે આજના સમયની તાતી જરૂરિયાત છે.
સૌથી પ્રથમ આપણે એ વાત સમજવી જોઈએ કે મનમાં આવતાં વિચારો જ્યારે નિરાશા, ચિંતા કે વિહ્વળતા પેદા કરે ત્યારે અખાપણે સજાગ થઈને આવા નકારાત્મક વિચારોને રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ચિંતાપ્રેરક વિચારો ધીમે ધીમે ખૂબ તીવ્રતા પકડે છે. એક તબક્કો એવો આવે છે કે વ્યક્તિનો વિચારો પર અંકુશ રહેતો નથી. ખાસ કરીને એકલવાયી વ્યક્તિ, અંતર્મુખી વ્યક્તિ, અતિ ઊંચી મહત્ત્વકાંક્ષાવાળી વ્યક્તિ, શોષિત અને અપમાનિત વ્યક્તિના વિચારો નકારાત્મક થવાની શક્યતા વધારે છે. જો પરિવાર, મિત્રો સાથે અને કામકાજના સ્થળે ઉષ્મા અને પ્રેમભર્યું વાતાવરણ હશે, એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસ હશે તો વ્યક્તિ માટે તણાવ દૂર કરવામાં સુગમતા રહેશે.
બીજું કે જો તણાવગ્રસ્ત વ્યક્તિ અતિ મુંઝાયેલી હોય, નજીકના સગા-સ્નેહીઓ સાથે મુશ્કેલીની ચર્ચા કરવામાં અવરોધ હોય, વિશ્વાસનો અભાવ હોય ત્યાં મુંઝાયેલી વ્યક્તિ માટે યોગ્ય લાયકાત ધરાવતી તજજ્ઞ વ્યક્તિ પાસે સમયસર સારવાર કરાવવી જોઈએ. કમનસીબે અનેક માનસિક બિમારીથી પીડાતી વ્યક્તિ સારવારમાં જોડાવાનો જ ઈન્કાર છે. સામાજિક રીતે માનસીક બિમારીને વ્યક્તિગત રીતે દોષ તરીકે જોવામાં આવે છે. પરિવાર પણ બદનામીની બીકના કારણે દર્દીને સમજાવવામાં બેકાળજી કરે છે. હકીકતમાં આપણામાંથી કોઈપણ જીવનના કોઈપણ તબક્કે નાની અમથી ઘટનાને કારણે તણાવ અનુભવીએ છીએ. આ તણાવ માનસિક બિમારીનું સ્વરુપ પણ ધારણ કરી શકે છે. ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, સતત કાંઈક અમંગળ બનશે તેવા વિચારો આવતા રહે, પાચનક્રિયામાં કશા દેખીતા કારણ વિના ગરબડ થવા માટે ચહેરા પર નિસ્તેજ અને મુંઝવણના ભાવો ઉપસી આવે ત્યારે યોગ્ય સારવારમાં કશો વિલંબ ન કરવો જોઈએ. માનસિક બિમારીના હજારો કિસ્સાઓમાંથી ખૂબ થોડા લોકોને યોગ્ય સારવાર મળે છે.
આપણા સમાજમાં ખાસ કરીને અનેક જ્ઞાતિઓમાં માનસિક બિમારીને ભૂત-પ્રેતનો વળગાડ, માતાજીની અવકૃપા, તંત્ર-મંત્ર, મેલી વિધાનો ભોગ કે ગ્રહદશાને જવાબદાર ગણવામાં આવે છે. જ્યોતિષો અને ભુવા-ભરાડી બની બેઠેલા સાધુ-સંતો માટે આવી મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિ અને પરિવારો થકી જ આ ચમત્કારી બાબાઓ/માતાજીઓનું ગુજરાન ચાલે છે. માનસિક બિમારી મન ચંચળ હોવાને કારણે થાય છે ત્યારે એકાગ્રતા વધારતા યોગ, ધ્યાન, ભજન, નામજાપ કે સત્સંગથી વ્યક્તિનું મન બીજે પરોવાય છે અને તેનાથી ટૂંકા કે લાંબાગાળાના લાભો થાય છે. મનોચિકિત્સકો અને માનસશાસ્ત્રના સલાહકારો પણ વ્યક્તિને ચિંતામુક્ત કરવા માટે આવા પ્રયોગોની ભલામણ કરે છે.
વીસમી સદીમાં અમેરિકામાં સંપત્તિ વધી પણ તેના સાથે વ્યક્તિ સ્વકેન્દ્રી થયો, પરિવારની હુંફ ઓછી થઈ, વ્યક્તિને હૂંફ અને પ્રેમ ઘટ્યા, ચિંતા વધી ત્યારે અમેરિકામાં ડેલ કાર્નેગી નામની વ્યક્તિએ બે પુસ્તકો લખ્યા. આ બંને પુસ્તકોની લાખો પ્રત વેચાઈ. વર્ષો સુધી સૌથી વધારે વેચાતા પુસ્તકોની યાદીમાં અગ્રસ્થાને રહ્યા. ‘‘મિત્રો કેમ બનાવવા અને પ્રભાવ કેમ વધારવો’’ આજે સોશ્યલ મિડીયામાં જે થઈ રહ્યું છે તેના મૂળમાં ડેલ કાર્નેગીની અમુક સલાહનો અમલ થઈ રહ્યો છે. બીજું પુસ્તક હતું - ‘‘ચિંતા છોડો, સુખેથી જીવો’’ આ પુસ્તક અનેક લોકોને એ સમજાવ્યું છે કે આપણી મોટાભાગની ચિંતાઓ બીનજરૂરી, કાલ્પનિક અને ગેરસસમજણના કારણે પેદા થાય છે. આપણે જો યાદ કરીએ કે ૧૦ વર્ષ પહેલાં જે મુદ્દે ઉગ્ર બોલચાલ કે તકરાર થયા હતાં, આપણે વ્યથિત અને ચિંતિત થયા હતા ત્યારે આપણને લાગે કે શું આવી નજીવી બાબતે એટલો ગુસ્સો ચિંતા કેમ થયા હશે ? વર્તમાન પેઢીનું એક સૂત્ર મને બહુ ગમે છે. ‘બી કૂલ’ દિમાગ ઠંડું હોય તો દુનિયા સુખથી છલોછલ ભરેલી જ છે. સાંપ્રત સમયમાં યુવાન-યુવતીઓ ટોળે મળીને જૂથમાં મજાક-મસ્તીથી તણાવ નિવારે છે. જો કે ઝઘડા અને મારામારી પણ આવા મિત્રજૂથોમાં ક્ષુલ્લક મુદ્દે થઈ જાય છે. અગાઉ પરિવારમાં વડિલોનું, શાળામાં શિક્ષકનું સ્થાન એવું હતું કે તેમની વાતને આજ્ઞા સ્વરુપે સ્વીકારી તેનો અમલ કરવામાં આવતો હતો. આજે યુવા-યુવતીઓ કોઈની વાત ન ગમે તો તેનો અસ્વીકાર કરવામાં સંકોચ અનુભવતાં નથી. ક્યારેક તો ‘મને આવું કીધું જ કેમ ?’’ તેવો પ્રશ્ન કરીને હોબાળો મચાવે છે. સમાજમાં શિસ્ત ઘટતી જાય છે. સ્વચ્છંદતા વધતી જાય છે. આનો ઉપાયો પરિવારના સભ્યો વચ્ચે આજ્ઞાનું પાલન કરવાની પદ્ધતિની જગ્યાએ બંને પક્ષે વડિલો અને સંતાનોએ દુરાગ્રહ રાખ્યા વિના ચર્ચા કરી, એકમેકને અનુકૂળ થઈને ઘરનું વાતાવરણ આનંદિત રાખવાનું છે. જીવનમાં જેટલા દુરાગ્રહો વધે છે તેટલી અશાંતિ વધે છે. આપણે સૌએ અન્યને અગ્રતા આપવામાં શરમ કે સંકોચ ન અનુભવવો જોઈએ. ચિંતા નિવારણના વિવિધ ઉપાયોમાંથી પોતાની ચિંતાનું પોતે જ વિશ્લેષણ કરીને મનને સમજાવવું જોઈએ કે આ અગવડ, પ્રશ્ન કે દબાણ સમય સાથે ઘટશે. આપણે સદાય યાદ રાખવું કે દરેક સમસ્યાનો ઉકેલ છે. ચિંતા એ કોઈ ઉકેલ નથી પણ પ્રશ્નને જટીલ બનાવવા સિવાય તેનાથી કોઈ લાભ નથી. પરંપરાગત રીતે આપણા સમાજમાં અનેક લોકો કહેતા; ‘‘જીવ તું ચિંતા શીદને કરે ? કૃષ્ણને કરવું હોય તે કરે’’ દરેક અપ્રિય ઘટનાના સ્વીકાર સાથે મનને અશાંતિમાંથી શાંતિ તરફ લઈ જવાનો આ સૌથી સફળ પ્રયોગ હતો. અપેક્ષાની તીવ્રતા જેટલી વધારે તેટલો ઉશ્કેરાટ વધારે. મનના વિચારોની ગતિ પર અંકુશ મૂકી શકીએ તો તણાવનો ભોગ બનવાની શક્યતાઓ ચોક્કસ ઘટાડી શકીએ. અગાઉ શહેરોમાં તણાવનું પ્રમાણ વધારે હતું પણ આજે તો દરેક ગ્રામીણ તાલુકામાં બે થી ત્રણ હજાર વ્યક્તિઓ માનસિક વ્યાધીથી પીડિત છે. આપણે ત્યાં માનસિક બિમારીની સારવારમાં પણ મુશ્કેલીઓ છે. સૌથી પ્રથમ વ્યક્તિ અને પરિવાર માનસિક બિમારીને બિમારી તરીકે સ્વીકારવામાં મુંઝાય છે. બીજાની નજરમાં આપણે હલકા દેખાઈશું ત્યાંથી માંડીને મને લોકો પાગલ ગણીને મારા સાથે વિચિત્ર વ્યવહાર કરશે તેવો ડર વ્યાપક છે. હકીકતમાં માનસિક રીતે બિમારી દર્દીની ‘પ્રાઈવસી’નું રક્ષણ થવું જોઈએ પણ માનસિક સારવાર સાથે કોઈ કલંક છે તેવી માન્યતા છોડવી જ પડશે. બીજું માનસિક સારવારમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અને દવાઓ તજજ્ઞો દ્વારા જ મળે તે રીતે જ સારવાર થવી જોઈએ. વહેમ-અંધશ્રદ્ધાથી તો દૂર જ રહેવું હિતકારક છે. ત્રીજું પરિવાર અને મિત્રોએ દર્દીની સ્થિતિનો સહજ સ્વીકાર કરીને તેને પ્રેમ, હૂંફ અને ટેકો આપવો જોઈએ. દર્દીમાં આત્મવિશ્વાસ સ્થાપિત થાય તેવો વ્યવહાર કરવો જોઈએ. માનસિક રોગના દર્દી સાથે ખૂબ કાળજી અને સમજણથી કામ લેવું જોઈએ. યોગ્ય સારવારથી મોટાભાગના દર્દી બિમારીમાંથી ઝડપથી બહાર આવે છે. તેમનું વ્યક્તિત્વ પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે.
સામાન્ય રીતે માનસિક બિમારીની સારવાર ખાનગી મનોચિકિત્સકો, મનોવિજ્ઞાનના પ્રમાણિત કાઉન્સેલરો કરે છે. મોટી હૉસ્પિટલમાં આ માટે અલગ વ્યવસ્થા હોય છે. હવે તો બી.એમ. ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હૅલ્થ, નહેરુબ્રીજ નજીક અમદાવાદ જેવી શૈક્ષણિક સંસ્થામાં અને રામદેવનગર ઈસરો રોડ સ્થિત સદ્વિચાર પરિવાર જેવી સેવાભાવી સંસ્થામાં માનસિક બિમારી માટેની સારવાર ઉપલબ્ધ છે. દર્દી અને પરિવારની અંગત લાગણીઓના સન્માન અને ગુપ્તતા સાથે અપાતી સેવાનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે. ચાલો આપણે પણ ચિંતા અને તણાવના પ્રવાહમાં ખેંચાવાને બદલે યોગ્ય સારવારથી સ્વસ્થ થઈએ. જેનું મન માદું તેને સુખ શેનું ? ‘‘તોરા મન દર્પણ કહલાયે, મન હી દેવતા, મન હી ઈશ્વર, મનસે બડા ન કોઈ’’ આ પંક્તિનું સદાય સ્મરણ રાખવું અને મનને સત્, ચિત, આનંદનો અનુભવ કરાવવો તે આપણું પ્રથમ કર્તવ્ય.
Comments
Post a Comment