માનસિક તણાવ : કારણો
- પ્રવીણ ક. લહેરી
આરોગ્યની વ્યાખ્યા કરતાં આયુર્વેદમાં તનની સ્વસ્થતા સાથે પ્રસન્ન મનનો પણ સમાવેશ કર્યો છે. વર્તમાન યુગમાં માણસ અગાઉના સમય કરતાં અનેક સગવડો ભોગવી રહ્યો છે. સંપર્ક, પ્રવાસ, મનોરંજન, ભોજન, પહેરવેશ, મકાનો, વાહનો અંગે તેની ઈચ્છાઓ તત્કાલ પૂરી થાય તે માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. એક રીતે જોઈએ તો આટલી સુખ-સુવિધા હોય તો સૌ માણસોમાં આનંદ, સંતોષ અને ઉત્સાહની લાગણી આઠે ય પ્રહર હોવી જોઈએ. આપણે માનીએ છીએ કે આપણી ઈચ્છાપૂર્તિ આપણને સુખનો અહેસાસ કરાવે છે. ભગવાન બુદ્ધ આ ઈચ્છાઓની શ્રુંખલાને અંકુશમાં રાખીએ તો જ સુખી રહી શકાય તેમ કહે છે. અધ્યાત્મમાં તો બે ઈચ્છાઓ વચ્ચેનો સમયગાળો તે જ સુખની સાચી અનુભૂતિ માનવામાં આવી છે. ઉદાહરણ તરીકે મને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે. મારી ઈચ્છા ચૉકલેટ આઈસ્ક્રીમ ખાવાની છે, આઈસ્ક્રીમ નજીકમાં મળતો નથી. આ સંજોગોમાં મારે બીજી વેરાયટીનો આઈસ્ક્રીમ ખાયને ઈચ્છા પૂરી કરવી પડે અથવા તે ઈચ્છા છોડી દેવી જોઈએ. આઈસ્ક્ર્ીમ ખાધા બાદ થોડા જ સમયમાં મને ભજીયા પણ રાયપુર દરવાજાના જ જોઈએ છે. ત્યાં જઈ કોઈ લઈ આવે તે સમયગાળામાં મને સુખને બદલે વિહ્વળતા થાય છે. ‘‘ક્યારે આવશે ? કેમ મોડું થયું ? ભજીયાવાળાને ત્યાં લાઈન હશે ?’’ આ વિચારોમાં આપણને આઈસ્ક્રીમ ખાધાનું સુખ મળ્યું છે તે વિસરી જવાય છે. ઈચ્છાઓની ટ્રેનના ડબ્બાઓ એક પછી એક આવતા જ રહે છે.
વર્તમાન સમયમાં જે માનસિક તણાવ વધ્યો છે તેમાં મૂળમાં આપણી વધારે પડતી અપેક્ષાઓ છે. આપણને શું મળ્યું છે તેના સંતોષ કરતાં શું નથી મળ્યું તેનો રંજ સતત અનુભવીએ છીએ. ખાસ કરીને કોરોના કાળ બાદ આપણા મનમાં કાંઈક વધારે પડતો અજંપો પેદા થયો હોય તેવું લાગે છે. સવારે વર્તમાનપત્રો વાંચીએ કે ટેલીવિઝન જોઈએ તો અમંગળ સમાચારોની હારમાળા દેખાય છે ક્ષુલ્લક કારણમાં વ્યક્તિ આત્મહત્યા કરી લે છે, પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતરી દે છે તો મિત્ર કે અજાણ્યાને નજીવી તકરારમાં ગંભીર ઈજા પહોંચાડવામાં કે ખૂન કરવામાં કશો ક્ષોભ પણ જોવા મળતો નથી. આપણો ક્રોધ, લોભ, કામવૃત્તિ એવા બેલગામ બન્યા છે કે આપણે ક્યારેક તો જંગલી પશુ કરતાં પણ વધારે હિંસક વર્તન કરીએ છીએ. તેમાં વિકૃતિઓ અને કઠોરપણું સાવ સામાન્ય બનતા જાય છે. શું આપણામાં રહેલી હેવાનિયત આપણી પર હાવી થઈ ગઈ છે ? શું આપણે અને સમાજે દોરેલી લક્ષ્મણ રેખાઓ ભૂંસીને સ્વછંદતામાં રાચી રહ્યા છીએ ?
એક હકીકત સૌ સ્વીકારે છે. આજે સમાજમાં સહનશક્તિ, ઉદારતા, સાનુકૂળતા, સાચો પ્રેમ અને અનુકંપાનો અભાવ જોવા મળે છે. આપણા મનનો કબજો એવી નકારાત્મક વૃત્તિઓ લઈ લે છે કે આપણને સ્વહિત માટે સાચી સલાહ આપનાર કે આપણી ભૂલ દર્શાવનાર પ્રતિ સૌ ઘુંઘવાય ઉઠે છે. ‘‘મને કહ્યું જ કેમ ? તમે મને ટોકવાવાળા કોણ ?’’ જેવા પ્રશ્નો સાથે વ્યક્તિના ઘવાયેલા અહ્મનો દુષ્પ્રતિભાવ પોતા પર કે અન્ય પર પડે છે. આપણી સંયુક્ત પરિવારની પદ્ધતિ, વડિલો પ્રત્યે આદર અને આજ્ઞાકિત રહેવાની પરંપરા આજે લગભગ લુપ્ત થઈ ગયા છે. વિભક્ત કુટુંબોમાં પણ જે ૩-૪ સભ્યો હોય તેઓ મોબાઈલમાં રચ્યાપચ્યા રહે છે. એકબીજાની સાથે રહેવા છતાં તેઓ અરસપરસને ઓળખતા ન હોય તેવો ઘરનો માહોલ છે.
સૌથી ચિંતાજનક બાબત તો પરિવારમાં બાળકને ખૂબ લાડકોડ કરાવી વાસ્તવિકતાથી અજ્ઞાત રાખવામાં આવે છે. પ્રેમની અતિશયોક્તિ બાળકને સ્વકેન્દ્રી બનાવે છે. બીજી બાજુ અમુક માબાપની બાળકની પ્રત્યે ઉપેક્ષા એટલી હોય છે કે ધ્યાન આકર્ષિત કરવા તે કાંઈક અજૂગતું કરી બેસે છે. અરસપરસની હૂંફનો અભાવ, મનની મુંઝવણ વર્ણવી શકાય તેવા સબંધની ખોટ અને લોકોની ટીકા કે સરખામણી વ્યક્તિના વર્તનમાં અઈચ્છનીય ફેરફારો લાવે છે. જે પરિવારોમાં પૈસાની રેલમછેલ છે ત્યાં બાળકો ઉછેર દરમિયાન પોતાનું ધાર્યું જ થાય તે માટે દુરાગ્રહી બને છે. ગરીબ પરિવારોમાં અભાવના કારણે બાળકો મુંઝાયેલા રહે છે. તેની શક્તિ અને ક્ષમતા કુંઠિત થઈ જાય છે.
શાળાઓનું વાતાવરણ પણ બાળકના સંતુલિત વિકાસને અનુકૂળ નથી. શાળામાં અનેક મોંઘી વસ્તુઓ લાવવી અનિવાર્ય હોય છે. સાથે સાથે એકમેકની સરખામણી, ઈર્ષ્યા અને સ્પર્ધાને કારણે વંચિત કે નબળો વિદ્યાર્થી શીધ્ર લઘુતાગ્રંથિનો શિકાર બને છે. ખૂબ વ્યવસ્થિત રીતે થયેલી સેમ્પલ સર્વેમાં દર પાંચ બાળકમાંથી એકને માનસિક મુંઝવણ દૂર કરવા મદદની જરૂર છે. તેમના પ્રત્યે સમયસર ધ્યાન નહીં આપી શકીએ તો ભવિષ્યે આપણો સમાજ એક મોટી સમસ્યાનો સામનો કરશે. હકીકતમાં આજે જ આપણે આવી ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ. કૉલેજ અને શાળાઓમાં પણ વ્યસન, નશો, ડ્રગ્સ સહિત અનેક દૂષણોનો વ્યાપ આપણે માનીએ તેના કરતાં ઘણો વ્યાપક છે. સ્થાપિત હિતો વિશાળ વસ્તી, બેકારી અને નિરાશ થયેલા યુવાનોનો ઉપયોગ હાનિકારક પ્રવૃત્તિઓ માટે કરે છે. સરકારે આવા દૂષણો ડામવા કાયદાઓ કડક કર્યાં છે. તંત્રને વિશાળ સત્તાઓ આપી છે. રોજબરોજ મોટી સંખ્યામાં ડ્રગ્સના, દારુના અને જુગારના કિસ્સાઓમાં ફરિયાદ નોંધાય છે. સરકારી કાર્યવાહીની મર્યાદા છે. ક્યાંક તો ત્રૂટિનો લાભ ઉઠાવવા માફિયાઓ તૈયાર બેઠા છે. આપણી કૉલેજોમાં - યુનિવર્સિટીઓમાં હવે તો ૧૦-૨૦ હજાર યુવાન-યુવતીઓ સાથે ભણે છે. તેમનામાં ગુણ ગ્રહણ કરવામાં સંકોચ છે, સમય લાગે છે પણ વ્યસન અને દુર્ગુણોનો વ્યાપ તો પરીકથાની રાજકુંવરી જેમ દિવસે ન વધે તેટલી રાતે વધેના ન્યાયે ખૂબ ઝડપથી ફેલાઈ છે. અનેક લોકોને ચિંતા છે કે ઉડતા પંજાબ જેમ અનેક રાજ્યોના યુવાવર્ગમાં નશો અને બંધાણ અકલ્પ્ય પરિણામો તરફ દોરી જશે. સુખ માટે સંપત્તિની જેટલી જરૂર છે તે કરતાં સંપત્તિનો અતિરેક પણ સમસ્યાઓ સર્જે છે. ભૌતિક સુખ-સુવિધા સગવડ વધારે છે. આથી જ કહેવામાં આવે છે કે ભવ્ય ડાઈનિંગ ટેબલ પ્રભાવશાળી હોય છે પણ તેના કારણે ભૂખ લાગે તેવું નથી.
કોરોના મહામારી બાદ માનસિક આરોગ્ય કથળ્યું હોય તેવા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે. આપણે કશા સંકોચ વગર કહી શકીએ કે ૭૦ ટકા જેટલા ગુન્હાઓ પાછળ માનસિક સંતુલન અને પરિપક્વતાનો અભાવ કારણભૂત છે. આપણે શરીરને સ્વસ્થ રાખવા જે કાળજી રાખીએ છીએ તેથી અનેકગણી દરકાર આપણે આપણા મનની કરવાની છે. જો મન સ્વસ્થ હશે તો સુખ દુઃખને સારી રીતે ઝીલી શકશે. સુખમાં ન તો તે છકી જશે કે દુઃખમાં તે મુંઝાઈ જશે. કમનસીબે ન તો પરિવારમાં કે સમાજમાં, ન તો શાળા કે કૉલેજમાં માનસિક અસ્વસ્થતાની સમસ્યા પ્રત્યે પૂરતી જાગૃતિ છે, ન તો આ અંગે સ્થિતિ સુધારવા માટેની સવલતો પર્યાપ્ત છે. જે પરિવારોમાં સ્નેહ હશે, આદર હશે, સંવાદ હશે અને સમજણ હશે તેમાં માનસિક રોગની શક્યતા અલ્પ રહેશે. આપણા મનને વધારે ચંચળ બનાવવામાં સોશ્યલ મિડીયાનો ફાળો મોટો છે. એકાગ્રતાનો અભાવ, અનેક વસ્તુ ઝડપથી કરી લેવાની ઉતાવળ અને કર્તવ્યભાવના પ્રત્યે ઉપેક્ષાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાંથી માર્ગ શોધવાનો સમય આવી ગયો છે. ચાલો, હવે વિચારીએ કે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ માટે આપણે શું કરી શકીએ ?
Comments
Post a Comment