વસુબહેન એટલે વસુબહેન

                                                           - પ્રવીણ ક. લહેરી   

ગુજરાતની નારી શક્તિનું વર્ણન  કરીએ તો અનેક  મહિલાઓના નામો યાદ કરવા પડે. આઝાદીની લડત હોય, શિક્ષણ કે સાહિત્ય હોય, સેવા હોય કે સમાજ સુધારણા, ગુજરાતની મહિલાઓના પ્રદાનનું યથાયોગ્ય મૂલ્યાકંન હજી બાકી છે.  આજે જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે પણ સ્ત્રીઓની સ્થિતિમાં હજી આપણે અનેક બાબતોમાં પરંપરા અને પૂર્વગ્રહોથી બંધાયેલા છીએ.  કોઈપણ દેશના  વિકાસમાં નારીઓની ભુમિકાને મહત્વ આપવામાં  નહીં આવે  તો તે દેશ  પોતાની ક્ષમતા ઉજાગર કરવામાં નિષ્ફળ જશે. તાજેતરમાં આપણે સેવાના સ્થાપક અને વિશ્વવિખ્યાત સ્ત્રી સશક્તિકરણના પુરસ્કર્તા ઈલાબેન ભટ્ટને અને સાહિત્યક્ષેત્રે અનોખું અને અમુલ્ય પ્રદાન કરનારા વીરુબહેન પટેલને ગુમાવ્યા.  નવેમ્બર ૨૦૨૦ માં  વસુબહેનનું અવસાન થયેલું. તેમના શિષ્યા અને સાથી સમાન અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના નિવૃત્ત નિયામક રૂપા મહેતાએ અથાગ પ્રયત્નો કરી વસુબહેનને શ્રદ્ધાજંલિ આપતા ૪૫ જેટલાં લેખોનું સંપાદન કરીને ‘‘ વસુબહેન એટલે વસુબહેન’’ એ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૪ થી ૨૦૨૦ સુધીનું ૯૬ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી મૃત્યુ પામેલા વસુબહેન ગુજરાતની એક અજોડ મહિલા  હતા તેમ કહેવામાં કશી અતિશ્યોક્તિ નથી.  જેમના આકર્ષક, પ્રભાવશાળી અને અનોખા વ્યક્તિત્વે ગુજરાતના પ્રસારણ, શિક્ષણ, મહિલા ઉત્કર્ષ, સમાજસુધારણા સહિત અનેક ક્ષેત્રો પર  દીર્ઘકાલિન છાપ છોડી છે તેમની સ્મૃતિને અક્ષરદેહ આપવાનું ભગીરથ કાર્ય રૂપાબહેન મહેતાએ કરીને ભવિષ્યની  પેઢીને ગુજરાતની એક જાજરમાન, વિદુષી અને પ્રબુદ્ધ મહિલાનો પરિચય રહે તે માટે જે પ્રયત્ન કર્યો છે તે આવકારકદાયક છે. 

ગુજરાતની  સંસ્કાર નગરી વડોદરામાં વડોદરા રાજદરબારના અધિકારી રામપ્રસાદ શાસ્ત્રીને ત્યાં ૨૩ મી માર્ચ ૧૯૨૪ ના રોજ જન્મેલા વસુબહેનના માતાનું નામ હતું સરસ્વતીબહેન. આપણા પંચાગ પ્રમાણે તેમનો જન્મ હોળી-ધુળેટી પૂર્ણિમા અને પડવાને દિવસે હતો. પ્રથમ વર્ગમાં બી.એ. બી.એડ. કર્યા બાદ પોતાની કારકિર્દીની શરુઆત આકાશવાણી-ઓલ ઈન્ડિયા રેડિયોથી કરી. આકાશવાણી રાજકોટ અને અમદાવાદમાં તેમણે કરેલી કામગીરીના કારણે તેઓની ખ્યાતિ સર્વત્ર પ્રસરી. એક કલાપારખુ,  સ્પષ્ટ વક્તા, સમય પાલનના આગ્રહી, પ્રયોગશીલ અને નિષ્ઠાવાન  સરકારી અધિકારી તરીકે  તેમની નામના થઈ. ઉચ્ચ પ્રકારની વિનોદવૃતિત્ત મિલનસાર સ્વભાવ અભિવ્યક્તિમાં સ્વતંત્રતાના હિમાયતી અને ગૌરવશીલ વ્યક્તિત્વ ધરાવતા વસુબહેન ખૂબ કર્મઠ પ્રકૃતિના, વિશાળ મિત્ર વર્તુળમાં સૌને હળીમળીને તેઓ સાંસ્કૃતિક ષેત્રે અનેક સર્જનાત્મક કામો સાથે સતત સંકળાયેલા રહ્યા. પ્રભાવશાળી વ્યક્તિ તરીકે તેમની હાજરી સૌની નજરે અલગ તરી આવતી. 

ગૌરવર્ણ, ખાસ્સી ઉંચાઈ, તેજસ્વી આંખો, ટટ્ટાર ચાલ અને મળતાં જ ઉમળકાપૂર્વક ‘‘ પ્રભુ ! કેમ છો ના સંબોધન સાથે ઉષ્માભર્યું હસ્તધનુન કરતાં’’ વસુબહેન માટે સ્ત્રી કે પુરુષ, મહત્વના કે સામાન્ય માણસો, કલાકારો કે પત્રકારો સૌ માટે સમભાવ, રેડિયો સ્ટેશનના સંચાલનમાં એકબાજુ કલાકારોને તક તો બીજી બાજુ ગ્રામીણ પ્રજા અને કિસાનોને ઉપયોગી કાર્યક્રમો દ્વારા તેમણે લાખો લોકોને રેડિયો સાંભળતા કર્યા.. પોતાની સરકારી નોકરી સાથે વાર્તા અને નાટકો લખવા, રંગભૂમિ પર નાટકો ભજવવાં, તેનું દિગદર્શન કરવું એમ અનેકવિધ કામગીરીને તેમણે ઉત્તમ ન્યાય આપ્યો. કર્ણકુંતી ,લોહીની સગાઈ અને રતનબાઈ, ઠમકો કરો જેવા નાટકોએ ગુજરાતના રંગમંચ પર સાવ નોખી ભાત પાડી. એક સક્ષમ લેખિકા, અદાકારા અને કલાની સુઝ સમજ ધરાવતાં વસુબહેન દ્વારા સાતત્યપૂર્ણ અને મહત્વનું પ્રદાન    થયું છે.

વસુબહેનની કલમે આ૫ણને ૮ જેટલાં નવલકથા/નવલિકાના પુસ્તકો આપ્યા. આ પુસ્તકો પુરસ્કારથી અને લોકપ્રિયતાથી પોંખાયો હતો. સાહિત્ય પરિષદમાં તેમના રસપ્રદ અને છટાદાર પ્રવચનો સાંભળવા તે એક લ્હાવો હતો. શિક્ષણક્ષેત્રે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ તરીકે ધ્રુમનબહેન સાથે તેમણે નોંધપાત્ર કામ કર્યું. આ સંસ્થા મારફત ગુજરાતના નારી રત્નોના ચરિત્રોનું આલેખન કરાવી તેમણે ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડે તેવો આધારભૂત ગ્રંથ નિર્માણ કરાવ્યો. સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે અનેક પારિવારિક પ્રશ્નોનો ઉકેલ તેમના આગવા અભિગમ અને સમજાવટ કરવાની શક્તિથી કર્યો હતો. અનેક સંસ્થાઓની કારોબારી સમિતિમાં રહીને તેમણે જે પ્રદાન કર્યું છે તે માટે તેમને ૧૯૯૪માં મહિલા ગૌરવ એવોર્ડ, ૨૦૦૨માં ધરતીની મહાન પુત્રી એવોર્ડ અને ૨૦૦૩માં પુષ્પાબહેન મહેતા એવોર્ડ મળ્યા હતાં.

ધીરુબહેન પટેલ જેવા સમર્થ સાહિત્યકાર લખે છે; ‘‘એ વસુબહેનને બંધનમાં જકડવા મુશ્કેલ જ નહીં, અશક્ય ! એવો વૃથા પ્રયત્ન શા સારું કરું ? તમે એમને મળ્યા હો તો જ તમને તેના પૂરા વ્યક્તિત્વનો ખ્યાલ આવે !! વસુબહેનના મિત્ર ઈન્દિરા પટેલ તેમનો અનુભવ વર્ણવતાં કહે છે; ‘‘વસુબહેન પ્રતિભાવાન અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતાં મહિલા હતાં. એકલા રહેવા છતાં એમના ઘરમાં ચાર-પાંચ ભાઈ-બહેનોનો ડાયરો જામેલો હોય’’ સૌ સાથે આનંદમાં રહેવું અને સૌને મજા પડે તે માટે તેઓ સતત નવા નવા કાર્યક્રમોનું આયોજન કરતાં રહેતાં. જાણીતા નૃત્યાંગના ઈલાક્ષી ઠાકોરનો અભિપ્રાય; ‘‘અમે આનંદમ્‌માં તેની સાથે ઘણાં પ્રવાસો કર્યાં અને મોજ-આનંદ અનુભવ્યો.’’ પૂર્વ પ્રિન્સિપાલ જજ્જ ડૉ. જ્યોત્સનાબેન યાજ્ઞિક વસુબહેન લખે છે; ‘‘તેમનું વ્યક્તવ્ય એટલે મા સરસ્વતીનું વરદાન પામેલ એક વિચારપ્રેરક ઉદ્‌બોધન. વસુબહેનની હિંમત, નીડરતા અને તેમનું હાજર જવાબીપણું સભાઓમાં છલકાતું.’’ વસુબહેન તેના પ્રગતિશીલ સ્વભાવને કારણે કદી જૂનવાણી લાગ્યા જ ન હતાં. જીવનને માણવામાં સમજણ અને સંયમ સાથે ઉત્સાહ અને ઉમંગ રાખવા તેઓ મિત્રોને સલાહ આપતાં, તેમને ત્યાં ઘરકામ કરનારી બહેનો હોય કે ઘરમાં ચોરી કરનારો ચોર હોય, વસુબહેન માટે તો સૌ મનુષ્યો હોય છે. તેમનું વર્તન હંમેશાં સાલસ અને માયાળું રહ્યું હતું. તેમના સંસ્મરણો લખનાર સૌનો સૂર એક જ કે વસુબહેન અજોડ હતાં. તેમની સરખામણી અન્ય સાથે થઈ શકે જ નહીં. આથી જ સંપાદક ડૉ. રૂપા મહેતાએ પુસ્તકનું શિર્ષક વસુબહેન એટલે વસુબહેન તેમ પસંદ કર્યું. આ પુસ્તકનું ઉજળું પાસું તેમાં સમાયેલા વસુબહેનના વિવિધ મુદ્રાના ફોટોગ્રાફસ છે. વસુબહેનમાં એક આદર્શ નેતૃત્વના તમામ ગુણો હતાં, સંવેદના, નીડરતા, નિખાલસતા, હાસ્યવૃત્તિ, મદદગાર સ્વભાવ, અદ્‌ભૂત આત્મવિશ્વાસ અને સૌને સાચવવાની, રાજી રાખવાની આવડત.

સૌને ‘પ્રભુ’ તરીકે સંબોધતા વસુબહેન હકીકતમાં સૌમાં પ્રભુનું દર્શન કરતાં હતાં. તેમની ખુમારી, ચપળતા અને કાર્યકુશળતાના કારણે તેઓ માટે દરેક પડકારને અવસરમાં ફેરવવાની ગજબની શક્તિ હતી. ગ્રીકની સૌંદર્યદેવી વિનસ જેવું રૂપ, સુડોળ શરીર, આંખોમાં ચમક, સાગરના મોજાં જેવો ઘૂઘવતો અવાજ તેમને ટોળામાંથી જુદા તારવીને સૌનું ધ્યાન ખેંચવા પર્યાપ્ત હતાં. આઝાદીની ચળવળમાં ૧૯૪૨ની ક્રાંતિની સુવર્ણજયંતિ નિમિત્તે વસુબહેને લખ્યું હતું; ‘‘કવીયત્રી અમૃતા પ્રિતમના શબ્દોમાં રાજા બહેરો છે, પ્રજા મુંગી છે. આપણે દુષ્ટતાને દૂર કરવાની તાકાત કેમ ગુમાવી ? મારા દેશનું દારિદ્ર દૂર કરવા, પ્રમાદ તજવા, પ્રમાણિકતાનું સામ્રાજ્ય સ્થાપવા, સંકુચિતતા છોડીને સમગ્રયતાનો ખ્યાલ રાખી કોણ મોખરે આવશે ? આ વયે પણ પહેલાં જેવી જ તાજગી, ઉત્સાહ અને ઉમંગથી મારા પ્યારા દેશને વિશ્વના નકશામાં સર્વોચ્ચ સ્થાને જોવાની આશા સાથે તિરંગાને નમું છું.


Comments

Popular posts from this blog