સૌરાષ્ટ્ર તામિલ સંગમમ્‌

                                                                             - પ્રવીણ ક. લહેરી

ગુજરાતીઓ માટે સ્થળાંતર કરવું એ નવી વાત નથી. હજારો વર્ષથી ગુજરાતીઓએ દરિયો ખેડ્યો છે. વિદેશમાં વ્યાપાર જમાવ્યો છે, ‘‘કોઈ નર જાવા જાયે, પાછો ન આવે, પાછો આવે પોયરાંના પોયરાં ખાવે’’ વિદેશથી અઢળક સંપત્તિ લાવવામાં ગુજરાતના બંદરોનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. વાસ્કો ડી ગામાને દક્ષિણ આફ્રિકાની ભુશિરેથી કેરળ કાંઠે દોરી લાવનારા કચ્છી ટંડેલ કાનજીની કહાની પૂર્ણ રીતે લખવાની બાકી છે. પોર્ટુગીઝોના તત્કાલિન લખાણોનો કોઈ અભ્યાસ કરે તો કાનજી માલમના વહાણોનો કાફલો કેવો વિશાળ અને મજબૂત હતો તેનો ખ્યાલ આવે. ભારતની શોધમાં નીકળેલો કોલંબસ તો અમેરિકા જઈને પરત આવ્યો ત્યાં સુધી તેને એમ જ હતું કે ભારત જઈ આવ્યો. ત્યાંના પ્રદેશને ઈન્ડીઝ અને લોકોને રેડ ઈન્ડિયન નામો પણ આપ્યા. વ્યાપાર ઉપરાંત જ્યારે જ્યારે સૌરાષ્ટ્ર્‌-કચ્છમાં દુષ્કાળો પડ્યા ત્યારે લોકો વતન છોડીને અજાણ્યા પ્રદેશમાં પોતાનું ભાગ્ય અજમાવવા ગયા. છેલ્લા ૪૦૦-૫૦૦ વર્ષમાં આપણા રાજ્યમાંથી આફ્રિકા, મુંબઈ, સૂરત, કલકત્તામાં હજારો પરિવારોએ હિજરત કરી. આજે તો ગુજરાતીઓ ૧૯૩ દેશોમાંથી ૧૨૦ દેશોમાં હાજરી ધરાવે છે. વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપનાને લગભગ ૩૫ વર્ષ થયા છે પરંતુ તેના દ્વારા વિદેશે વસતાં ગુજરાતીઓ સુધી પહોંચી તેમની સાથે જીવંત સંપર્ક સ્થાપિત કરવો શક્ય બન્યો નથી. અલબત્ત ઓમાન જેવા દેશોમાં ગુજરાતી સમાજો સક્રીય છે. ભારતમાં ૮૦ જેટલાં ગુજરાતી સમાજો કાર્યરત છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્ર્‌ેલિયા, કૅનેડા, ન્યુઝીલેન્ડ, યુરોપમાં આપણા યુવાનો અભ્યાસ બાદ સ્થાયી થવાના આકર્ષક સ્થળો છે. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની કવિ મલબારીની ઉક્તિ તો સાચી છે. સાથે સાથે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સુખ, શાંતિ, અને વિકાસ. ગુજરાતી ભાષી પ્રજા તેની સંસ્કૃતિ અને સંસ્કારોને કારણે એક આગવી ઓળખ ધરાવે છે. લંડનની મેટ્ર્‌ો, ન્યુયોર્કની ટ્યૂબ, અમેરિકાની મોટેલો, નાસા - ઇંગ્લેન્ડમાં હૅલ્થ સરવીસ કે કૅનેડામાં વેપારીઓ ‘જ્યારે કેમ છો ?’, ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય જિનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય માતાજી’ સાથે એકમેકને મળે ત્યારે માતૃભૂમિની આગવી સોડમથી વાતાવરણ મઘમઘી ઊઠે છે. 

વ્યાપાર માટે કે વખાના માર્યા માણસો સ્થળાંતર કરતાં હતાં તેમાં હવે શિક્ષણ માટે જવું અને ત્યાં જ સ્થાયી થવાનું વલણ વધ્યું છે. મૂડી રોકાણ કરી અન્ય દેશોની નાગરિકતા પ્રાપ્ત કરવામાં પણ ગુજરાતીઓ અગ્રેસર છે. યુક્રેન, સુદાન, કુવૈતમાં અરાજકતાના સમયે આપણા ભાઈ-બહેનોને પરત લાવવાની વ્યવસ્થા થાય ત્યારે આપણને ખબર પડે કે અરે ! ત્યાં પણ આટલા બધાં ગુજરાતી હતા ! આઠમી સદીથી અઢારમી સદી સુધી ખૈબર ઘાટની પશ્ચિમેથી અનેક આતંકવાદી, ધર્માંધ, ક્રુર અને લંપટ લોકોના ધાડાઓ લૂંટ કરી વિનાશ વેરવા આવતા રહ્યા, અમુક અહિં સ્થાયી થયા, સ્થાનિક રજપૂતો સાથે સંધિ કરી રાજ્ય કર્યું. આ અફઘાન, પર્શિયન, તુર્ક કે અરબ જે આવ્યા તેનો ઈરાદો ખૂબ મલીન જ હતો. આપણા કમનસીબે વર્ણ અને જ્ઞાતિમાં વિભાજિત, નાના નાના રાજ્યોમાં વહેંચાયેલી પ્રજા માટે આ બર્બર આક્રમણકારોને ભારત સામે જોવાની હિંમત ન કરે તેવો બોધપાઠ આપી ન શક્યા. જીત્યા ત્યારે ઉદારતા દાખવી અને હાર્યા ત્યારે વિદેશી-વિધર્મીઓએ આપણને ક્ષતિ પહોંચાડવામાં કોઈ કમી નહોતી રાખી. આજે આ દેશની પ્રજામાં આક્રોશ છે કે અમારા પૂર્વજોના મંદિર તોડી, ગામડાંઓ બાળી, લૂંટ કરી, ગુલામો બનાવી, કત્લેઆમ કરનારાના વંશજો ‘મજહબ નહીં શિખાતા આપસ મેં બૈર રખના’ની દુહાઈ દે છે. ભારતે ઈરાનમાં ઈસ્લામિક આક્રમણ બાદ આવેલા જરસ્થોતિ લોકોને આશરો આપીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે અમુક ઈસ્લામીદેશો સહિષ્ણુતા તરફ વળ્યા છે. હિન્દુ મંદિરો ત્યાં નિર્માણ પામી રહ્યાં છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ આગવી સિદ્ધિ છે. તેમણે આ ઉપરાંત ભારતની સંસ્કૃતિના પુનરૂત્થાનનું બીડું ઝડપ્યું છે. વર્તમાન સમયને અનુરુપ અને અનુકૂળ વ્યવસ્થા સાથે યાત્રાધામો નવા કલેવરો ધારણ કરી રહ્યા છે. આપણી મહામૂલી પણ ચોરાયેલી વિરાસતની વસ્તુઓ આપણને પુનઃ પ્રાપ્ત થઈ રહી છે. આપણે ખૂબ ઝડપથી વિશ્વની એક મહાસત્તા તરીકે ઊભરી રહ્યા છીએ.

આવા પરિવર્તન પામેલા માહોલમાં ભારતની વિરલ ઘટનાઓ ઉજાગર કરી જે વિવિધતા છે તેને જોડતી કડીઓ શોધી આ દેશની એકતા કેમ સુદૃઢ બને તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પ્રથમ કાશી-તામિલ સંગમમ્‌ દ્વારા દક્ષિણમાંથી કાશી અભ્યાસ માટે આવવાની પરંપરા અને અરસપરસના સંબંધો-વ્યવસ્થા થકી એકતાના સૌને દર્શન કરાવ્યા છે ત્યારબાદ વર્ષ ૧૦૨૬માં (૯૯૭ વર્ષ પહેલાં) સોમનાથ પર ભીષણ આક્રમણ થયું. મહમંદ ગીઝનીએ મંદિર નષ્ટ કરી કાળો કેર વર્તાવ્યો. આ સમયે પ્રભાસ પાટણે શિલ્પ, વણાટ, કોતરણી સહિત અને કસબમાં નોંધપાત્ર કૌશલ્ય વિકસાવ્યું હતું. આક્રમણની અરાજકતાથી બચવા સમુદ્ર માર્ગે પ્રથમ ખંભાત ગયા. આજે પણ ખંભાતમાં ગુજરાતની સચિત્ર વણાટવાળી ઉત્તમ રેશમી સાડીઓ બને છે. ત્યાંથી ભરૂચ થઈ, ઔરંગાબાદમાં સ્થાયી થયાં. જેમ જેમ મુગલો દક્ષિણ તરફ કબ્જો કરતાં ગયા તેમ આ પરિવારોનો સમૂહ દક્ષિણ દિશામાં આગળ વધતો ગયો. ઔરંગાબાદ (મહારાષ્ટ્ર્‌) બાદ તેઓએ વિજયનગર સામ્રાજય (આજના આંધ્ર-તેલંગાણા)ની છત્રછાયામાં વર્ષો વિતાવ્યા. વિજયનગર સામ્રાજ્યના પતન બાદ ક્રમશઃ આગળ વધ્યા અને મરાઠા સામ્રાજ્ય હેઠળના તામિલનાડુના તાંજોર-મદુરાઈ વિસ્તારમાં સ્થાયી થયા. 

આ સોરાષ્ટ્ર્‌વાસી પરિવારો આજે તો સંપૂર્ણ તામિલ રંગે રંગાયેલા છે. ખાન-પાન, પહેરવેશ, અભ્યાસ અને રોજિંદી ભાષા તરીકે તમિલ બની ચૂક્યા છે પણ પોતાની આગવી ઓળખ સાચવી રાખી છે. સૌ પ્રથમ તો આ સમૂહના લોકો પરિવારમાં અને આપસમાં પોતાની આગવી બોલી બોલે છે. તેમાં તત્કાલિન ગુજરાતી, મરાઠી, કન્નડ અને તમિલ શબ્દોનો ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્ર્‌ યુનિવર્સિટીના પ્રોત્સાહનથી આ સમુદાયની સેંકડો વર્ષની સતત હિજરતનો અભ્યાસ વિદ્ધાન ઈતિહાસકારોએ કર્યો છે. આ સમૂહ દ્વારા તમિલ સૌરાષ્ટ્ર્‌ીયન હિજરતના સંશોધન માટે એક ચેર અર્પણ કરવામાં આવી છે. આ અભ્યાસો દ્વારા આપણને છેલ્લાં હજાર વર્ષમાં ઘટેલી અનેક ઘટનાઓનો વિસ્તૃત પરિચય થાય છે.

સૌરાષ્ટ્ર્‌ીયન શબ્દ પોતાની ભાષા અને ઓળખ સાથે મજબૂત રીતે જોડી રાખનાર આ સમુદાય તમિલ છે પણ તેની ઓળખ ન્યારી છે. લગ્ન પ્રસંગના રિવાજો, નવરાત્રિની ઉજવણી, સોમનાથ સ્થિત અજપાલને કૂળદેવ માનવા અને લગ્ન વ્યવહારમાં અલગ જ્ઞાતિ તરીકે વર્તી રહેલો આ સમૂહ તામિલ સમાજનો મહત્ત્વનો ભાગ છે. આ સમુદાયના પૂર્વજોએ હિજરત સમયે પોતાના કલા-કૌશલ્યને જાળવ્યું. રેશની વસ્ત્રોના ઉત્પાદન થકી સ્થાનિક અર્થતંત્રને ગતિશીલ બનાવ્યું. સૌની સાથે ભદ્ર વ્યવહાર રાખીને માન-સન્માન પ્રાપ્ત કર્યાં. કુશળતા, પરિશ્રમ અને સર્જનાત્મક શક્તિના ત્રિવેણી સંગમે આ લોકોને સર્જનાત્મક શક્તિના ત્રિવેણી સંગમે આ લોકોને સંરક્ષણ તો આપ્યું પણ તેમણે સંસ્કારો થકી ગુજરાતની ખાસ કરીને કાઠિયાવડની આગવી સંસ્કૃતિનું જતન કર્યું તેનો દીર્ઘ ઈતિહાસ શ્રી સોમનાથ મુકામે થયેલી તા.૧૭ એપ્રિલથી ૨૮મી એપ્રિલ ૨૦૨૩ દરમિયાન સમગ્ર દેશ સમક્ષ ઉજાગર થયો. સેંકડો વર્ષો પહેલાંનો સબંધ તરોતાજો થયો તેની સુવાસ આપણે માણીશું.                                                                                                                            (ક્રમશઃ)

Comments

Popular posts from this blog