સંવેદનાનો અભાવ
- પ્રવીણ ક. લહેરી
હરિયાણાના એક નગરમાં એક વૃદ્ધ દંપતિએ ત્રણ પુત્રોમાંથી એક પુત્ર-પુત્રવધૂએ સાથે રહેવાનું શરું કર્યું. કમનસીબે તે પુત્રનું અકાળ અવસાન થયું. પુત્રવધૂને સાસુ-સસરાની સંભાળ લેવામાં, ખર્ચ કરવામાં મુશ્કેલી લાગી. વૃદ્ધ દંપતિ આર્થિક રીતે સદ્ધર એવા બીજા પુત્ર-પુત્રવધૂને ત્યાં રહેવા ગયા. આ પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા શરું કરી. સિલસિલો આગળ વધી અપમાન કરવા સુધી પહોંચ્યો. ભોજન અપૂરતું આપવું, સતત રોકટોક કરવી અને માન-સન્માન તો દૂર પણ અસહ્ય ત્રાસ આપતાં અંતે એક દિવસ વૃદ્ધ દંપતિએ ઝેર ધોળીને પીધું અને યાતનામાંથી મુક્તિ મેળવી. આમ જોઈએ તો આવી ઘટના વારંવાર બને છે. આપઘાતની નોંધમાં વૃદ્ધ દંપતિએ તેમની મનોવ્યથા આલેખીને હકીકતમાં આજે અનેક વયસ્ક નાગરિકોની વ્યથાને વાચા આપી છે.
થોડા વર્ષો પહેલાં સંયુક્ત કુટુંબોમાં વડીલોનું વેણ ઉથાપવાનો વિચાર સુદ્ધાં કરવામાં આવતો નહીં. વડીલો ઠપકો આપે તો તુરંત પોતાના વિચાર, વાણી કે વર્તનમાં જરૂરી ફેરફાર કરવામાં કોઈ શરમ કે સંકોચ ન હતાં. સંયુક્ત કુટુંબો વિખેરાયા, શહેરી માહોલમાં રહેતાં વિભક્ત કુટુંબોમાં પતિ-પત્નિ, સંતાનો સિવાય કોઈનો સમાવેશ શક્ય ન રહ્યો. ગામડે રહેતાં કે નિવૃત્ત થયેલા માબાપ સાથે રહેવા આવે તે પતિ-પત્નિ માટે અસ્વીકાર્ય બન્યું. વ્યક્તિ સ્વતંત્રતાનો અર્થ એ થયો કે હું જેને મારું ગણું તે પૂરતી જ મારી જવાબદારી. અગાઉ આપણને સંસ્કારની તાલીમના ભાગરૂપે સમજાવવામાં આવતું કે આપણે આપણી આવકના ચાર ભાગ કરવાના છે. ૨૫ ટકા રકમ પિતૃઋણ - વડીલોની માવજત માટે, ૨૫ ટકા રકમ પોતાની જરૂરિયાતો માટે, ૨૫ ટકા રકમ બચત કરી સંતાનોના ભવિષ્ય માટે અને ૨૫ ટકા રકમ સમષ્ટિના કલ્યાણ અર્થે વાપરવાનો પ્રયત્ન કરવાનો હતો. હવે મારા મર્યાદિત વિભક્ત કુટુંબ સિવાય મારા પર બીજાની જવાબદારી શું કામ ? જિંદગી નહીં મિલતી દુબારાના ન્યાયે અમે અમારી રીતે મોજથી રહેવા ઈચ્છીએ છીએ. માબાપ, સાસુ-સસરા કે અન્ય કોઈ ભાઈ-બહેનોનો બોજો અમારા પર શા માટે ? આ માનસિકતાએ સમાજનો માહોલ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. વડીલો માટે અગ્નિપરીક્ષા જેવો સમય આવ્યો છે. આ માટેના કારણો પણ છે.
સૌથી પ્રથમ તો મોંઘવારી આજે અનેક પરિવાર માટે આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં તકલીફ છે તેથી વ્યક્તિ ઝડપથી સ્વકેન્દ્રી બને છે. જો કે હરિયાણાના કિસ્સામાં રૂા.૩૦ કરોડની સંપત્તિ ધરાવતા પુત્ર-પુત્રવધૂએ માબાપને હડધૂત કરી આપઘાત કરવા મજબૂર કર્યા તેમાં મોંઘવારી કરતાં પરિવારમાં જે લાગણી હોવી જોઈએ તેનો અભાવ કારણભૂત બન્યો છે.
બીજું કારણ પરિવારના સંબંધો ઉપરછલ્લા બન્યા છે. પરિવાર એટલે પ્રેમ, કાળજી અને વિશ્વાસનો ત્રિવેણી સંગમ તે વાત હવે વિસરાઈ ગઈ છે. મોબાઈલ યુગમાં પરિવારના સભ્યો નજીક આવવાને બદલે વિખૂટા પડી ગયાં છે. હવે તો મધુરજની માણવા ગયેલાં દંપતિઓ સામસામી દિશામાં મોઢું રાખી મોબાઈલ જોવામાં વ્યસ્ત હોય છે તેના કરતાં વધારે વિચિત્ર શું હોય શકે ? બાળકો, વયસ્કો ગમે તે હોય સૌ મોબાઈલના મોહપાશમાં બંધાયેલા છે. આ ઉપરાંત નાના પરિવારમાં સૌ સભ્યોની દિનચર્યા સાવ અલગ અલગ હોય છે. તેઓ નથી તો સાથે જમવા બેસી શકતા કે નથી તો સાથે વાતચીત કરી શકતાં. ‘‘જે પરિવાર સાથે પ્રાર્થના કરે છે તે લાંબા સમય સુધી સાથે રહે છે.’’ તે ઉક્તિ આજે સાંભળવામાં સારી લાગે છે. પરિવારની વ્યાખ્યા અગાઉ વિસ્તૃત હતી; માબાપ, પતિ-પત્નિ, ભાઈ-બહેન, પિતરાઈ, માસીયાઈ કે મામાના ભાઈ-બહેનો, મામા-મામી, કાકા-કાકી, ફઈ, ફૂઆના સંબંધો ખૂબ નજીકના ગણાતાં હતાં. કુટુંબ મેળો યોજી સાથે દિવસ પસાર કરવાની પરંપરા હતી. અરસપરસ પ્રત્યે લાગણી હતી. હવે આ સંબંધીઓ અને અજાણ્યા માણસો વચ્ચે લાંબો તફાવત નથી રહ્યો. પરિવાર નબળો પડતાં આજે તો પરિવારના સભ્યો વચ્ચે ખૂન, બળાત્કાર, છેતરપિંડી અને અવૈદ્ય સંબંધોના અગણિત કિસ્સા આપણી સમક્ષ આવતા રહે છે.
ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે વ્યક્તિને સ્વકેન્દ્રી બનાવવામાં આવે છે. બાળપણથી સ્પર્ધા, ઈર્ષ્યા, લોભ, સ્વાર્થ, તોછડાઈ જેવી બાબતો સહજ માની બાળકોને સંસ્કાર આપવાની જગ્યાએ અસામાજિક કહી શકાય તેવા વલણો વિકસાવવામાં આવે છે. મહિલા સમાનતા અને સ્વતંત્રતાના આદર્શનો અર્થ સમજ્યા વિના અનેક યુવતીઓ સ્વચ્છંદ રીતે પતિના પરિવારને છિન્નભિન્ન કરવામાં ટી.વી. સિરીયલની ખલનાયિકા જેવી ભૂમિકા ભજવે છે. આપણે સૌ સ્વસ્થ રીતે, વિવેક બુદ્ધિ સાથે વિચારણા કરવાના બદલે ખોટી લાગણી અને ધારણાથી દોરવાઈને ન કરવાનું કરી બેસીએ છીએ. પરિવાર પુનઃ સુદૃઢ બને અને સૌને સાથે ગુંથી રાખે તેવા પગલાં લેવા જરૂરી છે. પરિવારના સભ્યો દરરોજ બે કલાક અસરપરસ સાથે બેસી અનૌપચારિક વાતાવરણમાં વાતો કરે, એકબીજાને સમજે અને એકબીજા માટે લાગણી અનુભવે તો સમાજમાં સુખનો ગુણાકાર થાય. આજે તો પ્રેમિકા, પ્રેમી, પતિ-પત્નિની હત્યા કરી તેના શરીરના ટૂકડા ટૂકડા કરી નાખતા બનાવો વાંચીએ ત્યારે આપણને કમકમાટી છૂટી જાય છે. સ્નેહ-સંબંધોનો આવો કરુણ અને ત્રાસદાયક અંત કેમ હોય શકે ?
ચોથું કારણ શિક્ષણમાંથી સંસ્કારોની સંપૂર્ણ બાદબાકી થઈ છે. સૌ સાથે રહેવાની કળાની જગ્યાએ તૂ તૂ મેં મેં શાળામાંથી શીખીને બાળકો જ્યારે આવે છે ત્યારે માબાપને તેને સુધારવાનો સમય નથી હોતો. દેખાદેખીના કારણે બાળકોમાં નકારત્મકતા વધે છે. પરિવારની હુંફના અભાવે ડિપ્રેશન, ચિંતા, ગુસ્સો, હિંસા જેવી લાગણીઓ ઝડપથી વિકસે છે. આજે માનસિક બિમારીનું પ્રમાણ ઊંચું જઈ રહ્યું છે.
પાંચમું કારણ એ છે કે વ્યક્તિ અનેક દુર્ઘટનાઓ વિશે દરરોજ જાણે છે, વાંચે છે, જુએ. આવા સમયે સંવેદના જાગૃત થવાના બદલે ચેતાતંત્ર બધિર બની જાય છે. આ તો દરરોજનું થયું...આવું તો બન્યા જ કરે...આપણે એમાં શું કરી શકીએ ? તેવા વિચારો સાથે વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારી ખંખેરી નાખે છે. પ્રસાર-પ્રચાર મિડીયામાં હવે એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશમાં સ્વર્ગ ઉતરી આવ્યાનો અહેસાસ કરાવતી અબજો રૂપિયાની જાહેરાતો કરે છે, તેની બાજુમાં જ સમાજની વિકૃતિઓના સમાચારોની હારમાળા હોય છે. શું આપણો સમાજ ખરેખર સુખી છે ? શું આપણો આર્થિક વિકાસ, સુવિધાઓ અને મોજ-મઝાનું વાતાવરણ વ્યક્તિના સાચા સુખનું પ્રમાણ છે કે અંદરખાનેથી આપણો સમાજ વિકૃતિઓ, અસમાનતાઓ, ઉપેક્ષા અને હતાશાથી ઘેરાયેલો છે. આપણને નિરાશાવાદી થવું ન ગમે પણ સમાજમાં વ્યાપેલા સંવેદનનો અભાવ દૂર કરવો જરૂરી છે. સંવેદનાની સરવાણી સૂકાતી જાય છે, સામાજિક નિસ્બત ઘટતી જાય છે, જીવનમાં કર્તવ્યનું મહત્ત્વ ભૂલાતું જાય છે. સબંધોની ઉષ્મા કે સમજણ ઓછા થતાં જાય છે. પરિવાર પ્રત્યેનો પ્રેમ અને વફાદારી ક્ષીણ થતી જાય છે. આવા વાતાવરણમાં પરિવારને સુદૃઢ કરવાનો પ્રશ્ન મહત્ત્વનો છે.
(ક્રમશઃ)
Comments
Post a Comment