ઉદારીકરણ બાદની વિદેશનીતિ
- પ્રવીણ ક. લહેરી
વર્ષ ૧૯૯૦માં આર્થિક વિચારણામાં ત્રણ શબ્દો કેન્દ્રસ્થાને હતાં. ઉદારીકરણ, સરળીકરણ અને વૈશ્વિકરણ. જૂની અને અંકુશયુક્ત ઔદ્યોગિત નીતિ તજીને બજારની સ્થિતિ પ્રમાણે મૂડી રોકાણ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. સરકારમાં મૂડી રોકાણની વિગતોની નોંધણી કરાવ્યા બાદ થોડા અનામત ક્ષેત્ર સિવાય મૂડી રોકાણ વિના રોકટોક થઈ શકે તેવી વ્યવસ્થાએ ભારતીય અર્થતંત્રની સાચી ક્ષમતા ઉજાગર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી. સરળીકરણ હેઠળની પ્રક્રીયા થકી કાચા માલની પરમીટો, આયાતો પરના અંકુશો, ઊંચા દરના કરવેરાની જગ્યાએ ઉત્પાદન અને વેપારમાં (ઇજ ઓફ ડૂઈંગ બિઝનેસ) કામ કરવામાં સરળતાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વૈશ્વિકરણની પ્રક્રીયા હેઠળ વિદેશી રોકાણ પરના નિયંત્રણો દૂર કરવા સાથે તેનું સ્વાગત કરી નવી ટૅકનોલોજી સાથે ઉદ્યોગો કાર્યક્ષમ બને અને સ્પર્ધાત્મક બને તે માટે કાળજી કરી નવા વાતાવરણનું નિર્માણ થયું. મશીનરી, કાચો માલ, ટૅકનોલોજી વગેરેની આયાતની છૂટ સાથે તેના પરની કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. શ્રી નરસિંહ રાવના ૧૯૯૦થી ૧૯૯૫ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધ્યો. ભારતીય અર્થતંત્રે સાચા અર્થમાં હરણફાળ ભરી. સદ્નસીબે શ્રી નરસિંહરાવ પછી આવેલા શ્રી વાજપેયી, શ્રી દેવગૌડા અને શ્રી ગુજરાલના ટૂંકા ગાળામાં આ પ્રક્રીયા થોડી મંદ પડી પણ ૧૯૯૯થી ૨૦૦૪ના શ્રી વાજપેયીજીના વડાપ્રધાન પદ હેઠળ આર્થિક સુધારાઓ સાથે સરકારમાં નિર્ણયો હકારાત્મક વલણ સાથે થયા. વિશ્વમાં ભારતની વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો થયો. ત્યારબાદ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ડૉ. મનમોહનસિંહ વડાપ્રધાન રહ્યા. કોંગ્રેસ પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીની સતત દખલગીરી વચ્ચે ડૉ. મનમોહનસિંહે આર્થિક વિકાસના મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી. ૨૦૦૮ની વૈશ્વિક મંદીના સમયમાં પણ ભારતીય અર્થતંત્ર ગતિશીલ રહ્યું. વર્ષ ૧૯૯૦થી ૨૦૧૪ના લગભગ ૨૫ વર્ષના ગાળામાં ભારતીય વિદેશનીતિમાં પણ ધરખમ ફેરફારો આવ્યા. અમેરિકા અને ભારત વચ્ચે વેપાર હોય, શસ્ત્ર ખરીદી હોય, લશ્કરી કવાયત હોય, વિઝા આપવાની બાબત હોય કે કસ્ટમ ડ્યૂટીનો મુદ્દો હોય, બંને દેશોએ પોતપોતાના આર્થિક હિતોની કાળજી સાથે સબંધો વિકસાવ્યા. ચીનની વધતી તાકાત અને પ્રભાવને ખાળવા અમેરિકાના ઘણાં રાજકીય નેતાઓ અને વિદેશનીતિના ઘડવૈયાઓને લોકશાહી વહીવટ ધરાવતા ભારતને સાથે રાખી ચીનને નિયંત્રણમાં લેવા માટેનો તખ્તો તૈયાર થયો.
૨૦૧૪ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનની ભારતને ઘેરવાની નીતિ સામે ચીનને તેના પાડોશી મારફત ઘેરવાની નીતિ અપનાવી મોંગોલીયાને નજીકનું મિત્ર બનાવ્યું. વિયેટનામ સાથે સુરક્ષા સંધિ કરી દક્ષિણ ચીન સમુદ્રમાંથી ઑઈલ કાઢવામાં તમામ પ્રકારનો સહયોગ કર્યો. રશિયા પાસેથી એસ.૪૦૦ જેવી રક્ષણાત્મક સામગ્રી ખરીદી ચીનના બદઈરાદા સાકાર ન થાય તેવી વ્યવસ્થા કરી. ચીનના દેવાના કારણે શ્રીલંકાની આર્થિક હાલત કફોડી થઈ અને પાકિસ્તાનની સ્થિતિ પણ ગંભીર બની છે ત્યારે આપણી વિદેશનીતિ માટે નવા સંદર્ભો અને પડકારો સામે આવ્યા છે. વર્ષ ૧૯૯૦ બાદ ભારતની આર્થિક, લશ્કરી અને નિકાસની સ્થિતિ મજબૂત બની છે. ૧૯૯૮માં શ્રી વાજપેયી અણુ ધડાકા દ્વારા અને ત્યારબાદ શ્રી નરેન્દ્ર મોદીએ ઈસરોની અવકાશ ક્ષેત્રની સિદ્ધિ દ્વારા વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ભારતની શક્તિને ઓછી આંકવાની ભૂલ ન કરશો.
ભારતીય મૂળના વિદેશ વસતાં લોકો દ્વારા કુલ રાષ્ટ્ર્ીય આવકના ૩ ટકા જેટલી રકમ સ્વદેશ મોકલવામાં આવતાં આપણો વિદેશી મુદ્રાનો ભંડાર પણ ૫૦૦ અબજ યુ.એસ. ડૉલરથી વધારે રહે છે. દર વર્ષે ૭૦૦થી ૮૦૦ ટન સોનું આયાત કરી ભારતીય પ્રજા તેના સોનાના જથ્થામાં નોંધપાત્ર વધારો કરી રહી છે. અનેક બહુરાષ્ટ્ર્ીય નાણાંકીય સંસ્થાઓ ભારતી શેરબજારમાં નિવેશ કરી ખાસ્સી કમાણી કરે છે. આ સંદર્ભમાં આપણે એ વાત સ્વીકારવી રહી કે વિદેશનીતિના ઘડતરમાં સબંધિત દેશોના આર્થિક હિતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. મલેશિયાના વડાપ્રધાન ભારત દ્વેષ સાથે કાશ્મિર અંગે પાકિસ્તાન તરફી વિધાનો કરતાં હતાં. ભારતે જેવી જાહેરાત કરી કે પામ ઑઈલની આયાત અંગે પુનઃવિચારણા થશે ત્યારે મલેશિયાએ વિરોધનો અવાજ તદ્દન ધીમો કરી નાખ્યો. કોરોના બાદના સમયમાં શ્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં તો સૌ નાગરિકોને મફત રસી મૂકી આપી સાથે સાથે ૧૦૦ કરતાં વધારે દેશોને નિઃશુલ્ક કે રાહતદરે રસી પૂરી પાડી ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો પરિચય કરાવ્યો. વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન અને અનેક દેશોએ ભારતની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વિદેશનીતિ જૂથવાદમાં જોડાઈને એકપક્ષીય રીતે અવલંબન રાખવાના બદલે દેશે પોતાને અનુકૂળ જણાય તેવી નીતિ રાખશે અને દરેક મહાસત્તા સાથે સમય-સંજોગાધીન વ્યવહાર કરશે. આ વલણના કારણે આપણા દેશને મહત્તમ લાભ થઈ રહ્યો છે.
ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધની શરુઆત સમયે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવીને સ્વદેશ સહી-સલામત પરત લાવવાની કામગીરીમાં રશિયા અને યુક્રેને જે સહયોગ આપ્યો તેથી સમગ્ર દુનિયા દંગ રહી ગઈ હતી. ભારતીયો જ નહીં પણ પાકિસ્તાની, બાંગ્લાદેશી, નેપાળી, શ્રીલંકાના લોકોને પરત લાવવામાં અગત્યની કામગીરી કરી. યુક્રેનના પાડોશી દેશમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાએ શ્રી બ્રહ્મવિહારી સ્વામીના અસરકારક નેતૃત્વમાં કૅમ્પો સ્થાપી સમગ્ર પ્રક્રીયાને ઝડપી અને સલામત બનાવી તેનાથી યુરોપના દેશોને નૂતન ભારતી ક્ષમતાનો પરિચય થયો. મદારી, સાપ, રોપવે ટ્રિ્ક, યોગ કે અંધશ્રદ્ધા જેવા વિષયો સાથે ભારતને જોડતા દેશોને ભારતની વિવિધ ક્ષેત્રની શક્તિ અને સિદ્ધિનો સાક્ષાત્કાર થયો. ભારતની વિદેશનીતિની સફળતાનો આંક છેલ્લા થોડા વર્ષમાં ખૂબ ઉપર ગયો છે.
ચીન અંગે હજી આપણે અસરકારક વ્યૂહરચના નથી નક્કી કરી શક્યા. ચીન સાથે યુદ્ધ એ ઉકેલ નથી પરંતુ આપણી રાજકીય કુનેહથી તેને અહેસાસ કરાવી શકાય કે ભારત સાથે શાંતિ-સુલેહ વિના તેના ભવિષ્ય માટે જોખમ છે તો જ ચાલાક ચીને ભારત પ્રતિ જે દ્વેષ પૂર્ણ રવૈયો અપનાવ્યો છે તે બંધ કરી શકાય. અબજો ડૉલરનો વેપાર, ખૂબ મોટું ટ્ર્ેડ સરપ્લસ ભારત સાથે હોવા છતાં ચીન જરા સરખી પણ બાંધછોડ કરવા તૈયાર નથી. અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્ર્ેલિયા એમ ચાર દેશોની ધરી ‘કવાડ’ નામના સાથે રચાય છે. ચીન તેનાથી ચિંતિત છે. ચીનને સમજાવવામાં રશિયાએ ભૂતકાળમાં ભૂમિકા ભજવી છે. અમેરિકા અને ચીન વચ્ચે અંતર વધતું જાય છે. અમેરિકા ભારતને નાટોના સભ્યપદની ઑફર સાથે પોતાના પક્ષે ખેંચવા પ્રયત્નશીલ છે. અમેરિકાની દોસ્તી અનેક દેશોને ભારે પડી રહી છે. ચીનની મિત્રતાએ ઘણાં રાષ્ટ્ર્ોને વિકટ પરિસ્થિતિમાં ધકેલી દીધાં છે. રશિયાએ કાશ્મિર સહિત તમામ મુદ્દે ભારતને સાથ-સહકાર આપ્યા છે. વિશ્વના રાજકારણની સાંપ્રત સ્થિતિ અતિ પ્રવાહી છે. ભારતે દરેક સમસ્યાના નિરાકરણ માટે થોભો, વિચારો અને સ્વહિતમાં શું થઈ શકે તેની ચિંતા સતત કરવા સિવાય અન્ય વિકલ્પ નથી.
અમેરિકા, ચીન, રશિયા અને યુરોપના નાટો સંલગ્ન દેશોની ખેંચતાણમાં આપણા દેશે સંતુલન જાળવીને સ્વહિતનું રક્ષણ કરી પોતાની આર્થિક અને લશ્કરી તાકાતમાં વધારો કરવો તે અનિવાર્ય છે. આપણને પ્રગતિ કરતાં અટકાવવામાં અનેક સ્થાપિત હિતો સક્રીય છે. આપણા માટે આ સંક્રાંતિનો કાળ ખૂબ અગત્યનો છે. આપણે ગાફેલ રહીએ કે ભૂલ કરીએ તો લાંબાગાળે ખૂબ માંઠા પરિણામો આવે તેવી સંભાવના છે. આપણે સજાગ રહીએ, સક્રીય રહીએ અને મક્કમ રહીએ તે જરૂરી છે.
Comments
Post a Comment