ભારત અને બિનજોડાણની નીતિ
પ્રવીણ ક. લહેરી
વર્ષ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો પણ અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધઃ કોર વોરઃનો આરંભ થઈ ચૂક્યો હતો. બીજા વિશ્વયુદ્ધના ૪ મુખ્ય વિજેતા રાષ્ટ્ર્ોમાં અમેરિકા, યુ.કે. અને ફ્રાંસ એક બાજુ અને રશિયા બીજી બાજુ હતા. બીજા વિશ્વયુદ્ધના અંત સમયે રશિયાએ પૂર્વ અને મધ્યયુરોપના જે દેશો પર જર્મનીને હરાવીને કબજો કર્યો હતો. તેમના પર સીધું આધિપત્ય જમાવવા માટે વર્સોવા કરાર દ્વારા પોતાની લશ્કરી હાજરી આ દેશોમાં સુનિશ્ચિત કરી હતી. આ દેશોની શાસન વ્યવસ્થા સામ્યવાદી ધોરણે થાય તે માટે પણ વ્યવસ્થા કરી હતી. એક રીતે પૂર્વ મધ્ય યુરોપના આ દેશોની હાલત ગુલામ દેશ જેવી જ હતી. જર્મનીના પૂર્વ ભાગ પર (બર્લિનના પૂર્વ વિસ્તાર સહિત) રશિયાનો કબ્જો હતો. પશ્ચિમ જર્મની અને બર્લિનના પશ્ચિમ ભાગ તરફ અમેરિકા, યુ.કે. અને ફ્રાંસનો કબ્જો પ્રત્યક્ષ ન હતો પણ તેમના લશ્કરી થાણાંઓ અને જર્મની સાથેની સંધિ મુજબ જર્મનીની લશ્કરી તાકાત કેટલી રાખવી તેનો નિર્ણય અમેરિકા સ્થાપિત નાર્થ ઍટલાન્ટિક ટ્ર્ીટી ઓર્ગેનાઈઝેશન (દ્ગછર્ં) દ્વારા કરવાનો હતો. નાટોમાં જર્મની ઉપરાંત યુરોપના પશ્ચિમ તરફના દેશો જોડાયા હતાં. અમેરિકા, યુ.કે. અને ફ્રાંસને બેવડો ભય હતો. હાર પામેલું જર્મની ગમે ત્યારે વેરભાવના રાખી સશક્ત થાય તો ફરી મોટા યુદ્ધની નોબત આવે. આ ઉપરાંત રશિયા સમગ્ર યુરોપ પર પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરે તેવી શક્યતા હતી. રશિયન સરમુખત્યાર સ્ટાલિનની મેલી મુરાદોનો અમેરિકા, યુ.કે. અને ફ્રાંસને ખ્યાલ આવી ગયો હતો. આવા સંજોગોમાં નાટો જૂથના રાષ્ટ્રો એક તરફ અને વર્સોવા કરારના રાષ્ટ્ર્ો બીજી તરફ એમ બંને વચ્ચે શીતયુદ્ધ દ્વારા, જાસૂસી, આંતરિક ભાંગફોડ સહિત એક અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું.
એશિયામાં પણ પોતાનો પગદંડો જમાવવા અમેરિકા અને રશિયા ઉત્સુક હતાં. ચીને માઓત્સે તુંગના નેતૃત્વ હેઠળ વિશાળ સામ્યવાદી દેશ રચી આધુનિકરણની ઝુંબેશ ઉપાડી હતી. તેનું ગઠબંધન સામ્યાદી હોવાને નાતે રશિયા સાથે હતું. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બર્મા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ઈરાક, ઈજિપ્ત યુગોસ્લેવીયા, આફ્રિકામાં ધાના, ઈથિપીયા જેવા અનેક નવા સ્વતંત્ર રાષ્ટ્ર્ો હતાં તેમને પોતાના પક્ષે જોડવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલતી હતી. અમેરિકાના તત્કાલ વિદેશીમંત્રી જહૉન ફુસ્ટર ડલેસ (તેની સ્મૃતિમાં વોશિંગટન અરેપોર્ટને ‘ડલેસ એરપોર્ટ’નું નામાભિધાન કરવામાં આવ્યું છે.) દ્વારા તો ખુલ્લી રીતે કહેવામાં આવ્યું હતું; ‘‘જે અમારા સાથે જોડાણ નથી કરતાં તે અમારા વિરોધીઓ (દુશ્મનો) છે. આ ડલેસ વિદેશનીતિનો પાયો અમેરિકાની સરકારમાં યથાતથા રીતે મજબૂત છે. અમેરિકા તેની ઈચ્છા વિરૂદ્ધ સ્વતંત્ર રીતે વર્તનાર કોઈ દેશને સાંખી શકતું નથી. કમનસીબે આ માન્યતાનું સૌથી વધારે નુકશાન ભારતે ભોગવ્યું છે. પાકિસ્તાન, ઈરાને સિએટો સંધિ દ્વારા અમેરિકા સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તો અમેરિકાને લશ્કરી થાણાંઓ પોતાની ભૂમિ પર સ્થાપવાની સગવડ આપી અમેરિકાની તાબેદારી સ્વીકારી. ૧૯૭૪માં અમેરિકા અને ચીનની વચ્ચે દુશ્મનાવટની જગ્યાએ દોસ્તીના દોર તત્કાલિન પ્રમુખ રિચાર્ડ નિક્ષન અને વિદેશમંત્રી હેનરી કિસિન્જરે શરુ કર્યો તેમાં પાકિસ્તાને દલાલ તરીકેની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી. ૧૯૭૧માં પાકિસ્તાનના ભાગલા થયા અને યુદ્ધમાં ભારતને બોધપાઠ ભણાવવાનો નિક્ષન-કિસિન્જરનો મનસૂબો નિષ્ફળ જતાં ભારતને મહાસત્તા બનતા રોકવા માટે ચીન, અમેરિકા અને પાકિસ્તાનની ધરી અસ્તિત્વમાં આવી. જો કે ભારતે જેવા મોટા દેશમાં પોતાના હિતો જાળવવામાં ચીન, અમેરિકા સજાગ હતાં. પાકિસ્તાન થકી ભારતને સતત ભીડવતા રહેવાની તેમની ચાલબાજી ચાલુ રહી, ૧૯૭૪ બાદ ચીન યુએનઓમાં દાખલ થયું, તેને પશ્ચિમી દેશોની માન્તયા મળી, વેપારમાં પણ અગ્રતાનો દરજ્જો મળ્યો, સલામતિ સમિતિમાં વીટો પાવર સાથે સ્થાન મળ્યું અને તેના આર્થિક વિકાસના તમામ દરવાજા ખૂલી ગયા. ખંધા ચીને પેટન્ટ, કોપીરાઈટનો ભંગ, જૂની મશીનરીને સુધારીને વાપરવા ઉપરાંત અનેક તરકીબો સાથે ચીન વિશ્વનું સૌથી મહત્ત્વનું ઉત્પાદક અને આંતરરાષ્ટ્ર્ીય વેપારનું અગ્રણી બન્યું. શરુઆતમાં ચીન બિનજોડાણવાદી રાષ્ટ્ર્ો સાથે જોડાયું પણ ૧૯૭૪ પછી અમેરિકા યુરોપના વેપારની મલાઈ તારવવામાં તેમણે સ્વાર્થને કેન્દ્રમાં રાખ્યો. વિશાળ પાયે સસ્તું ઉત્પાદન, આક્રમક વેપારનીતિ, છૂપી સબસિડી, સહિત અનેક રીતે ચીને અઢળક સંપત્તિ એકઠી કરી પોતાના શ્રમિકોને સારી રોજી આપી સમગ્ર પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવામાં સફળતા હાંસલ કરી. અમેરિકી નીતિ અનેક રીતે ભારત વિરોધી રહી કારણ કે આપણે મુક્ત બજાર, અનુકૂળ રીતે મૂડી રોકાણ, વ્યાપારમાં છૂટછાટ, કરવેરા જેવા મુદ્દાઓમાં આપણે અમેરિકી અપેક્ષાઓ ન સંતોષી તેના કારણે આપણો આર્થિક વિકાસ મંદ રહ્યો. શસ્ત્ર સરંજામ માટે પણ આપણે રશિયા પર આધારિત રહ્યા હતાં.
નાટોમાં જોડાયેલા મોટાભાગના દેશો વિકસિત ગણાતા હતાં. રશિયન વર્સોવા કરારના રાષ્ટ્ર્ો મધ્યમ વિકસીત હતાં. બિનજોડાણ રાષ્ટ્ર્ોનો સમૂહ ૧૦૦ કરતાં વધારે સભ્યો ધરાવતો હતો પણ તેમાના મોટાભાગના ગરીબ, પછાત અને નિર્બળ દેશો હતાં. વર્સોવા કરારના દેશોમાંથી હંગેરીએ ૧૯૫૬માં અને ઝેરોસ્લોવેકીયાએ ૧૯૬૮માં બળવો કરી રશિયન આધિપત્ય દૂર કરવા પ્રયત્ન કર્યા પણ રશિયાએ આવાં આંદોલનો ક્રુર રીતે કચડી નાખ્યા. ૧૯૪૫ થી ૧૯૯૦ના ૪૫ વર્ષનો સમયગાળો શીતયુદ્ધ, જોડાણ વિરૂદ્ધ બિનજોડાણની નીતિ અને ચીન, તૈવાન, હોંગકોંગ, સિંગાપુર, દક્ષિણ કોરીયાના જેવા એશિનય ટાઈગરોની આર્થિક હરણફાળે દુનિયાનું ચિત્ર ધરમૂળથી બદલી નાખ્યું.
૧૯૯૦માં યુ.એસ.એસ.આર. આર્થિક રીતે એટલું નબળું પડ્યું, સ્થાનિક પ્રજાની તકલીફો અને ગોર્બોચોવની ઉદાર નીતિ રશિયન સામ્રાજ્યના વિઘટનમાં પરિણમી. વિશ્વમાં અમેરિકા એક માત્ર સુપરપાવર છે તેવી માન્યતા દૃઢ થઈ. ૧૯૯૦નું વર્ષ ભારતના ઈતિહાસમાં પણ ખૂબ મહત્ત્વનું છે. ૧૯૪૭ થી ૧૯૯૦ કુલ ૪૩ વર્ષના સમાજવાદી સમાજ રચના, સંપત્તિ, ઉત્પાદન, સેવાનું રાષ્ટ્ર્ીયકરણ, લાઈસન્સ, કવૉટા પરમિટ પણ ચાલતું અર્થતંત્ર એટલું કથળ્યું કે તેના કારણે ભારતે વિદેશી દેવું ચૂકવવા માટે અનામત સોનાના જથ્થાને સ્વઝર્લેન્ડમાં ગિરવી મૂકવું પડ્યું. ૧૯૯૦ની ચૂંટણી બાદ શ્રી પી. વી. નરસિંહરાવ વડાપ્રધાન થયા. આ દક્ષ અને દુરંદેશી નેતાઓ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને નાણાંપ્રધાન બનાવી વિશ્વબેંક, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની સહાયથી એક આર્થિક ક્રાંતિનો પ્રારંભ કર્યો.
આ આર્થિક ક્રાંતિને આજે લગભગ ૩૩ વર્ષ પૂરા થાય છે. ભારતનો આર્થિક વિકાસ આ સમયગાળામાં ઝડપી બન્યો છે. વિશ્વના પાંચ મોટા અર્થતંત્રમાં ભારતનો સમાવેશ થયો છે. ભારતની સ્થિતિ ખરીદ-શક્તિના ધોરણે જોઈએ તો તેનો ક્રમ સમૃદ્ધિના માપદંડમાં ત્રીજે નંબરે આવે છે. અનેક ઝંઝાવાતો, પડકારો અને સમસ્યાઓ વચ્ચે ભારત ધીમે પણ મક્કમ ડગલે રહ્યું છે. રસ્તો વિકટ છે, અનેક અંતરાયો છે પરંતુ ભારત માટે અનેક તકો છે, તેની આગવી ક્ષમતા છે તેથી સફળતા નિશ્ચિત છે. (ક્રમશઃ)
Comments
Post a Comment