ધરતીનો છેડો ઘર

                                                                                   - પ્રવીણ ક. લહેરી

કવિ દલપત પઢિયારની પંક્તિઓ છે; ‘‘જાતરા ક્યાં અઘરી છે જીવણ ? થાક તો થેલાના લાગે છે.’’ અમર્યાદા આશાઓ, અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાથી ઘેરાયેલા આપણે સૌએ જિંદગીને એક આનંદદાયક યાત્રા બનાવવાના બદલે કષ્ટદાયક સંઘર્ષ બનાવીને બેઠા છીએ. વિજ્ઞાન અને ટૅકનોલોજીએ કલ્નાતીત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે પણ આપણે આ સવલતોને બંધનમાં ફેરવી નાખીએ છીછએ. વાહન ઉપયોગી છે પણ ચાલવાની ટેવ સાવ છૂટી જાય તે જોખમી છે. આપણે અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે સંસાધનોનો દુરુપયોગ કરીએ છીએ. આપણે સૌ અનેક બીનજરૂરી પ્રવાસો કરીને વાહનો થકી પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો કરીએ છીએ. વસ્તુઓના સારા પેકેજિંગમાં કુલ પ્લાસ્ટિકના ઉત્પાદનના ૫૦ ટકાનો વપરાશ કરી આપણે ૧૦ કરોડ ટન જેટલું પ્લાસ્ટિક જમીન સરોવર અને સમુદ્રમાં નાખી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિ માટે જોખમ પેદા કર્યું છે. 

આપણા શબ્દકોષમાંથી ‘સંતોષ’ શબ્દ ગાયબ થઈ ગયો છે. આપણી ઈચ્છાઓની હારમાળા અવિરત અને અતૂટ રીતે ચાલે છે. મનમાં સંયમ હોવાની સમજણ અદૃશ્ય થઈ છે. આપણ ફરજ, કર્તવ્યની જગ્યાએ ‘મારી મરજી એ જ મહત્ત્વની’ જેવું વલણ અપનાવ્યું છે. આની સૌથી વિપરીત અસર પરિવાર પર થઈ છે. પરિવારમાં માતા-પિતાની ભૂમિકા અંગે લખાણો ઉપલબ્ધ છે. માતા-પિતા સંતાનોના સુખ માટે કેટલી જહેમત કરે છે, કેટલું દુઃખ હસતે ચહેરે વેઠે છે અને પોતાની ઈચ્છાઓ જ નહીં પણ જરૂરિયાતોના ભાગે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પુરુષાર્થ કરે છે. આ માબાપને જ્યારે સંતાનો તેમની વૃદ્ધાવસ્થામાં તરછોડે છે, અપમાનિત કરે છે, આત્મહત્યા કરવા સુધી મજબૂર કરે છે ત્યારે આપણને આશ્ચર્ય ઉપરાંત ખૂબ દુઃખ થાય છે આવું કેમ થાય છે ? મને લાગે છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબના સંક્રમણની પ્રક્રીયામાં આપણે પાયાની બાબતો પર ધ્યાન રાખવાનું ચૂકી ગયા છીએ. વિભક્ત કુટુંબની વ્યાખ્યામાંથી અનેક સામાજિક સબંધોની બાદબાકી થઈ છે. દંપતિઓ બે કે એક સંતાનથી સંતોષ માને છે જ્યારે કેટલાકને તો સંતાન બોજારૂપ લાગે છે. 

જાપાનમાં યુવા વસ્તીમાં ઘટાડો  એટલો નોંધાયો છે કે અનેક યુગલોએ પ્રજોત્પતિ કરવાનું ટાળ્યું છે. ભારતીય સમાજમાં અનેક દૂષણો જરૂર હતા અને છે પરંતુ પરિવારનો પાયો મજબૂત હતો. પરિવાર સાથેનો લગાવ અનન્ય હતો. પોતાના સભ્યની સફળતા માટે સમગ્ર પરિવાર ગૌરવ અનુભવતો હતો. સંયુક્ત પરિવારમાં સંપત્તિ સૌની હતી. દરેકની જરૂરિયાત સંતોષાય તે માટે ચિંતા હતી. આ સઘળાં સ્નેહ-સબંધો મોંઘવારી, સ્વકેન્દ્રી વિચારણા અને સંવેદનાના અભાવના કારણે અપ્રસ્તુત બન્યા છે. વ્યક્તિના વિકાસ માટે, સુખ માટે, સલામતિ માટે સુગ્રંથિત પરિવાર હોવો જરૂરી છે. પરિવારની હૂંફ, પ્રેમ અને પ્રોત્સાહને ભૂતકાળમાં અનેક વ્યક્તિ વિશેષોનું ઘડતર કર્યું છે. આપણા પરિવારની વ્યવસ્થાને સાંપ્રત સમયમાં સુદૃઢ બનાવવા માટે સમાજના તમામ સ્તરે જાગૃતિ કેળવવા ખાસ અભિયાન હાથ ધરવાનો સમય પાકી ગયો છે. પરિવારના સભ્યો વચ્ચે આત્મિયતાનો ભાવ વિકસે તે માટે સવિશેષ કાળજી કરવી જરૂરી છે. સૌથી પ્રથમ તો પરિવારે અરસપરસની કાળજીને અગ્રતા આપવાની જરૂર છે. આ માટે એકબીજા વચ્ચે વિશ્વાસ અને સંવાદનું વાતાવરણ રહે તે ખૂબ આવશ્યક છે. પરિવારના સભ્યોએ દિવસ-રાતમાં સૌને અનુકૂળ સમયે એક-બે કલાક ચર્ચા-વિચારણા કરવી, હળવાશથી હસી મજાક કરવા, પ્રાર્થના કરવી, મનપસંદ કાર્યક્રમો સાથે જોવા, અંતાક્ષરી જેવી રમતો રમવી જેથી એકબીજાથી વિમુખ થવાની સંભાવનામાં ઘટાડો થાય. આ ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ, સૌની નાણાંકીય જરૂરિયાતો અંગે મુક્ત મને ચર્ચા કરવી, કોઈની ઉગ્ર ટીકા નિવારીને સૌને સંતોષ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. યુવાન સંતાનોએ પણ માબાપની મર્યાદાઓ સમજી ખોટો દુરાગ્રહ કે નારાજગી ન કરવા જોઈએ. 

ઘરમાં લગ્ન કરીને આવેલી પુત્રવધૂ માટે નવા વાતાવરણમાં ગોઠવાતા સમયે વડીલોની ટીકા-ટિપ્પણથી નારાજગી થઈ તે પૂર્વગ્રહમાં પરિણમે છે. માતા-પિતા અને પુત્ર વચ્ચેના સબંધમાં એક વખત તિરાડ પડે છે તે વધતી જાય છે. સમયસર એકમેકની શંકા કે ખોટી ધારણાનું સમાધાન થાય તો સંભવ છે કે સ્નેહનો સેતુ સલામત રહી શકે. ઘણાં યુવાન-યુવતીઓ વડીલો સાથે ઉત્સાહથી વાતો કરી તેમનું મન સાચવી લે છે. અનેક પ્રસંગોએ અમુક સભ્યા સાવ નજીવા કારણસર નારાજ થઈ જાય છે. અમુક કુટુંબોની શાંતિ એટલે છિન્નભિન્ન થાય છે કે પરિવારના સભ્યો પોતાની સરખામણી અન્ય પરિવારો જોડે દેખાદેખીમાં સમગ્ર વાતાવરણ ડહોળી કાઢે છે. ‘‘આપણો પરિવાર સમજદાર પરિવાર, આપણો પરિવાર સંવેદનશીલ પરિવાર, આપણો પરિવાર ઉત્સાહી પરિવાર, આપણો પરિવાર સૌને ગમતો પરિવાર’’ જેવા વલણ સાથે સુખ શાંતિનો ચોક્કસ અનુભવ કરી શકે છે.

કુટુંબમાં એકલવાયું સંતાન હોય, સમવયસ્ક મિત્રો ન હોય ત્યારે તે બાળક/યુવાન  અંતર્મુખી બની જાય છે. તેને પોતાના મનની વાત કરતાં ખૂબ સંકોચ થાય છે. ક્યારેક તો ડર પણ લાગે છે આના  કારણે હતાશા આવે છે કે કોઈક કિસ્સામાં આક્રમક્રતા પણ આવે છે. એક વિશ્વસનીય સર્વેના તારણ મુજબ આજે શાળાના વિદ્યાર્થીઓમાં ૧૦૦માંથી ૨૨ વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિક રીતે કાળજી/સારવાર માગે છે. કમનસીબે સમાજ કે શિક્ષણ સંસ્થાઓનું ધ્યાન આ મુદ્દા તરફ જતું જ નથી.

સમાજ આજે કમનસીબે સંવેદના ગુમાવી બેઠો છે. ન બનવાની અનેક ઘટનાઓ બને છે પણ આપણે તે ભૂલી જઈએ છીએ. તેની લાંબાગાળાની અસરો વિશે પણ આપણે ઉપેક્ષા સેવી રહ્યા છીએ. સમાજમાં સુખાકારી માટે વ્યક્તિ અને પરિવારનું મહત્ત્વ સમાન છે. માત્ર વ્યક્તિના વિચારથી સંઘર્ષ વધશે. પરિવારની એકતા મજબૂત થશે તો વ્યક્તિને તેનો સૌથી વધુ લાભ થશે. એમ કહેવાયું છે; ‘‘કુટુંબ મહત્ત્વનું જ નથી, હકીકતમાં તે સર્વસ્વ છે.’’ કુટુંબ જીવનઘડતરનો પાયો છે. કુટુંબ માટે કોઈ વ્યક્તિ ત્યાગ કરે છે ત્યારે તે પોતાના સર્વોચ્ચ કર્તવ્યનું પાલન કરે છે. પરિવારની સુરક્ષા, સુખ અને ઉત્કર્ષ માટે સૌ સભ્યોએ સદૈવ તૈયાર રહેવું આવશ્યક છે. પરિવારની લાગણી, પ્રોત્સાહન અને મદદથી આપણે આપણા અનેક સ્વપ્નો સહેલાઈથી સાકાર કરી શકીએ છીએ. પરિવારમાં આપણે તો વૃક્ષની ડાળ સમાન છીએ. દરેક ડાળ અલગ અલગ દિશામાં ફેલાય છે, વૃદ્ધિ પામે છે પણ તેના મૂળીયા તો એક જ છે. માનવજાતિના વિકાસમાં પરિવારનો ફાળો અનન્ય છે. આજે સમલૈંગિક લગ્નો, લીવઈન સબંધો, સ્વચ્છંદતાભર્યું જીવન પરિવાર માટે હાનિકારક છે. પરિવાને સુદૃઢ કરીશું તો સમાજ મજબૂત થશે, રાષ્ટ્ર્‌ સુખી થશે અને સમૃદ્ધ થશે. ભવિષ્યની પેઢીને પરિવારની મહત્તા સમજાય તેવા તમામ પ્રયાસો આવકાર્ય છે. આ૫ણા માટે પરિવારની આવશ્યકતા અનિવાર્ય ગણીને દરેક સભ્યે સાચી સમજણ કેળવીને સૌના સુખ માટે, સૌના ઉત્કર્ષ માટે અને સૌના કલ્યાણ માટે કામગીરી કરવાની છે. પરિવાર થકી જ આપણે અનેક સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉકેલી શકીશું.


Comments

Popular posts from this blog