શાળામાં ગુજરાતીનો અભ્યાસ હવે ફરજીયાત

                                                             - પ્રવીણ ક. લહેરી

સમગ્ર વિશ્વમાં  અંગ્રેજીની આંધીએ અનેક ભાષાઓના અસ્તિત્વ પર ખતરો પેદા કર્યો છે.  ગુજરાતી  માધ્યમની શાળાઓ ટપોટપ બંધ પડતી જાય છે.  અંગ્રેજી માધ્યમ માટે વાલીઓની ઘેલછા હવે માનસિક બિમારીની કક્ષાએ પહોંચી ચૂકી છે. અંગ્રેજી ફાંકડી રીતે બોલી શકે, વાંચી શકે, લખી શકે તો જ ઉજ્જવળ ભવિષ્ય   છે  તેવી માનસિકતાનો ભોગ હું પણ બન્યો છે. ગુજરાતના પછાત વિસ્તારમાંથી માંડ માંડ ધો. ૧૧ પાસ કરી ૧૯૬૧માં હું મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ માટે ગયો ત્યારે ફોર્મ ભરવામાં જ નહીં ઈન્ટરવ્યુમાં મારા મોટાભાઈ નરેન્દ્રની મદદથી  કામ પાર પડ્યું. મારી ઈચ્છા આઈ.એ.એસ. ની પરીક્ષા આપવાની હતી ત્યારે આ સ્પર્ધાત્મક  પરીક્ષાનું માધ્યમ માત્ર અંગ્રેજી હતું. તેથી અંગ્રેજી માધ્યમમાં ભણવું જરૂરી હતું. જો કે ૧૯૬૮થી પ્રથમ હિન્દી અને ત્યારબાદ પ્રાદેશિક ભાષાઓના માધ્યમનો વિકલ્પ  મળ્યો છે. જો કે તૈયારી માટે અંગ્રેજી પુસ્તકોનો અભ્યાસ હજી પણ અનિવાર્ય છે. અંગ્રેજી ભાષાની  ગુલામીની બેડીઓ  અંગ્રેજો નહીં પણ આપણા શાસકો અને ન્યાયતંત્રએ મજબૂત બનાવી છે. માતૃભાષાની  હત્યા નહીં તો તેને ગંભીર ઈજા પહોંચાડવાનું પાપ મારી પેઢીના શાસકો-પ્રશાસકોને શિરે લખાયેલું છે.  હવે મોબાઈલ, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, સોફ્ટવેર વિગેરેને કારણે અંગ્રેજીનો ઉપયોગ અનેકગણો વધ્યો છે. જો કે આજે પણ અંગ્રેજી સમજતાં, બોલતાં લોકોની ટકાવારી ૧૦ ટકા જેટલી અંદાજવામાં  આવે છે.  ૨૦૧૧ની વસ્તી ગણત્રીમાં માત્ર ૨.૮૬ લાખ લોકોએ  અંગ્રેજીને  માતૃભાષા તરીકે લખાવી હતી. આ  ઉ૫રાંત ૧ કરોડ  ૩૦ લાખ  લોકોએ અંગ્રેજીનું જ્ઞાન, બોલવા, લખવા, વાંચવાની આવડત દર્શાવી હતી. જો કે છેલ્લા ૧૦ વર્ષમાં  આ આંકડો કદાચ બમણો  થયો હોય તો નવાઈ નહીં.  હિન્દી પછી ભારતમાં ભાષાના ઉપયોગની દૃષ્ટિએ અંગ્રેજી દ્વિતીય સ્થાને પહોંચી છે. આપણે સૌ અંગ્રેજી માનસિકતાથી મુક્ત કરવાના આહ્‌વાનો અંગ્રેજીમાં કરીએ છીએ. ન્યાયના કઠેડામાં ઉભેલો માણસ ખાસ કરીને હાઈકોર્ટના દરવાજા ખટખટાવતો નાગરિક રજૂઆત લેખિત કે મૌખિક  માત્ર અંગ્રેજીમાં કરી શકે તેના જેવી બીજી વાહીયાત વ્યવસ્થા કઈ હોય શકે ? 

  ૧લી મેએ ગુજરાતની  જેમના લોકસેવામાં ઘસાયને જેમના બરછટ થયેલા હાથોથી થઈ છે તેવા મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી રવિશંકર મહારાજે શીખ આપી હતી કે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતીમાં જ કરજો.  પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાએ પ્રજાજોગ સંદેશામાં આવું જ થશે તેની ખાતરી ઉચ્ચારી  હતી. ૧૯૬૦ થી ૧૯૮૦ ના ૨૦ વર્ષો દરમિયાન વહીવટમાં ગુજરાતીના ઉપયોગ માટે સઘન અને સાતત્યપૂર્ણ પ્રયત્નો થયા હતાં. વહીવટી શબ્દકોશની રચના ઉપરાંત  ગુજરાતી લઘુલિપિકા (સ્ટેનો)ની નિમણૂંક, નોંધ  અને પત્રવ્યવહારમાં ગુજરાતીના  ઉપયોગનો આગ્રહ રહ્યો હતો.  ૧૯૮૦ પછી  તો ન તો યોગ્ય રીતે ભાષા નિયામકની નિમણૂંક થાય છે કે ન તો ગુજરાતીના ઉપયોગ અંગે સરકારમાં ચિંતા થઈ હતી. 

૨૦૨૧માં  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી  રાજ્યના મુખ્યમંત્રી પદે થયા બાદ પ્રથમ પત્રકાર મિલનમાં તેમણે જાહેર કર્યું કે હું તમામ જાહેર સ્થળે માત્ર ગુજરાતીમાં જ વાત કરીશ. માતૃભાષા માટે આ વિધાન ખૂબ મહત્વનું સાબિત થયું છે.  ગુજરાત વિશ્વકોશને જ્યારે લંડનના ચંદેરીયા ફાઉન્ડેશને ગુજરાતી લેક્સિકોનનો પ્રોજેક્ટ  સંચાલન માટે સુપ્રત કર્યો ત્યારે  મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સમારંભ થયો તેનાથી માતૃભાષાને  અનેરો લાભ પ્રાપ્ત થયો.  જ્ઞાનકોશ અને શબ્દકોશના સહઅસ્તિત્વ  અને ‘ઓનલાઈન’ (જીવંત) જોવાની વ્યવસ્થાના પ્રારંભ સાથે સૌ કોઈ માટે  ગુજરાતીની ભાષા સમૃદ્ધિ,  જ્ઞાન, કાવ્યો વિવિધ વિષયોની  સચોટ માહિતી, જોડણી, અર્થો સહિત અનેક બાબતોમાં ખૂબ સરળતા થઈ છે. આનો લાભ દરરોજ હજારો જિજ્ઞાસુઓ લે છે તે  દર્શાવે છે કે  આપણી માતૃભાષા ગુજરાતીના ઉપયોગનું પ્રમાણ ખૂબ સારું છે. જરૂરિયાત છે જાગૃત થવાની. માતૃભાષાની ઉપેક્ષા તો દાયકો સુધી કરી છે. અમુક લોકો તો ગર્વ સાથે કહે છે કે હું વિદેશ વસું છું. હું અંગ્રેજી મિડિયમમાં  ભણ્યો છું.  હું ગુજરાતી સમજુ છું પણ મને બોલતાં નથી ફાવતું... યુ. નો ? લખવાની તો આદત જ નથી. વાંચુ તો અડધું પડધું જ સમજાય.  આવું કહેનારાને લાજ-શરમ આવે તેવા માહોલનું નિર્માણ એ તાકીદનો પડકાર છે. 

ગુજરાત વિશ્વકોષના  સમારંભમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી  કરી કે મહારાષ્ટ્ર, કર્ણાક્ટ, બંગાળ જેમ શાળામાં ગુજરાતી વિષય તરીકે અચૂક ભણાવાય તે જરૂરી છે.  મુખ્યમંત્રીનો પ્રત્યુત્તર સાવ ટૂંકો હતો. ‘‘જે શબ્દ આગળ માતા શબ્દ જોડાય તે આપણા માટે સદૈવ પૂજનીય જ હોય ’’ અને એમણે ફરજીયાત રીતે શાળા કક્ષાએ  ધો.૧ થી ૮ સુધી ગુજરાતી વિષય દાખલ કરતો કાયદો કરીને દર્શાવી આપ્યું છે કે માતૃભાષાનું ગૌરવ આપણું ગૌરવ છે.  માતૃભાષા અભિયાન વતી રાજેન્દ્ર પટેલે પણ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને આ જરૂરિયાતને ન્યાયની સરાણે ચઢાવી.  કાયદામાં કોઈક અકળ કારણોસર જે ત્રુટિઓ હતી તેના નિવારણ માટે સરકાર સાથે સંકલન કર્યું. કાયદો જરૂરી સુધારા સાથે  સર્વાનુમતે મંજુર થયો  તે સ્પષ્ટ  કરે છે કે પ્રજામાં આ મુદ્દે  મતભેદ નથી. સરકારના આ નિર્ણયને ઉત્સાહભેર વધાવીને આપણે ઉત્સવ મનાવવો જોઈએ.  માત્ર કાયદાથી ભાષાનું સંરક્ષણ કે સંવર્ધન નહીં થાય. તે માટે આપણે સહીયારા પુરુષાર્થની  જરૂર છે. સમાજના તમામ સ્તરે માતૃભાષાની  મહત્તા સમજાય. સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે વિદેશ વ્યાપાર તેમાં આપણે અંગ્રેજી  આપણે ખપ પૂરતું વાપરીએ, શીખીએ પણ અંગ્રેજી જેથી ચિત્રવિચિત્ર ભાષા આપણા પર સવાર થઈ જાય, પ્રભુત્વ જમાવે તે તો આપણે કેમ સહન કરીએ ? અંગ્રેજી અંગેનો મારો ભ્રમ ત્યારે ભાંગ્યો જ્યારે મેં ચીન- જાપાન,ફ્રાુસ, જર્મની, ઈટલી જેવા દેશોની  મુલાકાતમાં જોયું કે માતૃભાષાને સૌ ચુસ્ત રીતે વળગી રહે છે. મારા એક વર્ષના ઈંગ્લેન્ડ નિવાસ દરમિયાન સાવ નવો જ અનુભવ થયો. યુનિવર્સિટીમાં  કોઈ પૂછે કે તમે કેટલી ભાષાઓ  જાણો છો. આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી એમ ચાર ભાષા ગણાવીએ ત્યારે પ્રશ્નકર્તાની આંખો પહોળી થઈ જાય અને કહે, અમે  તો  એક અંગ્રેજી જ જાણીએ છીએ. અમારે ત્યાં બે ત્રણ- ભાષા જાણતાં લોકો જૂજ હોય છે.’’  અંગ્રેજી વિશ્વમાં કડીરૂપ ભાષા છે પણ દુનિયાના વિવિધ દેશોમાં (અંદાજે ૨૬)  સ્પેનિશ  બોલતાં લોકોની સંખ્યા અંગ્રેજી બોલતાં લોકોની સંખ્યાની નજીક છે. 

આપણા દેશની સ્થિતી વિચિત્ર છે. અહીં ડૉકટર,વકીલ, આર્કિટેક્ટ,  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન (એમ.બી.એ.), ઈજનેરો ફાઈનાશ્યલ એનાલિસ્ટો વિગેરે વ્યવસાયો માટે અંગ્રેજીનો ઉપયોગ અનિવાર્ય છે. અંગ્રેજી જાણકારનો પ્રભાવ પડે છે. તેની શૈલીથી  લોકો અંજાય છે. અનેક સત્તાધીશો, તવંગરો, વ્યવસાયિકો અને પ્રાધ્યાપકો માટે અંગ્રેજી પ્રગતિનું સોપાન બન્યું છે.  તેમાં અંગ્રેજી કરતાં આપણી ગુલામીની માનસિકતા અને લઘુતાગ્રંથી જવાબદાર છે.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણે એક વાત સમજીએ તો સારું. અંગ્રેજીના ઉપયોગના કારણે આપણી ખૂબ મોટી સંખ્યાના લોકો વિકાસ પ્રક્રિયામાં સહભાગી બની શક્યા નથી.  ૨૦૪૭ માં આઝાદીની શતાબ્દીએ એ આપણે વિશ્વગુરુ કે મહાસત્તા બનવું હશે તો જનસામાન્યની સક્રિય ભાગીદારી વિના તે શક્ય બનશે નહીં. શ્રી વિનોબાજી, શ્રી નરસિંહરાવ, શ્રી જીરાકર  સહિત  અનેક વિદ્વાનોએ આપણને સમજાવ્યું છે કે આપણે આપણા દેશની પ્રાદેશિક ભાષાઓ સહેલાઈથી શીખી શકીએ છીએ. આઝાદીના અમૃતકાળમાં ગમે તે વયે, ગમે તેવા સંજોગોમાં આપણે ભારતની એક પ્રાદેશિક ભાષા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારી બંગાળી લાગતી અટક ધ્યાને રાખીને અને દેશના ઉત્તમ સાહિત્યને વાંચીને આંનંદ લેવા હું બંગાળી ભાષા શીખવા માટે પ્રયત્ન જરૂર કરીશ. આપણા જે સર્જકો અન્ય ભાષામાં પારંગત હતાં તેમનો સાહિત્ય વારસો નોખી ભાત પાડે છે.  

Comments

Popular posts from this blog