પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ
પ્રવીણ ક. લહેરી
વિવિધ ક્ષેત્રોમાં આપણા પૂર્વજોએ હાંસલ કરેલી વૈજ્ઞાનિક સિદ્ધિઓ તરફ ફરી દૃષ્ટિ કરીએ તે પહેલાં ભારતની આ વિષયોમાં મળેલી સફળતા અંગે વિદ્વાનોના મંતવ્ય જાણીએ. જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને કર્યું છે; ‘‘આપણે ભારતના ઋણી છીએ. તેમણે આપણને ગણતરી શીખવી છે જેના વિના કોઈ નોંધપાત્ર વૈજ્ઞાનિક સંશોધનો થઈ શક્યા ન હોત.’’
૪. ભૌતિકશાસ્ત્ર :
કણાદ ઋષિને ભારતીય ભૌતિક શાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમણે સૌ પ્રથમ બ્રહ્માંડની ઉત્પતિ સમજાવવા માટે બુદ્ધિગમ્ય ખુલાસાઓ આપ્યા. વિશ્વની વાસ્તવિકતા સમજવા માટે કણાદ ઋષિએ છ માપદંડો આપ્યા છે; ૧. દ્રવ્ય ૨. ગુણ ૩. કર્મણા (ગતિ) ૪. સમય ૫. વિશેષ અને ૬. સમવય. કણાદ શબ્દનો અર્થ ‘‘જે કણ (અણુ)ને ખાય તે’’ એવો છે. ઋષિ કણાદને કશ્યપના નામે પણ ઓળખવામાં આવે છે. ઋષિ કણાદને નાસ્તિક પરંપરાના અગ્રણી માનવામાં આવે છે. કારણ કે તેની દૃઢ માન્યતા હતી કે દરેક પદાર્થનો અભ્યાસ તેના વિભાજન અને ઉપર દર્શાવેલ છ માપદંડો પ્રમાણે કરવામાં આવે તો ઈશ્વરના અસ્તિત્વની ચિંતા કરવાનો પ્રશ્ન નથી.
૫. વૈદક અને શલ્પચિકિત્સા :
ચરક દ્વારા આયુર્વેદનો સૌથી મહત્ત્વનો ગ્રંથ લખવામાં આવ્યો તેમાં પદાર્થના ગુણધર્મ અને તેની અસરોનો અભ્યાસ કરીને અનેક વનસ્પતિઓનો રોગોના ઈલાજ માટે અસરકારક ઉપયોગ દર્શાવ્યો છે. ચરકના અભ્યાસનું સંક્ષિપ્તમાં વર્ણન કરવું હોય તો વાળ માટે ભૃંગરાજ, ચામડી માટે કુંવારપાઠું, હૃદય માટે તુલસી, અર્જુન, યકૃત (લીવર) માટે ભૂમિ આંબળા, અગ્રાશય માટે કાલમેથ. શિરા અને ધમની માટે લીમડો, પીપળો, શીશમ અને લીમડાનો ગળો, મગજ માટે બ્રાહ્મી અને શંખપૃષ્પી, આંખ માટે હરડે, બહેડાં અને આમળા, ફેફસાં માટે ગંભારી, હોજરી માટે હરડા, બહેડા આંબળા, કિડની માટે પુર્નનવા, ગોખરૂ ઈત્યાદિ. ચરક સંહિતાનો કાળજીથી અભ્યાસ કરવામાં આવે તો અનેક બિમારીઓ નિવારી શકાય છે. આ બિમારીનો ઈલાજ સરળતાથી થઈ શકે છે. સુશ્રૂત દ્વારા ૧૨૫ જેટલાં સાધનોના આવિષ્કાર સાથે વાઢકાપ માટે જે કુશળતા હાંસલ કરવાનું શાસ્ત્ર રહ્યું છે તેનો ઉપયોગ હવે અનેક દેશોના સર્જરીના અભ્યાસમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક સર્જરી સહિત અનેક પ્રકારની વાઢકાપમાં વૈદો નિપૂણ થતાં. આજે પણ હરસ, મસા, ભગંદર, દાંત પાડવામાં પારંપારિક પદ્ધતિનો ઉપયોગ સચોટ રીતે રહ્યો છે.
૬. શિલ્પશાસ્ત્ર :
લાકડું, પત્થર, ધાતુ અને માટીમાંથી ઉત્તમ શિલ્પકૃતિઓનું નિમાર્ણ ભારતમાં હજારો વર્ષથી થતું આવ્યું છે. આવા ઉત્તમ શિલ્પના નમૂના પોતાના મ્યુઝિયમ માટે ભારતમાંથી ચોરી ગયા બાદ ભારત તો પછાત દેશ છે, પ્રજામાં કુશળતા નથી તેવો યુરોપિયન અને અમેરિકનોનો વહેમ હજી પણ દૂર થતો નથી. લાખો પરિવારોએ તદ્દન ટાંચા સાધનોની મર્યાદા અતિક્રમીને જે શિલ્પકાર્ય કર્યું છે તે અજોડ છે.
૭. હસ્તકળા, હાથશાળ :
સમગ્રભારતના ગામડે ગામડે કારીગરો દ્વારા અનેક પ્રકારના વણાટ, ભરત, ગુંથણ, શિલ્પ, ઘડતર અને કુદરતી રંગોના સંયોજન સાથે જે કલાકૃતિઓનું નિર્માણ થતું રહ્યું છે તે દર્શાવે છે કે ડિઝાઈનની બાબત હોય કે બારીક કામ હોય ભારતમાં હાથશાળ અને હસ્તકળાની સિદ્ધિ અનેરી છે. સૌથી નોંધપાત્ર બાબત તો એ છે કે આ કલા માત્ર કલા માટે ન રહેતાં લોકજીવન સાથે વણાય ગઈ છે. ગુજરાતની અનેકાનેક લોકકલાઓને ડૉ. જોરાવરસિંહ જાદવે દસકાઓની જહેમત બાદ ગ્રંથસ્થ કરી આપી છે.
૮. વાસ્તુશાસ્ત્ર (આર્કિટેકચર) :
આપણે જ્યારે આપણા પ્રાચીન મંદિરો જોઈએ છીએ ત્યારે આપણા પૂર્વજોએ બહુ થોડા સાધનોની સહાયથી જે ઉત્તમ નિર્માણકાર્ય કર્યું છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જવાય છે. કમનસીબે ધર્મના ઝનૂનમાં માનવજાતિના આ અનોખા વારસાને નષ્ટ કરવાની સેંકડો વર્ષની વિનાશકારી વૃત્તિ બાદ પણ જે બચ્યું છે તે અંગેની મહત્તા લોકો પિછાણી શકતા નથી. સદ્નસીબે આજે આ ક્ષેત્રમાં લગભગ સંપૂર્ણ કહી શકાય તેવું દસ્તાવેજીકારણ થયું છે. ગુજરાતના મોટા ગજાના વિદ્વાન પદ્મભૂષણ શ્રી મધુસૂદનભાઈ ઢાંકીએ મંદિરોના નિર્માણનું પ્રાચીનશાસ્ત્ર ખૂબ વિગતે આપણી સમક્ષ મૂક્યું છે. મંદિરોની ભવ્યતા તો સૌ કોઈ જોઈ શકે છે પણ તેના નિર્માણમાં કોઈ ધાતુ-સિમેન્ટના ઉપયોગ વિના આટલી ઉંચાઈ અને વજન માટે એન્જિનીયરીંગ ગણતરી સાથે જે ડિઝાઈનો નક્કી કરી છે તે આજે પણ અમલમાં મૂકી શકાય છે. ઈન્ટરનેટ પર ભારતના અનોખા મંદિરોની વિગતો હવે તો સચિત્ર રીતે સહેલાઈથી ઉપલબ્ધ છે. ભાવિ પેઢી આ વિષયનો રસ૫ૂર્વક અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
૯. રસાયણશાસ્ત્ર :
નાલંદા વિશ્વ વિદ્યાલયના બૌદ્ધ આચાર્ય શ્રી નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના પિતા માનવામાં આવે છે. ‘રસરત્નાકર’ અને ‘‘આરોગ્ય મંજરી’’ જેવા ગ્રંથોના નિર્માણ દ્વારા તેમણે અમૂલ્ય વારસો આપ્યો છે. ખનીજ, વનસ્પતિ, ધાતુઓના રસાયણોને અર્ક કે ભસ્મ સ્વરુપે વાપરવાની તેમની શોધની અસર માત્ર જૂના આયુર્વેદ પૂરતી સીમિત નથી. આજે દવા ઉદ્યોગમાં જે રીતે મોલેક્યુલ (પરમાણુ)નું મહત્ત્વ છે તેનો ઉલ્લેખ જ નહીં પણ અમલમાં મૂકી શકાય તે માટે તેમના ગ્રંથોનું અધ્યયન જરૂરી છે.
૧૦. પ્રજનન શાસ્ત્ર :
કામસૂત્ર, યોગશાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, કાળગણના સહિત અનેક વિજ્ઞાનની શાખાઓમાં પ્રાચીન ઋષિઓના ગ્રંથોમાં સમાયેલું જ્ઞાન પ્રકાશમાં લાવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં જેમણે સંશોધન કરવું છે, નવા વિસ્તારનું ખેડાણ કરવું છે તેમને માટે આ પ્રાચીન ઋષિઓનું જ્ઞાન અવશ્ય ઉપકારક સાબિત થાય તેમ છે. કમનસીબે આપણી શિક્ષણ પ્રણાલીને આ તરફ જોવાની વૃત્તિ નથી, ફુરસદ નથી.
૧૧. વિજ્ઞાન-ટૅકનોલોજી સાથે આ દેશમાં કૃષિ, પશુપાલન, જળસંગ્રહ અને ઉપયોગ અંગે જે પ્રગતિ થઈ હતી તેનું સર્વગ્રાહી દસ્તાવેજીકરણ ઉપલબ્ધ નથી. આજે પ્રાકૃતિક ખેતી માટે સૌ ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે પ્રાચીન ભારતની કુદરતની સાથે તાલમેલ મિલાવતી કૃષિ પદ્ધતિનું પુનઃમુલ્યાંકન થઈ રહ્યું છે તે આવકાર્ય છે. આપણા દેશના અમુક લોકો પ્રાચીન સિદ્ધિઓના ગુણગાન કરવામાં અતિશયોક્તિ પણ કરે છે. આપણા પૂર્વજો સઘળું જાણી ચૂક્યા હતા. તેવી ભ્રામક માન્યતા ખતરનાક છે. જ્ઞાનના સીમાડાઓ સતત વિસ્તરતા જ રહે છે. તેમાં પૂર્ણ વીરામ મૂકી દેવાની મુર્ખામી કરવા જેવી નથી.
ઋગવેદની ભાવના પ્રમાણે સર્વ દિશામાંથી શુભ વિચારો આવતા રહે તે માટે મનની બારીઓ ખુલી રાખવી અનિવાર્ય છે. સંગીત, ભાષા, વિજ્ઞાન, ચિત્રકામ, નૃત્ય, નાટક જેવા ક્ષેત્રોમાં પ્રાચીન વિદ્યાઓનું નવજાગરણ થઈ ચૂક્યું છે. આજ ધોરણે વિજ્ઞાન અને ટૅકનોલોજીના ક્ષેત્રમાં જૂના અને આપણી પર થોપી બેસાડેલા પૂર્વગ્રહોને દૂર કરીને આપણા ભવ્ય વારસાને ઉજાગર કરવાનો પડકાર આપણી સમક્ષ છે.
નવી શિક્ષણનીતિ આ હકીકતનો સ્વીકાર કરે છે. જરૂર છે આપણા જનસમાજની માનસિકતા બદલીને ‘જૂનું તે સોનું’ કહેવતનું હાર્દ સમજીને આપણે ભારતના વિકાસને ઝડપી બનાવવામાં અને આર્થિક મહાસત્તાનું સ્વપ્ન સાકાર કરવામાં આપણી વિરાસતનો ઉપયોગ કરીએ તો સારું.
Comments
Post a Comment