ગુજરાતના ડૉ. નવનીત ફોજદાર

                                                                  પ્રવીણ ક. લહેરી

ગુજરાતના આદિવાસીઓના ઉત્કર્ષના કામની શરુઆત શ્રી ઠક્કર બાપાએ કરી. ત્યારબાદ લગભગ તમામ આદિવાસી પ્રદેશોમાં રચનાત્મક કાર્યક્રમ અને સર્વોદય યોજના હેઠળ શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં અને જનજાગૃતિ થકી અંધશ્રદ્ધા ઓછી કરી આદિવાસી ભાઈ-બહેનોના વ્યક્તિત્વ વિકાસ અંગે જે નોંધપાત્ર કામગીરી થઈ છે તેનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ થાય તે ખૂબ જરૂરી છે. આદિવાસી માટે વિકાસ અને કલ્યાણની કામગીરી કરનારા સંખ્યાબંધ શ્રેયાર્થી સામાજિક નિસ્બત ધરાવતા કાર્યકરોની સંખ્યા મોટી છે. જો કે સાથે સાથે આપણે એ વાતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાતી આર્થિક ઉન્નતિના ફળો આદિવાસી સમાજ સુધી જે રીતે પહોંચવા જોઈએ તે પહોંચ્યા નથી. મારી પ્રથમ ક્ષેત્રિય નિમણૂક વલસાડ પ્રાંત અધિકારી તરીકે થઈ ત્યારે તે પ્રાંતના ચાર તાલુકા વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગામમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું હતું. ઈન્ડિયન ઈન્સિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ અમદાવાદ દ્વારા ધરમપુરના વિકાસ માટે એક વિસ્તૃત અહેવાલ તૈયાર થયો હતો તે અહેવાલની ચર્ચા ખૂબ થઈ પણ અમલમાં અનેક અંતરાયો આવ્યા. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની અલગ રચના થઈ ત્યારે આદિવાસી વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ હતો. જંગલની પેદાશો એકઠી કરીને, ખૂબ અલ્પ જમીન પર રાગી, નાગલી, ચારોળી, મહૂડા, વાંસ, કરગઠીયા વગેરે દ્વારા આદિવાસી પરિવાર કશા જ પરિગ્રહ વિના રોજ જે મળે તે ખાઈને ગુજરાન ચલાવતો હતો. જુદા જુદા સ્થળે અઠવાડીયાના નિશ્ચિત દિવસે ભરાતાં હાટમાં વિનિમય (બાર્ટર) પદ્ધતિથી વસ્તુઓની લે-વેચ થતી હતી. આ વ્યવસ્થામાં નિરક્ષર અને અલ્પ માહિતી ધરાવતાં આદિવાસીઓનું શોષણ થતું નથી. ૧૦૦-૧૨૫ ઇંચના વાર્ષિક વરસાદની સરેરાશ બાદ ઉનાળામાં પાણીની તંગી, (ટેકરી પરના ગામોએ ૨૦૦-૪૦૦ ફૂટ નીચેથી પાણી લાવવું પડે) અનાજનો અભાવ, રતાંધળાપણું બિમારીઓ અને અકાળ મૃત્યુ સામાન્ય હતાં.

આવી વિષમ પરિસ્થિતિમાં ડૉ. નવનીતભાઈ રોગોની સારવાર સાથે ખૂબ ધીરજ અને ખંતથી આદિવાસીઓની આર્થિક સલામતી માટે ત્રણ મહત્ત્વના કાર્યો કર્યાં. તેમણે આદિવાસી પરિવારોને ચોમાસામાં પાકેલા અનાજને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટે માર્ગદર્શન આપ્યું. ૧૯૭૧ના ઉનાળામાં અનાજની તીવ્ર તંગી વચ્ચે દાતાઓ મારફત નિઃશુલ્ક અનાજનું વિતરણ કરાવ્યું. સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં ‘ખાવટી’ તરીકે ઉછીનું ઉનાળામાં લીધેલું અનાજ બીજા શિયાળામાં પરત આપવાની શોષણપ્રથાને નવું રુપ આપ્યું. આદિવાસીઓને સમજાવ્યું કે જો એક ટોપલો અનાજ લઈ જાઓ તો એક ટોપલો જ પરત આપવાનું. આદતવશ ભલાભોળા આદિવાસીઓએ જ્યારે સ્વેચ્છાએ બે થી ત્રણ ગણું અનાજ જમા કરાવ્યું ત્યારે તેમણે અનાજ બેંક સ્થાપી. જરૂરિયાતમંદ આદિવાસીઓને કોઈ પૂર્વ શરત વિના અનાજ આપવાનું શરું કરતાં ખાનગી શાહુકારો અને હાટના વેપારીઓનું આદિવાસીઓની લુંટફાટનું પ્રમાણ ખૂબ ઘટી ગયું. ડૉ. નવનીતભાઈએ ધીમે ધીમે આદિવાસીઓને આજના જમાનામાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી અક્ષરજ્ઞાન આપવા ભગીરથ પુરુષાર્થ કર્યો. ભુવાના ઈલાજની જગ્યાએ આધુનિક એલોપથીની દવાની અસરથી તેમને વાકેફ કર્યાં. ડૉ. નવનીતભાઈની ખૂબી એ હતી કે તેઓ ત્યાંની વિષમ પરિસ્થિતિથી દુઃખી થવાના બદલે આદિવાસીઓ સાથે તેના સુખ દુઃખમાં સાથે રહીને ધીમે ધીમે તેઓમાંથી ભય, અંધશ્રદ્ધા અને વહેમો કેમ નિર્મૂળ થાય તેની કાળજી કરી. જ્યાં જીવન સાવ પછાત અવસ્થામાં હોય, માનસિકતા અલગ હોય, ભાષા-બોલી જુદા હોય, શોષણની માયાજાળ મજબૂત હોય, દુઃખ કોઠે પડી ગયું હોય તેવા સમાજમાં પરિવર્તન લાવવામાં જે પરિશ્રમ પડે તે જહેમત ડૉ. નવનીતભાઈએ સ્મિત સાથે સ્થિતપ્રજ્ઞ ભાવે કરી. તેના જે સાક્ષીઓ છે તેમને ડૉ. નવનીતભાઈ માટે અનન્ય આદરભાવ હોય તે સ્વાભાવિક છે.

ડૉ. નવનીતભાઈએ જીવનના અમૂલ્ય વર્ષો, પોતાનું સંપૂર્ણ જ્ઞાન અને શક્તિનો ઉપયોગ સૌથી પછાત વિસ્તાર અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે કર્યો. તેમનું આ કાર્ય અજોડ અને એ રીતે છે કે જે જગ્યાના નામોથી આપણે આજે પણ અજાણ છીએ, જ્યાં એક રાત ગાળવી પણ મુશ્કેલ હતી ત્યાંના સમાજ સાથે સમરસ થઈને તેમણે માણસાઈના દીવાઓ પ્રગટાવ્યા. સર્વોદય પરિવાર થકી આજે પણ શ્રી પ્રકાશભાઈ શાહ (પ્રશાંત ઉદ્યોગ ગૃહ અને તેમના પત્ની શ્રીમતી સુરેખાબેન) દ્વારા ડૉ. નવનીતભાઈના સેવાયજ્ઞમાં આહૂતિ આપવાનું કામ ચાલુ છે. ગુજરાતમાં રાષ્ટ્ર્‌ીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ પૂજ્ય રવિશંકર મહારાજના જીવનકાર્યો માટે બે પુસ્તકો લખ્યા. ‘માણસાઈના દીવા’ અને ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’ હકીકતમાં વીસમી સદીમાં ગુજરાતમાં ગાંધીજીના આગમન પહેલાં અને ત્યારબાદ ગ્રામોત્થાન માટે અને વંચિતોની સેવા માટે એટલી મોટી સંખ્યામાં સમર્પિત કાર્યકરોએ જે પ્રદાન કર્યું છે તેની સંપૂર્ણ માહિતી સાથેનો ગ્રંથ તૈયાર કરીએ તો કદાચ તેનું કદ મહાભારતથી મોટું થાય. આનંદની વાત એ છે કે ગુજરાતની મહાજન પરંપરા અને લોકસેવાની સરવાણી આજે પણ જળવાય રહી છે. ગુજરાતની આર્થિક સિદ્ધિઓને ગુજરાત મૉડેલના શિર્ષકથી ઓળખીએ છીએ તેમાં સામાજિક ન્યાય અને વંચિતોના વિકાસના માપદંડો ઉમેરવા હોય તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને આજીવન સેવાના ભેખધારી લોકસેવકોનું પ્રદાન અગ્રસ્થાને રાખવું પડે.

ડૉ. નવનીતભાઈ ફોજદારે આદિવાસી સેવાના જે સીમાચિહ્નો સ્થાપ્યા છે તે સાકાર કરવાનો પડકાર આપણી સામે છે જે દેશનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અંગે ભાઈચારાના ૪ પાયાઓ પર રચાયેલું હોય ત્યારે આ પાયાને મજબૂત કરવા માટે સર્વસ્વ અર્પણ કરી દેવાનો આદર્શ ઉદાત્ત છે. નિવૃત્તિના સમયમાં નવરાશે ઘણાં વિચારો આવે. શ્રોફ પરિવારના શ્રુતિબહેન હોય કે ડાંગના ઘેલુભાઈ નાયક, જુગતરામકાકા હોય કે બબલભાઈ મહેતા, ઈન્દુલાલ યાજ્ઞિક હોય કે રવિશંકર મહારાજ, પુષ્પાબેન મહેતા હોય કે ચારુબહેન યોદ્ધા, ઈલાબેન ભટ્ટ હોય કે મૃદુલાબેન સારાભાઈ, લલ્લુભાઈ શેઠ હોય કે માલજીભાઈ દેસાઈ, ગુજરાતમાં ખૂણે ખૂણે ગાંધી માર્ગે ચાલીને છેવાડાના માણસ સુધી વિકાસની ગંગાનું જળ પહોંચાડવામાં જેમણે તપ કર્યું છે તે સૌના પ્રતિનિધિ તરીકે ડૉ. નવનીતભાઈ ફોજદારનું જીવન શતપ્રતિશત શ્રેયાર્થીની સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે.

મને સરકારને એક સૂચન કરવાનું મન થાય છે. રાજ્યના તમામ રાજ્યપત્રિત અધિકારીઓને દર પાંચ વર્ષે પંદર દિવસ માટે આદિજાતિ વિસ્તાર, રણપ્રદેશ, કાંઠાના પ્રદેશમાં કામ કરતી સંસ્થામાં રહી કામગીરી કરે તો સમગ્ર વહીવટી તંત્રમાં એક સંવેદનાની જ્યોત પ્રગટશે. આજે તો આપણે શહેરીજનો ભૌતિક સુખ-સુવિધાઓથી એટલા ચકાચૌધ થઈ ગયા છીએ કે આપણને ગરીબો, વંચિતો, શોષિતો અને રોગીઓની દુર્દશા પ્રત્યે ધ્યાન આપવાની ફુરસદ નથી, ઈચ્છા નથી. આ કરુણ સ્થિતિમાંથી આપણે જેટલા વહેલાં બહાર આવશું તેટલો ગુજરાતનો સર્વાંગી વિકાસ ઝડપી થશે અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક થશે. 

Comments

Popular posts from this blog