બજેટ - ૨૦૨૩-૨૪

                                                                        પ્રવીણ ક. લહેરી

કવિ હરિન્દ્ર દવેની ક્ષમાયાચના સાથે આપણે એમ કહી શકીએ કે બજેટ તો હંમેશાં સારું જ હોય છે, સૌની અપેક્ષ વધારે પડતી હોય છે. બજેટ એ સરકારના વાર્ષિક હિસાબો - આવક-જાવકનું પત્રક છે. આ હિસાબોની વિગતમાં લાખો માણસોને ન તો રસ પડે કે ન તો પૂરી સમજણ પડે. આમ છતાં ૧લી ફેબ્રુઆરીએ સવારે ૧૧-૦૦ વાગે ટેલીવિઝન જોવાવાળાની સંખ્યા દર વર્ષે નવા વિક્રમો સર્જે છે. નાણાંમંત્રીનું બજેટ પ્રવચન સાંભળવાની ઈન્તેજારી ચરમસીમાએ હોય ત્યારે વિશ્લેષકો પોતાના જ્ઞાનના પ્રદર્શન અર્થે ચર્ચાઓમાં નિતનવા વિધાનો કરતાં રહે. આ ચર્ચાથી સામાન્ય નાગરિકને સ્પષ્ટતા મળવાની વાત તો દૂર રહી પણ ચર્ચામાં થતી ફેંકાફેંકથી ગુંચવણો વધે છે. રાજકીય પક્ષો અને આગેવાનો માટે તો શું કહેવું તે બજેટ પ્રવચન સાંભળ્યા વિના નક્કી જ હોય છે. સત્તાધારી અને સાથી પક્ષો માટે બજેટ સોનાનું અને વિરોધ પક્ષ માટે કથીરનું. બંધારણની જોગવાઈ પ્રમાણે સંસદની મંજૂરી વિના સરકાર ન તો કર નાખી શકે કે ન તો કોઈ ખર્ચ કરી શકે. ફાઈનાન્સ બીલ, નાણાં ખરડાનું મહત્ત્વ છે. કારોબારી માટે સંસદની મંજૂરીની મહોર અનિવાર્ય છે.

અગાઉના વર્ષોમાં બજેટ રજૂ થયા બાદ સંસદમાં દરેક મંત્રાલયના ખર્ચ અંગે વિસ્તૃત ચર્ચા થતી હતી. ખર્ચમાં કાપ દરખાસ્તો રજૂ કરી વિરોધ પક્ષ સરકારી નીતિઓ અને ખર્ચ સામે અસરકારક રીતે પ્રશ્નો ઉઠાવતા હતાં. જેમ જેમ બજેટનું નાણાંકીય કદ વધતું ગયું તેમ તેમ સંસદનો અંકુશ ઘટતો ગયો છે. થોડા વર્ષો બજેટની વિસ્તૃત ચર્ચા થાય તે માટે દરેક મંત્રાલયના બજેટની તલસ્પર્શી ચકાસણી કરવા માટે ૧૫ સભ્યોની સંસદીય સમિતિઓની રચના કરવામાં આવી. આમ છતાં આજે જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪નું રૂા.૪૫ લાખ કરોડનું બજેટ રજૂ થયું છે તેની ખર્ચની જોગવાઈઓ કે કરવેરાના ફેરફારોની વિગતવાર ચર્ચા કરવાનો અવકાશ છે ? આ પ્રશ્નનો ઉત્તર નકારમાં કારણ કે બજેટમાં મંત્રાલયોની માંગણીઓ, ખર્ચનો અને આવકનો હિસાબ, અંદાજ, મંત્રાલયનો વહીવટી અહેવાલ વગેરે પર ચર્ચા કરવા માટે ખૂબ લાંબો સમય જુએ. અલબત્ત અનેક નાણાંકીય કંપનીઓ બજેટનું વિશદ્‌ વિશ્લેષપણ કરી વિવિધ મુદ્દાઓની સ્પષ્ટતા અને અર્થઘટન સાથે ખૂબ આકર્ષક અહેવાલો તૈયાર કરે છે. અમુક વર્તમાન પત્રો પણ ખૂબ ઝીણવટભર્યા અભ્યાસ બાદ બજેટના સૂચિતાર્થ અંગેના રસપ્રદ લેખો તૈયાર કરે છે. આ પૂર્વભૂમિકા સાથે આપણે કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટની જોગવાઈઓની ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ સરકારની આવક-જાવકના આંકડાઓ અંગે ધ્યાન આપવું ઉચિત રહેશે.

(૧) કેન્દ્ર સરકારે પોતાની મહેસૂલી (રૅવન્યુ) આવકનો અંદાજ રૂા.૨૬.૩ લાખ કરોડનો રાખ્યો છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજ રૂા.૨૩.૫ લાખ કરોડનો હતો. કોરોના પછી ધબકતું થયેલું અર્થતંત્ર ધ્યાને લઈએ તો મહેસૂલી આવકમાં રૂા.૨.૮ લાખ કરોડનો વધારો જે ૧૨ ટકા જેટલો છે તેના કરતાં સરકારને વધારે મહેસૂલી આવક થવાની સંભાવના છે.

(૨) આગામી વર્ષ (૨૦૨૩-૨૪)માં કેન્દ્ર સરકારે મહેસૂલી ખર્ચ માટે રૂા.૩૫ લાખ કરોડનો અંદાજ મૂક્યો છે. અગાઉ વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ રકમ રૂા.૩૪.૬ લાખ કરોડની દર્શાવી છે. અગાઉના ખર્ચમાં માત્ર ૪૦ હજાર કરોડનો વધારો દર્શાવ્યો છે તે અંદાજ ઓછો છે. મોંઘવારીનો એક હપ્તો ચૂકવવામાં જ આ રકમ વપરાય જાય તેવું છે. મોંઘવારીને કારણે સરકારને પેટ્ર્‌ોલ, ડિઝલ, વીજ બીલ, સ્ટેશ્નરી, પ્રવાસ વગેરે ખર્ચમાં વધારો થવાની શક્યતા આ અંદાજમાં સમાવી હોય તેવું દેખાતું નથી. સરકાર માટે ખૂબ કાળજીથી મહેસૂલી ખર્ચમાં કરકસર/કપાત કરવાનો સમય છે. પ્રજાના કરનો એક રૂપિયો પણ બીનજરૂરી મહેસૂલી ખર્ચમાં ન વેડફાય તો આપણને સુશાસન મળ્યું કહેવાય.

(૩) વર્ષ ૨૦૨૨-૨૩માં મહેસૂલી ખાદ્ય ગણવા માટે આવક રૂા.૨૩.૫ લાખ અને ખર્ચ રૂા.૩૪.૬ લાખ કરોડ બજેટમાં રીવાઇઝ આંકડા સાથે રજૂ થયું છે. તે આધારે મહેસૂલી ખાદ્ય રૂા.૧૧.૧ લાખ કરોડ થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજોમાં ખર્ચ રૂા.૩૫ લાખ કરોડનો  અને ખર્ચ આવકનો અંદાજ ૨૩.૫ કરોડ છે જેથી મહેસૂલી ખાદ્ય રૂા.૧૧.૫ લાખ કરોડની અંદાજી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં મૂળ અંદાજમાં રૂા.૯.૯ લાખ કરોડની ખાધનો અંદાજ હતો તે વાસ્તવમાં રૂા.૧૧.૧ લાખ કરોડ થયો છે. આ દર્શાવે છે કે આવક-જાવકના વાસ્તવિક આંકડાઓમાં ફરી નોંધપાત્ર તફાવત જોવા મળશે. મહેસૂલી ખાદ્ય કુલ રાષ્ટ્ર્‌ીય આવકના ૩ ટકા રાખવી કે ૬ ટકા એ અંગે અર્થશાસ્ત્રીઓના જુદા જુદા મંતવ્યો હોય શકે પણ મારો નમ્ર મત છે કે જેટલી મહેસૂલી ખાદ્ય ઓછી તેટલું  સારું. જેટલું જાહેર દેવું ઓછું તેટલું પ્રજા માટે ભવિષ્ય સારું. આજે સમગ્ર વિશ્વમાં સરકારો અને ધનકુબેરોમાં ઉધારીમાં આગળ નીકળવાની હોડ લાગી છે ત્યારે મારી આ વાત નગરખાનામાં તતૂડીના અવાજ જેમ નહીં સંભળાય તેનો શું અફસોસ કરવો ?

(૪) મૂડી ખાતામાં સરકારે રૂા.૧૭.૪ લાખ કરોડની આવક અંદાજી હતી. (વર્ષ ૨૦૨૩-૨૪) પણ સરકારને આ સદરે માર્ચના અંત સુધીના રૂા.૧૮.૪ લાખ કરોડની આવક થવાની ધારણા છે. બીજા શબ્દોમાં સરકાર કોઈ અકસ્યામત વેચીને કે દેવું કરીને રૂા.૧ લાખ કરોડ વધારાના એકત્ર કરશે. હવેના વર્ષમાં ૨૦૨૩-૨૪માં સરકારે મૂડી ખાતાની આવકમાં રૂા.૩૦ હજાર કરોડનો  વધારો દર્શાવી રૂા.૧૮.૭ કરોડ દર્શાવી છે. મૂડી ખર્ચ ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માં મૂળ અંદાજ હતો રૂા.૧૦.૭ લાખ કરોડનો પણ સુધારેલા અંદાજમાં તેમાં રૂા.૨૦ હજારનો ઘટાડો કરી રૂા.૧૦.૫ લાખ કરોડ દર્શાવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં સરકારે રૂા.૧૩.૭ લાખ કરોડનો ખર્ચ દર્શાવી બજેટમાં રેલ્વે, રસ્તા, પ્રવાસન સ્થળો, ડિઝીટલ હબ સહિત અનેક આંતરમાળખાકીય સુવિધા માટે વિશેષ ખર્ચ કરવાની જોગવાઈ કરી છે તે આવકાર્ય છે. મૂડી ખર્ચથી અર્થતંત્રને ગતિ મળે છે. રોજગારીનું સર્જન થાય છે. સરકાર મૂડી ખાતામાં રૂા.૧૮.૭ લાખ કરોડની આવક સામે રૂા.૧૩.૭ લાખ કરોડનો ખર્ચ દર્શાવે છે. આ દર્શાવે છે કે મૂડી ખાતામાંથી લગભગ પ લાખ કરોડ મહેસૂલી ખર્ચમાં જશે. સારા બજેટમાં મહેસૂલી આવકનો વધારો કેપિટલ ખર્ચમાં વપરાય તો સરકારને દેવું ઓછું કરવું પડે. ગુજરાતના બજેટમાં વર્ષોથી મહેસૂલી સરપ્લસ જોવા મળે છે તેવું કેન્દ્ર સરકારમાં પણ જોવા મળે તેવું જરૂર ઈચ્છીએ.

ઘણાં વિશ્લેષકોના અભિપ્રાય મુજબ ૧૯૯૦ના ઉદારીકરણના બજેટ બાદ અને નિઃશંક રીતે ૨૦૧૪ બાદ કેન્દ્ર સરકારનું આ બજેટ શ્રેષ્ઠ છે. આ બજેટ દ્વારા કેન્દ્ર સરકારે ખાદ્ય અને દેવાના આંકડા અંકુશમાં રાખી વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે સારી કાળજી કરી છે. સ્વાભાવિક રીતે કોઈપણ નાણાંમંત્રી ૧૪૨ કરોડની જનતામાંથી સૌની અપેક્ષાઓ ન સંતોષી શકે પણ ડૉ. નિર્મલા સિતારામને આ બજેટમાં સમાજના વિવિધ વર્ગોને રાહત મળે, લાભ થાય તે માટે નાણાંકીય વ્યવસ્થા કરી છે. સમગ્ર વિશ્વ જ્યારે મંદીના ઓથાર નીચે જીવી રહ્યું છે ત્યારે ભારત સરકારે આ બજેટ દ્વારા વિકાસને વેગવંતો રાખીને દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં શક્ય તેટલી કાળજી કરી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ ૨૦૪૫ની શતાબ્દી વચ્ચેના ‘અમૃતકાળ’નું આ બજેટ અનેક રીતે વિશિષ્ટ છે, આગવું છે. આ બજેટની વિવિધ યોજનાઓની ચર્ચા હવે પછી કરીશું. હાલ તો બજેટને ઉજ્જવળ ભવિષ્યની આલબેલ સાથે આવકારીએ.                                                                                 

Comments

Popular posts from this blog