ન્યાયતંત્રના પડતર કેસોના નિકાલ માટેના જરૂરી પગલાંઓ
પ્રવીણ ક. લહેરી
આપણા સૌની સહિયારી ચિંતા છે કે ભારતમાં ન્યાયપ્રક્રિયા અતિશય ધીમી હોવાથી પાંચ કરોડ પડતર કેસો સાથે વિશ્વમાં આપણી છાપ બગડી રહી છે. આ માટે જુદા જુદા કારણો આપીને એક બીજા પર દોષારોપણ કરવાના બદલે ચોક્કસ પગલાંઓ લઈએ તો એક જ વર્ષમાં આપણને સંતોષકારક પરિણામો મળશે તેમાં શંકા રાખવા જેવું નથી.
સૌથી પ્રથમ તો ૩૦ થી કે તેથી વધારે વર્ષ જૂના અને ૨૦ કે તેથી વધારે જૂના કેસોની સંપૂર્ણ યાદી બનાવી ઈન્ટરનેટ પર મૂકી સ્પષ્ટ જાણ કરવી જોઈએ કે વિવાદી-પ્રતિવાદી, ફરિયાદી કે આરોપીએ આ કેસોના નિકાલ માટે પૂર્ણ સહકાર આપવાનો છે. વકીલોએ પણ આ કેસોમાં મુદત ન માંગતા તેના શીધ્ર નિકાલમાં સહયોગ આપવાનો છે. દરેક જજ કે મેજિસ્ટ્ર્ેટ એક માસમાં ૨૦ વર્ષથી જૂના પાંચ-પાંચ કેસોનો નિકાલ કરે તો એક વર્ષમાં અતિ જૂના કેસોનું નિરાકરણ આવે. અમુક કિસ્સામાં પક્ષકારો ગુજરી ગયા હોય, વારસોની વિગતો મળતી ન હોય, પક્ષકારોને સ્થળાંતરના કારણે નોટિસો બજતી ન હોય, જેના લાભમાં મનાઈ હૂકકમ હોય તે પક્ષકાર જાણી જોઈને વિલંબ કરતાં હોય ત્યાં વહીવટીતંત્ર સાથે જિલ્લાકક્ષાએ સંકલન સાધીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શકાય.
આ ઉપરાંત સામાન્ય સજા પામે તેવા ગુન્હાઓમાં વર્ષોથી જામીનના અભાવે જેલમાં બંધ તેવા તમામ આરોપીને કોર્ટમાં સાંભળી તેમણે મહત્તમ સજા કરતાં વધારે જેલવાસ અન્ડરટ્ર્ાયલ મુકદ્દમા પહેલાં ભોગવ્યો છે તો તેને હવે બીનશરતી છોડી મૂકવા જોઈએ. જે ફોજદારી કેસોમાં ક્ષણિક કારણસર કે આંદોલનમાં ભાગ લેવા માટે, નશાબંધી ધારાના ભંગ માટે, ટ્ર્ાફિક નિયમના ભંગ માટે કાર્યવાહી બાકી હોય તેમાં સમૂહમાં આરોપીઓને બોલાવીને દંડ કરીને કેસો બંધ કરવા જોઈએ. આ ઉપરાંત જે સાવ નજીકની બાબતમાં થયેલ કેસોમાં સમય જતાં ન તો ફરિયાદી કે ન તો આરોપીને રસ લે છે. આવા નોનકોગ્નીઝિબલ અને બેઈલેબલ કેસોનો ઉપલબ્ધ રેકર્ડ તપાસીને કેસ ચાલુ રાખવા યોગ્ય છે કે બંધ કરવા યોગ્ય તે નક્કી કરવું જોઈએ. અનેક ફરિયાદો બીનજરૂરી રીતે સામાને હેરાન કરવાના ઈરાદાથી થઈ હોય ત્યાં તેવી ફરિયાદો રદ કરવામાં સંકોચ રાખવાનું કોઈ કારણ નથી.
જિલ્લા અને તાલુકાકક્ષાએ જે કેસો પડતર છે તેમાં જૂના કેસોને અગ્રતા આપી જરૂર જણાયે તેના ઝડપી નિકાલ માટે લોકઅદાલતો યોજીને પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ. ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ સંપાદન બદલ મળેલા વળતરથી નારાજ થઈને લાખો ખેડૂતોએ જિલ્લા કોર્ટમાં રેફરન્સ - વળતર વધારવા કેસો કરેલા. સરદાર સરોવર નર્મદા નિગમ પર કરોડો રૂપિયનો બોજો અને તેના પર વ્યાજનો ભાર આવે તેવી ગંભીર સ્થિતિ હતી. ગુજરાત સરકારે નિવૃત્ત હાઈકોર્ટ જજ શ્રી ડી. કે. ત્રિવેદી સાહેબ, નિવૃત્ત કાયદા સચિવશ્રી પ્રભાકર ધોળકીયા સાહેબ અને નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી મહેન્દ્ર બુચના સભ્યપદે એક કમિટીની રચના કરી ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો સાથે જમીન સંપાદન વળતરના કેસો લોકઅદાલત જેવી ઝડપી સુનાવણી કરી સમાધાનકારી વલણથી પડતર દાવાઓનો નિકાલ કરવાનો હતો. દસ દસ વર્ષના અથાક પરિશ્રમ સાથે આ કમિટીએ અનેક જિલ્લા કોર્ટોમાં પડતર હજારો કેસોમાં સમાધાનપત્ર (પુરશીસ) દાખલ કરી તેનો સૌને સંતોષ થાય તે રીતે જાહેર હિતની કાળજી સાથે નિકાલ કરી દર્શાવ્યો છે. કમનસીબે સરકાર ન તો આ કાર્યને બિરદાવતી કે ન તો તે ધોરણે અન્ય કેસોના નિકાલ માટે વ્યવસ્થા કરતી. આ એક દુઃખદ હકીકત છે. આશા રાખીએ કે વ્યવહારિક અને મદદરૂપ થવા મથતા મુખ્યમંત્રીશ્રી આ બાબતે ગુજરાતમાં સરકાર સામેના કેસોનો ઝડપી ઉકેલ લાવી એક નવો વિક્રમ સ્થાપશે. ગુજરાત વહીવટમાં નવી પહેલ અને પ્રયોગ કરવામાં અગ્રેસર છે તો ન્યાયપાલિકાના સહયોગમાં ગુજરાતમાં ન્યાયની પ્રક્રિયા એક ઉદાહરણરૂપ બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે. આપણા ન્યાયતંત્રમાં કેસોમાં બીનજરૂરી રીતે સેંકડો કે હજારો કાગળો રજૂ કરવાની પ્રથા છે. આ સામે દરેક મુદ્દા પરત્વે પ્રસ્તુત હોય તેટલા જ પૂરાવા રેકર્ડ પર લઈને તે અંગે જરૂરી રજૂઆતો, દલીલો સાંભળીને શીધ્ર નિર્ણય કરવામાં આવે તો વિલંબ નિવારી શકાય.
લોકઅદાલતો મારફત આજે અકસ્માતના વિમા સહિત અનેક કેસોમાં એક જ દિવસે સેંકડો કેસોનો નિકાલ થાય છે. આ જ રીતે જુદા જુદા કેસોનું વર્ગીકરણ કરી તેની સુનાવણી ઝડપથી કરવામાં આવે અને સ્થળ પર જ ટૂંકો આદેશ આપવામાં આવે તો કેસોનો ઝડપી અને સંતોષકારક નિકાલ આવી શકે. ચુકાદામાં કાયદાની જોગવાઈઓ, પૂરાવાની છણાવટ પણ મુદ્દાસર કરી ચોક્કસ બાબતોના નિર્ણયો થાય તો હાલની ગુંચવણોભરી સ્થિતિમાં સરળતા આવે. જ્યાં જ્યાં અસીલો અને વકીલો વિલંબ કરતાંં જણાય ત્યાં જ્જે મક્કમતાથી તેમને કેસોમાં ઢીલ ન કરવા આદેશો કરવા જોઈએ. લોકઅદાલત સિવાય પણ ઘણાં કિસ્સામાં જજ્જ દ્વારા વકીલો અને અસીલોને સમાધાનની શક્યતાઓ તપાસવાનું સૂચન કરવામાં આવ્યા બાદ આપસની ચર્ચાથી સમાધાન થયાના પ્રસંગો અગણિત છે.
હાલની પદ્ધતિમાં દરેક કોર્ટ પહેલાં નવા કેસો-ફરિયાદો અંગે વિચારણા કરે છે. આ સંખ્યા એટલી મોટી હોઈ શકે છે કે દિવસ તેમાં જ પૂરો થઈ જાય છે. જૂના કેસોની સુનાવણી અદ્ધરતાલ રહી જાય છે. કેસો દાખલ કરવા માટે મર્યાદિત સંખ્યામાં જ્જો નક્કી કરી ઓછામાં ઓછા ૭૫ ટકા જજો અને મેજિસ્ટ્રેટો કેસોની નિયમીત સુનાવણી કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જે રીતે સેશન્સ કોર્ટમાં ફોજદારી કેસ પૂરા થાય ત્યાં સુધી દૈનિક ધોરણે સુનાવણી થાય છે તેમ તમામ કિસ્સાઓમાં સતત સુનાવણી અને નિકાલ એ એક જ માર્ગ ન્યાયને ઝડપી બનાવી શકશે. બેંકોમાં ભરાયેલા ચેકો નાપાસ થવાથી લાખો કેસો ફોજદારી કોર્ટમાં આવ્યા છે. હકીકતમાં આવા દરેક કેસમાં આરોપીને ત્રણ માસમાં ચેકની રકમ અદા કરવા ફરમાન કરવામાં આવે તો ઘણાં કેસોમાં ફોજદારી કાર્યવાહી નિવારી શકાય. અમેરિકામાં આવા કેસોમાં વ્યક્તિગત સુનાવણી પૂરાવાની જગ્યાએ ચોક્કસ ફોર્મમાં એફિડેવીટો મેળવીને નિર્ણય કરવામાં આવે છે. આનાથી સૌનો કિંમતી સમય બચે છે. અહીં તો દરરોજ હજારો બેંક મેનેજરો સુનાવણીની પ્રતીક્ષામાં કોર્ટમાં બેસી રહે છે. આનાથી બેંકોની કાર્યક્ષમતા ઘટી છે. ખાસ કરીને દૂર બદલી થયેલ મેનેજરની હાજરીનો આગ્રહ રાખવાથી બેંકને બીનજરૂરી ખર્ચ થાય છે.
આપણી ન્યાય પ્રક્રિયા વહીવટની જેમ આપણને બ્રિટન તરફથી વારસામાં મળી છે. આમાં નાગરિકની સગવડ-અગવડનો કશો વિચાર કરવામાં આવતો નથી. સેંકડો અરજદારોને ૧૧ વાગે બોલાવી આખો દિવસ બેસાડીને કેસો બોર્ડ પર નથી આવ્યા તેમ જણાવી સૌના સમયની બરબાદી સામાન્ય છે. ન્યાયતંત્ર પર કામનો બોજો છે પણ તેમાં મુખ્ય હિસ્સો આ પડતર કેસોનો છે. જ્યાં સુધી પડતર કેસોના ઝડપી અને યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી નાગરિકો માટે ન્યાય મેળવવાનો પડકાર વિકટ રહેશે.
કોર્ટમાં પડતર કેસોના મુદ્દે સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળોએ હવે સક્રીય થઈ સૌ સાથે સહયોગ કરીને સ્થિતિ સુધરે તે માટે કાર્યરત થવાનો સમય આવી પહોંચ્યો છે. આપણા રાષ્ટ્ર્પતિની સીધી, સાદી વાત કે સામાન્ય વાંકમાં આપેલ ગરીબ, અશિક્ષિત નાગરિકને ન્યાય આપવામાં આપણે શા માટે ઉપેક્ષા સેવીએ છીએ ? આ પ્રશ્નનો ઉકેલ શોધવો તે સૌની સહિયારી જવાબદારી છે.
Comments
Post a Comment