ન્યાયમાં વિલંબ અન્યાય બરાબર છે.
- પ્રવીણ ક. લહેરી
આપણું બંધારણ ન્યાય મેળવવાના નાગરિકના હક્કને તેનો એક મુળભૂતથ અધિકાર ગણે છે. ગમે તે પ્રકારની સરકાર હોય નાગરિકને સરકારી કામકાજમાં ઉપેક્ષા, વિલંબ, કિન્નાખોરી કે અન્યાયનો અભાવ થવાની સંભાવના સદૈવ રહેલી છે. જ્યારે કોઈપણ નાગરિક તેના હક્કથી વંચિત રહે અથવા કાયદા હેઠળના કરાર કે અધિકારો ભોગવી ન શકે ત્યારે તેને ન્યાયતંત્રના દરવાજે દસ્તક દેવાનો પ્રસંગ આવે છે. સરકાર કોઈને નિમણૂક કે પેન્શન આપવામાં અન્યાય કરે, પતિ-પત્ની કે પુત્ર દ્વારા ભરતપોષણ આપવાનો ઈન્કાર થાય, કરાર મુજબ બીજો પક્ષ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાય, કોઈના પર ઈન્ડીયન પીનલ કોડ - ભારતીય ફોજદારી દ્વારા હેઠળ ગુન્હાહિત કૃત્ય થાય અને આરોપીને સજા માટે કાર્યવાહી થાય, આવા તમામ કિસ્સામાં ફરિયાદી/અરજદારોને શીઘ્ર ન્યાય ન મળે તો શું સ્થિતિ થાય છે ? ફરિયાદી/અરજદારે કેટલું ભોગવવું પડે છે ? તે પ્રશ્નો અંગે આપણું ન્યાયતંત્ર તદ્દન બિનસંવેદનશીલ બની રહ્યું છે.
વર્ષ ૨૦૨૨ના અંતે આપણા દેશની તમામ કોર્ટોમાં સઘળાં પડતર કેસોની સંખ્યા પાંચ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આમાંથી ૮૫ ટકા કેસો અંદાજે ૪.૩ કરોડ કેસો જિલ્લા અને તેમનાથી નીચલી કોર્ટોમાં પડતર છે. ૧ લાખ ૭૦ હજાર કેસો તો ૩૦ કે તેથી વધારે વર્ષોથી પડતર છે. પડતર કેસોની સંખ્યામાં વિશ્વમાં ભારતનો ક્રમ એક છે. આઝાદીના ૭૫ વર્ષ અને બંધારણના ૭૨ વર્ષ બાદ આવી સ્થિતિ છે. પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. જ્યારે જ્યારે ભારતની સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ કારોબાર સંભાળે છે ત્યારે અચૂક નિવેદન કરે છે કે પડતર કેસોનો ઝડપી નિકાલ મારી અગ્રતા રહેશે. અસ્તુ.
ન્યાયતંત્ર માટે કેસના ભરાવા અંગે જે વિવિધ કારણો આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ, વકીલો દ્વારા મંગાતી બીનજરૂરી મુદતો, કેસમાં સામાવાળાનો અસહકાર કે વચગાળાની રાહત મળ્યા બાદ પક્ષકારનું ઢીલું વલણ, સ્ટાફનો અભાવ વગેરે છે. આ કારણોમાં આંશિક તથ્ય જરૂર છે પણ ન્યાયતંત્રની ગોકળગાયની ગતિને શરમાવે તેવી ધીમી અને દીર્ઘસૂત્રી કાર્યપદ્ધતિ જવાબદાર છે તે હકીકત તરફ ધ્યાન જતું નથી. ન્યાયતંત્રના ટીકાકારોનું કહેવું છે કે ન્યાયાધીશો એક સાથે ઘણાં કેસોની સુનાવણી નક્કી કરે છે પણ માત્ર ૧૦ ટકા કેસોમાં ઉપરછલ્લી સુનાવણી થઈ મુદત પે મુદતનો - તારીખ પે તારીખનો અનુભવ સૌને થાય છે. ભારતીય ક્રિમીનલ પ્રોસીઝર કોડ, ભારતીય સિવીલ પ્રોસીઝર કોડ, ઈન્ડીયન એવિડન્સ એક્ટ જૂના છે. તેમાં થોડા સામાન્ય ફેરફાર/સુધારા થયાં છે પરંતુ એકંદરે સૈકા જૂના કાયદાઓ આજની પરિસ્થિતિ સાથે કેટલા સુસંગત છે ? ન્યાયની પ્રક્રીયાને ઝડપી બનાવવા માટે શું સુધારાઓ જરૂરી છે ? તે મુદ્દા પર કોઈ ગંભીરતાથી ધ્યાન આપવા તૈયાર નથી. વર્ષોથી પડતર કેસોના નિકાલ માટે સૌથી પ્રથમ તો ન્યાયધિશોના દૃઢ સંકલ્પ અને પ્રતિબદ્ધતાની જરૂર છે. સાંપ્રત વાતાવરણમાં જિલ્લા/તાલુકા કક્ષાએ ન્યાયતંત્ર મુંઝવણમાં છે. અનેક ન્યાયાધીશો પોતાની બઢતી અટકી જશે તેવા ડરથી જટીલ જણાતાં કેસોની સુનાવણી ટાળવામાં આવે છે. ન્યાયધીશો અને વકીલોમાનાં અમુકને કેસોની જટીલતાને ઉકેલવાનો વિશ્વાસ કે કુશળતા નથી તેના કારણે તેઓ સુનાવણી ટાળે છે. મારા અનુભવને આધારે કહું તો જમીન સંપાદનના કેસોમાં વધારે વળતર માંગતા કેસોની સુનાવણી કરીને તેનો સ્પષ્ટ ચૂકાદો આપતા ન્યાયાધીશોને ભૂતકાળમાં કોઈને આવા કેસોમાં થયેલી શિક્ષાત્મક કાર્યવાહીની યાદ આવે છે અને તેઓ સુનાવણી મુલત્વી રાખતા રહે છે.
આ ઉપરાંત વકીલો દ્વારા જેટલી વધારે મુદત એટલી વધારે આવક એ સિદ્ધાંત પ્રમાણે તેઓ અસીલોનું સતત શોષણ કરે છે. મારી કારર્કિદીની શરુઆતમાં મહેસૂલી કેસોની સુનાવણીમાં વકીલો દ્વારા એવી રજૂઆત થતી કે તેમને અસીલે પૂરતી વિગતો આપી નથી તેથી સુનાવણી મોકૂફ રાખવી. એક વકીલે વારંવાર આ રીતે મુદત લેતાં મેં ટકોર કરી કે અસીલ અત્રે હાજર છે તો વિગતો લઈ લો. આપણે એક-બે કલાક બાદ સુનાવણી કરીએ. વકીલ મુંઝાયા પણ મને જ્ઞાન આપ્યું કે; ‘‘વિગતો મને મળી નથી એમ કહું ત્યારે અસીલે ફી આપી નથી તેમ સમજવું.’’ આજકાલ અમુક વકીલો કેસ થકી જે રકમ મળે તેના અમુક ટકા ફી તરીકે આપવાનું અસીલ પાસેથી લેખિતમાં મેળવી લે છે. ૨૦ ટકા વકીલો પાસે ૮૦ ટકા કામ છે અને ૮૦ ટકા વકીલો પાસે ૨૦ ટકા કામ છે તેથી વ્યસ્ત વકીલો કેસો ઝડપથી ચલાવી શકતાં નથી. વકીલોની ભૂમિકા સંગ્દિધ બની છે. તેઓ અસીલને ન્યાય અપાવવામાં ન્યાયતંત્રને મદદ કરે છે કે તેમાં અંતરાયો પેદા કરી સમગ્ર ન્યાય પ્રક્રીયાને વિકૃત કરે છે તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ન્યાયતંત્રના બે સ્તંભો ન્યાયાધીશ અને વકીલોના સહયોગ વિના ન્યાયની પ્રક્રીયા ઝડપી અને અસરકારક બનાવવાની શક્યતાઓ અલ્પ છે. કમનસીબે જો ન્યાયધીશ વકીલો સાથે કડકાઈથી નિયમો મુજબ કામ લે, ખોટી માંદગીની નોંધનો અસ્વીકાર કરે કે મુદત માટે ના કહે તો તેવા ન્યાયધીશનો બહિષ્કાર કરી તેમની બદલી માંગવાના નીચા સ્તરની કાર્યવાહી કરતાં વકીલોના મંડળોએ સંકોચ અનુભવ્યો નથી.
સરકાર સામે ૬૦ થી ૭૦ ટકા કેસો છે. અનેક સરકારી કર્મચારીઓ વાસ્તવિક કે કાલ્પનિક અન્યાય સામે કોર્ટમાં જાય છે. કોર્ટ બદલી, બઢતી, નિમણૂક કે પેન્શન જેવા મુદ્દે જે ચૂકાદો આપે છે, જે સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે તેનો રાજ્ય કે કેન્દ્ર સરકાર સ્વીકાર કરવાને બદલે અન્ય કેસોમાં તે મુજબ માપદંડનો ઉપયોગ કરી સાચો નિર્ણય કરવાનો ઈન્કાર કરે છે. દરેક કેસમાં કોર્ટ નિર્ણય કરે તેવું નાણાં વિભાગનું વલણ પણ અનેક કેસોના નિરાકરણના બાધક બન્યું છે. સામે પક્ષે એક જ પ્રકારના મુદ્દાઓવાળા કેસોને એકત્રિત કરી તેનો સામૂહિક નિકાલ કરવાની સત્તા કોર્ટને છે પણ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો તે દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. આજકાલ સરકારી વિભાગોમાં સજ્જતાના અભાવે કે આળસને કારણે અનેક કેસોમાં અભ્યાસ કરી મુદ્દાવાર વિગતો, અભિપ્રાય આપવાની તસ્દી જ લેવામાં નથી આવતી. વિભાગોમાં કાયદાકીય કેસો માટે નોડલ ઑફિસરો નિમાયા છે પરંતુ હજી સુધી કોઈ સરકારી વિભાગે પોતાના વિભાગના તમામ કેસોનું સમયબદ્ધ નિરાકરણ થાય તે માટે કશું આયોજન કર્યાનું મારા ખ્યાલમાં નથી. અનેક કેસોમાં અગાઉના કોર્ટના નિર્ણયો મુજબ અરજદારની માંગણી યોગ્ય હોવાનુ પુરાવાર થતું હોય તો પણ તેને કોઈ રાહત આપવા, સમાધાન કરવા માટેની જવાબદારી લેવા વહીવટી વિભાગ તૈયાર નથી.
દેશના સૌથી મોટા વિવાદી-પ્રતિવાદી તરીકે સરકારી તંત્રે એ સમજવું જ પડશે કે એક હાથે તાળી વાગતી નથી. સૌએ સાથે મળીને આ ગુંચવાયેલી સમસ્યાને ઉકેલવાની છે. કોર્ટોમાં પડતર કેસોની કરોડોની સંખ્યાના કારણે ભારતની લોકશાહીની કાર્યક્ષમ અને સલામત વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ખડા થયા છે. આપણે ભારતને વિશ્વના દેશોમાં મહત્ત્વનું સ્થાન અપાવવું હોય, પાંચ ટ્રિલીયન યુએસ ડોલરનું અર્થતંત્ર કરવું હોય અને વિશ્વગુરુ કે આર્થિક-લશ્કરી મહાસત્તા બનવાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો ન્યાયને ઝડપી અને સચોટ બનાવવો જ પડશે. આ માટે જરૂર છે જાગૃતિની અને સંકલિત પ્રયાસોની.
(ક્રમશઃ)
Comments
Post a Comment