શહેરીકરણ : આકર્ષણ અને સમસ્યાઓ

                                                                         - પ્રવીણ ક. લહેરી

આઝાદી સમયે ભારતની ૮૦ ટકા જેટલી પ્રજા ગામડાંઓમાં વસતી હતી. મહાત્મા ગાંધીએ સાચું ભારત ગામડાંઓમાં વસે છે તેમ કહ્યું હતું. તેમના અભિપ્રાય મુજબ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ૭૫ વર્ષ અગાઉ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું પ્રદાન ૭૦ ટકા હતું તે આજે સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં માત્ર ૨૦ ટકા રહ્યું છે. તેના પર ગુજરાન કરતી વસ્તીની ટકાવારી ૫૫ ટકા છે. આજે આપણે જે રીતે વિકાસની વ્યાખ્યા કરી છે તેમાં પાકા અને વિવિધ સગવડો ધરાવતાં મકાનો, વિશાળ રસ્તાઓ, ઝડપી વાહન વ્યવહારની સવલત, નળ દ્વારા જળ, ફલશ પદ્ધતિના જાજરૂઓ, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, અદ્યતન તબીબી સારવાર, સારા પગારની રોજગારીની તકો, સતત વીજ પૂરવઠો, ભોજન માટેના વૈવિધ્યપૂર્ણ સ્થળો, સ્વચ્છતા અને સલામતી વગેરેનો સમાવેશ થાય છે. આ સઘળી સુવિધાઓ માટે શહેરીકરણ આવશ્યક છે તેવી માન્યતા દઢ બની છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં ઔદ્યોગિક વિકાસ, વાહન વ્યવહાર, શિક્ષણ-આરોગ્યની સેવાઓ અને રોજગારીની તકોના કારણે ખૂબ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે જે સ્થળે ખૂબ મોટી સંખ્યામાં લોકો ચોક્કસ સીમિત વિસ્તારમાં વસતાં હોય તેને આપણે શહેરી ગણીએ છીએ. વિશ્વમાં જે મહાનગરો છે તેમાં નીચેના શહેરોની યાદી રસપ્રદ છે. (૧) શાંઘાઈ (૩.૫ કરોડ) (૨) ઢાંકા બાંગ્લાદેશ (૩.૨ કરોડ) (૩) કૈરો, ઈજિપ્ત - ૩ કરોડ (૪) મુંબઈ (૨.૭૫ કરોડ) (૫) કિન્શાશા કોંગો (૨.૭૦ કરોડ) (૬) મેક્સિકો (૨.૫ કરોડ) (૭) બેઈઝીંગ (૨.૫ કરોડ) (૮) સાઉપોલો - બ્રાઝીલ (૨.૫ કરોડ). શહેરની નજીકના વિસ્તારના શહેરીકરણને ધ્યાને લઈએ તો ટોક્યોની વસ્તી ૩.૮ કરોડ ગણી શકાય. દિલ્હીની વસ્તી ૨.૬ કરોડ ગણી શકાય. હૈદ્રાબાદ-સિકંદરબાદ, અમદાવાદ-ગાંધીનગર, મુંબઈ-નવી મુંબઈ થાણે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ જેવા મહાનગરો એકમેક સાથે એવી રીતે જોડાયેલા છે કે તેમને અલગ શહેરો ગણવા કે નહીં તે કોયડો છે. ગ્રેટર - બૃહદ શબ્દ દ્વારા આવા વિસ્તારોને અલગ ઓળખ આપવામાં આવી છે.

માનવ ઈતિહાસમાં જ્યારે જ્યારે કોઈપણ કારણસર લોકોનો મોટો સમૂહ એક જ સ્થળે રહેવાનું નક્કી કરે છે ત્યારે શહેરનો જન્મ થાય છે. આ જગ્યા, રાજધાની હોઈ શકે, ઉદ્યોગ-વ્યાપારનું કેન્દ્ર હોઈ શકે અથવા વાહન વ્યવહારનું સ્થળ હોઈ શકે કે પ્રવાસનનું સ્થળ હોઈ શકે. ભૂતકાળના સામ્રાજ્યોની મોટી લશ્કરી ફોજના કારણે પણ શહેરો વિકસ્યા હતાં. આક્રમણો, પૂર, ધરતીકંપ, જ્વાળામુખી, દુષ્કાળ જેવી દુર્ઘટના બાદ અનેક શહેરો સાવ ઉજ્જડ થયાની અનેક ઘટનાઓ ઈતિહાસના પાને નોંધાયેલી છે. શહેરોમાં અનેક સવલતો અને આકર્ષણો છે જે ગ્રામીણ વિસ્તારમાં ઉપલબ્ધ નથી. શહેરમાં રોજગારીના જે અવસરો પ્રાપ્ત થાય છે તે ગામડાંઓમાં થતાં નથી. શહેરોની ઝાકઝમાળ આકર્ષક છે. સાથે સાથે અનેકવિધ સુવિધાઓના કારણે પણ શહેરોમાં વસવા માટે લોકોને ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. સંતાનો શહેરોમાં સ્થાયી  થાય તો માતા-પિતાએ પણ શહેરોમાં સ્થળાંતર કરવું જરૂરી બને છે. આવો ફેરફાર જૂની પેઢીને ન ગમે પણ મજબૂરી હોવાથી સ્વીકારવો પડે છે.

ભારતમાં ગામડાંઓમાં જે ઝડપથી લોકો શહેરો તરફ આવી રહ્યા છે તેના ચોક્કસ કારણો છે.

૧. રોજગારીની તકો :

ગ્રામીણ વિસ્તારમાં કૃષિ કે અન્ય પ્રવૃત્તિમાં નિયમીત રોજગાર મળતો નથી. શહેરોના ઉત્પાદનક્ષેત્રે કારખાનાંઓમાં અને સેવાક્ષેત્રે કચેરીઓમાં ઓછા પરિશ્રમે વધારે વળતર મળે છે તેથી ગ્રામીણ વસ્તી શહેરોમાં આવે છે.

૨. શિક્ષણ :

ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ મળે છે. ઉચ્ચ શિક્ષણ અને તેમાં પણ એન્જિનીયરીંગ, મેડિકલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે આર્કિટેકચર જેવા અભ્યાસક્રમો શહેરોમાં ઉપલબ્ધ છે. છેલ્લા ૨૦-૨૫ વર્ષોમાં શહેરથી દૂર વિશાળ નવી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ છે પણ તેમાં હજારો વિદ્યાર્થીઓ શહેરમાં રહીને આવન-જાવન કરે છે. જે રીતે વિદેશમાં ભણવા ગયેલા અનેક ભારતીય યુવા-યુવતીઓ ત્યાં જ રોજગારી મેળવી સ્થાયી થયાં છે તેમ ભારતમાં પણ જે શહેરમાં ભણ્યા ત્યાં જ રોજગારી શોધી લેવાનો પ્રયાસ સૌ કોઈ કરે છે.

૩. કામકાજનું વૈવિધ્ય :

શહેરોમાં ખૂબ અલગ અલગ પ્રકારના કામો ઉપલબ્ધ છે. કારીગર હોય કે કલાકાર, શ્રમીક હોય કે કુશળતા ધરાવતો કસબી, ઓછું ભણ્યો હોય કે વધારે, શહેરોમાં તમામ લોકોને પોતાની રુચિ, અભ્યાસ અને અનુભવને અનુરૂપ કામગીરી મળે છે. અનેક લોકો પાસે જે વિશેષ વ્યવસાયિક લાયકાતો છે તેમને માટે ગામડામાં તકનો અભાવ છે. હવે ગામડાંઓમાં વૈવિધ્ય આવી રહ્યું છે. ટ્ર્‌ાન્સપોર્ટ, હૉટેલ, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે નવી તકોનું નિર્માણ થયું છે. આમ છતાં શહેરોમાં જવાનું વલણ સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે.

૪. આરોગ્ય :

આરોગ્યની અદ્યતન સુવિધાઓ શહેરોમાં કેન્દ્રિત છે. ગામડાંના હજારો દર્દીઓને દરરોજ શહેરમાં નિદાન-સારવાર માટે આવ્યા વિના છૂટકો નથી. સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો મોટી સંખ્યામાં સ્થાપ્યા છે પણ તેમાં સ્ટાફ અને સુવિધાનો અભાવ રહેતો હોવાથી લોકો મોટી હૉસ્પિટલોમાં આવે છે.

૫. મનોરંજન :

શહેરોમાં વિશાળ, અદ્યતન સિનેમાગૃહો, ખરીદી માટેના મોટા મોલ અને ભોજન માટે અવનવા મેનુ ધરાવતા રેસ્ટોરન્ટના કારણે પણ ગામડાંના અનેક લોકો શહેર તરફ આકર્ષાય છે. ટેલીવિઝન, મોબાઈલ, વ્યક્તિના હાથમાં પહોંચી છે પરંતુ શહેરી મનોરંજન, ભોજન અને સાંસ્કૃતિક આકર્ષણના કારણે ગામડાં કરતાં શહેરોનું જીવનધોરણ પ્રગતિશીલ ગણાય છે.

૬. વ્યસ્ત જીવન :

શહેરી જીવન પરિવારના સૌ સભ્યો માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. આના કારણે કંટાળો આવતો નથી. સાથે સાથે ફુરસદ પણ નથી હોતી. શહેરી જીવનમાં દોડધામ હોવાથી થાક અને તનાવ વર્તાય તે ઘટના સામાન્ય છે. શહેરી લોકોને વ્યસ્ત રહેવાની એવી આદત પડી જાય છે કે રજા માણવામાં પણ શાંતિને બદલે કાંઈકને કાંઈક કરવામાં વ્યસ્ત રહે છે.

શહેરીકરણના કારણે વર્ષ ૨૦૫૦માં વિશ્વની વસ્તીના પંચોતેર ટકા લોકો શહેરમાં રહેતા હશે તેવો અંદાજ છે. વિશ્વમાં આજે જેટલું શહેરીકરણ થયું છે. મહાકાય નગરો, ગગનચુંબી ઈમારતો છે, લાખો કિલોમીટરના પહોળા રસ્તાઓ અને અનેક આકર્ષણો છે તે ઈતિહાસમાં અગાઉ કદી પણ ન હતાં. આમ છતાં શહેરીકરણ માનવજાત માટે ગંભીર અભિશાપ બની શકે તેમ છે. શહેરીકરણની સમસ્યાઓનો પણ વિચાર કરવો જરૂરી છે.

Comments

Popular posts from this blog