દેવોનું ધામ - કૅરાલા ૨
પ્રવીણ ક. લહેરી
કૅરાલા રાજ્યનું કલીકટ શહેર ઉત્તરના ભાગે આવેલું છે. કલીકટના બંદર સાથે ગુજરાતના બંદરોનો વેપાર હજારો વર્ષ જૂનો છે. પોર્ટુગલનો નાવિક-સાહસિક વાસ્કો ડી ગામા ૧૪૯૮માં દક્ષિણ આફ્રિકાની ‘કેપ ઑફ ગુડ હોય’ પાસે અટવાયો ત્યારે કચ્છી ટંડેલ કાનાએ તેને ભારતનો રસ્તો બતાવ્યો. ઈસ્લામે લાંબા સમયે દરિયાઈ માર્ગે યુરોપ અને ભારતનો સંબંધ બંધાયો. જમીન પરના સિલ્ક રૂટ અને સ્પાઈસ રૂટ ખિલાફતની હકૂમતના કારણે બંધ પડ્યા હતા તેની જગ્યાએ હવે દરિયાઈ વેપાર માટે ભારતનો પશ્ચિમી સમુદ્ર કાંઠો અગત્યનો બન્યો. આજે અરબી સાગર, પ્રાચીન સમયનો રત્નાકર સાગર આપણા વિદેશી વ્યાપારનું મહત્ત્વનું દ્વાર છે. કલીકટથી કન્યાકુમારી સુધીનો મલબાર કાંઠો આપણા પ્રાચીન અને આધુનિક ઈતિહાસ સાથે જોડાયેલો છે.
આજે કલીકટ અંગ્રેજોએ આપેલ નામની જગ્યાએ ‘કાઝકોડ’ નામ માન્ય રાખી વપરાશમાં આવ્યું છે. કાઝીકોડનો અર્થ કિલ્લાબંધ શહેર થાય છે. ચીન, રોમ, મધ્યપૂર્વ, મિસ્ત્ર (ઈજિપ્ત) સાથેના વ્યાપારનું આ કેન્દ્ર હતું. રૉમન સામ્રાજ્ય સાથે ઈ.સ. પૂર્વે ૪૦૦ વર્ષ પહેલાં રૉમન ચાંદીના ૪.૫ ગ્રામના સિક્કા (રોમન અઢીયા) ૨.૫ સેલ્ટસને એકમ ગણીએ તો રોમ અને કલીકટ વચ્ચે તે જમાના ૫ લાખ અઢીયા (૫ લાખ ૪.૫ ગ્રામ) કુલ ૨૨૫૦ ટન ચાંદી જેટલા મૂલ્યનો વેપાર હતો. ત્યારની સોંઘવારી; આ શબ્દ આજે મોંઘવારીના વિરૂધ્ધાર્થી શબ્દ તરીકે છે પણ સોંઘવારી શબ્દ વાપરવાનું આપણા નસીબમાં નથી. કલીકટનો ગુજરાત સાથે ખૂબ જૂનો નાતો છે. કલીકટમાં આપણી માંડવીની પોળ કરતાં જટીલ રચના ધરાવતી ‘ગુજરાતી શેરી’ છે. ભલભલાના ભૂલા પાડી દે તેવા ગુજરાતીની રચના આજે ભૂલભુલૈયાના નામે પણ ઓળખાય છે. દેશની આઝાદીની લડાઈમાં પણ કલીકટના ગુજરાતીઓનો ફાળો નોંધપાત્ર છે.
નવીનચંદ્ર ઈશ્વરલાલ શ્રોફ નામના નવયુવાને વીર કિનારીવાલા જેમ બ્રિટીશરો સામે વિદ્રોહ કરી શહીદી વહોરી હતી. નવીનચંદ્રે જેલમાં અમાનૂષી ત્રાસ વેઠીને શહીદ થઈને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા થયેલ સત્યાગ્રહમાં કૅરળમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મહાત્મા ગાંધીના ત્રણવારના મલબાર પ્રવાસ સમયે તેમના મુખ્ય યજમાન તરીકે શ્યામજી સુંદરદાસ નામના ચોખાના વેપારીએ સેવા આપી હતી. શ્યામજીએ કલીકટને કેન્દ્રસ્થાને રાખી ચરખા સંઘ મારફત ખાદી-ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો.
કૅરાલાના ઈતિહાસમાં કોચીન શહેરનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. આજે કૅરાલાના ઔદ્યોગિક અને વ્યાપારી પાટનગર ગણાતું કોચીન વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓનું સંગમ સ્થાન છે. મૂળ એઝવા આદિ પ્રજા, સનાતન ધર્મ, યહૂદીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો વગેરેના અનુયાયીઓને મુસીબતના સમયે કોચીનમાં સુરક્ષા પ્રાપ્ત થઈ હતી. રાજા સોલોમનના ઈસ્વીસન પૂર્વથી જ યહૂદીઓ શરણાર્થી તરીકે કોચીનમાં આવીને વસ્યા હતા. જૂના કોચીન શહેરનું ૪૫૦ વર્ષ જૂનું યહૂદી મંદિર (સીનાગોગ)ની મુલાકાત લેતાં આપણને આગવી અનુભૂતિ થાય છે. સિનોગોગના પ્રવેશ માટેની શેરી ભારતના તમામ પ્રવાસન સ્થળ માટે એક આદર્શ પૂરો પાડે છે. પ્રાચીન મકાનોની જાળવણી, હસ્તકળા અને શિલ્પ, કાષ્ઠ કોતરણી સહિત ખૂબ મૂલ્યવાન વિરાસત સાથે સાથે સ્વચ્છતા, સુઘડતા અને સગવડ સાથે આ સ્ટ્ર્ીટ પ્રવાસીઓનું મન મોહી લે તેવી છે. સીનાગોગની જાળવણી, કોઈ રોકટોક વગરનો પ્રવેશ, સામાન્ય ફી, સચિત્ર ઈતિહાસ સાથે યહૂદીઓના ૪૫૦ વર્ષ જૂના આ મંદિર દ્વાર અનેક પ્રસંગો આપણા સમક્ષ રજૂ કરે છે. ભારતની સૌથી જૂની મસ્જિદો, ચર્ચો, મંદિરો સાથે કોચીન ભારતની વિવિધતા સાથેની એકતાના સુપેરે દર્શન કરાવે છે.
કૅરાલાનું એલપી નગર એટલે બેકવોટર ક્ષેત્રનું મહત્ત્વનું પ્રવેશ દ્વાર. મલબારના દરિયાકાંઠે ૯૦૦ ચો.કિ.મી.માં ૩૮ નદીઓના પાણીનો સંગ્રહ કરતાં પાંચ મોટા સરોવર અને દરિયા પરના બંધારાના કારણે મીઠું પાણીવાળા બેકવોટર તેના ટાપુઓ સાથે ખેતી, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસનને ખૂબ ઉપયોગી થાય છે. હાઉસ બોટ દ્વારા બેકવોટરમાં પ્રવાસ થઈ શકે છે. ઈડુકી જિલ્લામાં આવેલું મુન્નાર એક પર્વતીય શહેર છે. સદાય હરિયાળા ચાના બગીચાઓ અને ટેકરીઓના પરના જુદા જુદા સ્તરે બનેલા ખેતરો આ હિલ સ્ટેશનની શોભા વધારે છે. પેરીયાર નેશનલ પાર્ક નજીક આવેલ ઠેકડીનગર પણ પ્રવાસીઓ માટે અનેકવિધ આકર્ષણ પૂરું પાડે છે. પ્રવાસીઓ માટે આ બંને જગ્યાએ ખૂબ સારી સવલતો ઉપલબ્ધ છે.
સનાતન ધર્મીઓ માટે કૅરાલામાં શિવ, કૃષ્ણ, દેવી, અયપ્પા સહિત અનેક મંદિરો છે. આ મંદિરોનો ભાતીગળ ઈતિહાસ છે. વિશ્વનું સૌથી ધનિક ગણાતું પદ્મનાભ સ્વામી મંદિર થિરૂવંતપૂરમ્ રાજધાનીમાં છે. ખૂબ જ વિશાળ મંદિર બેસોલ્ટ અને બ્લેક જેવા સખત પત્થરોમાં નિર્માણ થયું છે. શેષશાયી વિષ્ણુની પ્રતિમા માટે જાણીતું છે. ગુરુવાયર મંદિર અને સબરીમાલા મંદિરો ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિરોનું સંચાલન પરંપરા પ્રમાણે થતું હોય યાત્રીઓની સગવડ-અગવડનો ખાસ વિચાર થતો નથી. અમુક જુનવાણી માન્યતાઓને કારણે વિવાદો પણ થતા રહે છે.
કૅરાલામાં થિરૂવંતપૂરમ્ રાજધાનીનું શહેર છે. ખૂબ સુંદર ઈમારતો, કોવલામ બીચ, મ્યુઝીયમો વગેરેના કારણે જાણીતું છે. આ ઉપરાંત રાજમહેલો, સરોવરો, મંદિરો, પ્રાણી સંગ્રહાલય, સાંસ્કૃતિક કેન્દ્રો સહિત પ્રવાસીઓ માટે અનેક આકર્ષણના કેન્દ્રો છે. કૅરાલા વિસ્તારમાં ભલે નાનું છે પણ પ્રવાસીઓ માટે તેમાં વિવિધતા સાથે કુદરતી સૌંદર્યનો નજારો, માનવસર્જિત ભવ્ય વિરાસત અને ધર્મસ્થાનોના કારણે પ્રવાસનના પ્રચાર માટે કૅરળને દેવભૂમિ કહી તે સાર્થક છે. કોરોના બાદ અન્યત્ર પ્રવાસન ક્ષેત્ર ધમધમી રહ્યું છે. કૅરાલામાં હજી પ્રવાસન ક્ષેત્રે પુનઃજીવન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે. કૅરાલા એ એક આગવું રાજ્ય છે. આ રાજ્ય પાસે અનેક આકર્ષણો છે જે અન્યત્ર નથી. કથકલી જેવું નૃત્ય હોય કે નાની નાની હોડીઓની સ્પર્ધા હોય, કૅરાલામાં આપણને સંસ્કૃતિનો ધબકાર સર્વત્ર સંભળાય છે. હા, ગરીબી પણ છે, સામ્યવાદના ઓઠા હેઠળ કહેવાતા યુનિયન લીડરોની માફીયાગીરી સામાન્ય લોકો-પ્રવાસીઓ માટે સમસ્યારૂપ છે. આ આગેવાનો પ્રજાને પરેશાન કરવાનું અને શ્રમિકોનું શોષણ કરે છે. કમનસીબે કૅરાલામાં વહીવટી અને સામાજિક સુધારણા માટે ઈચ્છાશક્તિનો અભાવ છે. નારાયણ ગુરુ જેવા સમર્થ અને સમર્પિત, પ્રબુદ્ધ અને માનવતાવાદી આગેવાનની આવશ્યકતા છે. દેશ-વિદેશમાં ફેલાયેલી મલયાલી પ્રજા અનેક બાબતોની જાણકાર છે, કુશળ છે, રોજી-રોટી માટે ગમે ત્યાં ગમે તે કામ કરવા ખુશી છે. કૅરાલાને સુશાસનની પ્રતીક્ષા છે.
કૅરાલાની ૩.૫ કરોડ લોકોની વસ્તી પોતાની માતૃભાષા મલયાલમ માટે ગૌરવ અનુભવે છે. વર્તમાનપત્રો - પુસ્તકોનું મલયાલમ ભાષામાં મોટી સંખ્યામાં પ્રકાશન થાય છે. મલયાલમ ફિલ્મો પણ લોકપ્રિય છે. આપણે ૬.૫ (સાડા છ) કરોડ ગુજરાતીઓએ માનવ વિકાસ સૂચકાંક, સાક્ષરતા, માતૃભાષાનું ગૌરવ-ઉપયોગ અને પંચરંગી સંસ્કૃતિના મુદ્દે ઘણું શીખવા જેવું છે.
Comments
Post a Comment