દેવોનું ધામ - કૅરાલા
પ્રવીણ ક. લહેરી
ભારતના ૨૮ રાજ્યોમાં પ્રમાણમાં ટચુકડું પણ આગવું મહત્ત્વ ધરાવતું કૅરાલા રાજ્ય છેલ્લા ૨૫-૩૦ વર્ષથી પ્રવાસન ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. ગુજરાત અને કૅરાલા બંને સમુદ્રતટીય રાજ્યો છે. ગુજરાત અને કૅરાલાના બંદરો વચ્ચે વેપાર સેંકડો વર્ષોથી ચાલતો રહ્યો છે. કૅરાલાના સોપારી, રબ્બર, તજ, લવિંગ, એલચી, શીસમનું ફર્નિચર, મરી, અન્ય તેજાનાઓ, ચા, કૉફી ગુજરાતમાં આવતા હતા. ગુજરાતમાંથી કાપડ, મગફળી, જીરું જેવી વસ્તુઓ કૅરળ મોકલવામાં આવતી હતી. મોરબીમાં નળીયા (વિલાયતી નળીયા) ઉદ્યોગ વિકસ્યો તે પહેલાં ગુજરાતના ગામડે ગામડે જે નળીયાવાળા છાપરા છે તેના નળીયા વહાણો મારફત મેંગ્લોરથી ગુજરાત આવ્યા હતાં.
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કૅરાલાથી અનેક લોકો નોકરી અર્થે ગુજરાત આવ્યા છે. આઈ.એ.એસ. (ભારતીય પ્રશાસન સેવા)માં અને ભારતીય ૫ોલીસ સેવામાં ૧૨૫-૧૫૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ ગુજરાતમાં આવ્યા છે. તેમાથી મોટાભાગનાએ ગુજરાતને વતન બનાવી અહીં સ્થાયી થયાં છે. આ ઉપરાંત ગુજરાતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે સ્ટેનોગ્રાફી (અંગ્રેજી) અને અંગત મદદનીશ તરીકે હજારો યુવાન-યુવતીઓ કૅરાલાથી ગુજરાત આવ્યા છે. દક્ષિણી વાનગીઓ બનાવી તેનું વેચાણ કરવું, હાઈવે પર પંકચર રીપેર કરવું, ઈન્ફરમેશન ટૅકનોલોજી હોય કે મેડીકલ ક્ષેત્ર, નર્સિંગ હોય કે શિક્ષણ. કૅરાલામાંથી સમગ્ર દેશમાં જ નહીં પણ હવે તો વિશ્વભરમાં કૅરાલાવાસીઓ ફેલાયા છે. મધ્યપૂર્વના દેશોના વિકાસમાં મલયાલી ભાષા બોલતા લોકોએ અનન્ય પ્રદાન કર્યું છે.
૯૬ ટકા શિક્ષિત લોકો સાથે કૅરાળા ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું અને ઉત્તમ સામાજિક સેવાઓને કારણે સૌથી વિશેષ માનવવિકાસ સૂચકાંક ધરાવતું રાજ્ય છે. દેશના પશ્ચિમ-દક્ષિણ છોર પર આવેલું કૅરાલા વિષુવૃતિય ગરમી-ભેજવાળી આબોહવા ધરાવે છે. આમ છતાં વિપૂલ પ્રમાણામાં હરિયાળી હોવાથી શિતળતાનો અનુભવ થાય છે. નૈઋત્ય દિશા તરફથી ચોમાસુ દર વર્ષની પહેલી જૂન આસપાસ કૅરાલામાં દસ્તક દે છે. કૅરાલાની વર્ષાઋતુનો વરસાદ અને શિયાળામાં બંગાળના અખાત તરફથી આવતા પવનો પણ વરસાદ લાવે છે. કૅરાલા બંગાળની જેમ સુજલામ્-સુફલામ્ છે. પાણી અને વૃક્ષોની સતત હાજરી હોય તો આપણે ગુજરાતીઓ તો તેનો આનંદ જ માણીએ જ ને ? કૅરાલાની અન્ય એક વિશેષતા તેના બેક વોટર - જમીનના વિશાળ ક્ષેત્રમાં દરિયા અને વરસાદનું પાણી સતત ભરેલું રહે છે. દક્ષિણના કાશ્મિર (હાઉસ બોટોના કારણે) અને વેનસની (લગૂન) દરિયાના સ્થિર પાણીની ઓળખ કૅરાલાને પ્રાપ્ત થઈ છે. પાણી અને વૃક્ષો વચ્ચે નિરવ શાંતિ માણવા માટે કૅરાલા આદર્શ છે.
૩૮૮૬૩ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતું કૅરાલા આપણા કચ્છ જિલ્લા કરતાં નાનું છે. કચ્છનું રણ સહિતનું ક્ષેત્રફળ ૪૫૬૭૪ ચો.કિ.મી. છે. ગુજરાતની ૩૭૦ ચોરસ કિ.મી. દીઠ વસ્તીની ગીચતા સામે કૅરાલામાં ૮૯૦ લોકો સાથે અઢી ગણી ગીચતા છે. કૅરાલાની માથાદીઠ આવક વાર્ષિક રૂા.૨,૮૨,૦૦૦ જેટલી છે. (યુ.એસ.ડૉલર ૩૫૦૦ જેટલી). કૃષિનો હિસ્સો અર્થતંત્રમાં ૮ ટકા છે. જ્યારે સેવાક્ષેત્રનો હિસ્સો ૬૩ ટકા જેટલો છે. અનેક માપદંડો પર કૅરાલાની આર્થિક, સામાજિક ક્ષેત્રની સિદ્ધિઓનો અભ્યાસ કરી તેમાંથી સારું ગ્રહણ કરવા જેવું છે. કુદરતી સંસાધનો ઉપલબ્ધ હોવાથી ભૂતકાળમાં ગુજરાત જેમ કૅરાલાના બંદરો પણ વિશ્વ વ્યાપારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. કૅરાલામાં આજે પણ રોજગારીની તકો સીમિત છે. તેના કારણે લાખો લોકોએ આવક મેળવવા હિજરત કરવી પડી છે. રોજગારીના અભાવનું કારણ એ છે કે કૃષિ મત્સ્ય ઉદ્યોગ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે. તેજાના, રબ્બર, ચા-કૉફીનો વેપાર થાય છે. નારિયેળ આધારિત કોપરાના તેલનું ઉત્પાદન નોંધપાત્ર છે. આમ છતાં કૅરાલામાં વ્યાપક ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. આશ્ચર્ય એ વાતનું છે કે કૅરાલાની ખૂબ મોટી ક્ષમતા ક્ષુલ્લક કારણોસર વેડફાઈ રહી છે.
કૅરાલામાં ૧૯૫૬માં દેશની પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ.એસ. નામ્બુદ્રિપાદના મુખ્યમંત્રી પદે રચાઈ હતી. ૧૯૫૯માં તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ ઈન્દિરા ગાંધીએ તે સરકારને ખાસ કોઈ કારણ વિના બરતરફ કરી. ત્યારથી આજ સુધી કોંગ્રેસ અને સામ્યવાદીઓ નાના પક્ષો મુસ્લિમ લીગ સહિતના ટેકાથી મીશ્ર સરકાર બનાવે છે. કમનસીબી એ વાતની છે કે છેલ્લા ૬૦ વર્ષથી કૅરાલામાં ‘યુનિયન લીડર’ની (સ્થાનિક માફિયાનું સન્માનીય નામ) આણ પ્રવર્તે છે. તમારે ટ્ર્કમાંથી સામાન ઉતરાવવો છે, તમારે વાહન ભાડે જોઈએ છે, તમે નવું લેપટોપ, કમ્પ્યૂટર, ગાડી લીધા છે, તમે મકાન બાંધો છો, તમારી તમામ સામાન્ય કાયદેસરની પ્રવૃત્તિઓ માટેત મારે ‘યુનિયન લીડર’ની મંજૂરી (નિયત દરે પૈસા આપીને) મેળવવી ફરજિયાત છે. તમે સરકારી અધિકારી હો, ઉદ્યોગપતિ હો, પ્રવાસી હો, સ્થાનિક રહેવાસી હો, યુનિયન લીડરની મંજૂરી વિના તમારા માટે કોઈપણ કામ કરવું લગભગ અશક્ય છે. કરુણા તો એ વાતની છે કે તમામ શ્રમિકો પર યુનિયન લીડરોની હકૂમત છે. આ લીડરો મજૂરોનું પણ શોષણ કરે છે. ગુજરાતના અમુક વિસ્તારમાં ખનીજ, ટ્ર્ાન્સપોર્ટ, ગેરકાયદે દારુનો ધંધો કે જુગાર જેવી પ્રવૃત્તિઓ માટે આવી પ્રથા ચાલુ છે અને તેનો વ્યાપ વધતો જાય છે. કૅરળમાં હિન્દુઓની જનસંખ્યા લગભગ ૫૪.૭૩ ટકા છે. મુસ્લિમોની સંખ્યા ૨૬.૫૬ ટકા છે. ૧૮.૩૮ ટકા ખ્રિસ્તીઓની ટકાવારી છે. ધાર્મિક જૂથોની વસ્તીની ટકાવારીમાં જે રીતે ફેરફાર થઈ રહ્યો છે તે મુદ્દો અશાંતિ અને તનાવ માટે કારણભૂત બની રહ્યો છે. ૧૯૦૧માં લગભગ ૬૯ ટકા હિન્દુ વસ્તી સામે આજે ૧૪ ટકાથી વધારેનો ઘટાડો થયો છે.
કૅરાલાના ઈતિહાસમાં દરેક ધર્મનું પ્રદાન રહેલું છે. યહુદીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને હિંદુઓ માટે કોચીન શહેર મહત્ત્વનું રહ્યું છે. કૅરાલાનું આ પંચરંગી શહેર દરેક ધર્મના અનેક ઐતિહાસિક સ્થાનો ધરાવે છે. ગુજરાતીઓ જેમ વિશ્વમાં ફેલાતા મલયાલી લોકો માટે કેરળને એક આદર્શ રાજ્ય બનાવવાનું કાર્ય મુશ્કેલ નથી. મલયાલી ભાષા સમૃદ્ધ છે. મલયાલી સંસ્કૃતિની ઘણી વિશેષતા છે. કૅરળની મૂળ પ્રજા ‘એઝવાહ’ વસ્તીના ૨૮ ટકા છે. નારાયણ ગુરુના પ્રયત્નોથી આ જૂથના લોકોમાં શિક્ષણ અને સમાજ સુધારણા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
ભૂતકાળમાં કૅરાલામાં જ્ઞાતિપ્રથા અસ્પૃશ્યતા ખૂબ સખ્ત રીતે પળાતા હતાં. રૂઢિચુસ્ત સમાજમાં નામ્બુદ્રી બ્રાહ્મણો અને નાયર કોમના લોકો અનેક વિશેષાધિકાર ભોગવતા હતાં. આઝાદી પહેલાં રી નારાયણ ગુરુના ભગીરથ પ્રયત્ને રૂઢિ-પરંપરામાંથી મોટા સમુદાયને મુક્તિ પ્રાપ્ત થઈ છે. કૅરાલાનો ઈતિહાસ અને ભૂગોળ બંને માણવા લાયક છે. હવે પછી આપણે કૅરાલાના અગત્યના સ્થળો-શહેરોથી પરિચિત થઈશું.
Comments
Post a Comment