ચૂંટણીનો ચકરાવો-૨
પ્રવીણ ક. લહેરી
આ લેખનો બીજો હપ્તો લખું ત્યાં સુધીમાં નામાદર સુપ્રીમ કોર્ટને ચૂંટણી કમિશ્નરની નિમણૂકો બરાબર રીતે થાય છે કે કેમ તેની ચિંતા થઈ છે. ન્યાયતંત્ર ન્યાયાધિશોની નિમણૂકો અને બદલીઓ અમે જ કરીએ. બંધારણમાં જે જોગવાઈઓ નથી - જે શબ્દો જ નથી તેની જગ્યાએ ન્યાયતંત્રની સ્વાયત્તાનો મુદ્દો આગળ ધરી ‘‘ભુવો નારીયેળ ફેંકે તો ઘરભણી’’ જેવો ઘાટ થયો છે. કારોબારીની સત્તા કાપીને ન્યાયપાલિકાનો દાયરો વધારવાની ચેષ્ટા મારા નમ્ર અભિપ્રાય મુજબ બિલકુલ યોગ્ય નથી. તેમાં લોકશાહી રીતે ચૂંટાયેલ પ્રતિનિધિઓને બંધારણે આપેલી સત્તા તેમની પાસેથી આંચકી પોતાના હસ્તક લેવાની ન્યાયતંત્રની વૃત્તિ અને પ્રવૃત્તિ ચિંતાજનક છે.
આપણે મહત્ત્વના અને ખૂબ જ જરૂરી એવા ચૂંટણી સુધારાની ચર્ચા કરીએ તો અનેક મુદ્દા પર સંબંધિત સર્વેએ સહયોગ કરીને સમજણપૂર્વક સહમતિ સાધવાની છે. રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર વચ્ચે વિખવાદ કર્યા વિના અગત્યના સુધારાઓ કરવા હોય તો તેમાં સૌથી પ્રથમ તો આચારસંહિતાની જોગવાઈનું માત્ર ઔપચારિક પાલન કર તાં મતદારોને લલચાવીને મત અંકે કરવાની તમામ પ્રવૃત્તિઓ રોકવાની જરૂર છે.
આજે ઉમેદવારોની યાદી આખરી થયા બાદ માત્ર ૨૧ દિવસ બાદ ચૂંટણી યોજાય છે. સામાન્ય વિધાનસભામાં અંદાજે ૨.૫ થી ૩ લાખ મતદારો હોય છે. લોકસભામાં ૧૫ થી ૨૦ લાખ મતદારો હોય ત્યારે ટૂંકા સમયમાં વ્યવસ્થિત અને અંગત સંપર્ક માટે જરૂરી સમય રહેતો નથી. મતદારો ઉમેદવારોને ભાગ્યે જ મળે છે કે ઓળખે છે. જ્ઞાતિ, પક્ષ, સંબંધો અને ક્યારેક સાવ અટકળે મત આપી મતદારે મત આપ્યાનો સંતોષ માનવાનો રહે છે. આ સમયગાળો લંબાવીએ તો આચારસંહિતાનો સમયગાળો લંબાય તેવી દલીલ વાજબી નથી. મતદારો અને ઉમેદવારો વચ્ચે જીવંત સંપર્ક સેતુ રચાય તેવી વ્યવસ્થાનો આજે તો સદંતર અભાવ છે. આ ઉપરાંત ચૂંટણીના એક વર્ષ પહેલાં તમામ સરકારો ‘કોના બાપની દિવાળી’ જેવી ઉક્તિ સાર્થક કરતાં વર્તમાનપત્રો અને ટેલીવિઝનમાં કરોડો રૂપિયાના ખર્ચે વિજ્ઞાપન દ્વારા તેમણે પૃથ્વી પર ઉતારેલા સ્વર્ગના આપણને દર્શન કરાવે છે. સત્તાધારી પક્ષ માટે આ સરળ છે પણ વિરોધ પક્ષ કે જેની સરકારી બીજા રાજ્યમાં હોય તો તે પણ ધામધૂમથી ચૂંટણીવાળા રાજ્યમાં જાહેરાતોનો ધોધ વહાવે છે. રાજકીય પક્ષો પોતાની સિદ્ધિની જાહેરાત કરે તે આવકાર્ય છે પરંતુ મતદાતા જે કરદાતા પણ છે તેના હિસાબ ને જોખમે પક્ષ પોતાના ગુણવાન કરે તેમાં મને કોઈ ઔચિત્ય દેખાતું નથી. ચૂંટણીમાં લાભ લેવા માટે જાહેર નાણાંનો ઉપયોગ (દુરુપયોગ) સંપૂર્ણપણે બંધ થવો જોઈએ. શ્રી રાજગોપાલાચારી (રાજાજી) તો ચૂંટણી પહેલાં છ માસ રાજ્યમાં પ્રમુખ શાસન રાખી સરકાર નિષ્પક્ષ બની રહે તેવો આગ્રહ સેવતા હતાં.
પ્રચાર-પ્રસારમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ આવકાર્ય છે. ખૂબ નજીવા ખર્ચે ઉમેદવાર અને પક્ષ કરોડો લોકો સુધી પહોંચીને સીધો સંવાદ કરી શકે છે. મતદારોના પ્રશ્નો, લાગણીઓ અંગે ઉમેદવાર માહિતગાર થઈ શકે છે. દરેક ઉમેદવારે સોશ્યલ મિડીયાનો અધિકૃત રીતે ઉપયોગ કરવો જોઈએ. ખોટા સમાચારો, જૂઠા અભિપ્રાયો અને અફવાઓ ફેલાવી ચૂંટણી સમયે વાતાવરણ ડહોળવાની પ્રવૃત્તિ આજે તો કોઈ રોકટોક વિના બેફામ ચાલે છે. ઉમેદવારની ગુણવત્તા કે પક્ષની વિચારધારાને બદલે ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં કોઈ દિવંગત નેતાએ આમ કર્યું હતું, આમ બોલ્યા હતા કે તેના જૂના ફોટાની વિગતો સાથે ચેડાં કરી તેમના ચારિત્ર્ય હનનની કામગીરી કરનાર માટે ક્રોધ કરતાં દયાની લાગણી વધારે થાય છે. ભગવાને સૌને મગજ આપ્યું છે. વિચારવાની, સમજવાની અને જવાબદારીપૂર્વક વર્તવાની શક્તિ આપી છે. આ તમામ શક્તિઓ ગીરે મૂકીને ગાડરીયા પ્રવાહમાં કોઈ તણાતું દેખાય ત્યારે વણમાગી એક જ સલાહ આપવાનું મન થાય છે. ‘‘અરે, તમને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે ત્યારે વિવેકબુદ્ધિને વિદાય આપીને જૂઠ, પ્રપંચ અને વિકૃતિની જાળમાં ફસાઈને અમૂલ્ય અવસર શા માટે ગુમાવે છે ?’’
શ્રી શેષાને ચૂંટણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરીને સમગ્ર કાર્યવાહીની વિશ્વસનીયતા પુનઃ સ્થાપિત કરવામાં અનન્ય પ્રદાન કર્યું છે તે વાત સ્વીકારીએ. સાથે સાથે ચૂંટણીને ખર્ચાળ બનાવવામાં પણ શ્રી શેષાનનો ફાળો છે. તેમણે જે ઈચ્છયું તે પાર પાડવામાં થતા ખર્ચ સામે કોઈ આંગળી ન ચિંધી શકે તેવી તેમની જોહુકમી હતી. આ ઉપરાંત ચૂંટણીમાં હેલીકોપ્ટરોનો ઉપયોગ, ટેલીવિઝન અને વર્તમાનપત્રોની જાહેરાતો અને કાર્યકરોની નાણાંકીય વળતરની અપેક્ષાને કારણે ઉમેદવાર માટે આઠ આંકડામાં (રૂપિયા એક કરોડથી વધારે) ખર્ચ કરવો અનિવાર્ય બન્યો છે. નેતાઓની સભામાં ભીડ એકત્ર કરવા માટે વાહન-ભોજન વ્યવસ્થા ખૂબ મોટા મંડપો અને ખુરશીના ભાડા સહિત અનેક બાબતે જે ખર્ચ થાય છે તેની રકમ આપણે જાણીએ તો આપણને આશ્ચર્ય થાય છે. ખર્ચાળ ચૂંટણીના કારણે લોકશાહી અનેક રીતે વિકૃત બને છે. ભવિષ્યે ભ્રષ્ટાચાર કરવાની લાલચ, ગરીબ-મધ્યમવર્ગની વ્યક્તિ માટે ચૂંટણી લડવાનું સ્વપ્ન સાકાર કરવું અશક્ય બન્યું છે. ચૂંટણીમાં મુક્ત વાતાવરણ, સમાન તક અને ગુણવત્તાની જગ્યાએ પૈસાનું જોર, ધાકધમકી, હિંસા અને દારુ જેવા દૂષણને પ્રોત્સાહન આપવાના અનેક કિસ્સાઓ ઉજાગર થાય છે.
ચૂંટણીમાં ઈલેકટ્ર્ોનિક મશીનના ઉપયોગના કારણે મતદાન કેન્દ્ર પ્રમાણે પરિણામ જાણી શકાય છે. સત્તાધારી પક્ષને મત ન આપતા વિસ્તારો પ્રત્યે સરકાર ઓરમાયુ વર્તન રાખે છે. ઈલેકટ્ર્ોનિક મશીનમાં કોઈ ઘાલમેલ થઈ શકે કે કેમ તે ખૂબ વિવાદાસ્પદ મુદ્દો છે. કોઈપણ સોફ્ટવેરવાળું સાધન હોય તેમાં ચેડાં ન જ થઈ શકે તે પૂરવાર કરવું કઠિન છે. પ્રશ્ચાર્થવાળી પ્રક્રીયાનો મુદ્દો આગળ ધરીને હાર પામતો પક્ષ ઈ.વી.એમ. અંગે કાગારોળ મચાવે છે. સંપૂર્ણ સાબિતી વિના કોની વાત માનવી ? શું સાચું ? તે કહેવું મુશ્કેલ છે.
અંતમાં, ચૂંટણીની પ્રક્રિયામાં મુખ્યત્વે વહીવટી તંત્રનો અને જાહેર નાણાંનો ગેરઉપયોગ ન થાય, જ્ઞાતિવાદના ધોરણે પસંદગી ન થાય, નાગરિકો મુક્ત મને ગુણવત્તાના ધોરણે શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરે તેવી અપેક્ષા સ્વાભાવિક છે. અનેક ક્ષતિઓ અને મર્યાદાનો સ્વીકાર કર્યા પછી પણ આપણે ભારતના નાગરિક તરીકે બંધારણના ૭૨ વર્ષમાં લોકશાહીને સુદૃઢ બનાવવા માટે જરૂરથી ગૌરવ અનુભવી શકીએ છીએ. નાગરિકોની જાગૃતિ અને વિવેકબુદ્ધિએ લોકશાહીના સાચા રખેવાળ છે. નાગરિકોએ કોઠાસુઝ દાખવી છે પરંતુ હજી આપણે ચૂંટણીને સારી પસંદગીની પ્રક્રિયાની કક્ષાએ મૂકવા માટે ઘણાં પ્રયત્નો કરવા જરૂરી છે. લોકશાહીમાં ચૂંટણી લોકમતનો પડઘો પાડે છે. આપણે નાગરિકો તરીકે દેશહિતમાં, પ્રજાની પ્રગતિ માટે, રાષ્ટ્ર્ની સુરક્ષા માટે કોને સત્તાસ્થાને બેસાડવા તે નક્કી કરવાનો આ એક અનેરો અવસર છે. ચાલો, સૌ ઉત્સાહથી મતદાન કરીએ.
Comments
Post a Comment