ચૂંટણીનો ચકરાવો
પ્રવીણ ક. લહેરી
લોકશાહીમાં સત્તાની સોંપણી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને કરવા માટે ચૂંટણીએ પાયાની પ્રક્રીયા છે. સત્તાનું આકર્ષણ અદમ્ય છે. અન્ય લોકો મારા તાબે રહે, લોકો પાસે કર ઉઘરાવી હું મારી રીતે શાસન કરું, વિરોધીઓને ડરાવીને ટીકા કરતાં રોકું, પાંચ-સાત પેઢી તરી જાય તેટલું નાણું એકત્ર કરું. શક્ય તેટલું લાંબુ શાસન કરું, સગાવ્હાલાં મિત્રોને ન્યાલ કરું, લોકો મારી વાહવાહ કરે એવા અનેક વિચારો, રાજકારણીઓ મનમાં વાગોળાતા હોય છે. ચૂંટણી એ સત્તાની સીડી હોય તેના પર ઝડપથી ચડી સિંહાસને બિરાજમાન થવામાં ભીડ થાય તે માનવસહજ છે. ભારતીય સમાજમાં આઝાદીના સમયે નિરક્ષરતા, ગરીબી, અંધશ્રદ્ધા, લોકશાહી અંગે મર્યાદિત જ્ઞાન, બંધારણના આદર્શો અંગે જાણકારીનો અભાવ હોવા છતાં આપણા પૂર્વજોએ ભારતની ભલી-ભોળી પ્રજાની કોઠાસુઝમાં વિશ્વાસ મૂકીને કશાએ ભેદભાવ વિના ધનિકો હોય કે ગરીબો, સ્ત્રીઓ હોય કે પુરુષો, સમાનધોરણે મતાધિકાર આપ્યો ત્યારે ભારતમાં લોકશાહીની સફળતા અંગે શંકા ધરાવતો એક મોટો વર્ગ હતો. ૧૯૫૨માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજ્યાની ઘટનાને ૭૦-૭૦ વર્ષના વહાણા વિતી ગયા. ભારતના નાગરિકોની ત્રણ પેઢીએ વિશ્વને એક અદ્ભૂત સંદેશો આપ્યો છે. ‘‘ભારતીય પ્રજામાં દેશની એકતા, રાષ્ટ્ર્ીય વિકાસ, માતૃભૂમિની સુરક્ષા, સ્વતંત્રતા અને ન્યાય માટે આગવી દૃષ્ટિ છે. મતદારોમાં તો જાગૃતિ હોવા ઉપરાંત પ્રમાણમાં ઓછું ભણેલા પણ રાજકારણમાં મહત્ત્વનું પ્રદાન કરનારા આગેવાનોની સંખ્યા નોંધપાત્ર છે. ગુજરાતના રાજકારણ તરફ નજર કરીએ તો શ્રી છબીલદાસ મહેતા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી ઝીણાભાઈ દરજી, શ્રી કરમશી મકવાણા, શ્રી કાનજીભાઈ પટેલ એમ અનેક નેતાઓનું પરંપરાગત શિક્ષણ ઓછું હતું પણ તેઓએ સ્વપ્રયત્ને સજ્જતા કેળવી હતી. ભારતની સૌથી મોટી લોકશાહી અનેક દેશો માટે પ્રેરણારુપ છે. એક ભારતીય તરીકે આપણે આપણા પૂર્વજોએ બંધારણીય રીતે સ્થાપેલ લોકશાહી અંગે ગૌરવ લઈ શકીએ છીએ.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સાવ નજીક છે. ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી (આપ) વચ્ચે મુકાબલો છે. છેલ્લી ૬ ચૂંટણીઓમાં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીએ સારી બહુમતિથી સત્તા હાંસલ કરી હતી. આ સાતમી વખતે ભાજપની સફળતા પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારના સતત ૨૬ વર્ષના શાસનનો રેકોર્ડ તોડશે. ૧૯૯૦માં પણ ભારતીય જનતા પાર્ટીએ શ્રી ચીમનભાઈ પટેલની જનતા પાર્ટી (હળ સાથેના કિસાના ચૂંટણી ચિહ્ન) સાથે સંયુક્ત સરકાર બનાવી હતી પણ તે બે વચ્ચે ૮-૯ માસમાં વિભાજન થયું હતું. કોંગ્રેસ સતત હાર વચ્ચે ત્રણ દાયકાથી મતોની ટકાવારી જાળવી રાખવામાં અને વચ્ચે બે વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી શકી હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસની સ્થિતિ અતિ નાજુક છે. ગુજરાતમાં શિર્ષસ્થ નેતાગીરીની ખોટ સ્પષ્ટ વર્તાય છે. તેના ૨૧-૨૨ ધારાસભ્યોએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ તેઓએ ફરી પેટા ચૂંટણીઓ જીતી બતાવી છે. ગુજરાતના રાજકારણમાં આમ ૨૭ વર્ષથી સ્થિરતા છે પણ સાથે સાથે વિચારધારાને તિલાંજલિ આપીને કોંગ્રેસ-ભાજપમાં પક્ષાંતર કરવાની વ્યવસ્થા એટલું જ દર્શાવે છે કે રાજકારણી માટે વિચારધારા કરતાં પોતાનું હિત સર્વોપરી છે. બંને મુખ્ય પક્ષોમાં વિરોધી પક્ષમાં દશકાઓ સુધી રહેલા નેતાઓની હાજરી જે તે પક્ષના જૂના કાર્યકરો કૌતુકતાના ભાવ સાથે, નિઃસહાય રીતે નિહાળી રહ્યા છે. રાજકારણ એ ફરતા-ખુલતા દરવાજા જેવું છે. દાખલ થાવ અને આપમેળે અંદર આવી શકો અથવા બહાર જઈ શકો. અગાઉ આવા પક્ષાંતરો માટે આયારામ-ગયારામ શબ્દપ્રયોગ યોજાતો હતો. આજે તો માત્ર ૧૨ કલાકમાં રાજકરણી ભટકી જઈને વિરોધપક્ષમાં વિધિવત્ જોડાઈને ઘરવાપસી કરે ત્યારે આપણે પણ સંગીતની મહેફિલ જેમ ‘દુબારા’ વન્સમોરની ચિચિયારી પાડી શકીએ. આથી વિશેષ કશું ન કરીએ એ આપણી અને લોકશાહીની લાચારી છે.
આમ આદમી પાર્ટી એટલે દિલ્હી-પંજાબમાં વિરોધીઓને ચિત્ત કરીને સરકાર સ્થાપનાર એક ચંચળ પ્રકૃતિના પણ ચાલાક નેતાની આગવી સફળતાનું પ્રમાણ છે. ‘વચનેષુ કીમ દરીદ્રતા’ના સૂત્ર સાથે અઢળક આશાઓના પૂલો બાંધીને વિકાસની આગવી વ્યાખ્યા સાથે ક્યારેક ઉપદ્રવીઓ, આતંકીજૂથો સાથે સાંઠગાંઠ કરીને પોતાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો પણ કર્યા છે. ૨૦૨૨ની ચૂંટણીમાં બિલાડીના ટોપ જેમ ફૂટી તમામ ૧૮૨ મત વિસ્તારોમાં આપે ઉમેદવારો મૂકીને ચૂંટણીના ગણિતને ગુંચવી નાખ્યું છે. તેની સફળતા શંકાસ્પદ છે પણ તેની અવળી અસર કોને પરેશાન કરશે તે તો સમય જ નક્કી કરશે. આ૫ે ભારતમાં ચૂંટણીની પ્રક્રીયામાં કાળક્રમે અનેક ક્ષતિઓ આવી હતી. ભલુ થાય ચૂંટણી કમિશ્નર શ્રી ટી. એન. શેષાનનું. શ્રી શેષાન કેબિનેટ સેક્રેટરીના સર્વોચ્ચ વહીવટી હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ ચૂંટણી પંચમાં નિમાયા. અગાઉ તેમના પૂરોગામી નિવૃત્ત અધિકારીઓએ ચૂંટણી પંચની કામગીરીમાં જેમ ચાલે છે તેમ ચાલવા દેવા જેવી ઢીલી નીતિ અખત્યાર કરી હતી. શ્રી શેષાને આચાર સંહિતાની જોગવાઈઓ કડક કરી, સાથે સાથે તેમણે રાજકીય પક્ષો અને નેતાઓને ખૂબ આક્રમક રીતે ટોક્યા અને રોક્યા. ચૂંટણી પંચનો ડર સ્થાપિત કર્યો. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દબાણમુક્ત રહે તે માટેની જડબેસલાક વ્યવસ્થા ગોઠવી. વરિષ્ઠ અને અનુભવી અધિકારીઓને નિરીક્ષક બનાવીને તેમણે તમામ મત વિસ્તારો પર બાજ નજર રાખી ગેરરીતિઓ અટકાવવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
ત્યારબાદ ચૂંટણી પંચની કામગીરીમાં ક્રમશઃ શિથિલતા આવતી હોય તેમ જણાય છે. ભારતીય પ્રજા માટે લોકશાહી અને ચૂંટણી ખૂબ મહત્ત્વના છે. હાલ ચૂંટણીના કારણે ઘણાં દૂષણો પણ જોવા મળે છછે. આમાં મુખ્યત્વે નાણાંનો ઉપયોગ, જાહેર વહીવટી તંત્રનો દુરુપયોગ, જ્ઞાતિવાદ, બાહુબલીઓની બોલબાલા જેવા મુદ્દાઓ સામેલ છે.
ચૂંટણીની પ્રક્રીયા ન્યાયી, તટસ્થ અને ગુણવત્તાના ધોરણે પસંદગીની કેમ રહે તે યક્ષ પ્રશ્ન છે. સામાન્ય નાગરિકોમાં ચૂંટણીની આવશ્યકતા અંગે મતભેદ નથી. ચૂંટણીમાં સુધારાઓ દાખલ કરવા માટે આજે આપણને શ્રી ટી.એન. શેષાન જેવા મજબૂત કમિશ્નરની જરૂર છે. તે અંગેના સંદેશાઓ સોશ્યલ મિડીયામાં ફરે છે. આપણે સામાન્ય નાગરિકો કેવા સુધારા ઈચ્છે છે તે અંગેની વિગતો આગામી લેખમાં તપાસીશું. હાલ તો દરેક નાગરિક પોતાનો ધર્મ સમજીને મતદાન અચૂક કરે તેવી વિનંતી સહ.
Comments
Post a Comment