રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી

                                                                  (કલાપી)

                                                                                        પ્રવીણ ક. લહેરી

પ્રેમ અને સંવેદનાના કવિ કલાપીના પંખીઓને ઉદ્દેશીને લખેલા; ‘‘હે પંખીડા સુખેથી ચણજો’’ કાવ્યની આ અંતિમ પંક્તિ વાંચીએ ત્યારે સમાજમાં વ્યાપેલી ક્રુરતા કે જેનો ભોગ દલિતો, આદિજાતી, મહિલાઓ, વંચિતો, બાળકો, દિવ્યાંગો હરહંમેશા બનતા રહે છે. તેના સમાચાર વાંચીને આપણું સમગ્ર વ્યક્તિત્વ હચમચી જાય છે. સંસ્કૃત સુભાષિતે મનુષ્ય અને પશુ વચ્ચે આહાર, ભય, નિદ્રા અને મૈથુન આ ચાર બાબતો સમાન હોવાનું નોંધ્યું છે. હિંસા, ક્રુરતા અન્યને હાનિ અને છેતરપિંડીમાં માણસોની વિકૃતિએ માજા મૂકી છે. છેલ્લા થોડા વર્ષોથી નિર્ભયાના કિસ્સા બાદ એવી લાગણી થઈ હતી કે સમાજની સ્ત્રીઓ પર થતાં અત્યાચારો અંગે સંવેદના જાગી છે, જાગૃતિ આવી છે, મહિલાના રક્ષણ માટે કાયદાની જોગવાઈઓ કડક થઈ છે, કોર્ટે પણ ન્યાય આપવામાં સંવેદના દર્શાવે છે. અત્યાચારનો ભોગ બનેલ મહિલાઓ અનેક કિસ્સામાં ફરિયાદ પણ નોંધાવી શકતી નથી. નિઃસહાય, ભોળીભલી કુમળી કળી જેવી ૪ થી ૧૪ વર્ષની બાળાઓ પણ જ્યારે નરાધમોની વાસનાનો ભોગ બને છે ત્યારે તેની વિગતો વાંચતા આપણને કમકમાટી આવી જાય છે. બળાત્કાર બાદ માસુમ બાલિકા તેની ફરિયાદ ન કરે, પૂરાવો ન રહે તેવા કુવિચાર સાથે મોટાભાગના કિસ્સામાં આ છોકરીની હત્યા કરવામાં આવે છે ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય છે. શું આ આપણી સંસ્કૃતિ છે ? શું આ આપણો પ્રગતિશીલ સમાજ છે ? શું આપણે ખરેખર વિકાસ સાધ્યો છે ? શું આપણે સાચા અર્થમાં શિક્ષિત છીએ ? આ પ્રશ્નો વેધક છે. આ પ્રશ્નો આપણને અકળાવી મૂકે તેવા છે. તેનો જે ઉત્તર સાચો અને વાસ્તવિક છે તે આપણે જાણીએ છીએ પણ ક્યાંકને ક્યાંક આપણે સમાજ તરીકે, સરકારે વહીવટી તંત્ર તરીકે સંવેદના ગુમાવી છે. શિક્ષણ હોય કે સોશ્યલ મિડીયા, પરિવાર હોય કે મિત્રવર્તુળ, ધર્મસ્થાન હોય કે કથા - ક્યાંયથી આપણને સંસ્કારનું પોષણ મળે તેવો માહોલ નથી. વર્તમાન સમયમાં કવિ રાજેન્દ્ર શાહની લખેલી પંક્તિઓનું સ્મરણ થાય છે. ‘‘નિરુદેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે’’ ખરેખર આપણામાના ઘણાં માણસોએ મનુષ્ય દેહ ધારણ કર્યો છે પરંતુ તેમનો વેશ પાંશુમલિન જ નહીં પણ એક વિકરાળ રાક્ષસ જવો છે.

આઝાદી બાદ નાગરિકોના મુળભૂત અધિકારો સ્પષ્ટ રીતે નક્કી થયા. તેને બંધારણીય, કાયદાકીય રક્ષણ મળ્યું. પરંતુ નાગરિક તરીકેની ફરજો અંગે સમાજમાં ઉદાસિનતા પ્રવર્તે છે. બધારણમાં સમાવિષ્ટ નાગરિક ફરજોનું વર્તન માત્ર કાગળ ઉપર છે. કાયદા દ્વારા અંકુશો, નિયંત્રણો મૂકવા અનિવાર્ય છે. પરંતુ સમાજમાં વ્યક્તિની વર્તણૂક નક્કી કરતા અનેક પરિબળો છે. આજે સમાજમાં સડો પેઠો છે. આપણે એક બાજુ વિશ્વગુરુ બનવાના સ્વપ્નો જોઈએ છીએ. બીજી બાજુ આપણને જે ક્રુરતા જોવા મળે છે તેના કારણે આપણે જવાબદાર નાગરિક નથી તેમ પૂરવાર થાય છે. ઉપનિષદની સર્વસુખીની ભાવના લઈએ કે કવિ નરસિંહ મહેતાએ વર્ણવેલા ‘‘વૈષ્ણવજન’’ના ગુણોનો વિચાર કરીએ તો આપણને સમજાશે કે આપણે સૌ પ્રથમ નાગરિકોની માનસિકતા સ્વસ્થ રહે. સમષ્ટિના કલ્યાણ માટેની વૃત્તિ વિકસે તે બાબતોએ અગ્રતાના ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.

મહિલાની સુરક્ષા જોખમાવતા પરિબળો ઓળખીને તેને નિયંત્રણમાં રાખવા માટે પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, જાહેર સ્થળો, કાર્યક્રમોએ તમામ જગ્યાઓએ આપણે સમુચિત કાળજી સાથેની વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. સોશ્યલ મિડીયા, સિનેમા અને અખબારોના વિકૃતિના સમાચારો થકી અનેક વ્યક્તિઓ ગુમરાહ થાય છે. સૌથી પ્રથમ તો કોઈએ પણ હિંસા, ક્રુરતા, શોષણ વધે તેવા વિચારોની અભિવ્યક્તિ ન કરવી જોઈએ. હિંસા અને ક્રુરતાને પ્રોત્સાહન તો આપી શકાય જ નહનીં. સ્ત્રીને ઉપભોગના સાધન તરીકે અનેક જાહેરાતો દ્વારા દર્શાવીને તેમજ જાતિયવૃત્તિ ઉશ્કેરે તેવા અહેવાલો, ફોટાઓ, સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મના કારણે યુવાનો જ નહીં પણ વ્યસ્ક નાગરિકોમાં જાતિય આવેગ થકી વિકૃત વલણ-વર્તન જોવા મળી રહ્યા છે.

આપણા દેશમાં એક બાજુ ખજૂરાહોના શિલ્પ અને કામશાસ્ત્ર છે. બીજી બાજુ જાતીયવૃત્તિને વખોડીને બ્રહ્મચર્યનો મહિમા કરવામાં આવે છે. સમાજની અનેક વ્યક્તિઓના વિચારોમાં જો પ્રદૂષણ હશે તો વર્તનમાં બહાર આવશે. આ માનસિકતા બદલવામાં સુયોગ્ય જાતીયજ્ઞાન અને શિક્ષણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવી શકે. સરકારે ‘અભ્યમ્‌’ જેવી વ્યવસ્થા કરી અનેક મહિલાઓને અણીના સમયે મદદ કરી તેમની સુરક્ષા નિશ્ચિત કરી છે. આમ છતાં જ્યાં સુધી સમાજમાં ખાસ કરીને વ્યક્તિઓમાં સંવેદના અને જવાબદારી નહીં હોય તો પરિસ્થિતિમાં ઈચ્છનીય સુધારો થશે નહીં. મહિલા સુરક્ષાનો મુદ્દો આપણા દેશની શાખ માટે ખૂબ મહત્ત્વનો છે.

આ૫ણે નીચેની બાબતોએ સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

૧. પરિવારમાં સંબંધીઓ દ્વારા બાળકીઓ કે અન્ય મહિલાઓનું શોષણ ન થાય તેવી ચુસ્ત વ્યવસ્થા હોવી જોઈએ. પરિવારના સભ્ય તરફથી દુષ્કર્મ થાય, મહિલાને હાનિ થાય તેવા તમામ કિસ્સાઓમાં ઝડપી અને તટસ્થ રીતે કાર્યવાહી થાય, દાખલારુપ સજા મળે અને શોષણનો ભોગ બનેલ બાળકી/મહિલાને સંસ્થામાં આશ્રય આપી તેની પૂરતી સારસંભાળ લેવાય તેવી વ્યવસ્થા અપેક્ષિત છે.

૨. કચેરીઓમાં જે જાતિય સતામણીનો કાયદો છે તે ચુસ્ત જોગવાઈઓ છે. તેનાથી પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. કચેરીમાં પુખ્ત વયના સ્ત્રી-પુરુષો સાથે કામ કરે ત્યારે વિજાતીય આકર્ષણના પ્રસંગે સૌ કોઈ સંયમપૂર્વક વર્તે તે માટે સમજણ અને તાલીમ દ્વારા મનની કેળવણી જરૂરી છે.

૩. શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો/શિક્ષિકાઓ દ્વારા બાળકોનું શોષણ થાય છે. તેમને પ્રલોભન, ધમકી, ડરથી મુંઝવણમાં મૂકીને અઘટિત કાર્ય થતું હોય તે રોકવું જરૂરી છે.

૪. જાહેર સ્થળોએ એકલી મહિલા માટે જે સ્થિતિ નિર્માણ થાય છે તે માટે પુરુષોની હલકી માનસિકતા જવાબદાર છે. મહિલા માટે આવા પ્રસંગે કાળજી અને સ્વરક્ષણની તાલીમ ખૂબ ઉપયોગી થાય છે.

૫. અંતમાં મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે સૌની સહિયારી જવાબદારી છે. આજે ઉપેક્ષા અને બિનસંવેદનશીલ વાતાવરણમાં પરિવર્તન લાવીને નાગરિકો આ મુદ્દે સતત જાગૃતિ દર્શાવે તે સમયનો તકાજો છે. અન્યથા આપણો સમાજ અરાજકતાની ઊંડી ગર્તામાં ધકેલાઈ જશે.

તાજેતરમાં શ્રદ્ધા નામની ૨૭ વર્ષની યુવતીની દિલ્હીમાં આફતાબ નામના પ્રેમીએ જે નિર્મમ-અતિશય ક્રૂર અને વિકૃત હત્યા કરી તે દર્શાવે છે કે આપણા સમાજમાં અમુક યુવકોમાં કેવી મનોવૃત્તિ છે. જે રીતે જઘન્ય ઘટનાઓ વિનાનો કોઈ દિવસ નથી જતો ત્યારે આપણે મહિલા સુરક્ષા અંગે જાગૃત થઈ કાર્યરત બનીએ. અન્યથા આપણો સમાજ ઋગ્ણ અને વિકૃત બની આપણને વિશ્વમાં નીચાજોણું કરાવશે. મહિલા સુરક્ષાના પ્રશ્ને હવે ગંભીર બનવું રહ્યું. કમનસીબે આપણી સંવેદના બુઠ્ઠી થઈ ગઈ છે. આપણે સમાજના દૂષણો અંગે વિચારવા તૈયાર નથી તે સ્થિતિ અતિ દુઃખદાયક છે.

Comments

Popular posts from this blog