વિક્રમ સંવત ૨૦૭૯ કેવું નિવડશે ?

                                                                             પ્રવીણ ક. લહેરી

દિવાળીની પૂર્તિઓમાં આપ સૌએ રાશિ ભવિષ્ય વાંચ્યું હશે. કોઈ સારું તો કાંઈક અમંગળ બનવાનો ઉચાટ અનુભવ્યો હશે. આપણે ગ્રહોની ચાલ પ્રમાણે નહીં પણ આજના વિશ્વની વાસ્તવિકાને આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વિચાર કરીએ તે જરૂરી છે. જે થવાનું હશે તે થશે. માણસ ભલે આશા રાખે પણ ધાર્યું તો ધરણીધરનું જ થાય તેવા પ્રારબ્ધવાદથી દૂર રહી નવા વર્ષે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા કરેલા સંકલ્પો, સાંપ્રત સમયની સમસ્યાઓ સુલઝાવવાના પ્રયત્નો અને અંતરાયોનો વિચાર કરીએ તે જરૂરી છે. વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ સમગ્ર વિશ્વને માટે પડકારરૂપ રહ્યું છે. કોરોનાની મહામારીના બે વર્ષના કહેર પછી તમામ દેશોના અર્થતંત્રો પુનઃ ગતિશીલ બની રહ્યા હતાં ત્યાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી વિશ્વ માટે ઘેરી કટોકટી સર્જી છે. 

(૧) અમેરિકા પ્રેરિત નાટોની ઈચ્છા રશિયાને એકલું પાડી દેવાની છે. આ માટે યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાની પેરવી થતાં છંછેડાયેલા રશિયન સર્વેસર્વા પુટિને આક્રમણનો માર્ગ અપનાવ્યો. શરુઆતમાં રશિયન જીત માટે દિવસો નહીં પણ કલાકોની ગણતરીહતી ત્યાં ૧૦ મહિનાથી ચાલતા યુદ્ધમાં યુક્રેને ઘણી મોટી તબાહી ભોગવી છે. રશિયાને પણ લશ્કરી રીતે નીચાજોણું થયું છે. તેનું નુકશાન પણ નોંધપાત્ર છે. રશિયન આક્રમણને નિષ્ફળ બનાવવા માટે અમેરિકાએ આગવી કૂટનીતિ અપનાવી છે. યુક્રેનને અત્યાધુનિક હથિયારો આપીને રશિયનોની જીત અસંભવ બનાવી છે. આ ઉપરાંત રશિયા સાથેના વેપાર પર ખૂબ કડક પ્રતિબંધો (સેન્કશન્સ) લાદીને રશિયાને આર્થિક નુકશાન કર્યું છે. સાથે સાથે યુરોપના અનેક દેશો ઉર્જા માટે રશિયાના કુદરતી ગૅસ પર નિર્ભર છે. તેમનો પૂરવઠો અટકી પડ્યો છે. શિયાળામાં આ દેશોના લોકોને જે હાડમારી ભોગવવાની થશે તેનો અંદાજ ભયાવહ છે. ઉર્જાની કટોકટીના પગલે યુરોપના દેશોના અર્થતંત્રો અસ્તવ્યસ્ત થઈ રહ્યાં છે. અગાઉ સિરીયાના શરણાર્થીઓને આશ્રય આપવામાં, ત્યારબાદ કોરોનાના બે વર્ષ ચાલેલા કહેરમાં અને હવે યુક્રેન-રશિયા યુદ્ધના કારણે વિશ્વમાં આર્થિક કટોકટી ઘેરી બની રહી છે. રશિયા અને અમેરિકા આગ સાથે ખેલી રહ્યા છે. બે અલમસ્ત પાડાઓ ઝઘડે અને ઝાડનો શોથ નીકળી જાય જેવી ઉક્તિ સાચી પડતી જણાય છે. ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રતિબંધોની અવગણના કરી મિત્ર દેશ રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો છે...જરૂર પ્રમાણે વધાર્યો પણ છે. સાથે સાથે પુટિનને સલાહ આપી છે કે આજના સમયમાં સમસ્યાના ઉકેલ માટે યુદ્ધ એ અસરકારક ઉપાય નથી. આ યુદ્ધ સમાપ્તિ માટે ત્રિપક્ષીય વાટાઘાટો અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે શરું થઈ છે. વિક્રમ સંવત ૨૦૭૯માં સત્વરે આ યુદ્ધ પૂર્ણ થાય અને અમેરિકાએ લાદેલા આર્થિક પ્રતિબંધો હટી વિશ્વનું અર્થતંત્ર ફરી પાટા પર ચડે તો અબજો લોકોને રાહત થશે.

(૨) રશિયા યુક્રેનના યુદ્ધ ઉપરાંત આર્થિક અને લશ્કરી રીતે મજબૂત બનેલા ચીનની ઘટનાઓ પણ ચિંતાજનક છે. શી પીંગના ૧૦ વર્ષના શાસન દરમિયાન ચીન વધારેને વધારે આક્રમક બનતું જાય છે. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે શક્તિ પ્રદર્શન અને ધામધમકીથી સમગ્ર વિસ્તારની શાંતિને સતત તનાવમાં બદલી છે. દક્ષિણ ચીનના સમુદ્રમાં પાડોશી દેશોને આંતરરાષ્ટ્ર્‌ીય સરહદો આપવાના બદલે સમગ્ર સમુદ્ર વિસ્તાર પર અમારું જ સર્વ રીતે વર્ચસ્વ છે તેવી ખુલ્લી દાદાગીરી ચીન કરી રહ્યું છે. શી પીંગે ચીનમાં સર્વસત્તાધીશ તરીકે ૧૦ વર્ષ બાદ બીજા પાંચ વર્ષ માટે પોતાની નિમણૂક તમામ મહત્ત્વના પદો પર કરાવી લીધી છે. સામાન્ય સભામાંથી તેમના પુરોગામી વરિષ્ઠ નેતા હૂ જીઆન્ટોને જે રીતે દૂર કરવામાં આવ્યા તેથી હવે સામુહિક નેતાગીરીની જગ્યાએ શી પીંગની સરમુખત્યારી સ્થાપિત થઈ છે. શી પીંગની મહેચ્છા ચીનની સીમાઓ વિસ્તારવાની છે. ૭ સભ્યોની કારોબારીમાં તમામ વ્યક્તિઓને તેમની અંગત વફાદારીના ધોરણે પસંદગી કરવામાં આવી છે. ચીનના આર્થિક બહિષ્કારની અમેરિકા-યુરોપે શરુઆત કરી છે. અગાઉ ૧૯૭૪માં અમેરિકી પ્રમુખ નિક્ષન અને તેના વિદેશ પ્રધાન હેનરી કિંસીજરે ચીનને વિકસાવવામાં અને ડૉલરને એક માત્ર વિદેશીચલણ બનાવવામાં જે વરવી ભૂમિકા ભજવી હતી તેના દુષ્પરિણામો અમેરિકા સહિત તમામ દેશો ભોગવી રહ્યા છે. આશા રાખીએ કે ચીનમાં ધરમૂળથી પરિવર્તન આવે.

(૩) સાંપ્રત સમયમાં વિશ્વની ત્રીજી સમસ્યા છે મહામારીનો ભય. કોરોનાના ર વર્ષના કહેર બાદ સ્થિતિ સુધરી છે પણ ક્યારે નવા વિષાણુઓ આપણને મુશ્કેલીમાં મૂકશે તેનો અંદાજ નથી. આપણા સૌ માટે આરોગ્યની જાળવણીને ટોચની અગ્રતા આપવાનું અનિવાર્ય બન્યું છે. મહામારી પૂરી થતાં જે જે રીતે વિશ્વના તમામ લોકો ઉપભોગ કરવામાં, પ્રવાસ કરવામાં અને મોજમજા કરવામાં લાગ્યા છે ત્યારે કોરોનાનો બોધપાઠ આપણે સૌ વિસરી ગયા હોય તેવો માહોલ છે. આર્થિક વિકાસ માટે ઉપયોગી હોય પણ આરોગ્ય, પર્યાવરણ અને અન્યની સલામતિ માટે જોખમી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ પર સ્વયંશિસ્તથી અંકુશ મૂક્યા વિના આપણે ક્યારે મહાઆપત્તિમાં આવી જશું તે જાણતા નથી. 

(૪) વિવિધ આંતરરાષ્ટ્ર્‌ીય ઘટનાઓનું એક પરિણામ એ આવ્યું છે કે દરેક દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અનેક દેશોમાં ૧૦ ટકા જેટલો ફૂગાવો થતાં સામાન્ય લોકો માટે જીવનશૈલી જાળવી રાખવામાં મોટા વિધ્નો આવ્યા છે. તમામ દેશોની સરકારે વિકાસ દર વધારવા દેવું કરીને પ્રજા પર ભવિષ્યે અસહ્ય ભારરૂપ થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતીય મૂળના શ્રી ઋષિ સુનક યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સંકલ્પ જાહેર કર્યો કે આપણા પુત્ર-પુત્રીઓ, પૌત્ર-પૌત્રીઓએ દેવાદાર તરીકે જીવવું ન પડે તે માટે પ્રયત્ન કરશે. સરકારનું પહાડ જેવું જંગી દેવું કોણ ચૂકવશે ? ક્યારે ચૂકવશે ? કેમ ચૂકવશે તે પ્રશ્નોના ઉત્તરો શોધવાના બાકી છે. જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર માટે જાહેર દેવાનો પ્રશ્ન સૌથી અગત્યનો છે. મોંઘવારી વધતી રહે, જાહેર દેવું વધતું રહે, સરકારોની નાણાંકીય ખાદ્ય વધતી રહે, કરવેરા વધતા રહે તેવા વિષચક્રમાંથી છૂટવા માટે ભગીરથ પ્રયત્નો જરૂરી છે. જો સમયસર દેશોના અર્થતંત્રો સુદૃઢ નહીં થાય તો અરાજકતાની સંભાવના નકારી શકાય તેમ નથી.

(૫) વિશ્વ સમક્ષ પાંચમી અને સંભવતઃ સૌથી જટીલ સમસ્યા ઋતુચક્ર પરિવર્તન અને પ્રદૂષણની છે. આપણે પર્યાવરણની ચિંતા કર્યા વિના આડેધડ કુદરતી સંસાધનોને પ્રદૂષિત કર્યાં છે. નદી હોય કે સમુદ્ર, હવા હોય કે પાણી, જમીન હોય કે સરોવર, આપણે ચારે તરફ અતિશય પ્રદૂષણ ફેલાવી માનવજાતિના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિહ્ન ખડું કર્યું છે. આમ છતાં હજી કોઈ દેશ કે પ્રજા આ મુદ્દે ગંભીર નથી, જાગૃત નથી. જે પગલાંઓ લેવાય છે તે કાં તો અતિ મોડા છે અથવા તો સમસ્યાના પ્રમાણમાં અલ્પ છે. અમુક તજજ્ઞોના મતે તો આપણે જોખમી લક્ષ્મણ રેખા પાર કરી ચૂક્યા છીએ. વિક્રમ સંવત ૨૦૭૯માં પર્યાવરણના જતન અંગે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અનેક દુરસ્તીના પગલાં લીધા વિના અન્ય વિકલ્પ નથી. કુદરતી સંસાધનો ખાસ કરીને જળ, જમીન અને હવાની ગુણવત્તા જાળવી રાખવા માટે આપણે કોઈ બાંધછોડ કરી શકીએ તેમ નથી. પર્યાવરણના શત્રુઓ છે તેવા તમામ કામો આપણે તાત્કાલિક રોકવા પડશે અન્યથા આપણે જ નહીં પરંતુ આગામી પેઢીઓ ખૂબ મોટું નુકશાન ભોગવશે તેમાં શંકા નથી.

સમય તો વહેતો રહેશે, આપણે આપણી સગવડ પ્રમાણે ભલે તેમાં આપણી રીતે માપીએ પણ કાળના અવિરત પ્રવાહમાં દરેક સીમાચિહ્ને આપણે જાગૃત થઈને વાસ્તવિકતા પીછાણીને આપણા અને આપણી ભાવિ પેઢીના હિતોની રક્ષા કરવી જરૂરી છે. કમનસીબે આપણે આપણા કર્મોના દુષપ્રભાવથી વાકેફ છીએ. જોખમ અંગે સભાન છીએ. સમસ્યાનો ઉકેલ પણ જાણીએ છીએ પરંતુ આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવા તૈયાર નથી. વિ.સં. ૨૦૭૯માં ઈશ્વર આપણને સૌને સાચા માર્ગે ચાલવા માટે સદ્‌બુદ્ધિ આપે, દૃઢતા આપે અને સંવેદના આપે તેવી અભ્યર્થના સહ...

Comments

Popular posts from this blog