ભારતીય મૂળના લોકો અને ઋષિ સુનકની સિદ્ધિ
પ્રવીણ ક. લહેરી
વિશ્વના ૧૯૨ જેટલાં દેશોમાંથી અંદાજે ૧૬૦ જેટલાં દેશોમાં ભારતીયો સ્થાયી થયા છે. અંદાજે ૨ કરોડ જેટલા ભારતીયો તો આઝાદી બાદ અન્ય દેશોમાં ઉજ્જવળ તકનો લાભ લેવા પહોંચ્યા છે. અમેરિકા, કૅનેડા, ઓસ્ટ્ર્ેલિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ્, યુરોપના દેશોમાં અભ્યાસાર્થે ગયેલા અનેક વિદ્યાર્થીઓએ ત્યાં જ કારકિર્દી ઘડી સફળતા હાંસલ કરી છે. અમેરિકાની અવકાશ એજન્સી ‘નાસા’ હોય કે બ્રિટનની આરોગ્ય સેવા હોય, સિલિકોન વેલીનો ડિઝીટલ ઉદ્યોગ હોય કે અમેરિકાની હૉટેલ-મોટેલ હોય, ઇંગ્લેન્ડની કોર્નર સાઈડ શોપ હોય કે યુનાઈટેડ આરબ એમિરેટનો બાંધકામ ઉદ્યોગ હોય, દક્ષિણ આફ્રિકા, કૅન્યા, યુગાન્ડાનો વેપાર હોય કે ઈથોપિયામાં ખેતી હોય, વિદેશની નામાંકિત યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય હોય, સંશોધન હોય કે અભ્યાસમાં તેજસ્વિતા હોય - ભારતીય મૂળના લોકોનો દબદબો છેલ્લાં ૪૦ વર્ષથી સતત વધતો ચાલ્યો છે. અગાઉ આપણે બ્રેઈન ડ્ર્ેઈન - પ્રતિભા ગુમાવવા માટે રંજ અનુભવતા હતા પણ આજે વર્ષો અગાઉ વિદેશ ગયેલા તેજસ્વિ તારલાઓની સિદ્ધિના પ્રકાશમાં આનંદ અને ઉલ્લસા અનુભવીએ છીએ. ભારત પરના બ્રિટિશ શાસન દરમિયાન મજૂરી માટે દક્ષિણ આફ્રિકા, કેરેબીયન ટાપુઓ, પૂર્વ આફ્રિકા વગેરે સ્થળોએ લાખોની સંખ્યામાં ગિરમીટીયા મજૂરોનું સ્થળાંતર થયેલું. આના કારણે આજે અનેક કેરિબિયન ટાપુઓ, ફિઝી, મોરેશિયસ, સુરિનામ જેવા ટાપુ રાષ્ટ્ર્ોમાં ભારતીય મૂળના લોકોની બહુમતિ છે. તેમાના ઘણાંએ ભારતીય સંસ્કૃતિ વિવિધ રીતે જીવંત રાખી છે. અનેક જગ્યાએ સ્થાનિક વાતાવરણ, પરંપરા અને જીવનપદ્ધતિ સાથે સાનુકૂળ થયા છે. આઝાદી સમયે ભારતમાં પ્રવર્તમાન ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, પછાતપણું, અલ્પ આયુષ્ય વગેરેના કારણે ભારતીય મૂળના લોકો માટે ભારતીય વંશજ હોવાનું ગૌરવ ઓછું હતું. નૉબેલ પુરસ્કાર વિજેતા નાઈપૌલ જેવાને તો ભારત અંગે ખૂબ ઊંડો પૂર્વગ્રહ હતો. શ્વેત ત્વચાની પ્રજાએ ઘઉંવર્ણી અને શ્યામ રંગની પ્રજા હલકી છે, બુદ્ધિ અને આવડત ઓછા છે, તમામ રીતે પછાત છે, તેવી છાપ પેદા કરી હતી. ગુલામીના એ અંધકાર યુગમાં તેજસ્વિ ભારતીયોનો સ્વીકાર કરતાં અંગ્રેજો, યુરોપિયનો અને અમેરિકનોને પેટમાં ચૂંક આવતી હતી. ખુલ્લા અથવા છૂપા રંગભેદની દિવાલ સાથે ભારતીયોની ઉપેક્ષા, અપમાન અને અન્યાયનો સીલસીલો ચાલુ હતો. ભારત સ્વતંત્ર દેશ તરીકે અરાજકતામાં ધકેલાય જશે તેવી અમંગળ આગાહી ચુસ્ત સામ્રજયવાદી ચર્ચિલે કરી હતી. ઈતિહાસનું ચક્ર ફરતું રહે છે. વીસમી સદી પૂરી થઈ ત્યારે વિશ્વે દ્વિતીય સહસ્ત્રાબ્દીના મહામાનવની ખોજ કરવા વ્યાપક જનમત મેળવ્યો અને તેમાં જ્યારે મહાત્મા ગાંધીની પસંદગી થઈ ત્યારે ભારતીયોની છાતી ગજ ગજ ફૂલાય તેમાં આશ્ચર્ય તો ન જ હોય. એક ‘અર્ધનગ્ન ફકીરે દુનિયાને ‘‘શસ્ત્ર શક્તિનો મુકાબલો લોકશક્તિથી કેમ થાય તે અંગે આગવી પદ્ધતિ શીખવી. અનેક કચડાયેલી, શોષિત અને વંચિત પ્રજા માટેતેની કાર્યપદ્ધતિ ૬૦ જેટલાં દેશોમાં સફળતાપૂર્વક અમલી થઈ શકી છે. સરમુખત્યારો, સામ્રાજ્યવાદીઓ, સંસ્થાનવાદીઓ તો છળકપટથી શાસન કરે છે. લોકશક્તિ જાગૃત થાય, સંગઠ્ઠિત થાય અને સત્ય માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર થાય ત્યારે લોકશક્તિનો વિજય સુનિશ્ચિત છે. સત્યાગ્રહ, દૃઢ નિષ્ઠા, પરમ ત્યાગ, સંપૂર્ણ સમર્પણ, દીર્ઘ ધીરજ અને અનેરો આત્મવિશ્વાસ માંગે છે. ભારતની જનતાએ અંગ્રેજો પ્રત્યે વેર ન રાખતાં સમાન કક્ષાએ, અરસપરસના આદર સાથે એકમેક જોડે વર્તવાની જે શીખ આપી હતી તેની અસર ભારતમાં કેટલી છે તે ચર્ચાનો મુદ્દો છે. ભારતીય મૂળના ઘઉંવર્ણા, હિન્દુ ધર્મ પાળતા ઋષિ સુનકને વડાપ્રધાનપદે ચૂંટીને અંગ્રેજોએ ગાંધીજીની ગૂડવીલ ફોર ઓલ, સૌને માટે સદ્ભાવનાની સલાહનો સારી રીતે અમલ કર્યો છે.
ઋષિ સુનકની યુનાઈટેડ કિંગડમ્ના વડાપ્રધાનપદે માત્ર ૪૨ વર્ષની ઉંમરે ત્યાં (ચર્ચિલ)ની રૂઢિચુસ્તી પાર્ટી દ્વારા જંગી સમર્થન સાથે નિમણૂક થઈ છે ત્યારે ભારતમાં આનંદની ભરતીના મોજાઓ ઉછળી રહ્યા છે. અખંડ પંજાબના ગુજરાતવાલામાં રહેતા ઋષિ સુનકના દાદા-દાદીનું યુગાન્ડા, ઋષિના માતા-પિતાનું ઇંગ્લેન્ડમાં આવીને વસવું, ઋષિનો ૧૯૮૦માં થયેલ જન્મ બાદ ઓક્સફર્ડ અને સ્ટેન્ડફર્ડ જેવી યુનિવર્સિટીઓમાંથી ઝળહળતી શૈક્ષણિક સિદ્ધિઓ, મૂડીરોકાણના નિષ્ણાત તરીકે સેવા અને ખૂદના ધંધા બાદ આર્થિક રીતે સદ્ધર થયા બાદ માત્ર ૭ વર્ષની સંસદીય કારકિર્દી બાદ વડાપ્રધાનપદે પહોંચવાની સમગ્ર ગાથા અદ્ભૂત છે. આપણા દેશની ઈન્ફરમેશન ટૅકનોલોજી ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવતી ઈન્ફોસીસ કંપનીના સ્થાપકોમાના એક શ્રી નારાયણમૂર્તિ અને સમાજસેવા તેમજ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નામના ધરાવતા સિદ્ધહસ્ત લેખિકા શ્રીમતી સુધા મૂર્તિની પુત્રી અક્ષતા સાથે ઋષિ સુનકનું પ્રેમલગ્ન અને સુખી સંસાર તેમને ઇંગ્લેન્ડ અને ભારતમાં વિશિષ્ટ દંપતિ તરીકે જોવામાં આવે છે. સમગ્ર વિશ્વ યુક્રેન યુદ્ધ બાદ તીવ્ર આર્થિક સમસ્યાઓથી પીડિત છે ત્યારે જેમના સામ્રાજ્ય પર સૂરજ કદી આથમતો ન હતો તેવા યુનાઈટેડ કિંગડમમાં પેદા થયેલા ગંભીર આર્થિક પડકારોને પહોંચી વળવા માટે શ્રી સુનકને મોટી જવાબદારી સોંપવામાં આવી છે તે નિઃશંક રીતે મહત્ત્વની ઘટના છે.
ભારતીય મૂળના લોકો માટે સમગ્ર વિશ્વમાં આગામી દિવસોમાં - નજીકના ભવિષ્યમાં અનેક અવસરો રાહ જૂએ છે. ભારતીય યુવા પેઢી અભ્યાસ, અનુભવ અને અસરકારક કામગીરી માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. વિશ્વની ૫૨ જેટલી મોટી બહુરાષ્ટ્ર્ીય કંપનીઓને તેમનું સુકાન ભારતીય મૂળના અને તેમના ઘણાં ભારતમાં ભણેલા તજજ્ઞોના હાથમાં સોંપ્યું તે દર્શાવે છે કે ભારતીયો હવે વિશ્વફલક પર પોતાનું કૌવત દર્શાવી માનવજાતના કલ્યાણ અને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરવા સજ્જ છે. જે વ્યક્તિઓએ દૃઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમ સાથે જીવનમાં સ્થાન હાંસલ કર્યું છે તેમને સલામ કરીએ, તેના માટે ગૌરવ લઈએ, તેમની સફળતામાંથી પ્રેરણા લઈએ અને ભવિષ્યે ભારતીયોનું માન-સન્માન અનેકગણું વધે તે માટે સભાનતાપૂર્વક સજ્જતા કેળવીએ. શાસન હોય કે ઉદ્યોગ, સેવા ક્ષેત્ર હોય કે વ્યાપાર, દરેક જગ્યાએ વ્યક્તિએ પોતાની કાર્યદક્ષતા અને કોઠાસૂઝનો પરિચય આપવાનો છે. સફળતા એ કોઈ આકસ્મિક ઘટના નથી.
ઋષિ સુનકની સફળતા એક મહાસત્તાના માથાદીઠ ખાસ્સી ઊંચી આવક ધરાવતા દેશના રાજકારણમાં છે. રંગભેદ, યુવાન ઉંમર, ઓછો અનુભવ, અનેક લોકોની ઈર્ષ્યા અને સ્પર્ધા વચ્ચે શાસનનું સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવું તે સિદ્ધિ અમૂલ્ય છે. યુનાઈટેડ કિંગડ્મના અર્થતંત્રને ખાસ કરીને શીતઋતુમાં પેદા થનાર ઉર્જાની કટોકટી અને ઉર્જાની વધતી કિંમતનો પ્રશ્ન ઋષિ સુનક હલ કરી શકશે તો તેની વિશ્વસનીયતામાં વધારો થશે. સૌને સાથે રાખીને, વિનમ્રતા અને પરિશ્રમ થકી સારી ટીમનું નિર્માણ થશે તો તે ઘટના ઐતિહાસિક લેખાશે. છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી દુનિયાના તમામ દેશોએ દેવું કરવામાં પાછું વાળીને જોયું નથી. સામ્યવાદ સામેના મૂડીવાદના શીતયુદ્ધમાં સફળતા મેળવવાનો યશ અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગન અને યુનાઈટેડ કિંગડ્મના પ્રધાનમંત્રી શ્રીમતી માર્ગારેટ થેચરના નામે નોંધાયેલ છે. આજે મૂડીવાદના આંતરિક વિરોધાભાસના પ્રશ્નોનું કેમ નિરાકરણ કરવું તે બાબત ઋષિ સુનક માટે સૌથી મોટો પડકાર છે. સરકારો પર વ્યાજનો બોજ, પગારોનું ભારણ, જરૂરિયાતમંદોને સબસીડી અને અનેક બીનજરૂરી ખર્ચ પર અંકુશના અભાવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી માર્ગ શોધવાનો છે. અનેક નિર્ણયો લોકોને પસંદ ન આવે, કર માળખાના ફેરફારો, મોંઘવારી વગેરે તમામ પરિબળો ધ્યાને રાખી ઉકેલ લાવવો તે કપરું કાર્ય છે.
ભારત દેશમાં હજારો વર્ષોથી વિવિધતામાં એકતા રહી છે. અનેક તફાવતો, અલગ અલગ ભાષા, રહેણીકરણી, આહારની ભિન્નતા વચ્ચે ભારતીય હોવાની ભાવના જળવાઈ રહી છે. વૈશ્વિકરણના યુગના મંડાણ સાથે અનેક દેશોમાં વિવિધ સંસ્કૃતિનું સહઅસ્તિત્વ અને મીશ્રણ અનિવાર્ય બન્યા છે ત્યારે યુનાઈટેડ કિંગડમ્ની રૂઢિચુસ્ત પાર્ટીએ ઋષિ સુનકની શક્તિની કદર કરી જે કપરું કામ સોંપ્યું છે તે સારી રીતે પાર પડશે ત્યારે અનેક પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓ દૂર થશે. આપણી ‘‘વસુધૈવ કુટુંબકમ્’’ની ભાવનાનો પડઘો સમગ્ર વિશ્વમાં પડશે. શ્રી સુનક માટે સામા પ્રવાહે તરવાનો પડકાર છે. આપણે સૌ શુભકામના કરીએ કે સુનકના નેતૃત્વમાં યુનાઈટેડ કિંગડમ્નું અર્થતંત્ર ચેતનવંતુ બને અને સૌ લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ ઓછી થઈ, સુખની તકો વૃદ્ધિ પામે.
Comments
Post a Comment