પર્યાવરણના પાંચ શત્રુઓ-૨
- પ્રવીણ ક. લહેરી
૧. રસાયણ અને પેટ્રોરસાયણ :
ઉર્જાના વપરાશની જેમ આપણી જીવનશૈલીમાં, દિનચર્યામાં અનેક રસાયણો અને પેટ્ર્ોરસાયણોનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ. ખોરાક, દવા, ખાતર, જંતુનાશક દવા, સાબુ, ટુથ પેસ્ટ, શેમ્પુ, પીણાં વગેરેમાં અનેક રસાયણોનો ઉપયોગ થાય છે. ગત વર્ષે ૨૦૨૧-૨૨માં રસાયણ અને પેટ્રો રસાયણનું ભારતમાં જે કુલ ઉત્પાદન થયું તેનું મૂલ્ય ૧૭૮ અબજ યુ.એસ. ડૉલર હતું. વર્ષ ૨૦૨૫માં આ મૂલ્ય વધીને ૩૦૦ અબજ ડૉલર થવાની ધારણા છે. હાલ પેટ્ર્ો કેમિકલ્સ અને કેમિકલ્સનો હિસ્સો કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫ ટકા જેટલો છે. રસાયણોમાં આલ્કલીયુક્ત રસાયણો ૨૫.૯૮ ટકા, ઈન ઓર્ગેનિક રસાયણો ૨૦.૯૨ ટકા, ઓરગેનિક રસાયણો ૧૦.૦૪ ટકા, જંતુનાશક દવાઓ ૩૦.૭૨ અને અન્ય વપરાશમાં ડાઈ અને રંગમાં, પૉલિએસ્ટર અને પ્લાસ્ટિક બનાવવામાં થાય છે. રસાયણો અને પેટ્ર્ો રસાયણોના ઉત્પાદનમાં ખૂબ મોટા પાયે પ્રદૂષણ થાય છે. આ ઉદ્યોગના આસપાસના વિસ્તારોમાં જળ, જમીન અને હવાનું પ્રદૂષણ એટલું તીવ્ર બન્યું છે કે જેના થકી લોકો શ્વસનતંત્રના રોગો, કૅન્સર વગેરેના કારણે મૃત્યુ પામે છે. યુરોપ-અમેરિકાએ પ્રદૂષણ નિવારવા માટે અનેક રસાયણો અને પેટ્ર્ો રસાયણોનું ઉત્પાદન બંધ કર્યું છે. એશિયાના દેશો નિકાસ દ્વારા આવક વધારવાની લાલચે અને સ્થાનિકે પ્રદૂષણને લગતા કાયદાઓ અને તેના અમલમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતી લાપરવાહીના કારણે પરિસ્થિતી લગભગ કાબૂ બહારની છે તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. રસાયણોના મીશ્રણથી નવા રસાયણો બનાવવાની પ્રક્રીયામાં પ્રદૂષિત પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ કરવાનો થાય છે. અનેક સંશોધનો અને ટ્ર્ીટમેન્ટ પ્લાન્ટોની સ્થાપના બાદ પણ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો નથી. ગુજરાતમાં દમણગંગા, પાર, નર્મદા, સાબરમતી, વાત્રક, ભાદર વગેરે નદીઓનું પ્રદૂષણ અનેક પ્રયાસો બાદ રોકી શકાયું નથી તે ચિંતાની બાબત છે.
2. પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેના નિકાલમાં બેદરકારી :
સવારે ટુથબ્રશથી શરુ કરીને ખરીદીમાં વપરાતી પ્લાસ્ટિક થેલી હોય કે ફર્નિચર અથવા વાસણોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. પ્લાસ્ટિકનો જે ઉપયોગ થાય છે તેમાં ૫૦ ટકા જેટલો ઉપયોગ તો પેકેજિંગમાં થાય છે. ઈન્જેક્શનથી માંડીને ભોજનની ડીશ એમ અનેક પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દેવાની પદ્ધતિએ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકના ભંગારના મોટા મોટા ડુંગરો કર્યાં છે એટલું જ નહીં પણ સમુદ્રમાં ૧૦૦ કરોડ ટનથી વધારે પ્લાસ્ટિકનો કચરો તરી રહ્યો છે અને હવે તો પેટાળ સુધી તેની હાજરી નોંધાય છે. દર વર્ષે ૧૦ કરોડ ટન જેટલો પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ઠલવાતો રહે તો તેની વિપરીત અસર આપણી કલ્પના બહારની હશે. પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જેના વિઘટનને સદીઓનો સમય લાગશે. મોટાભાગના તત્ત્વોનું વિઘટન થતાં તે જળ કે જમીનમાં ભળી જાય તેમાંથી બહુ થોડા તત્ત્વો નુકશાનકારક હોય છે. પ્લાસ્ટિકનું વિઘટન ન થતાં તેના દ્વારા જળ અને જમીનને એટલી હાનિ થાય છે કે દરિયાઈ સૃષ્ટિ અને જમીન પરના જીવોના અસ્તિત્વ સામે ખૂબ મોટો ખતર પેદા થયો છે. અગાઉ આપણે લાકડા, ધાતુઓ, કાગળ, શણ, કાપડ જેવી વસ્તુઓની જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુઓનો વિકલ્પ અપનાવ્યો છે. શરુઆતમાં તેનાથી આપણે વિકાસ કર્યો હોવાની લાગણી થતી હતી પણ હવે આપણને સમજાય છે કે પ્લાસ્ટિક એ મિત્ર નથી પણ શત્રુ છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વપરાશ ઘટાડવા ૧લી જુલાઈ ૨૦૨૨થી સરકાર અનેક કડક નિયંત્રણો લાગુ કરશે તેવા સમાચાર છે. આપણે આશા રાખીએ કે હવે આ બાબત પરિણામલક્ષી નક્કર કાર્યવાહાી થશે. આપણે સૌએ સંકલ્પ કરવાની જરૂર છે કે જ્યાં હું પ્લાસ્ટિકનો વપરાશ કરું છું ત્યાં તેનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ શોધીને પ્લાસ્ટિકનો વપરાશ ક્રમશઃ બંધ કરીશ. આપણને પ્લાસ્ટિક વાપરવાની અને ફેંકી દેવાની જે ટેવ છેલ્લા ૨૦ વર્ષમાં પડી છે તેમાંથી સત્વરે છૂટકારો મેળવીએ અન્યથા આપણે આ પૃથ્વીને નિર્જીવ કરવામાં નિમિત્ત બનીશું.
3. વૃક્ષો અને વનોનું નિકંદન :
કુદરતે વૃક્ષોના સર્જન થકી પૃથ્વી પર પ્રાણવાયુ (ઓક્સિજન)નું સ્તર બની રહે તેવી અદ્ભૂત વ્યવસ્થા કરી છે. આપણે ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ, ખેતી, રસ્તા વગેરે દ્વારા વૃક્ષો કાપીને કુદરતી સંતુલન ખોરવી નાખ્યું છે. વન વિના સમગ્ર જીવ સૃષ્ટિમાં વિક્ષેપો આવે છે. ઋતુચક્રમાં પણ ફેરફારો થાય છે. પૃથ્વી પર બે તૃતિયાંશ (લગભગ ૬૬.૬૦ ટકા) ભાગમાં વનો હોય તો ઓક્સિજનનું સ્તર અને ઓઝોન વાયુનું આવરણ જાળવી રાખવામાં સરળતા રહે. આપણી અનેક નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા આપણે વૃક્ષો કાપતા રહ્યા છીએ. નવા વૃક્ષોનુંં વાવેતર કરીએ છીએ પણ કુલ વૃક્ષોની સંખ્યામાં ક્રમશઃ નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ છેલ્લા પચીસ વર્ષમાં આપણે ૧૩ લાખ ચોરસ કિ.મી. જેટલા વિસ્તારના જંગલોનો નાશ કરીને તેમાં અન્ય પ્રવૃત્તિઓ શરુ કરી છે. વનનો નાશ એમાં આપણો પણ વિનાશ સમાયેલો છે. વનના વિનાશના કારણે નદીઓમાં પૂર આવવાના અને ઉનાળામાં નદીઓ સૂકાઈ જવાની ઘટનાઓ વધે છે. તે ઉપરાંત જમીનનું ધોવાણ થાય છે, વન્ય જીવોના આવાસ લુપ્ત થતાં તેનું અસ્તિત્વ જોખમાય છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, ઋતુચક્રમાં પરિવર્તન સાથે વિશ્વનું સરેરાશ તાપમાન વધે છે. સમુદ્રમાં વધારે કાંપ અને કચરો જતાં તેના પાણીના બંધારણમાં જોખમી ફેરફારો થાય છે. પ્રદૂષિત વાયુઓના કારણે ઓઝોનનું આવરણ હાનિ પામે છે. આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ પણ હકીકતમાં આપણે લગભગ ૧ કરોડ ચોરસ કિ.મી.માં ગાઢ વનોનું નિર્માણ થાય તે માટે ચુસ્ત આયોજન અને અમલીકરણ જરૂરી છે.
4. વસ્તી વધારો :
આપણી ભૂમિ પર આજે લગભગ ૮ અબજ માણસો છે. તેમની અનાજ, પાણી, આવાસ, વાહન, ઉર્જા, રસ્તા વગેરેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરીએ તો પણ પર્યાવરણમાં પર અસહ્ય બોજો આવે છે. અંદાજે ૨ લાખ વર્ષથી પૃથ્વી પર વિચરતા માનવીના મનમાં તેની બુદ્ધિશક્તિ, કૌશલ્ય અને ચાતુરતા માટે અહંકાર છે. માણસ ભલે પોતાને ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન માને પણ તેની વર્તણૂક સમગ્ર ધરતી માટે ખૂબ મોટો બોજ બની છે. વધેલી વસ્તી સાથે શહેરીકરણ અને તેની ગીચતાએ એવી જટિલ સમસ્યાઓનું સર્જન કર્યું છે કે તેનો ઉકેલ લાવવાનો પડકાર આપણે ઝીલી શકતા નથી.
હવે આપણે ૫મી જૂને પર્યાવરણ દિન મનાવીને કે થોડા વૃક્ષો વાવીને ‘વન મહોત્સવ’ ઉજવીને પર્યાવરણના પડકારોને પહોંચી વળીશું નહીં. સમય આવ્યો છે કે આપણે ઝડપથી આપણી જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફારો કરીએ. વપરાશ કરતી સમયે વિવેકબુદ્ધિ રાખીને જે અતિ આવશ્યક નથી, જેના વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેવા તમામ ઉપભોગોમાં ઘટાડો કર્યા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વધારો, ધ્રુવ પ્રદેશો અને ઉંચા પહાડો પરથી ઓગળતો બરફ, ઋતુચક્રમાં પરિવર્તન અને ઓઝોનના આવરણ અને ઓક્સિજનના સ્તરને બચાવવા આપણે પર્યાવરણના પાંચ શત્રુઓને નાથવા જરૂરી છે. આ પ્રશ્ન આપણા અને પૃથ્વીના અસ્તિત્વનો છે. આમાં પળભરનો વિલંબ આપણને સર્વનાશ તરફ ધકેલી રહ્યો છે.
Comments
Post a Comment