ભારતનું પાંચ ટ્રિલીયન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન

                                                                          પ્રવીણ ક. લહેરી

ભારતના અર્થતંત્રનું વર્તમાન કદ ૩.૨ ટ્રિલીયન યુ.એસ. ડૉલર છે. કોરોના કાળ પહેલાં આપણા અર્થતંત્રને પાંચ (પ) ટ્રિલીયન યુ.એસ. બનાવવાનું સ્વપ્ન વર્ષ ૨૦૨૨-૨૩માં સાકાર થશે તેવી આશા હતી. યુ.એસ, ચીન, જાપાન અને જર્મની પછી કુલ ઘરેલું ઉત્પાદનમાં (જીડીપી)માં વિશ્વમાં પાંચમા સ્થાને પહોંચેલું અર્થતંત્ર હાલ તો ૭ થી ૮ ટકાના દરે વિકસી રહ્યું છે. હાલની સ્થિતિ જોતાં ભારતનું ૫ ટ્રિલીયન યુ.એસ. ડૉલરનું અર્થતંત્રનું લક્ષ્યાંક પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૨૭ આસપાસ સાકાર થાય તેવી સંભાવના છે. જીડીપીની ગણતરી સાથે દરેક દેશમાં વસ્તુઓની કિંમતમાં મોટો તફાવત હોય છે. ધારો કે ભારતમાં સારી ગુણવત્તાવાળી કોફીનો ભાવ ગ્લાસદીઠ રૂા.૨૫૦/- છે જે ત્રણ ડૉલર બરાબર હોય પણ તે જ કૉફી માટે અમેરિકામાં પાંચ ડૉલર આ તફાવતને ‘પરચેઈઝ પાવર પેરીટી (પીપીપી) તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક નીચી કિંમત ધ્યાને લઈને જીડીપીને ખરીદશક્તિના મૂલ્ય (પ્રાઈસ પરચેઝ પેરિટી)ના સમીકરણમાં મૂકીએ તો ભારતનો જીડીપી પીપીપી મુજબ ૧૦.૪ ટ્રિ્‌લીયન યુ.એસ. ડૉલર બરાબર છે. આ રીતે ભારત પીપીપી પ્રમાણે વિશ્વમાં ત્રીજા સ્થાને છે.

(૧) આપણા અર્થતંત્રમાં કૃષિ, પશુપાલન, હસ્કલાથી શરુ કરીને વિશ્વની સૌથી મોટી રિફાઈનરીનો સમાવેશ થાય છે. આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે તદ્દન પછાત, ગરીબ અને અભાવવાળા અર્થતંત્રની જગ્યાએ દરેક ક્ષેત્રમાં નેત્રદીપક પ્રગતિ કરી છે.

(૨) ભારતીય અર્થતંત્રનું કદ વધે છે. પરંતુ વિશ્વના મોટા કદના ૧૦ અર્થતંત્રોમાં ભારતની માથાદીઠ આવક સૌથી            ઓછી છે. 

(૩) વસ્તીની ગીચતા અને બોજાને આજે ભારતે યુવાશક્તિવાળા રાષ્ટ્ર્‌ તરીકે નામના મેળવી છે. વિશ્વની બાવન મહાકાય આંતરરાષ્ટ્ર્‌ીય કંપનીઓના વડા ભારતીય મૂળના છે.

(૪) આઝાદી બાદ ૧૯૪૭ થી ૧૯૯૦ના ૩૩ વર્ષના સમયગાળામાં સમાજવાદી સ્વર્ગના સ્વપ્નો નિહાળવામાં ભારતે વિજ્ઞાન, ટૅકનોલોજી, સાહસિકતા, મૂડીરોકાણ વગેરે બાબતોમાં ઉપેક્ષા સેવી જેથી વિકાસદર ખૂબ નીચો રહ્યો હતો. 

(૫) ૧૯૯૦ બાદ ઉદારીકરણ અને વૈશ્વિકરણના કારણે આર્થિક પ્રગતિ ઝડપી બની છે. સૌના જીવનધોરણમાં અને જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આપણા જીવનમાંથી તંગી, અભાવ જેવા શબ્દો અદૃશ્ય થયા છે. વિપૂલ ઉત્પાદન સાથે આજે ભારત ધીમા પણ મક્કમ ડગલે વિશ્વના ત્રીજા ક્રમાંકના અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરી     રહ્યું છે.

(૬) ભારતના કુલ ઘરેલું ઉત્પાદનમાં કૃષિનો ફાળો ૧૬.૩૮ ટકા, ઉદ્યોગનો ફાળો ૨૯.૩૪ ટકા અને સેવાક્ષેત્રનો ફાળો ૫૪.૨૭ ટકા છે. આ ઘરેલુ ઉત્પાદનનું અન્ય રીતે વિશ્લેષણ કરીએ તો ઉપભોકતાઓનો ફાળો ૬૦.૮ ટકા છે. સ્થાયી મિલ્કતો-મૂડીમાં રોકાણનું પ્રમાણ ૨૬.૬ છે. સરકારના ખર્ચનું પ્રમાણ ૧૨.૧ છે. અન્ય પ્રવૃત્તિઓનું પ્રમાણ ૦.૯ ટકા છે. નિકાસનો ફાળો ૧૮.૭ ટકા અને આયાતનો હિસ્સો ૧૯.૧ ટકાનો છે.

(૭) આપણા દેશની વસ્તીમાંથી લગભગ ૪૮ કરોડ શ્રમિકો-કામ કરનારા ઉપલબ્ધ છે. આપણે રોજગારીનો દર ૫૫ ટકા જેટલો છે. બેરોજગારીનું પ્રમાણ ૮.૨૮ ટકા છે. કૃષિક્ષેત્રમાં ૪૨.૬૦ ટકા છે. ઉદ્યોગમાં ૨૫.૧૨ અને સેવાક્ષેત્રમાં ૩૨.૨૮ ટકા શ્રમિકો કાર્યરત છે.

(૮) આપણી નિકાસ યુ.એસ. ડૉલર ૪૨૧.૯૮ બિલીયન છે. જ્યારે આયાતની રકમ ૬૧૨.૬૧ બિલીયન યુ.એસ. ડૉલર છે. 

(૯) માર્ચ-૨૦૨૨ના અંતે વિદેશી દેવું ૬૨૦.૭ બિલીયન યુ.એસ. ડૉલરનું છે. જે આપણા ઘરેલું ઉત્પાદન છે તેના ૨૦ ટકા જેટલું છે. કુલ દેવું જીડીપીના ૮૭ ટકા જેટલું છ. જે રૂપિયામાં મૂલવતાં રૂા.૨૩૩ લાખ કરોડ જેટલું છે.

આપણા અર્થતંત્રની ઉપરોક્ત વિશેષતાના અનુસંધાને આપણે યુ.એસ. ડૉલર પાંચ ટ્રિ્‌લીયન ડૉલરની ઈકોનોમી બનવા માટે અને તે પણ ઝડપી રીતે તે સ્તરે પહોંચવા માટે શું કરવું જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર સરળ છે. આપણા વિકાસદરમાં વધારો કરવો જોઈએ. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ૧૩ ટકા જેટલો વિકાસદર હાંસલ થતાં પાંચ ટ્રિ્‌લીયન ડૉલરના અર્થતંત્ર તરફની કૂચ ઝડપી બની છે. જો કે દર મહિને થતાં ઔદ્યોગિક-વીજ ઉત્પાદનમાં જે અણધાર્યા ફેરફાર આવ્યા કરે છે તે ચિંતાના કારણો બન્યા છે. અર્થશાસ્ત્રીઓની એવી ધારણા છે કે ભારતના પાંચ ટ્રિલીયન ડૉલર (યુ.એસ.)ના અર્થતંત્રમાં કૃષિનો હિસ્સો ૧ ટ્રિ્‌લીયન યુ.એસ. ડૉલર, ઉદ્યોગનો હિસ્સો ૧ ટ્રિલીયન અને સેવાક્ષેત્રનો હિસ્સો ૩ ટ્રિલીયન યુ.એસ. ડૉલરનો રહેશે. અમુક અર્થશાસ્ત્રીઓની માન્યતા છે કે કૃષિ ઉત્પાદનો અને તેની મૂલ્યવૃદ્ધિ સાથે ૧.૨૫ ટ્રિલીયન યુ.એસ. ડૉલર જીડીપી થાય તો ઉદ્યોગની આવક ૧.૨૫ ટ્રિલીયન ડૉલર થાય. સેવાક્ષેત્ર માટે ૨.૫ ટ્રિલીયન ડૉલરનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. ટૂંકમાં કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ અનિવાર્ય છે.

ચીન સહિત અનેક દેશોએ અર્થતંત્રનું કદ વધારવામાં રોજગારી અને લોકોની આવક વધારવામાં નિકાસ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાંગ્લાદેશે પણ નિકાસ થકી જ ભારત કરતાં વધારે માથાદીઠ આવક મેળવી આશ્ચર્ય સર્જ્યું છે. આપણા માટે પણ નિકાસ મહત્ત્વની છે. ભલે આંતરરાષ્ટ્ર્‌ીય વેપારમાં ગળાકાપ સ્પર્ધા હોય પણ આપણી નિકાસ ક્ષમતાનો આપણે પૂર્ણ ઉપયોગ નથી પણ આપણા વિકાસની વ્યૂહરચનાનો આધારસ્તંભ છે તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. આજ રીતે આયાતો પરનું સ્વાવલંબન ઘટાડવા માટે ‘‘આત્મનિર્ભર’’ થવાનો સંકલ્પ દૂરોગામી અસરો પેદા કરવાની શક્તિ ધરાવે છે. આપણી આયાતો ઘટે, નિકાસો વધે, આપણા કુશળ કારીગરો અને મેનેજરો વિદેશમાં કમાય ને ભારતને વિદેશી મુદ્રા રળી આપે તો વિકાસ દર ઝડપી બને તેમાં શંકા નથી.આપણે વાસ્તવિકતા ધ્યાને લઈને ખૂબ ઝીણવટભર્યું આયોજન કરીને લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. આજે આપણે જે કામો કરીએ છીએ તેમાં સાચી દિશાનો અને સાતત્યનો અભાવ દૃષ્ટિગોચર થાય છે. આ માટે સર્વસંમત રાષ્ટ્ર્‌ીય નીતિ નક્કી કરી સંબંધિત સૌ તેને અનુસરે તે જરૂરી છે. ભારતીય અર્થતંત્રને પાંચના બદલે ચાર વર્ષમાં ૫ ટ્રિલીયન યુ.એસ. ડૉલરે પહોંચાડવા માટે આપણે નીચેની બાબતોમાં ખૂબ ઝડપી અને અસરકારક કામગીરી કરવી જરૂરી છે.

(૧) પેટ્ર્‌ોલિયમ અને તેના વિવિધ ઉત્પાદનો પાછળ આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી મુદ્રાનો ખર્ચ કરીએ છીએ. સૉલર એનર્જી અંગે છેલ્લા પાંચ વર્ષમાં જે કામ થયું છે તેને હજી વધારે ઝડપથી આગળ વધારીએ તો આપણા ઉત્પાદિત માલસામાનની પડતર કિંમત ઘટે અને વિદેશી મુદ્રાની બચત થાય. ઉદ્યોગોને પણ ખૂબ સારું પ્રોત્સાહન મળે તેમ છે.

(૨) કઠોળ, તેલીબીયાં અને શાકભાજી-ફળફળાદિનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારીએ ફૂડ પ્રોસેસીંગ દ્વારા નિકાસ કરી શકીએ તો કૃષિ વિકાસદરમાં વધારો થઈ શકશે. 

(૩) આપણા ગાય-ભેંસના દૂધના ઉત્પાદનમાં ખાસ્સો વધારો થાય તેમ છે. આપણી દેશી નસલો પર અગાઉ પૂરતું ધ્યાન અપાયું નથી. હકીકતમાં આપણો દેશ ગાય-ભેંસ, ઘેટાં-બકરાં, દૂધ, દૂધના ઉત્પાદનો (માખણ, ચીઝ, ઘી અને મીઠાઈઓ) મોટા પાયે નિકાસ કરી શકવાની સમર્થતા ધરાવીએ છીએ. યોગ્ય પશુપાલન થકી ગ્રામીણ અર્થતંત્ર કેટલું ચેતનવંતુ બને છે તે ‘અમૂલ’ની ગાથા સૌની સમક્ષ પૂરાવારૂપે હાજર છે.

(૪) ઈન્ફ્રાસ્ટકચર આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે પણ ખૂબ વિશાળ તકો આપણા સમક્ષ છે. રાષ્ટ્ર્‌ીય આવક વધારવામાં રસ્તા, પૂલ, ડેમ, વીજમથકો, આવાસો, બંદરો, એરપોર્ટ, રેલ્વે વગેરેની અહ્‌મ ભૂમિકા રહી છે.

(૫) આપણો દેશ સંરક્ષણની જરૂરિયાતો શસ્ત્રો, લડાકુ વિમાનો, જહાજો, સબમરીનો અને ટેન્કોના નિર્માણમાં ક્ષમતાં કરતાં ખૂબ ઓછી સિદ્ધિ હાંસલ કરી છે. તેજસ વિમાન અને વિક્રાંતનું એરક્રાફટ કેરીયર તેમજ ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું આપણું કૌશલ્ય અનેરું છે. મિસાઈલના ઉત્પાદન અને ગુણવત્તામાં આપણે અગ્રેસર છીએ. 

(૬) ઔદ્યોગિક ક્ષેત્રે ચીનના થઈ રહેલા બહિષ્કારના વાતાવરણમાં આપણા માટે અનેરો અવસર છે. વિવિધ વસ્તુઓનું ઝડપી ઉત્પાદન થાય, પડતર કિંમત વાજબી રહે અને ગુણવત્તા જળવાય તો દેશના આર્થિક વિકાસમાં તેનું યોગદાન મહત્ત્વનું બની શકે. હિરા, સિરામીક, કાપડ અને તૈયાર પહેરવેશ, આભૂષણો, એન્જિનીયરીંગ સાધનો, રસાયણ, દવાઓ અને પેટ્રોકેમિકલ્સમાં ભારતની પ્રગતિ નોંધપાત્ર છે. 

(૭) પ્રવાસન, મનોરંજન, સોફ્ટવેર, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રમાં પણ આપણ વિશ્વમાં ડંકો વગાડી શકીએ તેવી                ક્ષમતા છે. આ શક્તિ ઝડપથી ઉજાગર થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે.

પાંચ ટ્રિલીયન યુ.એસ. ડૉલરના અર્થતંત્રને સાકાર કરવા માટે જરૂર છે; દૃઢ સંકલ્પની, યોગ્ય આયોજનની, કઠોર પરિશ્રમની, ઉત્તમ સંકલનની અને દેશહિતને અગ્રતા આપવાની. નૂતન ભારતના નિર્માણમાં સૌનું પ્રદાન અને વિશ્વાસથી કાર્યરત થઈએ તો લક્ષ્ય પ્રાપ્તિ નિશ્ચિત છે અને તેને શીધ્ર હાંસલ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈને સહિયારો પુરુષાર્થ કરવો જરૂરી છે. 

Comments

Popular posts from this blog