કૃષિ વિકાસ : પ્રશ્નો અને પુરુષાર્થની આગવી કહાણી

                                                                                       પ્રવીણ ક. લહેરી

ભારતીય અર્થતંત્રને અમેરિકાના પાંચ ટ્રિલીયન ડૉલરના કદ સુધી પહોંચાડવાનો સંકલ્પ શક્ય તેટલો વહેલો સાકાર કરવામાં કૃષિક્ષેત્રનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. કૃષિની આવકનો વધારો સમગ્ર અર્થતંત્રને ગતિશીલ બનાવી અન્ય ક્ષેત્રો (ઉત્પાદન અને સેવાક્ષેત્રો)નો વિકાસ પણ ઝડપી બનાવી છે. કૃષિ આપણા અર્થતંત્રનું ચાલક બળ છે. આઝાદી સમયે અને તે પહેલાં આપણી ૩૦-૪૦ કરોડની વસ્તી માટે અનાજની ખૂબ તંગી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં પડેલા દુષ્કાળને નજરઅંદાજ કરી બ્રિટનના સામ્રાજ્યવાદી વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારતમાંથી અનાજની મોટે પાયે નિકાસ કરી જેનાથી ભૂખમરો સર્જ્યો હતો. માનવજાત સામેના ગંભીર ગુન્હાહિત કાર્યોની સૂચિમાં આ ઘટના સમાવિષ્ટ થયેલ છે. સામ્રાજ્યવાદ હેઠળ સંસ્થાનોના શોષણની સમગ્ર હકીકતોથી આપણે અજ્ઞાત છીએ. જો કે હવે તે અંગે આંકડાકીય સંશોધનો સાથે અનેક અકલ્પ્ય હકીકતો સામે આવી છે. આઝાદી સમયે દેશના શહેરો-નગરોમાં અનાજનું રેશનીંગ હતું. આજના આધાર કાર્ડ જેમ રેશનીંગ કાર્ડનું આગવું મહત્ત્વ હતું. આજે પણ અનેક ગરીબ પરિવારો માટે રેશન કાર્ડ એક મૂલ્યવાન દસ્તાવેજ છે. કોરોના બાદ ગરીબોના હિતોની રક્ષાર્થે ભારત સરકારે જે મફત અનાજ અંદાજે ૨૦ કરોડ જેટલાં પરિવારોને બે વર્ષથી ઉપલબ્ધ કરાવ્યું છે તે કાર્ય અજોડ છે. ગરીબી નિવારણમાં અને મોંઘવારી સામે ટકી રહેવામાં (ફ્રી રેશન) નિઃશુલ્ક અનાજ વિતરણની કામગીરી ભવિષ્યના ઈતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાશે.

જે દેશ આઝાદી બાદ ૨૫ વર્ષ સુધી આયાતી અનાજ પર નિર્ભર હતો, અમેરિકાના કાયદા ૪૮૦ હેઠળ ખેરાતરુપે અનાજ મેળવતા ભારતનું ભાવિ ધૂંઘળું જણાતું હતું. એક બાજુ બે થી અઢી ટકાના દરે વધતી વસ્તી (વર્ષો સુધી આપણે ઓસ્ટ્ર્‌ેલિયાની વસ્તી જેટલો વસ્તી વધારો દર વર્ષે કરી) આજે ૧૪૦ કરોડથી પણ વધુ છે. આમ છતાં ભારત આજે અનેક કૃષિ પેદાશોમાં આત્મનિર્ભર જ નહીં પણ નિકાસ કરી અનેક દેશની અનાજની કારમી તંગી હલ કરી શકવા સક્ષમ છે. ૧૯૭૦ની હરિત ક્રાંતિમાં પિયતની સવલતવાળા રાજ્યો પંજાબ, હરિયાણા અને પાણીની ઉપલબ્ધિવાળા જિલ્લામાં ખૂબ નોંધપાત્ર દરે કૃષિ વિકાસ થતાં ભારતે અન્ન ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી હતી. હરિત ક્રાંતિ બાદ ફરી સમગ્ર ભારતનો કૃષિ  વિકાસ દ ર બે થી ચાર ટકા જેટલો જ રહેતાં, કૃષિ માટેના ખર્ચમાં વધારો થતાં અને બજારમાં માલના યોગ્ય દામ ન મળતાં, ખેતી એટલે ખોટનો ધંધો એવું સમીકરણ સામે આવ્યું હતું. દર વર્ષે મોટી સંખ્યામાં ખેડૂતોના આપઘાતોએ દેશની પ્રજાને હતપ્રભ કરી હતી. સરકારોએ બેંકો અને સહકારી માળખા દ્વારા ધીરાણ વધારવાનું, વિજળી નિઃશુલ્ક કે રાહતદરે આપવાનું, ખાતર પર જંગી સબસીડી આપવાનું અને વેચાણ માટે ટેકાના ભાવો નક્કી કરી ખરીદી કરવા જેવા શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા હતાં પરંતુ તેનાથી કૃષિ અને કિસાનોના પ્રશ્નો આંશિક રીતે ઉકલ્યા હતાં. તેલિબીયાં અને કઠોળની આયાત છેલ્લા ઘણાં વર્ષોથી આપણે કરીએ છીએ.  પામ, સૂર્યમુખી, કપાસિયાના અખાદ્ય તેલો રિફાઈન્ડ કરીને વાપરીએ છીએ. આવા તેલો આરોગ્ય માટે જોખમી છે. ઘઉં, ચોખા, ખાંડ, શાકભાજી વગેરેની નિકાસ કરી શકીએ છીએ. પ્રશ્ન એ છે કે દેશની ૫૫ ટકા જેટલી વસ્તી જેના પર આજીવિકા માટે અવલંબન ધરાવે છે તે કૃષિક્ષેત્રનું કુલ ઘરેલું  ઉત્પાદનનું પ્રદાન માત્ર ૨૦ ટકા છે. બેરોજગાર વસ્તીના ભારણ હેઠળ, જમીનના નાના ટૂકડામાં વહેંચાયેલી, અલ્પ મૂડીરોકાણ, પાણીની તંગી જેવા પરિબળોએ ભારતની કૃષિની ક્ષમતાને રૂંધી રાખી છે. કોઈ ફિલ્મી ગીતમાં જ નહીં પણ સેંકડો વર્ષોથી ભારતની ખેતી સોનાની ચિડીયા હતી. પ્રાચીન ભારતની સમૃદ્ધિ કૃષિ અને હુન્નર ઉદ્યોગને આભારી હતી. ૧૯૨૨માં ગાંધીજી પર અમદાવાદમાં ચાલેલા રાજદ્રોહના મુકદ્દમા વખતે સરકારી વકીલે ગાંધીજીને પૂછયું; ‘‘મિ. ગાંધી, તમારો વ્યવસાય શું છે ? લંડનમાં ભણીને બૅરિસ્ટર થયેલા. દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરી ચૂકેલા, સત્યાગ્રહના અગ્રગામી નેતાએ ખૂબ માર્મિક અને સાર્થક ઉત્તર આપ્યો. ગાંધીએ કહ્યું; ‘‘વ્યવસાયે હું ખેડૂત અને વણકર છું.’’ જનસમુદાય સાથે એકરુપતા સાધી આત્મિય સંબંધ સ્થાપવાની ગાંધીજીની કુશળતા તો હતી. આ ઉત્તરમાં ભારતની પ્રજા માટે ત્યારે આ બે આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ મહત્ત્વની હતી. કમનસીબે આઝાદી બાદ આપણી અગ્રતા ઉદ્યોગ અને સેવાક્ષેત્રના વિકાસ માટે રહી છે. કૃષિનો કાયાકલ્પ કરીને ભારતને અગ્રગામી કૃષિ ઉત્પાદક દેશ બનાવવામાં આપણને ૭૦ વર્ષ જેટલો સમય લાગ્યો છે. હવે પાંચ ટ્રિલીયન અમેરિકી ડોલરના અર્થતંત્રનું સ્વપ્ન સાકાર કરવામાં કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવાનું ન ભૂલીએ તેવી અપેક્ષા અસ્થાને નથી. 

વર્ષ ૨૦૧૦-૧૧માં થયેલ કૃષિ અંગેની ગણતરીના આંકડા જાણવા આજે પણ રસપ્રદ અને ઉપયોગી જણાય છે. (૧) ભારતમાં જમીન ધારકોની સંખ્યા ૧૩ કરોડ ૮૩ લાખ જેટલી છે. (૨) દરેક ખાતેદારે ધારણ કરેલી જમીનનું સરેરાશ ક્ષેત્રફળ ૧.૧૫ હેકટર એટલે પોણા ત્રણ એકરથી ઓછું છે. (૩) ૮૫ ટકા ખેડૂતો પાસે બે હેકટર (પાંચ એકર)થી ઓછી જમીન છે તેથી તેઓ નાના અને સિમાંત ખેડૂતોની કક્ષામાં ગણાય છે. (૪) ખેડૂતને તેની જરૂરિયાત પ્રમાણે ધીરાણ મળતું નથી. (૫) ખેડૂતોનો માલ બજારમાં વેચાવા આવે ત્યારે તેને પડતર કિંમત જેટલો ભાવ પણ મળતો નથી. (૬) મોંઘા ખાતર જંતુનાશક દવા અને બિયારણમાં ભેળસેળ, કાળા બજાર અને વિશ્વસનીયતાના અભાવ વચ્ચે ખેડૂત જરૂર મુજબ સમયસર કામ કરી શકતો નથી. (૭) પાણીની તંગી, ઓછો કે કસમયનો વરસાદ પાકને નુકશાન કરી તેની ઉત્પાદકતાને માઠી અસર કરે છે. આવી અનેક મુશ્કેલી વચ્ચે કૃષિક્ષેત્રે જે કમાલ કરી છે તે માટે આપણે મહેનતકશ કિસાનોના ઋણી છીએ. આજે ૩૦ કરોડ ટન જેટલું અનાજ પેદા કરતાં કૃષિક્ષેત્રમાં હજી ઉત્પાદકતા વધારવાની ખૂબ મોટી ગુંજાઈશ છે. કોરોના સમયમાં માત્ર કૃષિક્ષેત્રે જે વૃદ્ધિ દર જાળવીને આપણને બોધ આપ્યો છે કે કૃષિ એ અર્થતંત્રનું એક ક્ષેત્ર માત્ર નથી પણ જીવનનો અતિ મહત્ત્વનો આધારસ્તંભ છે.

ભારતનું કૃષિક્ષેત્ર હવે આંતરરાષ્ટ્ર્‌ીય મહત્ત્વ ધરાવે છે. અનેક પાકોમાં ભારતનું સ્થાન પ્રથમ, દ્વિતીય કે તૃતીય છે. વિશ્વમાં ચીન અને અમેરિકા પછી કુલ કૃષિ પેદાશોના મૂલ્યોમાં ભારતનું સ્થાન ત્રીજું છે. વિવિધ ઋતુઓ, પાકોનું વૈવિધ્ય, પરંપરાગત કુશળતા સહિત ખેતી માટે આપણા દેશમાં ખૂબ સાનુકૂળ પરિસ્થિતિ રહી છે. નાના નાના ખેતરો, બિયારણ, ખાતર, દવા, ધીરાણની અગવડ વચ્ચે કૃષિએ જે પ્રગતિ સાધી છે તેને હવે એક નવી ઊંચાઈએ લઈ જવાનો સમય આવ્યો છે. આપણા દેશની કુલ આવક પાંચ ટ્રિ્‌લીયન અમેરિકી ડોલર થાય તેમાં કૃષિનો હિસ્સો ૨૦ ટકાના ધોરણે ૧ ટ્રિ્‌લીયન યુએસ ડોલર અંદાજ્યો છે. હકીકતમાં આ રકમ ૧.૩૦ થી ૧.૫૦ ટ્રિ્‌લીયનની રાખીએ તો તે લક્ષ્યાંક ૨૦૨૫ થી ૨૦૨૭ વચ્ચેના ગાળામાં સિદ્ધ કરવો શક્ય છે. આપણા આયોજકો કૃષિ વિકાસના વર્ષો સુધીના નીચા દરથી મુંઝવણ અનુભવે છે. તેમની નિરાશા વાસ્તવિકતાના અનુભવઅને સમજણના અભાવે નિર્માણ થાય છે. કૃષિ ક્રાંતિ જ ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમાં મને લેશમાત્ર શંકા નથી. કૃષિક્ષેત્રના નીચા વિકાસદર માટે જો જવાબદારી નક્કી કરીએ તો તેમાં કૃષિ નીતિ ઘડનારાઓને પ્રથમ સ્થાને મૂકવા પડે. જેમને ભૂમિગત પ્રશ્નોનો કશો અનુભવ નથી તેવા કહેવાતા કૃષિ નિષ્ણાત આયોજકોએ કૃષિ વિકાસ માટે યોગ્ય પગલાં સૂચવ્યા નથી. અનુભવ અંગે સ્વામી વિવેકાનંદે કહ્યું છે; ‘‘અનુભવ જ આપણો એક માત્ર શિક્ષક છે. આપણે ગમે તે બોલી શકીએ, તર્ક લડાવી શકીએ પણ વાસ્તવિકતાનો એક મુદ્દો સમજી ન શકીએ.’’

ભારતને હરિત ક્રાંતિ સમયે ખૂબ પીઢ, વિચારશીલ અને કાર્યદક્ષ કૃષિમંત્રી શ્રી સી. સુબ્રમણ્યમ્‌ મળ્યા હતાં. ગુજરાતમાં ૨૦ વર્ષ પહેલાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાનું વચન સ ાકાર કરી બતાવ્યું છે. કૃષિ મહોત્સવથી માંડીને સુક્ષ્મ જળ સિંચાઈ (માઈક્રો ઈરિગેશન) તેમજ શ્રેણીબદ્ધ પગલાં સાથે ગુજરાતનો કૃષિ વિકાસ દર ૨૦ વર્ષની સરેરાશ લેતાં ૮.૩૨ (ચક્રવર્તી ધોરણે) જાળવીને દેશને દિશા ચિંધી છે. ભારતનો ૩.૮૨નો કૃષિ વિકાસ દર છેલ્લાં ૨૦ વર્ષમાં છે. આ બે આંકડાઓ આપણને સૂચવે છે કે હવે રાષ્ટ્ર્‌કક્ષાએ વ્યવહારિક કૃષિ નીતિ ઘડી તેનો ચુસ્ત અમલ કરવાનો સમય પાકી ગયો છે.    

                                                                                                           (ક્રમશઃ)                                                               

Comments

Popular posts from this blog