સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ : નિષ્ફળતાના આરે
પ્રવીણ ક. લહેરી
પ્રાચીન યુગમાં ભારતના ગામડાંઓ સ્વાયત્ત હતાં. જનપદો લોકશાહી ઢબે કામ કરતાં હતા તેવા ઉલ્લેખો જોવા મળે છે. આઝાદીના આંદોલન સમયે ગાંધીજીએ ત્રણ વિધાનો કર્યાં હતાં..(૧) ભારત ગામડામાં જીવે છે. (૨) ગામડાંઓ વિદેશીઓ અને શહેરીજનોના શોષણને કારણે કંગાળ બન્યા છે. માણસો કુપોષણના કારણે હાડપિંજર જેવા જોઈ શકીએ છીએ. (૩) આઝાદી મળ્યા બાદ આપણે આપણા વિચારોમાં ફેરફાર નહીં કરીએ તો આ દેશનો વહીવટ (તેર સમયના) રેલ્વેના થર્ડ કલાસના ડબ્બા જેવો ગંદો અને ત્રાસદાયક બની જશે. ગાંધીજીએ ગામડાંની જે ચિંતા કરી હતી તે આજે શહેરો અને મહાનગરોમાં લાગુ પડી છે.
ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણની કલમ ૪૦ મુજબ વહીવટી વિકેન્દ્રીકરણ માટે ભલામણ થઈ છે. શ્રી રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતાં ત્યારે પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની સત્તા અને ફરજો અંગે બંધારણીય સુધારા ૭૩ અને ૭૪ થી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓેને બંધારણીય હોદ્દો પ્રાપ્ત થયો છે. આ સુધારાને ૩૯ વર્ષ વિતી ગયા. પંચાયતો અને નગરપાલિકાના હોદ્દેદારોની કેન્દ્ર અને રાજ્ય સરકારો દર વર્ષે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી જ અપેક્ષાઓ હતી અને આજે પણ છે તેમાં તે સંસ્થાઓ કેટલા અંશે સફળકે નિષ્ફળ ગઈ છે તે તપાસવા યોગ્ય બાબત છે.
ભારતના બંધારણીય સુધારા નંબર ૭૩ અને ૭૪ના આમુખમાં એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે; ‘‘રાજ્યો, પંચાયતો અને મ્યુનિસિપાલિટીને પૂરતી સત્તાઓ, જવાબદારીઓ અને નાણાંકીય સાધનો ઉપલબ્ધ કરાવશે જેના થકી આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયના કામો અસરકારક રીતે કરી શકે.’’ છેલ્લા૩૯ વર્ષમાં અમુક જ - આંગળીના વેઢે ગણી શકાય તેટલી પંચાયતો/નગરપાલિકા કે મહાનગરપાલિકાઓએ ઉલ્લેખનીય કામગીરી કરી છે. બાકી તો મોટાભાગની પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતાની જવાબદારી અદા કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. બંધારણની કલમ ૪૦ અને બંધારણીય સુધારા ક્રમાંક ૭૩ અને ૭૪ની ભાવનાઓ સાકાર કરવા માટે તમામ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કામગીરી ઓડિટ કરાવવાનો સમય પાકી ગયો છે. ગામડાંઓ અને શહેરોમાં ભયંકર ગંદકી, કચરાના પહાડ જેવા ઢગલાં, સેંકડો લોકોના કમોતનું કારણ બનતા રખડતા ઢોરો, રસ્તાના ખાડાઓના કારણે વાહનો ચલાવવાની મુશ્કેલી, રસ્તો પાર કરવા જતાં એકલા અમદાવાદમાં દર અઠવાડિયે ૪ માણસોના અપમૃત્યુ, પાણીનો અપૂરતો અને અશુદ્ધ પૂરવઠો, ગંદા અને વરસાદી પાણીની ગટરો સાફ કરવા તેમાં ઉતરતાં સફાઈ કામદારોના મૃત્યુ, દિવસે ચાલુ રહેતી અને રાત્રે રીસાઈ જતી લાઈટો, શહેરમાં જાહેર પરિવહનની પારાવાર હાલાકી, પ્રાથમિક શાળાઓની દુદર્શા, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ, બહેરા કાને અથડાતી ફરિયાદો, અગ્નિશામક વ્યવસ્થામાં ત્રૂટિઓ, જાહેર મિલ્કતો ઉપરના દબાણો, મચ્છરો, વાંદાઓ જેવા કિટકોનો ઉપવ, જાહેર શૌચાલયની અપૂરતી સંખ્યા અને જાળવણીના પ્રશ્નો, આડેધડ પાર્કિંગ કરેલા વાહનો, કરવેરા વસૂલાતના કૌભાંડ, રસ્તા, પૂલ, ઓવરબ્રીજ, પાણી-પૂરવઠા, ગટરના કામોમાં અકલ્પ્ય ભ્રષ્ટાચાર, પંચાયતો દ્વારા આપવાના પ્રમાણપત્રો માટે લાખો રૂપિયાની લાંચની માંગણીઓ, નિમણૂકોમાં ગેરરીતિઓ છે આજના ભારતની વાસ્તવિકતા. સુશાસન શબ્દથી જોજન દૂર એવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વહીવટ સુધાર્યાં સિવાય આ દેશ ન તો આર્થિક મહાસત્તા બની શકે ન તો રહેવાલાયક શહેરો બની શકે.
સ્થાનિક વહીવટની નિષ્ફળતાની લાંબી યાદી બાદ રણમાં જેમ ક્યાંક મીઠા પાણીની વિરડી મળી આવે તેમ અપવાદરુપ કામગીરી કરનાર ગામો અને શહેરો પણ છે. ઈન્દોરની મહાનગર પાલિકા, હૈદ્રાબાદ, જયપૂર, જોધપુર, ઉદેપૂર, વિશાખાપટ્ટનમ, મદુરાઈ, રાયપુર જેવા શહેરોનો વહીવટ પ્રમાણમાં સારો છે. ગુજરાતમાં સાબરકાંઠાનું પુંસરી ગામ, ગીરસોમનાથનું બાદલપુર વગેરે થોડા ગામો ખૂબ સુંદર રીતે વિકસ્યા છે. પ્રશ્ન એ છે કે શા માટે તમામ શહેરો અને ગામોને આપણે તે કક્ષાએ લઈ જઈ શકતા નથી ? અભાવ છે દૃઢ સંકલ્પ શક્તિનો, યોગ્ય આયોજનનો, અવિરત પરિશ્રમનો, જનભાગીદારીની ગેરહાજરીનો અને જવાબદારીનો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આજની નેતાગીરી ભવિષ્યે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવી અપેક્ષા રહી હતી. આજે તો આ કક્ષાની નેતાગીરી સામે બીનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર, ઉપેક્ષા અને બેજવાબદારીના અગણિત આક્ષેપો છે. તેમાં તથ્ય પણ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નોકરી કરતા અધિકારી અને કર્મચારીઓ પોતાની જવાબદારી અંગે સભાન કે નથી તેઓ પોતાની શ્રેષ્ઠ કામગીરી કરવા ઉત્સુક.
દેશમાં સ્થાનિક સ્તરે સુશાસન સ્થાપવા માટે શું કરવું જોઈએ ? બંધારણના સુધારા, ચૂંટણીઓ, ગ્રામસભા નાણાંપંચની રચના કે સરકારી ગ્રાન્ટોની ફાળવણીનું મહત્ત્વ છે પણ તેના થકી સુશાસન આવશે તે માન્યતા સાચી નથી. કાયદા અને નિયમો માત્રથી આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય મળશે તેવા વહેમમાંથી જેટલા વહેલા મુક્ત થઈએ તેટલું સારું. સ્થાનિક શાસનની બદતર હાલત સુધારવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જરૂર છે.
(૧) સૌથી પ્રથમ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાને ત્રણ વર્ષમાં સ્વચ્છતા, દબાણો દૂર કરવા, આંતરમાળખાકીય સુવિધા હેઠળ આવાસ, પીવાનું પાણી, રસ્તાઓ, સ્ટ્ર્ીટ લાઈટ, મોટા શહેરમાં પરિવહન, શાળાઓની સુધારણા, કચરાના અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે લક્ષ્યાંકો સાથેનું સમયપત્રક આપવું. દરેક હોદ્દેદારોની તે કામ સામેની જવાબદારી નક્કી કરવી. તે માટે યોગ્ય નાણાંકીય ભંડાળની ફાળવણી કરવી.
(૨) ત્યારબાદ દરેક જિલ્લામાં ૩ એકાઉન્ટીબિલીટી કમિટીઓ નીમવી. આ કામ માટે નિવૃત્ત જજો, અધિકારીઓ, પેન્શન મેળવતા કર્મચારીઓની પસંદગી કરવી. તેમને પ્રવાસ અને ટેલીફોન સિવાયની અન્ય કોઈ સગવડ કે વળતર ન આપવા. આ ત્રણે કમિટીઓ, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના લક્ષ્યાંકો સહિતના સમયપત્રકનો ચુસ્ત અને કરકસરભર્યો અમલ થાય છે કે કેમ તે તપાસીને જિલ્લા સંકલન સમિતિને તેનો અહેવાલ આપશે. આ અહેવાલના આધારે જરૂરી દુરસ્તી/સુધારણા માટે સ્પષ્ટ સૂચનાઓ સાથેનો મેમો આપવામાં આવશે. જેનો અમલ સંબંધિત હોદ્દેદારોએ કરવાનો રહેશે અન્યથા તેને બરતરફ કરી પાંચ વર્ષ માટે હોદ્દો ધારણ કરવા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે.
(૩) ગામડાં અને શહેરોમાં દરેક વોર્ડમાં પાંચ થી અગીયાર જાગૃત નાગરિકોની સમિતિ બનાવી તેના મારફત જનજાગૃતિ અને ભાગીદારી માટે ચુંટાયેલા પ્રતિનિધિઓના સહયોગમાં કામગીરી કરવાની રહેશે. વોર્ડમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ/યુવક અને મહિલા મંડળોની સહાય પણ લેવાની રહેશે. ગુજરાત પાણી-પૂરવઠા બોર્ડ રચિત સંસ્થા ‘વાસ્મો’ દ્વારા મહિલાઓની પાણી સમિતિઓએ ગુજરાતના ગામડામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પણ વાલીમંડળો છે તે રીતે દરેક પ્રવૃત્તિઓમાં નાગરિકોને જોડવાના રહેશે.
(૪) માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ભરોસે બેસી ન રહેતાં તેમની કામગીરી માટેની જવાબદારી સુનિશ્ચિત કરી તેમાં કાર્યસિદ્ધ ન થાય તો કડક પગલાંની જોગવાઈ કરવી આવશ્યક છે. અનેક રાજ્ય સરકારોએ આરોગ્ય, શિક્ષણ, રોજગારી, તાલીમ અને સંગઠ્ઠનો દ્વારા સારી કામગીરી કરવા પ્રયત્ન કર્યો છે. હવે સમયની માંગ એ છે કે વિકાસની અને લોકકલ્યાણની દરેક કામગીરીના લક્ષ્યાંકો નક્કી કરી સ્થાનિક કક્ષાએ કાર્યદક્ષ શાસન દ્વારા તે હાંસલ કરવા. આ બાબતે વિલંબ થશે તો તેના માઠા પરિણામો આપણે સૌએ ભવિષ્યે ભોગવવા પડશે.
અંતમાં, ગાંધીજીનું નિરીક્ષણ હતું; ‘‘જ્યારથી આપણા દેશમાં શ્રમ અને બુદ્ધિ વચ્ચે વિચ્છેદ થયો છે ત્યારથી આપણા સમાજની દુર્દશાની શરુઆત થઈ છે. જો દરેક હિંદવાસી પોતાનું કામ સમજણપૂર્વક અને ખંતથી કરે તો જ આપણે પાયાનું પરિવર્તન કરી શકીશું.’’ સ્થાનિક કક્ષાએ સુશાસન એ સફળતાની પૂર્વશરત છે.
Comments
Post a Comment