આપણી સહિયારી ચિંતા
પ્રવીણ ક. લહેરી
સલામતી, સંપૂર્ણ સલામતી, સૌથી પ્રથમ સલામતી, સૌની સલામતી જેવા અનેક શબ્દપ્રયોગથી આપણે સલામતી બાબતની આપણી ચિંતા જરૂર વ્યક્ત કરીએ છીએ. વાસ્તવમાં આપણે કાળજી રાખવાના બદલે અનેક પ્રસંગોએ બેદરકારીથી વર્તવા ટેવાયેલા છીએ. તાજેતરમાં દેશના અગ્રણી ૫૪ વર્ષના યુવાન ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના પૂર્વ ચૅરમેન શ્રી સાયરસ મીસ્ત્રીનું એક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેમની સાથે પ્રવાસ કરતાં શ્રી જહાંગીર પંડોળેનું પણ અવસાન થયું. કારની આગળની સીટમાં બેસેલા શ્રી ડેરીયસ પંડોળે અને કારચાલક જાણીતા ડૉ. અનાહિતા પંડોળને ગંભીર ઈજા થઈ. આ ઘટના અતિશય ઝડપ, રસ્તાની ડિઝાઈન, સાવચેતીના અભાવે અથવા ડ્ર્ાયવરની ચૂકના કારણે બની તે અંગે તપાસ ચાલે છે. એકંદરે બેકાળજીના કારણે આ દુર્ઘટનામાં જે જાનહાની-નુકશાન થયું છે તેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. હવે આપણે સૌએ આવી દુઃખદ ઘટના નિવારવા માટે શું કરવું જોઈએ ?
સલામતીનો મુદ્દો આપણી વિચારણામાં અગ્રસ્થાને રહેવો જોઈએ. કમનસીબે સલામતી અંગે આપણે ચિંતા કે આયોજન કરતાં નથી તે અંગે ઘોર ઉપેક્ષા સેવીએ છીએ. ગમખ્વાર ઘટનામાં જાનમાલની હાનિ થયા બાદ અમુક દોઢ ડાહ્યાઓ તો ત્યાં સુધી કહે છે કે આ સઘળું તો ઈશ્વર નિર્મિત છે. કોઈની પાંચમ લખી હોય (મરવા માટે) તો છઠ્ઠ થતી નથી. આપણે અખબાર કે ટેલીવિઝનમાં સમાચાર જોઈએ તો; ‘‘ગટર સાફ કરવા ઊતરેલા ત્રણ કર્મચારીઓના ગુંગળાય જવાથી કરુણ મૃત્યુ’’ ‘‘બાંધકામના સ્થળે પાલક તૂટી પડતાં સાત શ્રમિકો મોતને ભેટ્યા.’’ હિમાચલમાં પહાડી રસ્તે બસ ડ્ર્ાયવરે અંકુશ ગુમાવતાં ૧૨ પ્રવાસીઓના દુઃખદ મોત અને ૨૧ને ઈજા...., ૭ની હાલત અંતિ ગંભીર ! ‘‘કેમિકલ પ્લાન્ટમાંથી ગૅસ લીક થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. ઝેરી ગૅસની અસરથી ૩ કામદારોના મોત. ૧૦૦ થી વધારે સારવાર હેઠળ.’’ ‘‘૩ ગામોમાં ઝેરી લઠ્ઠો પી જવાથી ૩૨ મોત અને ૮૫ લોકો હૉસ્પિટલમાં’’ ‘‘બસે હડફેટમાં લેતાં બે બાઈક ચાલકોના મોત’’ જ્યાં જુઓ ત્યાં મોતનું તાંડવ પણ સામાન્ય નાગરિકને સાક્ષી ભાવે જોતાં રહેવાથી વિશેષ કાંઈ ન થઈ શકે તેવી લાચારી જાહેર કરે છે.
૧૯૮૪ના વર્ષમાં ભારતમાં ફોસજીન ગૅસ લીક થવાને કારણે ભોપાલમાં જે દુર્ઘટના બની તે વિશ્વના ઈતિહાસનું એક ગંભીર બેદરકારનું પ્રકરણ છે. અમેરિકન કંપની અને ભારત સરકારે વળતર આપવામાં કે બેદરકારોને સજા આપવામાં જે મિલીભગત કરી તે આપણા દેશ માટે એક કલંકિત ઘટના છે.
ભારતમાં દરરોજ ૪૫૦ લોકો રસ્તાના અકસ્માતમાં અને તેટલા જ લોકો આપઘાતથી મૃત્યુ પામે છે. દેશની ૧૩૮ કરોડની વસ્તી માટે પણ આ આંકડાઓ ભારતને નિમ્નકક્ષામાં મૂકે છે, કાળજીનો અભાવ એ અકસ્માત નિવારવા માટેનું સૌથી મોટું કારણ છે. ‘‘સાવચેતી ઘટી તો દુર્ઘટના બની’’ એ સૂત્ર સો ટકા સાચું છે. રસ્તે જતી કારની પાછળથી આવીને ઝડપથી કારના પૈડાં પાસેથી અર્ધ ચંદ્રકારે વળાંક લેતા બાઈક ચાલકને તેની સરકસ જેવી સાહસવૃત્તિને બિરદાવવી કે ઘોર બેદરકારી માટે જાહેરમાં અપમાનિત થાય તેવી દાખલારુપ સજા કરવી તે યક્ષપ્રશ્ન છે. ભારતના મોટાભાગના શહેરોમાં રસ્તો ક્રોસ કરવો તે કાર્ય હિમાલયના શિખરને સર કરવા કરતાં વધારે જોખમી અને સાહસભર્યું છે.
આ વર્ષે ચોમાસામાં વરસાદ ભરપૂર વરસ્યો. રસ્તાઓમાં ખાડાઓ અને ભુવાઓની ભરમાર, પાણીમાં ડૂબી જવાથી અપમૃત્યુઓના કિસ્સાઓ વધ્યા. રખડતા ઢોરની ઢીંક લાગવાથી અનેક લોકોએ ગાયની પૂંછડી ઝાલ્યા વિના જીવનની વૈતરણી પાર કરી લીધી. નદીના ધમમસતા પાણીમાં વાહન નાખીને નદી પાર કરવાનું સાહસ કરનારાની સંખ્યા નાનીસૂની નથી. બેદરકારી સર્વવ્યાપી છે. હૉસ્પિટલોમાં બીજા ગ્રુપનું લોહી ચડાવી દેવું, ઑપરેશન પછી કાતર કે રૂના પૂમડાં દર્દીના પેટમાં ભૂલી જવા, જમણાંને બદલે ડાબા અંગનું ઑપરેશન કરી નાખવાના અનેક કિસ્સાઓ આપણી જાણમાં છે. ગુજરાતના એક મુખ્યમંત્રીના દુઃખાવાવાળા ડાબાને બદલે જમણાં પગનું ઑપરેશન કરી નાખવાનો કિસ્સો મેં જાતે નિહાળ્યો છે. અનેક વિદેશીઓને પ્રશ્ન થાય છે કે ભારતીયોને કાયદા, નિયમો, વ્યવસ્થાનું પાલન કરવામાં શું તકલીફ થાય છે. કોરોનામાં કાયદાનો ભંગ કરીને ફરનારાઓ ગુજરાતમાં લોકોએ ૧૦૦ કરોડનો દંડ ભર્યો તે હકીકતથી આશ્ચર્ય પામવું કે દુઃખી થવું તે હું નક્કી નથી કરી શકતો. કાયદો જે સૂચવે તેનું પાલન ન કરીએ અને હાનિ થાય તેવા પ્રસંગે હવે કડક સજા કરવાની જરૂર છે.
૧. કાળજી- સાવચેતી
સલામતી માટે કાળજી અને સાવચેતી સતત રાખવા જરૂરી છે. જે જે કારખાનાઓ, કચેરીઓ અને ઘરોમાં સાવચેતી સાથે કામ થાય છે ત્યાં અકસ્માતો બનતાં નથી. રસ્તા પર વાહન ચલાવવું, વીજના વાયરો, સ્વીચમાં ક્ષતિ,લપસણા બાથરૂમ ફ્લોર, લીફ્ટ, ગેસ, ઈલેકટ્રિક સાધનો, આ સઘળું અકસ્માત થાય તેવું છે. દરેક પ્રસંગે ‘‘ચેતતા નર( નારી), સદા સુખી’’ની ઉક્તિ સ્મરણમાં રહે તે આવશ્યક છે.
૨. આયોજન :
દરેક પ્રસંગના આયોજનમાં સલામતીની ચિંતા-કાળજી કરવા જરૂરી છે. કોઈપણ પ્રવૃત્તિ દેખીતી રીતે ભલે નાની હોય પણ જરા જેટલી ચૂક ખૂબ મોટું નુકસાન કરે છે. યુવા-યુવતીઓની એક જન્મદિનની પાર્ટીમાં ખાસ ગેસ ભરેલા ફુગ્ગાઓનું સુશોભન હતું. કેક પરની કેન્ડલને (મીણબત્તીને) લાઈટરથી સળગાવવા જતાં હતાં ત્યાં કોઈકે ફુગ્ગો ફોડવો અને તમામ ફુગ્ગાનો ગેસ સાથે આગનું પ્રચંડ મોજું રૂમમાં ફરી વળ્યું. કોઈનો હાથ તો કોઈનો ચહેરો દાઝયો. આપણો ઉત્સાહ સલામતીનો ભંગ કરવામાં નિમિત ન બને તેની કાળજી સૌ કોઈએ જાગ્રત રીતે કરવી જોઈએ.
૩. સજ્જતા :
સલામતી માટે સજ્જતા જરૂરી છે. મકાનોમાં આગ બુઝાવવાની વ્યવસ્થા ફરજીયાત છે, તેના ચુસ્ત ધોરણો છે પણ એકલા અમદાવાદમાં સેંકડો બહુમાળી મકાનોમાં આગ સામેની સાવચેતીના નામે મીડું છે. હાઈકોર્ટની સતત તાકીદ બાદ પણ વર્ષોથી આ બેકાળજી ચાલુ છે. ગટર સાફ કરવા ઉતરતાં કામદારો, માલસામાન ઉપર ચડાવતાં શ્રમિકો,બાંધકામ સ્થળે યોગ્ય ટાપી, બૂટ,કપડાં, પહેરવા અંગે ઉપેક્ષા સામાન્ય છે. સજ્જતા માટે જાણીતી ઉક્તિ છે કે ‘‘સૌ સારા વાના થાય તેવી ઈચ્છા રાખો પણ સૌથી ખરાબ પરિણામને પહોંચી વળવા સજ્જ રહો.’’
૪. પધ્ધતિ :
આપણી કાર્યપદ્ધતિમાં દરેક તબક્કે સલામતીનો વિચાર કરવો જરૂરી છે. કોઈપણ વસ્તુ કે કામમાં ધારણાથી વિપરીત ઘટના બને તો તે ચીજ કામ કરતી અટકે અથવા તો વાપરનારને રક્ષણ મળે તેવી કાર્યપદ્ધતિ ગોઠવવી જોઈએ. કેમિકલ પ્લાન્ટમાં ધુમ્રપાન રસાયણનો હવા સાથે સંપર્ક બે રસાયણોનું મિશ્રણ ઘાતક પરિણામ લાવે છે.
વીજ વિતરણમાં આપણો દેશ સલામત પદ્ધતિ અપનાવી નથી શક્યો તે એક દુઃખદ હકીકત છે. દરેક પદ્ધતિનું તટસ્થ મૂલ્યાંકન થાય તેવી જોગવાઈ કરવી જરૂરી છે. કાયદા જે સૂચવે તેનું પાલન ન કરીએ અને હાનિ થાય તેવા પ્રસંગે હવે કડક સજા કરવાની જરૂર છે.
૫. લોકશિક્ષણ :
પ્રાથમિક શાળાથી અને ઘરથી શરૂ કરીને સૌને સલામતીને ધ્યાને રાખીને વર્તવાની તાલીમ ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. આપણને સલામતી અંગે વ્યાપક લોકશિક્ષણની જરૂર છે. અકસ્માતે થતાં અપમૃત્યુ આપણા સૌ માટે શરમજનક છે અને તેને નિવારવા માટે જાગૃતિ અને સહયોગ દરેક ભારતવાસી પાસેથી અપેક્ષિત છે.
એક તાજા પણ માઠા ખબર :
‘‘ બાવન શહેરોમાં પગે ચાલનાર માટે અમદાવાદ સૌથી ખતરનાક - ૨૦૨૧માં ૧૬૨ પગે ચાલનારાઓનું અકસ્માતે મોત !!’’
Comments
Post a Comment