આઝાદીના ૭૫ વર્ષ

                                                                                        પ્રવીણ ક. લહેરી

આ લેખ લખવાનો દિવસ છે ૧૫મી ઑગસ્ટ ૨૦૨૨. આઝાદી હાંસલ કર્યાને ૭૫ વર્ષ વિતી ગયા. અમારા માટે આ દિવસ ધન્યતાનો છે, પરમ આનંદનો છે, સંતોષનો છે. મારી ૭૭ વર્ષની ઉંમરમાં અનેક ઐતિહાસીક ઘટનાઓ અને વ્યક્તિ વિશેષોેને સાક્ષીભાવે નિહાળવાનો જે લ્હાવો મળ્યો છે તે રોમાંચક છે. આઝાદી પહેલાં અઢી વર્ષે જન્મ થયો તેથી ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭નું સ્મરણ ન હોય. પરિવારમાં તે દિવસની અનેક વાતો જરૂર સાંભળી છે. સેંકડો વર્ષોની ગુલામી બાદ સ્વરાજ અને એક ભારતની રચના (વિભાજનની કરુણાંતિકા સાથે) થઈ તે સિદ્ધિ લાખો લોકોએ આપેલા બલિદાનો અને તેમણે દર્શાવેલ નિડરતા, નિષ્ઠા અને સમર્પણને આભારી છે. જે કોઈ આમાના એક પણ સ્વાતંત્ર્ય સેનાની ચાહે સત્યાગ્રહી હોય કે ક્રાંતિકારી તેને માટે કશું અપમાનજનક વિચારે કે બોલે તો તેની દેશભક્તિમાં ઉણપ છે તેમ હું ખાતરી સાથે કહી શકું છું. આવા અલ્પ મતિવાળા, વિકૃત વિચારવાળાને પ્રભુ સદ્‌બુદ્ધિ આપે તેવી પ્રાર્થના આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે કરું છું. કોઈની કદર ન કરી શકીએ પણ હકીકતોની સમજણ વિના જ્યારે તેમની ટીકા કરીએ તો તેમાં કોઈ ઔચિત્ય નથી. ટીકાનો પ્રવાહ સરવાળે તો ભાવી પેઢીને નુકશાનકર્તા છે. એક સાધારણ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારમાં જન્મ પ્રાપ્ત થાય તેના કરતાં ઈશ્વરની કઈ વિશેષ કૃપા હોય શકે ? ત્યારના સમયની સાદગી, સ્વાવલંબન, સંયમ અને સેવાના સંસ્કારો ગાંધી વિચારોને વરેલા કુટુંબમાંથી મળે તે ખરેખર અહોભાગ્ય ગણાય.

૧૯૬૯માં ગુજરાતના આઈ.એ.એસ. સંવર્ગમાં જોડાયા બાદ પ્રાંત અધિકારી વલસાડ કામ કરતો હતો ત્યારે ૧૯૭૨માં આઝાદીની રજતજયંતિ મનાવવામાં આવી. ત્યારે તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ દાંડી મુકામે હયાત દાંડીકૂચના સેનાનીઓને સન્માનવાનો કાર્યક્રમ કર્યો. જે ૮૦ વ્યક્તિઓએ ભાગ લીધો તો તેમાંથી ૪૨ જેટલાં દાંડી આવ્યા હતાં. ૬ એપ્રિલ, ૧૯૭૨ની સવારે ત્યાં જે દૃશ્યો જોયા તેનું સંભારણું હંમેશ તાજુ રહે છે. વડાપ્રધાને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોની તક્તિઓ દરેક તાલુકામાં મૂકાવી. આઝાદીના લડવૈયાઓને તામ્રપત્રો આપ્યા. રૂા.૬૦૦ નું માસિક પેન્શન મંજૂર કર્યું. મારા પિતાશ્રી અને તેના જેવા અનેક સ્વતંત્રતાના સેનાનીઓએ આ તામ્રપત્ર કે પેન્શન સ્વીકારવાની ના કહેતાં કહ્યું કે; ‘‘જરૂરતમંદ સેનાનીઓ પેન્શન ભલે સ્વીકારે પણ આઝાદીના આંદોલનમાં ભાગ લેવા માટે કશું સ્વીકારવાની અમારી ઈચ્છા નથી. અમે સર્વસ્વ છોડીને સત્યાગ્રહમાં જોડાયા ત્યારે અમને આઝાદી જોઈતી હતી. મારા દિલમાં ‘‘સિર જાવે તો જાવે, આઝાદી ઘર આવે’’ની ખુમારી હતી. આઝાદી એ જ અમારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે. આ રજતજયંતિની ઉજવણી સાદગીપૂર્ણ હતી. તેના કેન્દ્રસ્થાને સ્વાતંત્ર્ય સેનાનીઓ, તેમના બલિદાનો, ત્યાગ વગેરે હતાં. મારી ઉંમરના લોકોએ ભરજુવાનીમાં આઝાદીની રજતજયંતિ ઉજવી, અનેક સ્વાતંત્ર્યવીરોને રબરૂ વંદન કરવાનો અદ્‌ભૂત લ્હાવો મળ્યો.

સમયની સરિતા તો અવિરતપણે વહેતી રહે. ૧૯૯૭ના વર્ષમાં દેશે આઝાદીનો સુવર્ણ મહોત્સવ મનાવ્યો. કેન્દ્રમાં અને ગુજરાતમાં રાજકીય અસ્થિરતા કારણે સુવર્ણ મહોત્સવની ઉજવણી ઔપચારિક રહી લોકોમાં રાષ્ટ્ર્‌ીય ભાવના હતી, દેશ પ્રેમ હતો પણ તેની અભિવ્યક્તિ માટેનો માહોલ જામ્યો નહીં તે એક કરુણ હકીકત છે. અમારી વયના લોકો જે આઝાદી પહેલાં જન્મ્યા હતા તેની જગ્યાએ દેશની વસ્તીનો ૨/૩ ભાગ આઝાદી બાદ જન્મ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓની સંખ્યા અલ્પ રહી હતી. આઝાદી બાદ દેશમાં સ્થિર થયેલી લોકશાહી, વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકોની પ્રગતિ, અવકાશ, અણુ, ઉદ્યોગ ક્ષેત્રે દેશે ભરેલી હરણફાળ, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ વગેરે થકી દેશવાસીઓએ સંતોષ મેળવ્યો હતો કે આપણે સાચા માર્ગે છીએ.

કાળનો પ્રવાહ તો અવિરત વહેતો રહે છે. જોત જોતાં ૧૫મી ઑગસ્ટ ૨૦૨૨ આવી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તો ૧૨મી ઑગસ્ટ ૨૦૧૪થી જ ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષ (૨૦૧૯) અને આઝાદીના ૭૫મા વર્ષે (૨૦૨૨) હાંસલ કરવા યોગ્ય લક્ષ્યાંકો જાહેર કર્યાં હતાં. સ્વચ્છ ભારત, કિસાનોની આવક બેવડી કરવા, બુલેટ ટ્રેનના પ્રારંભ સહિત અનેક સંકલ્પો સાકાર કરવાની જાહેરાત થઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની મહેચ્છા શીઘ્ર ભારત એક આર્થિક મહાસત્તા બને, સૌની આવક વધતાં ગરીબી નિર્મૂળ થાય અને સમાજ કુરિવાજોમાંથી મુક્ત થાય તેવી હતી અને આજે પણ છે. સદ્‌નસીબે ૨૦૨૨ની ૧૫મી ઑગસ્ટથી શરુ થયેલી અમૃત મહોત્સવની ઉજવણીના વર્ષ દરમિયાન અનેક સારી પરિયોજનાઓ સાકાર થઈ છે. કોરોના કાળની પછડાટમાં પ્રજાએ બહાર આવી જે આર્થિક વિકાસની દિશામાં નક્કર કાર્ય કર્યું છે તેના કારણે ૭૫મા વર્ષની પૂર્ણાહુતિ સમયે ૨૦૨૨ની ૧૫મી ઑગસ્ટની ઉજવણી લોકભાગીદારી સાથે આન, શાન અને માન સાથે થઈ છે. આ સ્વાતંત્ર્ય દિને સમાજના તમામ વર્ગે એક અનોખી અનુભૂતિ કરીછે. ‘હર ઘર તિરંગા’ના સૂત્ર સાથે પરિવારના તમામ સભ્યોએ ઉમંગભેર ઉજવણી કરી છે. શાળા, કૉલેજો, મંદિરો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યાપાર, ઉદ્યોગ, પરિવહન એમ તમામ ક્ષેત્રોમાં આઝાદીના અમૃત મહોત્સવી ઉજવણીએ અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવ્યો છે. આનો યશ વડાપ્રધાનની આયોજનની સુઝબુઝ અને લોકોના ઉત્સાહને આપવો જોઈએ.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં યુવાપેઢી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર જ નહીં પરંતુ દરેક જગ્યાએ અગ્રગામી થઈને પોતાની સર્જનશક્તિ સાથે રાષ્ટ્રીય પર્વ મનાવી રહી છે તે જોઈને આપણા માટે કુરબાની આપનાર આપણા પૂર્વજોના આત્માને અનહ્‌દ ખુશી થઈ હશે. આઝાદીની લડતનો ઉત્સાહી માહોલ આજે પુનજીર્વિત થાય ત્યારે સૌની છાતી ગજગજ ફૂલે તેમાં આશ્ચર્ય ન જ થાય. ચારેકોર તિરંગો છવાઈ જાય, તમામ માધ્યમો આઝાદીની અનેક ધરબાયેલી ઘટનાઓ સતત ઉજાગર કરે. દેશ મારો છે, હું દેશ માટે છું તેવી ભાવના સર્વત્ર જોવા મળે છે. આ ઉજવણી ખરેખર સાર્થક છે. હા, થોડા લોકો દેશ સમક્ષની સમસ્યાઓનું શું તેવો પ્રશ્ન કરે છે. તેમનો પ્રશ્ન વાજબી છે પણ આજે આપણે સ્વાતંત્ર્યની અમૃત મહોત્સવની ઉજવણી કરીએ ત્યારે કોઈ નકારાત્મક વિચાર કે ચિંતા ન કરતાં પૂરા ઉત્સાહ અને સમર્પણથી દેશભક્તિને ઉજાગર કરીએ તે આપણું રાષ્ટ્ર્‌ીય કર્તવ્ય છે. અંગ્રેજીની એક જાણીતી ઉક્તિ છે; ‘‘તે સમયમાં ઘટનાઓ નિહાળવી તે ગર્વની વાત છે પણ તે ઘટનાઓમાં ભાગ લેવો તે તો સ્વર્ગની અનુભૂતિ સમાન છે.’’ આપણે નસીબદાર છીએ કે આઝાદીનો અમૃત મહોત્સવમાં ભાગ લેવા હયાત છીએ. આજનો દિવસ નથી રોદણાં રોવાનો કે ફરિયાદ કરવાનો, નથી વિવાદ કરવાનો કે કોઈની ટીકા કરવાનો. આજનો દિવસ પવિત્ર છે, મહત્ત્વનો છે, આનંદ-ઉલ્લાસનો છે.

આજે તો આપણે બુલંદ સ્વરે ‘વંદે માતરમ્‌’ ગાવાનો છે. આજે અગણિત સ્વાતંત્ર્ય વીરોની સ્મૃતિને સન્માનવા નત મસ્તકે તેઓનું ઋણ સ્વીકાર કરવાનો, તેઓને સંબોધીને નમ્ર નિવેદન કરવાનો કે તેઓની ન્યોછાવરીએ આપણને આઝાદીની મહામૂલી ભેટ આપી છે. તેઓના ત્યાગ-બલિદાનથી આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. તેઓ આ દેશના પાયાના પત્થરો છે. તેમને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. આજે આ દેશની સુરક્ષા માટે સીયાચીનની કાતિલ ઠંડીમાં અને રાજસ્થાન-કચ્છના રણની હાડ થીજાવતી ઠંડી અને બળબળતી ગરમી સહન કરતાં આપણા વીર જવાનોને શ્રદ્ધા સાથે નમન કરવાનો. આજે જય જવાન-જય કિસાનનો નારો નાભિ સ્વરે પોકારીને જેમની કાળી મજૂરી અને ભૂમિ પ્રત્યેની નિષ્ઠાએ આ દેશના ૧૪૦ કરોડ વસ્તીને અન્ન પૂરું પાડ્યું છે તેવા કિસાનોને વંદન કરવાનો. કોરોના કાળમાં જેમણે જીવના જોખમે ફરજ બજાવી છે તેવા ડૉકટરો, નર્સો, અન્ય સ્ટાફની વ્યક્તિઓ, પોલીસ, સરકારી કર્મચારીઓ, વેક્સિન થકી કોરોનાને અંકુશમાં લાવનાર વૈજ્ઞાનિકા, કંપનીઓના કાર્યને. બિરદાવવાનો આ દિવસ છે. ઉદ્યોગ-વ્યાપાર, નિકાસ, સેવાક્ષેત્રની અનેકવિધ પ્રવૃત્તિઓથી રોજગારીનું સર્જન કરતાં સાહસિકોને અભિનંદન પાઠવવાનો અવસર છે. લોકસેવકો અને શિક્ષકો, પ્રોફેશનલ તજજ્ઞો અને કર્મઠ એકટીવીસ્ટોને તેમની કામગીરી માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે.

ચાલો આપણે બુલંદ અવાજે ‘મેરા ભારત મહાન’, આઝાદી અમર રહે’, ‘સૌ ભારતીયો મારા આત્મીય છે’, તેવા સૂત્રો સાથે દેશની સેવા માટે કૃતનિશ્ચયી થવાનો મંગળ અવસર છે. વંચિતો, શોષિતો, દિવ્યાંગો, વડિલો અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવા સંકલ્પબદ્ધ થવાનો અનેરો મોકો છે. ભારત માતાની જય સાથે આત્મવિશ્વાસ, આશા અને ઉમંગથી ભવિષ્યનું નિર્માણ કરવા માટે તન, મન અને ધન કુરબાન કરવાની વેળા છે. આપણી સંસ્કૃતિ, વિરાસત અને સારી પરંપરાઓને સાચવીને કુરિવાજો, અંધશ્રદ્ધા, પૂર્વગ્રહો અને અન્યાયી પ્રથાઓને તિલાંજલી આપી હું ભારતીય છું, મને ભારતીય હોવાનો ગર્વ છે તે પ્રતિબદ્ધતા સાથે આઝાદ હિંદ ફોજના કૂચગીત; કદમ કદમ મિલાયે જા, ખુશીકે ગીત ગાયે જા, આ જિંદગી હૈ કોમ કી, તૂ કોમષે લૂંટાયે જા’ની ભાવના આત્મસાત્‌ કરવાની. આ ઐતિહાસિક દિન આપણને અમૂલ્ય તક પૂરી પાડે છે. સૌ શહિદો અને દેશની સેવામાં રત એવા સૌને સન્માનાર્થે એક જ પોકાર કરવાનો છે.

                                                                જય હિંદ

Comments

Popular posts from this blog