ઈતિહાસનું પુનર્લેખન
- પ્રવીણ ક. લહેરી
ઈતિહાસ શબ્દનો અર્થ ‘‘આ પ્રમાણે બન્યું હતું’’ આમ તો સાવ સરળ જણાય છે. એવી માન્યતા છે કે ઈતિહાસ વિજેતાની દૃષ્ટિએ લખાય છે. ઈતિહાસમાં હાર-જીત, સફળતા-નિષ્ફળતા, લાભ-નુકશાન અંગે ઘણીવાર અલગ અલગ દૃષ્ટિકોણના કારણે એક જ ઘટનાનું નિરુપણ ભિન્ન ભિન્ન રીતે થાય છે. આપણા દેશનો-વિશ્વનો ઈતિહાસ જે રીતે શીખવવામાં આવે છે તેમાં પ્રાચીન, મધ્યયુગનો અને અર્વાચીન એમ તે ત્રણ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલ છે. ઈતિહાસની ઘટનાઓ અંગે પાકિસ્તાનના સર્જક મહંમદ અલી ઝીણાએ એવી ટીપ્પણી કરી હતી કે હિંદુના અને મુસલમાનના ઈતિહાસના નાયકો-ખલનાયકોનો ખ્યાલ તદ્દન વિપરીત છે. મુસલમાનો માટે હિંદુ શાસકો કાફિરોથી વિશેષ કશું નથી તો હિંદુઓ માટે મુસ્લિમ બાદશાહો અને સુલતાનો ક્રુરતા, આતંક, વિનાશ અને ધર્માંધતાના પર્યાય છે. ભારતીય ઈતિહાસના આલેખનના બે પ્રવાહો અગાઉથી ચાલ્યા આવે છે. એ.એલ. બશામ નામના ઈતિહાસકારે ‘ભારત એક આશ્ચર્ય’ શિર્ષક સાથે પુસ્તક લખીને આપણી સંસ્કૃતિ અને સિદ્ધિઓનું મહિમામંડન કર્યું છે. મેકસ મુલર, કર્નલ ટોડ, કર્નલ કોટન અને ફાર્બસ જેવા અનેક તજજ્ઞોએ જહેમત કરીને ભારતના વિવિધ પ્રદેશના ઈતિહાસ, ભાષા, સભ્યતાને ઉજાગર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અમુક અંગ્રેજો અને યુરોપિયન વિદ્વાનોએ સામ્રાજ્યવાદની અસર હેઠળ હિંદની સિદ્ધિઓને અવગણી દૂષણો અને વહેમોને બહાર લાવી શ્વેતપ્રજાની ગુરુતાગ્રંથી વધે તે રીતે વર્ણનો કર્યાં છે. દેશના ડાબેરી ઈતિહાસકારોએ તો ઘટનાઓનું એવી વિચિત્ર રીતે અર્થઘટન કર્યું છે કે તેમના લખાણોની વિશ્વસનીયતા સાવ તળીયે જઈને બેઠી છે. ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધતાં અને અગણિત વિરાસત સમાં મંદિરો, ગ્રંથો, ચિત્રકામ, સ્થાપત્ય, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર, સંગીત, નૃત્યના ક્ષેત્રની સિદ્ધિઓ અંગે અધિકૃત અને આધારભૂત માહિતી મળવાથી પ્રાચીન અને મધ્યકાલિન ઈતિહાસ અંગેની માન્યતાઓમાં મુળભૂત પરિવર્તન આવ્યું છે. પાશ્ચાત્ય ઈતિહાસકારોનું વલણ ઈસુ પહેલાંનો સમય અંધકાર યુગનો છ તેમ ધારીને જૂનામાં જૂના ગ્રંથો કે સ્મારકોનો સાચો સમય ન સ્વીકારી પૂર્વીય સભ્યતાઓનો વિકાસ ઢંકાય જાય તેવું વલણ રહ્યું છે.
જાણીતા લેખક જ્યોર્જ ઓરવેલનું કહેવું છે; ‘‘જે ભૂતકાળ પર અંકુશ ધરાવે છે તે ભવિષ્ય પર પણ નિયંત્રણ કરે છે. જેની વર્તમાન પર હકૂમત છે તે જ ભૂતકાળની ઓળખ સ્થાપવા સક્ષમ છે.’’ ભારતના વર્તમાન શાસક પક્ષની ફરિયાદ રહી છે કે ભારતના ઈતિહાસને અગાઉ ઈસ્લામિક સાહિત્યના આધારે પક્ષપાતપૂર્વક લેખવામાં આવ્યો છે. વિજયનગર સામ્રાજ્ય ચોલા અને પલ્લવ વંશો અને મેવાડ અને મહારાષ્ટ્ર્, જોધપુર, જેસલમેર, આસામ વગેરે પ્રદેશોના ઈતિહાસને નજર અંદાજ કરવામાં આવ્યો છે. દિલ્હી દેશની રાજધાની છે અને ત્યાં જેનું શાસન હોય તે જ ભારતના ભાગ્યવિધાતા એવું સમીકરણ અર્થહીન છે. હકીકતોની ઉપેક્ષાથી ઈતિહાસ અધૂરો રહે છે.આ ઉપરાંત પ્રાચીન સમયના વિશ્વ વિદ્યાલયો જેના વર્ણન અનેક વિદેશીઓને પોતાના પુસ્તકોમાં કર્યાં છે તેને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. જૈન મુનિઓએ લખેલ ગ્રંથોનું સંશોધન કરી માહિતીને પ્રમાણિત કરવામાં પ્રમાદ સેવવામાં આવ્યો છે. ભારતીય જ્ઞાનગ્રંથો, સંસ્કૃત સાહિત્ય, પ્રાદેશિક પુસ્તકોની જગ્યાએ એકાદ શિલાલેખ કે સિક્કાની છાપને આધારે જે નિષ્કર્ષો તારવ્યા છે તે સંદેહના દાયરામાં હોય તે સ્વાભાવિક છે. મધ્યયુગમાં મુગલ સામ્રાજ્ય શક્તિશાળી હતું. અકબરે અને રજપૂતોમાંના અમુક પરિવારોએ રાજકીય સુલેહ અને બાદશાહ સાથે લગ્ન જોડાણો દ્વારા સત્તાની ભાગબટાઈ કરી હતી પણ તેમાં ધાર્મિક સહિષ્ણુતાના દર્શન કરવા જેવું ખાસ કંઈ નથી. ઔરંગઝેબને નેક ઈન્સાન - ટોપી સીવીને ગુજરાન કરતો દર્શાવવાની ચેષ્ટા તેની વેરવૃત્તિ, ધર્મઝનૂન કે ક્રુરતાને ઢાંકી શકે નહીં.
અર્વાચીન ઈતિહાસમાં આઝાદીની લડતમાં વ્યાપક જનભાગીદારી ધરાવતી કોંગ્રેસના પ્રદાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, વીર સાવરકર અનેક ક્રાંતિકારીઓની ભૂમિકાને સિમીત કરવામાં આવી છે તેવી માન્યતામાં આંશિક તથ્ય છે. સામે પક્ષે કોંગ્રેસ સામ્રાજ્યવાદની એજન્ટ છે, ગાંધીજી અને નહેરુએ દેશને નુકશાન કર્યું છે, ગાંધીજીની હત્યા યોગ્ય છે, આઝાદી ક્રાંતિકારીઓ થકી જ આવી છે તેવા દાવાઓ ઈતિહાસમાં અસત્યને સત્યના વાધા પહેરાવી રજૂ કરવાનો હિચકારો પ્રયત્ન છે.
ભારતના ઈતિહાસ બાબત આપણે તટસ્થાપૂર્વક વિચારણા કરીએ તો નીચે મુજબના તારણો હાલના સંદર્ભો અને આધાર-પૂરાવાની દૃષ્ટિએ વાજબી ગણી શકાય.
(૧) ભારતનો પ્રાચીન ઈતિહાસ ખૂબ ગૌરવવંતો છે. અન્ય દેશોમાં આ સભ્યતાની અસર હતી અને અમુક અંશે આજે પણ છે. દૂર પૂર્વના દેશોના હિંદુ મંદિરો, ગ્રંથો ઉપલબ્ધ છે તે ભારતીય સંસ્કૃતિના વ્યાપને નિઃશંક રીતે સ્થાપિત કરે છે. વૈદિક સંસ્કૃતિ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ વર્ષ કે તેથી વધારે સમયથી વિકસિત રહી છે તેની નોંધ લેવામાં ઈતિહાસકારોની ઉપેક્ષા આશ્ચર્યજનક છે.
(૨) ઈ.સ. ૬૦૦ વર્ષ પૂર્વ સ્થપાયેલ બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા થયો તે ભારતની પૂર્વ-પશ્ચિમે નોંધપાત્ર રીતે ફેલાયો. અગાઉ વૈદિક-સનાતન ધર્મની મૂર્તિઓ, મંદિરો પશ્ચિમના દેશોના દૂરદરાજના ભાગોમાં સચવાયેલા મળી આવે છે તેમ છતાં સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મ થકી વ્યાપક બનેલી ભારતની સભ્યતા અને સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ જે હકીકતલક્ષી રીતે કરવું જોઈએ તે થયું નથી. બાઈબલ આધારિત ખ્રિસ્તી ધર્મ અને કુરાન આધારિત ઈસ્લામ મૂર્તિપૂજાને સ્વીકારતો નથી. તેઓ દ્વારા ઉત્તમ સ્થાપત્યો, મંદિરો, મૂર્તિઓનો વિનાશ થયો છે તેની ટીકા કરવામાં અનેક ઈતિહાસકારો સંકોચ અનુભવે છે.
(૩) મધ્યયુગનો ઈતિહાસ અગણિત યુદ્ધોથી ભરપૂર છે. આ યુદ્ધોમાં રાજપૂતોએ હારનો સામનો કર્યો છે. ક્રુરતા, ત્રાસ, દગાબાજી અને ધર્માંધતા સામે મક્કમ લડત આપી છે. અનેકવાર આક્રમણકારોને પીછેહઠ કરવા ફરજ પાડી છે તે ઘટનાઓની ઈતિહાસમાંથી બાદબાકી કરવી તે ઈતિહાસ લેખનને વિકૃત અને પક્ષપાતી બનાવે છે.
(૪) ચેન્નાઈ સ્થિત ભારત જ્ઞાન નામની સંસ્થાએ ૧૦૦ જેટલાં સંશોધન પુસ્તકો પ્રકાશિત કરી ભારતના પ્રાચીન ગૌરવને ઈતિહાસકારોએ કઈ રીતે અવગણ્યું છે તેની હકીકતો આધાર પૂરાવા સાથે આલેખી છે. વર્તમાન શાસકપક્ષ ઈતિહાસ લેખનમાં રહેલી ક્ષતિ સુધારે તે જરૂરી અને આવકાર્ય છે.
(૫) ભારતના ઈતિહાસમાં સિંધમાં મહંમદ બીનકાસીમે શીયાપંથના ઈમામના પરિવારને આશ્રય આપનાર રાજા દોહિરને હરાવી સિંધમાં સત્તા સ્થાપી. ત્યારબાદ ગુલામ, ખીલજી, ઘોરી વંશો દ્વારા દિલ્હી સલ્તનતનું શાસન આવ્યું. ત્યારબાદ મુગલોએ ઈ.સ. ૧૫૨૫ થી ૧૮૫૭ ત્રણેક સદી માટે રાજસત્તા ભોગવી તે સમયગાળો ગુલામીનો ગણવો કે નહીં તે અંગે ઈતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. ભારતની સનાતનધર્મી, બૌદ્ધ, જૈન, શીખ સંપ્રદાયો માટે મુસ્લિમ શાસન અસહિષ્ણુતાનું ઉદાહરણ છે. તેથી બહુમતિ પ્રજા તેને ગુલામીનો સમય ગણે તે સ્વાભાવિક છે.
(૬) અર્વાચીન ઈતિહાસમાં ગ્રેટબ્રિટન પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જીત્યું તેમાં હિંદી સૈનિકોનો ફાળો નોંધપાત્ર હતો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ નવી દિલ્હી ઈન્ડિયા ગેટમાં તમામ શહીદ સૈનિકોના નામો કોતરીને બ્રિટને ભારતીયોનો ઋણ સ્વીકાર કર્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધનો ઈતિહાસ તો તત્કાલિન વડાપ્રધાન વિન્સટન ચર્ચિલે આલેખ્યો પણ તેમાં તેમણે ભારત અને નેપાળના સૈનિકોના પ્રદાનને કોઈ ખાસ મહત્ત્વ ન આપ્યું. સામ્રાજ્યવાદી માનસિકતા ગણો કે રંગભેદ, ઈતિહા જ્યારે હકીકતોને અવગણે છે ત્યારે તેના પુનર્લેખનનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
ઈતિહાસના પુનર્લેખનના મુદ્દે આપણે વિશ્વસનીયતા, સત્યનિષ્ઠા, તટસ્થતા, આધાર-પૂરાવા અને સંતુલનનો આગ્રહ રાખી શકીએ. ઈતિહાસ હકીકતલક્ષી જરૂર હોય પણ તેને વ્યક્તિગત કે જૂથના પૂર્વગ્રહોના ધોરણે ન લખવો જોઈએ. ઈતિહાસકાર ન તો ધર્મ કે રાજકીય વિચારધારાનો પ્રતિનિધી હોય શકે ન તો તે મનઘડંત બાબતો અંગે દુરાગ્રહ રાખી શકે. ખુલ્લુ મન રાખીને જે સમયની ઘટના હોય તે સમયના સંદર્ભો, મૂલ્યાંકનો અને તેમાં રહેલી અતિશયોક્તિ નિવારવી અનિવાર્ય છે.
Comments
Post a Comment