વિદુર નીતિ ભાગ-૩
પ્રવીણ ક. લહેરી
વિદુર નીતિ એ મહાભારત ગ્રંથે આપેલી એક અમૂલ્ય પ્રસાદી છે. તેમાં ડહાપણનો ભંડાર છે. આમ છતાં આપણે સૌએ એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ. કોઈપણ દ્વારા કહેવાયેલા વચનો અંગે આપણે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરીને તેમાંથી જે બાબત સત્ય જણાય, યુગને અનુરુપ હોય તેટલી જ વાત સ્વીકારવી જોઈએ. વિદુર નીતિમાં સ્ત્રીઓ અંગેના ઉલ્લેખો તેના સ્વતંત્ર વ્યક્તિત્વને માન્યતા આપતા નથી. સ્ત્રીઓ પ્રત્યે વિદુર જેવા જ્ઞાની પણ શંકાની નજરે જુએ છે. સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો, સ્ત્રીઓ કદી તૃપ્ત નથી થતી જેવી બાબતો પૂર્ગવ્રહયુક્ત છે. આજ રીતે જ્ઞાતિ અને વર્ણને જે રીતે મહત્ત્વ આપવામાં આવ્યું છે. વર્ણ પ્રમાણે ગુણ અને જવાબદારી નક્કી કરવામાં આવ્યા છે તે પણ સાંપ્રત સમયમાં આવ્યા છે તે પણ સાંપ્રત સમયમાં યોગ્ય નથી.
(૫૧) સ્નાન કરનાર મનુષ્યને રૂપ, સ્વરશુદ્ધિ, સ્પષ્ટ વર્ણોચ્ચાર, ત્વચાની કોમળતા, સુગંધ, પવિત્રતા, શોભા, લાવણ્ય અને ઉત્તમ સ્ત્રીઓ. આ દસ લાભો પ્રાપ્ત થાય છે.
(૫૨) આળસુ, બહુ ભોજન કરનાર, લોકોમાં અણગમતો, મહાકપટી, ક્રૂર, દેશકાળને ન જાણનાર અને ખરાબ વેશવાળા એટલા જણને ઘરમાં વાસ આપવો નહીં.
(૫૩) જે કર્મ સર્વપ્રાણીઓને હિતકારી હોય અને પોતાને સુખદાયી હોય, તે કર્મ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરવું કારણ કે સર્વ ફળની સિદ્ધિને માટે એ પ્રકારના કર્મ જ મૂળ સાધનરૂપ છે.
(૫૪) જે મનુષ્ય હર્ષ અને ક્રોધથી ઉપજેલા વેગને સારી પેઠે કબજે રાખે છે અને જે સંકટમાં મુંઝાતો નથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
(૫૫) પાંચ પ્રકારના બળ (શક્તિઓ) પ્રાપ્ત થઈ શકે છે. (૧) બાહુબળ (૨) અમાન્ય (પ્રધાન-સેવક)નો લાભ (૩) ધનબળ (૪) કુળબળ અને સર્વોત્તમ (૫) બુદ્ધિબળ છે.
(૫૬) પોતાના ઘરે કોઈ સત્પુરુષ આવે છે ત્યારે ધીર પુરુષ પ્રથમ તેમને બેસવા આસન આપવું, પછી પાણી લાવી પગ ધોવા, તે પછી તેનું કુશળ પૂછીને પોતાની સ્થિતિ નિવેદન કરવી અને પછી તેને આદરપૂર્વક ભોજન કરાવવું.
(૫૭) મીઠું, રાંધેલું ધન, દહીં, દૂધ, મધ, તેલ, ઘી, તલ, માંસ, ફળ, મૂળ, શાક, લાલ વસ્ત્ર, સર્વ સુગંધી પદાર્થો અને ગોળ એટલી વસ્તુઓ વેચવા યોગ્ય નથી.
(૫૮) પુરુષે કોઈની ઈર્ષ્યા કરવી નહીં, પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું. જે મળે તે પોષ્ય (આશ્રિતોને) વહેંચી આપવું, પ્રિય બોલવું, સ્ત્રીઓ સાથે કોમળ રહેવું, મધુર બોલવું પણ તેઓને વશ થઈ જવું નહીં. પવિત્ર અને ઘરને અજવાળનારી સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય.
(૫૯) કોઈ વસ્તુ આપવાથી મિત્ર થાય છે. કોઈ ભાષણથી મિત્ર થાય છે, કોઈ મંત્રબળથી મિત્ર થાય છે પણ જે સહજ મિત્ર થાય છે તે જ ખરો મિત્ર છે.
(૬૦) સ્ત્રી, ઠગ, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાની, ચોર, કૃતઘ્ની અને નાસ્તિક એટલાનો વિશ્વાસ કરવો નહીં.
(૬૧) બહુ નિદ્રા કરવાથી નિદ્રાને ન જીતાય, કામ ભોગવવાથી સ્ત્રીને ન જીતાય, ઇંઘણા નાખવાથી અગ્નિને ન જીતાય અને મદ્યપાન કરવાથી મદિરાને ન જીતાય.
(૬૨) આ પૃથ્વીમાં જે કાંઈ સુવર્ણ, ડાંગર, જવ, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધું એકને મળે તો પણ તૃપ્તિ થતી નથી.
(૬૩) ધર્મ નિત્ય છે, સુખદુઃખ અનિત્ય છે. નિત્ય વસ્તુમાં નિષ્ઠા રાખો અને સંતુષ્ટ રહો.
(૬૪) ફળ ફૂલ વિનાના ઝાડનો જેમ પક્ષીઓ ત્યાગ કરે છે તેમ જ્ઞાતિજનો, સ્નેહીઓ અને પુત્રો મરનારના દેહને છોડી પાછા વળે છે.
(૬૫) આત્મા એક નદી છે, તેમાં પૂણ્ય એ ઓવારો છે, બ્રહ્મ તેનું ઉત્પતિ સ્થાન છે, ધૈર્ય તેના કિનારા છે અન દયા તેના તરંગો છે.
(૬૬) અસત્ય બોલીને વિજય મેળવવો, રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા કરવા બરાબર છે.
(૬૭) જે ધન અત્યંત કષ્ટથી મળતું હોય, ધર્મનું ઉલ્લંઘન કરવાથી મળતું હોય અથવા શત્રુના પગે પડવાથી મળતું હોય તે ધનમાં તમે મન રાખશો નહીં.
(૬૮) આળસ, મદ, મોહ, વાતોડીયાપણું, ઉદ્ધતાઈ, અભિમાન અને લોભ આ સાત સર્વદા વિદ્યાર્થી માટે દોષરૂપ છે.
(૬૯) અગ્તિ લાકડાંથી તૃપ્ત થતો નથી, મહાસમુદ્ર નદીઓથી તૃપ્ત થતો નથી, મૃત્યુ સર્વ પ્રાણીઓથી તૃપ્ત થતું નથી અને સ્ત્રી પુરુષોથી તૃપ્ત થતી નથી.
(૭૦) આશા ધૈર્યનો નાશ કરે છે, કાળ સમૃદ્ધિનો નાશ કરે છે, કૃપણતા યશનો નાશ કરે છે, રેઢા મૂકેલા ઢોરનો નાશ થાય છે.
વિદુર નીતિમાં અનેક ઉપમાઓ અને રૂપકો દ્વારા ખૂબ કલાત્મક રીતે વાત રજૂ કરવામાં આવી છે. વિદુર નીતિનું નિમિત્ત ધૃતરાષ્ટ્ર્ની મુંઝવણ દૂર કરવાનું છે. ધૃતરાષ્ટ્ર્ અંતમાં વિદુરને કહે છે; ‘‘તારી વાત ખૂબ ન્યાયી અને સુંદર છે. હું તારીસાથે સહમત છું.’’ પરંતુ દુર્યોધન જ્યારે મારી પાસે આવે છે ત્યારે હું સાચી વાતને બદલે તેની વાત માનું છું. આ પુત્રમોહનું ઉદાહરણ છે. આપણે પણ આપણી માન્યતાઓમાં ક્યાંક આવી રીતે મોહાંધ બનીને તો નથી વર્તતા ? તમામ નીતિશાસ્ત્રના અર્કરૂપ વિદુર નીતિને સૌ વાંચે અને સમજે તો વ્યક્તિના અંતઃકરણની મલિન ભાવનાઓ દૂર થગાય અને સમાજમાં અરસપરસના સદ્ભાવ થકી ન્યાય અને કરુણા સાથે સર્વના સુખની મંગળભાવના અવશ્ય સાકાર થાય. વિદુર નીતિમાં જે મૂલ્યો પ્રબોધ્યા છે તેમાંના અમુક આજનાસમય સાથે સુસંગત ન પણ હોય. મહત્ત્વ એ વાતનું છે કે વિદુરજીના ૧૦૦૦ જેટલાં સુવાક્યોમાંથી અનેક આજે આપણા રોજિંદા જીવનમાં કહેવતરૂપે વણાઈ ગયા છે. વાંચીએ, સમજીએ પણ આચરણમાં ન મૂકીએ તો સમગ્ર પ્રયત્ન નિષ્ફળ જાય છે. ટૅકનોલોજીની સુવિધાઓ સાથે ખૂબ ઝડપથી જીવતી યુવાપેઢી માટે વિદુરજીના શાશ્વત વાતોમાંથી નવનીત તારવીને જીવનને આનંદમય, સફળ, સાર્થક અને લોકોપયોગી બનાવવાની અમૂલ્ય તક છે.
Comments
Post a Comment