પર્યાવરણ જતનના પચાસ વર્ષ
પ્રવીણ ક. લહેરી
દર વર્ષની જેમ આ વર્ષે ૫મી જૂનના દિવસે આપણે ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરી ત્યારે સ્વાભાવિક રીતે આપણે સૌએ પર્યાવરણના બગાડના કારણે જે ભવિષ્યની ગંભીર સ્થિતિ થવાની છે તેની અંગે ચિંતા થઈ. પર્યાવરણનો પ્રશ્ન કે સમસ્યા હવે તો એક વિકરાળ કટોકટીનું રૂપ ધારણ કરી ચૂકી છે. વિકાસની આપણી વ્યાખ્યા અને ઉપભોકતાવાદના કારણે આપણે પર્યાવરણના મુદ્દે ઘોર ઉપેક્ષા સેવી છે. આના જોખમી પરિણામોનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. શિયાળામાં અતિશય ઠંડી, ઉનાળામાં તીવ્ર ગરમી અને ચોમાસામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ઋતુચક્રમાં જે ફેરફારો થયા છે તેની ઘેરી અસર આપણી જીવનશૈલી પર ન નહીં પરંતુ આ પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિનાશ ાથય તેવી સંભાવનાઓ આપણી સમક્ષ છે. પર્યાવરણને બચાવવા માટે, આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આપણી પાસે હવે ખૂબ ઓછો સમય છે.
અઢારમી અને ઓગણીસમી સદીના ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં કોલસાની ભૂમિકા મહત્ત્વની રહી છે. ત્યારબાદ પેટ્ર્ોલ, ડિઝલ, કેરોસીન અને પેટ્રોરસાયણોનો વપરાશ પણ સતત વધતો રહ્યો. ઉદ્યોગોમાં, ઘર-વપરાશમાં, પ્રવાસમાં અને અનેક નાની-મોટી પ્રવૃત્તિઓમાં ઉર્જાનો વપરાશ અનિવાર્ય બન્યો છે. આપણી ઉર્જાની જરૂરિયાતના ૭૦ ટકા જેટલી વીજનું ઉત્પાદન કાર્બનયુક્ત ફોસિલ ફ્યુઅલ થકી થાય છે. આ પ્રક્રીયા દરમિયાન કાર્બન ડાયોકસાઈડ, કાર્બન મોનોકસાઈડ, લેડ સહિત અનેક હાનિકારક તત્ત્વોનું ઉત્સર્ગ થઈ હવાને પ્રદૂષિત કરે છે. અણુ ઉર્જાની મુખ્ય સમસ્યાઓ સલામતિ અને રેડિએશનવાળા વધેલા પદાર્થોના નિકાલની છે. ચેર્નોબીલ અને ફુકુસેમાના અકસ્માત બાદ અણુઉર્જાના વીજમથકો ન સ્થાપવા માટે અનેક દેશોએ નિર્ણય કર્યો છે. પર્યાવરણના બગાડમાં સૌથી મહત્ત્વનો ફાળો ઉર્જા ઉત્પાદનનો અને વાહન વ્યવહારના સાધનોનો છે. કમનસીબી એ છે કે વાહનો અને વીજ વપરાશ વિનાની જિંદગીની આપણે કલ્પના નથી કરી શકતા. હવે પવન અને સૌર ઉર્જાના વપરાશ માટે આપણે સક્રીય બન્યા છીએ.
વર્ષ ૧૯૭૨માં સ્વિડનના સ્ટોક હોમ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્ર્ીય પરિષદમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો. તેની ફળશ્રૂતિમાં આપણને યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (ેંદ્ગઈઁ)ની સ્થાપના અને ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી મળ્યા છે. આ મહત્ત્વની ઘટનાના હમણાં જ ૫૦ વર્ષ પૂરા થયા. સૌના મનમાં જિજ્ઞાસા છે કે આપણે આ સંયુક્ત પ્રયત્નો દ્વારા શું સિદ્ધિઓ મેળવી, હજી આપણી સમક્ષ કયા પડકારો છે અને પૃથ્વી પર જીવસૃષ્ટિ બચાવવા માટે આપણી પાસે કેટલો સમય છે તેનો વિચાર કરવો જરૂરી છે.
(૧) જનજાગૃતિ :
છેલ્લા પચાસ વર્ષમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન બાબત ખૂબ સારી જાગૃતિ આવી છે. અભ્યાસક્રમમાં પર્યાવરણના વિષયને સમાવ્યા બાદ યુવાપેઢીમાં અનેક લોકો આ ક્ષેત્રે સક્રીય થયા છે. વિશ્વ વિદ્યાલયો, વૈજ્ઞાનિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકો પર્યાવરણની જાળવણી માટે પ્રતિબદ્ધ બન્યા છે.
(૨) સંતુલિત અને ટકાઉ વિકાસ માટેના માપદંડો :
વિકાસની પ્રક્રીયા માત્ર મૂડી-નિર્માણ અને ઉપભોગ પૂરતી મર્યાદિત ન રહેતાં માનવ ઉત્થાન અને કલ્યાણ માટે કાળજી કરે તેવી વ્યવસ્થા ક્રમશઃ ગોઠવાય રહી છે. ‘‘પર્યાવરણના ભોગે વિકાસ નહીં’’ એ સૂત્ર હવે તો તમામ નવા પ્રોજેક્ટોને શરુ કરતાં પહેલાં લાગુ પાડવામાં આવે છે. પર્યાવરણની જાળવણીને અનુરૂપ મકાનોના બાંધકામ સહિત તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું નિયમન કરી પ્રદૂષણ નિવારવા માટે અનેક કડક કાયદાઓ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે તે આવકારદાયક છે. વિકાસના કારણે જો પર્યાવરણના પ્રશ્નો પેદા થશે તો ભવિષ્યે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો આવશે. આ સંદર્ભે આપણા કવિશ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓનું સ્મરણ થવું સહજ છે. ‘‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો-વનોની છે વનસ્પતિ.’’ આપણી જીવનશૈલીમાં આપણે અનેક એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. પર્યાવરણની જાળવણીની જવાબદારી દરેક વ્યક્તિની છે. જેમ નાવમાં પડેલું એક નાનું કાણું નાવને ડૂબાડી શકે છે તેમ આપણી થોડી ગફલત આ પૃથ્વીના ગ્રહ પરની જીવસૃષ્ટિને ખૂબ મોટી હાનિ કરી શકે છે.
(૩) વૃક્ષો અને વનનું મહત્ત્વ :
સમગ્ર પૃથ્વી પરના જીવો એક પદ્ધતિથી એકમેક સાથે જોડાયેલા છે. આ રચનાને અંગ્રેજીમાં ઈકો સીસ્ટમ (ઈર્ષ્ઠ જીઅજીંદ્બ) કહીએ છીએ. તેનો ગુજરાતી શબ્દ ઉપલબ્ધ નથી. પરંતુ ‘સમગ્ર જીવસૃષ્ટિના આંતરિક સંબંધોની રચના’ જેવા શબ્દપ્રયોગથી આપણે તે બાબત સમજી શકીએ. કુદરતે વૃક્ષો થકી હવામાંથી કાર્બન ડાયોકસાઈડનું શોષણ કરી ઓક્સિજન પેદા કરવાની અદ્ભૂત વ્યવસ્થા કરી છે. વૃક્ષો અને વનોનો આડેધડ વિનાશ કરીને માનવજાતે મહાપાપ કર્યું છે. તેના પ્રાયશ્ચિત માટે આજે વિશ્વમાં અનેક દેશોમાં વન સંરક્ષણ માટે કામ થઈ રહ્યું છે. શહેરીકરણ, પેટ્ર્ોલ, ડિઝલથી ચાલતા વાહનોના કારણે હવાનું જે પ્રદૂષણ થયું છે તે નાથવા માટે વનનો વિસ્તાર વધારવો જરૂરી છે. હવે શહેરી વિસ્તારમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલનું નિર્માણ કરી ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
(૪) જળ :
આમ તો આપણે કહીએ છીએ કે ‘જળ એ જ જીવન છે.’ આ પૃથ્વી પર જે જળ છે તેમાંથી દરિયાનું પાણી ખારૂં છે. તેનું પ્રમાણ ૯૩ ટકા જેટલું છે. બાકીના ૭ ટકામાંથી અડધા ઉપરાંતનું જળ ધ્રુવપ્રદેશો, પર્વતો પરના બરફમાં છે. આપણે બાકી રહેલા પીવાલાયક પાણીનો બેફામ ઉપયોગ કરી મીઠા પાણીના તમામ જળસ્તોત્રો - કૂવા, વાવ, નદી, સરોવર, ભુગર્ભ અને જમીન પરના જળને આપણે હદ બહાર પ્રદૂષિત કરી ચૂક્યા છીએ. શુદ્ધ પાણી પીવા માટે આપણે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં આ બોટલોનો કચરો સમગ્ર પર્યાવરણને હાનિ કરી રહ્યો છે.
(૫) હવા :
હવાનું પ્રદૂષણ એટલું ઘાતક બન્યું છે કે દર વર્ષે લાખો લોકો પ્રદૂષિત હોવાથી થતાં રોગોના કારણે મૃત્યુ પામે છે. વિશ્વમાં કોરોનાના બીજા મોજા દરમિયાન ઓક્સિજનની જે કમી પડી અને લાખો લોકો મૃત્યુ પામ્યા ત્યારે આપણને શુદ્ધ હવાનું મહત્ત્વ સમજાયું છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું કે ઓઝોનના સ્તરમાં ગાબડાં પડવાના કારણે અતિ વિષમ પરિસ્થિતિ પેદા થઈ છે. પ્રદૂષિત હવાના કારણે શહેરની પ્રજા ગુંગળાય રહી છે. શહેરની વાહન વ્યવસ્થા, ઉર્જાનો વપરાશ, કારખાનાંઅખો, વીજ-મથકો, રણ તરફથી આવતી આંધીઓના કારણે હવા પ્રદૂષિત થાય છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ૧૦ શહેરોમાં ભારતના ૬ શહેરો છે તે હકીકત દર્શાવે છે કે આપણે આ મુદ્દે સભાન નથી.
(૬) જમીન :
વિશ્વની ૮ અબજ જેટલી વસ્તી માટે અન્ન ઉત્પાદન જરૂરી છે. પશુપાલન અને અન્ય અનુસાંગિક આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ જમીનનો વપરાશ થાય છે. રસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ માટેની વસ્તુઓએ આપણી જમીનની ગુણવત્તા ઘટાડી છે. ભારતમાં એક સદ્ગુરુ દ્વારા જમીન બચાવવા માટે વ્યાપક અભિયાન હાથ ધરાયું છે. ૨૦૪૦માં ખેતીની મોટાભાગની જમીન બંજર બનવાની શક્યતા છે. કિસાનોને પ્રાકૃતિક અને સજીવ ખેતી તરફ વાળવા માટે સરકારે પણ ઘનિષ્ઠ ઝુંબેશ હાથ ધરી છે. રસ્તાઓ, રેલ્વે, રહેણાંકો અને ઉદ્યોગો દ્વારા વપરાતી જમીનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જમીન અને તેની ફળદ્રુપતા જાળવવા માટે તાકીદે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.
(૭) રસાયણ, પેટ્ર્ો રસાયણ અને પ્લાસ્ટિકના વપરાશમાં વિવેકબુદ્ધિ :
છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં એક બાજુ આપણે પર્યાવરણના જતનની વાત કરીએ છીએ પણ બીજી બાજુ આપણે રસાયણો, પેટ્રો રસાયણો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને જળ, જમીન, હવાને ખૂબ બૂરી રીતે પ્રદુષિત કરેલ છે. વિશાળ સમુદ્રોમાં ૧૦૦ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ઠાલવીને આપણે જળની જીવનસૃષ્ટિ લુપ્ત થાય તેવી મોટી ભૂલ કરીછે.
૧૯૭૨ પછીની સ્ટોકહોમની પરિષદ બાદ પર્યાવરણની જાળવણી માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે પણ સાથે સાથે આપણી જીવનશૈલી દ્વારા આપણે આ નીલા રંગની પૃથ્વીને વિનાશ ભણી ધકેલી રહ્યા છીએ. સભાનતા, દૃઢ સંકલ્પ, અવિરત પ્રયત્ન, વિવેકબુદ્ધિ અને સંયમિત જીવનશૈલી થકી જ આપણે પર્યાવરણ અને પૃથ્વીને બચાવી શકીશું.
કમનસીબી એ હકીકતની છે કે જેઓ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે તે સૌથી વધારે કમાણી કરે છે. જળ, જમીન અને હવાના પ્રદૂષણને રોકીને આપણે પૃથ્વીનું પર્યાવરણ સુધારીએ તો આપણો ગ્રહ ખરેખર પ્રભુની અદ્ભૂત ભેટ છે. તેનું જતન આપણે નહીં કરીએ તો કોણ કરશે ?
Comments
Post a Comment