૫ર્યુષણની પ્રભાવના

                                                                           પ્રવીણ ક. લહેરી

આત્મચિંતન, એકાંત, સ્થિરતા, તપ, કરૂણા, અહિંસા અને ક્ષમાના મહત્ત્વને ઉજાગર કરતું પર્વ એટલે જૈન સમાજનું સૌથી મોટું અને મહત્ત્વનું મહાપર્વ પર્યુષણ પર્વ. આ વર્ષે ૨૪ ઑગસ્ટથી ૩૧ ઑગસ્ટ પર્યુષણ પર્વની (ચર્તુથી પક્ષ) ઉજવણી રંગેચંગે થશે. બે વર્ષના કોરોનાના અંકુશો દૂર થતાં સૌ શ્રદ્ધાળુઓ માટે આ પર્વ મનાવવામાં ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં અને મુનિશ્રીઓના પ્રવચનોનો લાભ લેવામાં સાનુકૂળતા થશે. પર્યુષણ પર્વ નિમિત્તે મુંબઈ અને અમદાવાદમાં વિવિધ પ્રવચનશ્રેણીઓ નિયમિત યોજવામાં આવે છે. અમદાવાદનું એ સદ્‌નસીબ છે કે આ વર્ષે ધર્મજાગૃતિ કેન્દ્ર આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળા ૯૪મા વર્ષમાં પ્રવેશ કરશે. વર્ષ ૨૦૨૮માં શતાબ્દી ભણી આગળ વધી રહેલી આ વ્યાખ્યાન માળાના અનેક પાસાઓ અજાણ્યા રહ્યા છે. આ વ્યાખ્યાન માળાનો પ્રારંભ, તેનો વિકાસ, તેમાં આવેલા અંતરાયો અને તેની અવિરત યાત્રાના મહત્ત્વના પડાવો અને પ્રસંગોને સમાવીને જાણીતા ચિંતક, સંગઠ્ઠક અને લેખક શ્રી પ્રમોદભાઈ શાહે ‘‘એક વૈચારિક ક્રાંતિગાથા’’ નામના પુસ્તકમાં ખૂબ સુંદર માહિતી આપી છે. આટલા દીર્ઘ સમયથી અવિરત ચાલતી આ વ્યાખ્યાનમાળાનો ઈતિહમાસ ભાતીગળ અને રસપ્રદ છે.

ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ઈ.સ. ૧૯૨૮માં માત્ર ૨૪ વર્ષની ઉંમરે પ. પૂ. સાધુ ભગવંતો અને રૂઢિચુસ્ત સમાજના વિરોધની સહેજ પણ પરવા કર્યા વિના પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કરીને એક વૈચારિક ક્રાંતિના બીજ હિંમતપૂર્વક રોપ્યાં. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમનો બહોળો અને ઊંડો અભ્યાસ, તીવ્ર મેઘાવી શક્તિ, અદ્‌ભૂત યાદશક્તિ અને અનાસક્તિના કારણે તેમણે જે પ્રદાન કર્યું છે તે અમૂલ્ય છે. આવા જ બીજા પંડીત બેચરદાસજી દોશીએ પણ આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની શરુઆતમાં અહ્‌મ ભૂમિકા ભજવી. જૈન આગમોના પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરવા માટેનો તેમને સંકલ્પ સાધુઓ-ગૃહસ્થોને પસંદ ન હતો. અનેક વિરોધના વંટોળ વચ્ચે તેમણે ધર્મશાસ્ત્રોને લોકભોગ્ય બનાવવા માટે જે સંકલ્પ કર્યો તેની ગાથા અનોખી છે. આ બંને વિદ્વાનોની દૃઢ માન્યતા હતી કે સાંપ્રત સમસ્યાઓને કેન્દ્ર સ્થાને રાખીને વિચારોના વલોણા દ્વારા જ સત્યનું નવનીત પ્રાપ્ત થશે. અંધશ્રદ્ધા, દંભ અને અજ્ઞાન નિવારવા માટે સર્વ દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત કરવાની ભાવના આ વ્યાખ્યાનમાળાનો પાયો છે.

કમનસીબે ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી આ વ્યાખ્યાનમાળા બંધ પડી ત્યારે પર્યુષણની ઉજવણી સૌને સાથે રાખીને વ્યવસ્થા કરી શકે તે હેતુથી તેના સંચાલન માટે ઈ.સ. ૧૯૭૫માં ગુજરાત યુવક કેન્દ્રની રચના કરવામાં આવી. જે પ્રવૃત્તિ બંધ પડી હોય, જે પ્રવૃત્તિ સુધારાત્મક હોય, જે પ્રવૃત્તિ મંથન દ્વારા સત્યના પ્રકાશ તરફ દોરી જતી હોય તેને પુનઃજીવિત કરવાનો પડકાર કઠિન છે. શ્રી પ્રમોદભાઈ શાહ અને તેમના સાથી મિત્રોએ આ મુશ્કેલ કાર્યનો પુનઃ પ્રારંભ કરવાનું બીડું ઝડપ્યું. છેલ્લાં ૪૭ વર્ષથી શ્રી પ્રમોદભાઈના નેતૃત્વમાં આ વ્યાખ્યાનમાળા સુંદર રીતે ચાલી રહી છે તે ઘટના ગુજરાત માટે ગૌરવ સમાન છે. પ્રકાશ શાળાના હૉલ, ટાઉન હૉલ, અમદાવાદ મેડિકલ એસોસીએશનનો હૉલ એમ સ્થળો બદલાતાં રહ્યાં પણ આ વિચારક્રાંતિની ઝૂંબેશ ખૂબ લોકપ્રિય બનતી રહી. મુંબઈ જેવા મહાનગરને પણ આવી વ્યાખ્યાનમાળા યોજવા પ્રેરણા મળી તે આ લોકોપયોગી કાર્યનો પ્રભાવ દર્શાવે છે.

આ વ્યાખ્યા માળાના મહત્ત્વને સમજાવતાં તેના પ્રેરણામૂર્તિ શ્રી પ્રમોદ શાહ લખે છે; ‘‘પર્યુષણ વ્યાખ્યાનમાળા તે સમાજની આંખ અને પાંખ છે. આંખ દ્વારા નવી દૃષ્ટિ મળે છે અને પાંખ દ્વારા નવી દિશા મળે છે. આ વ્યાખ્યાનમાળા ધર્મની સાચી સમજ મેળવવા માટેની પ્રયોગશાળા છે તેમજ સમજ પ્રાપ્ત કરવા માટેની પ્રસ્તાવના છે.’’ આ વ્યાખ્યાનમાળાનું મહત્ત્વ એ છે કે સમાજના અનેક અગ્રણી અનુભવી ચિંતકોના વિચારોને શબ્દસ્થ કર્યાં છે. છેલ્લાં ૯૩ વર્ષમાં ૨૮૦ જેટલાં સમર્થ વક્તાઓ દ્વારા ‘‘કર્મનું તત્ત્વજ્ઞાન’’, ‘‘જે નમે તે સૌને ગમે’’, ‘‘ધર્મ અને સંસ્કાર’’, ‘‘વિશ્વની અહિંસા યાત્રા : ટૉલ્સટોયથી ગાંધીજી’’, ‘‘શબ્દો બન્યા શિલાલેખ’’, સુખનું સરનામું ‘‘પ્રતિક્રમણ’’, ‘‘મોહ નચાવે નાચ’’, ‘‘રાજધર્મ અને વૈશ્વિકરણમાં જૈન ધર્મની ભૂમિકા’’ જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો પર પ્રવચનો અપાયા છે. ગુજરાતના સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક, ચિંતન અને તત્ત્વજ્ઞાન ક્ષેત્રે અહિં જે ખેડાણ થયું છે તેનુું મૂલ્ય શાશ્વત છે અને રહેશે. વક્તાઓની યાદીમાંથી થોડાનો નામોલ્લેખ આ વ્યાખ્યાનમાળાના સ્તરનો સાચો અંદાજ આપશે. પંડિત સુખલાલજી, પંડિત મશરૂવાળા, બબલભાઈ મહેતા, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, પૂ. શંકરાચાર્ય સ્વરૂપાનંદજી, કેદારનાથજી, ગુરુદયાળ મલ્લિક, ગણેશ માવલંકર, કે. કા. શાસ્ત્રી, આચાર્ય રજનીશજી, કવિશ્રી સુંદરમ્‌, ડૉ. ગૌતમ પટેલ,               ડૉ. કુમારપાળ દેસાઈ, ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) સ્વામી તદ્રુપાનંદજી, શ્રી મોરારીબાપૂ, શ્રી રમેશભાઈ ઓઝા, ડૉ. ઉપેન્દ્ર સાંડેસરા અને ફાધર વાલેસ વગેરેએ જે વ્યાખ્યાન માળામાં પ્રવચનો આપ્યા હોય તેનાથી શ્રોતાઓને અકલ્પ્ય લાભ થયો છે. આ વ્યાખ્યાનમાળા અંગ્રેજીના સેમિનાર શબ્દને સાર્થક કરે છે. જ્ઞાનને સીમાડા નથી હોતા. નદીના પ્રવાહ માફક જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે છે. જ્ઞાનના સાગરનો પૂરેપૂરો તાગ મેળવવો મુશ્કેલ છે પણ આપણે તેની લહેરોનો અને ઉછળતાં મોજાઓનો નાદ અનુભવી શકીએ છીએ. આ વ્યાખ્યાનમાળા એટલે મનનો જમણવાર, વિચારોને માટે મુક્ત આભમાં વિહાર કરવા માટેનો સાનુકૂળ પવન અને ચિંતન થકી ચિંતાને દૂર કરવાનો અનોખો પ્રયોગ છે.

આજના ઝડપી યુગમાં જ્ઞાનની ઉપાસના માટે જરૂરી એવી એકાગ્રતા, ધીરજ અને જિજ્ઞાસાનો અભાવ છે ત્યારે દર વર્ષે યોજાતું આ પર્વ આપણા રોજિંદા જીવનમાં રહેલાં અભાજની પૂર્તિ કરવાનો અવસર છે. પ્રવચનોના આયોજનમાં પડતી મુશ્કેલી અને આગવા અનુભવોની યાદો પણ પ્રબોધભાઈએ ગ્રંથમાં વાગોળી છે. જાણીતા કથાકાર શ્રી મોરારીબાપુ તેમજ શ્રી રમેશભાઈ ઓઝાના વાહનને થયેલ અકસ્માત બાદ પણ બંનેએ પ્રવચન માટે અગવડો વચ્ચે અમદાવાદ આવવા પ્રવાસ કર્યો તે હકીકત હોય કે શરુઆતના વિરોધની વાત હોય; દરેક સમસ્યાનો ઉકેલ આવે જ છે. આ વ્યાખ્યાનમાળાના આધારસ્તંભોમાં શ્રી ઉત્તમભાઈ (યુ.એન.) મહેતા, શ્રી શુભકરણ સુરાણા, શ્રી મનહરલાલ શાહ, શ્રી વંજરાજ ભણશાળી, શ્રી રતિલાલ દેસાઈ, પંડિત દલસુખ માલવણીયા મુખ્ય છે. તેઓની ઉદારતાએ આ વ્યાખ્યાનમાળાને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. હાલના આયોજકોમાં શ્રી પ્રબોધભાઈએ શાહ, શ્રી અજયભાઈ દોશી અને તેમના સહકાર્યકરોનો ખૂબ મોટો ફાળો છે.

પર્યુષણમાં પ્રતિક્રમણ દ્વારા આપણા અંતરમાં પેસી ગયેલા દોષોને આત્મનિરીક્ષણ દ્વારા શોધી તેનું નિયમન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા વિચારોના વિકારોને દૂર કરવા માટેની આરાધનાના પર્વમાં આપણે અંધકારમાંથી પ્રકાશ ભણી, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને મૃત્યુમાંથી અમૃત્વની પ્રાપ્તિ માટે જાગૃત થઈને જહેમત કરવાની છે. લખ ચોરાસી ભવોની ઘટમાળમાં માનવ જન્મ એક એવો અવસર છે કે આપણે મોક્ષમાર્ગે ચાલી શકીએ તેમ છીએ. જીવનના અનેક ઝંઝાવાતો વચ્ચે આત્મવિશ્વાસ, હિંમત અને શ્રદ્ધા ટકાવી રાખવામાં ધર્મ એક ઉપયોગી સાધન છે. સદ્‌ભાવ, આત્મિયતા, સંવેદના, સેવા અને સમર્પણના પંચામૃત થકી પર્યુષણના પર્વને પાવન કરવા માટે અનેક ક્રિયા, અનુષ્ઠાન, વ્રત અને નિયમો છે. આ સઘળું ધર્મભાવનાથી જરૂર કરીએ પણ મનને જાગૃત કરી સત્યની ખોજમાં આગળ ડગલાં માંડવામાં આવી વ્યાખ્યાન માળા ખૂબ ઉપકારક છે. જ્ઞાનના દીપકનો પ્રકાશ પામવા માટે આ એક અનેરો અવસર છે.

Comments

Popular posts from this blog