વિદુર નીતિ ભાગ-ર

                                                                                        પ્રવીણ ક. લહેરી

વિદુર નીતિના સુભાષિતોમાંથી આપણને ઉપયોગી અને લાભપ્રદ સુવાક્યો પસંદ કરી રજૂ કર્યાં છે. આ દરેક સલાહપત્ર આપણે વિસ્તારથી લખી શકીએ, સમજાવી શકીએ. જો કે વિદુરની સચોટ વાતી એટલી અસરકારક છે કે આપણને તે સ્પર્શી જાય છે. પ્રશ્ન એ છે કે આ સલાહની ધૃતરાષ્ટ્ર્‌ે કેમ અવગણના કરી ? સાચી સલાહ સાંભળવી પણ નથી ગમતી કારણ કે આપણું મન અનેક ગ્રંથીઓ અને પૂર્વગ્રહોથી ઘેરાયેલું છે. 

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રાર્થના છે; ‘‘અંતર મમ વિકસીત કરો’’ આપણે પણ ધૃતરાષ્ટ્ર્‌ની જેમ પુત્રમોહ કે અહ્‌મના અંધકારની પીડાતા નથી ને ? જો આપણે આપણી બુદ્ધિને રાગદ્વેષથી મુક્ત કરીને સાચી સલાહ પાળીએ તો સર્વત્ર સુખ શાંતિ રહે. વિદુરજી વારંવાર ધૃતરાષ્ટ્ર્‌ને તેનો રાજધર્મ નિભાવી પાંડવોને પાંચ ગામોનું રાજ્ય આપવા સમજાવે છે. વિદુરની આ સલાહ દુર્યોધનને કહેવામાં આવે છે ત્યારે તે અને તેના સાગરિતો શકુનિ, કર્ણ વગેરે ઉશ્કેરાયને વિદુરનું અપમાન કરે છે. તેની સલાહને વખોડે છે અને વિદુર અમારા હિતેચ્છુ નથી તેવો આક્ષેપ કરે છે. વિદુર તેનું કર્તવ્ય બજાવે છે અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે.  

(૧૬) જે પુરુષ જુદા જુદા દેશના આચાર, જુદી જુદી ભાષાના ભેદ, જાતિના ધર્મો, ઉત્તમ અને અધમના વિવેકને જાણે છે, તે દરેક જગ્યાએ મહત્ત્વ પામે છે.

(૧૭) જે કર્મો કપટ ભરેલાં હોય, અયોગ્ય ઉપાયથી કરવાના હોય તેમાં મન ન રાખવું. આવેશથી સાહસકર્મ ન કરવું, પૂરતી વિચારણા બાદ જ કાર્યનો આરંભ કરવો.

(૧૮) જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લે છે તેમ બુદ્ધિમાન રાજાએ મનુષ્યને પીડા આપ્યા વિના દ્રવ્ય વસુલ કરવું.

(૧૯) સત્યથી ધર્મનું રક્ષણ થાય છે, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે, સારાં વર્તનથી કુળનું રક્ષણ થાય છે, માપવાથી ધાન્યનું રક્ષણ થાય છે, પલોટવાથી ઘોડાનું રક્ષણ થાય છે, દેખભાળથી ગાયનું રક્ષણ થાય છે અને જાડાં અને ઠાવકાં વસ્ત્રો પહેરવાથી સ્ત્રીનું રક્ષણ થાય છે.

(૨૦) સામાન્ય રીતે શ્રીમંતોમાં ખાવાની શક્તિ હોતી નથી અને દરિદ્રોને તો લાકડાં પણ પચી જાય છે. અધર્મોને પેટ ભરવાનો ભય રહે છે. મધ્યમોને મરણનો ભય હોય છે અને ઉત્તમ મનુષ્યોને અપમાનનો ભય હોય છે.

(૨૧) મનુષ્યે મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને નિયમમાં રાખીને બુદ્ધિથી આત્માને ઓળખવો, કારણ કે બુદ્ધિ જ આત્માનો બંધુ છે અને બુદ્ધિ જ આત્માનો રિપુ (શત્રુ) છે.

(૨૨) વાણી સારી રીતે બોલાઈ હોય તો તે કલ્યાણકારી છે, પરંતુ જો તે ભૂંડી રીતે બોલાઈ હોય તો અનેક અનર્થો પેદા કરે છે. કુહાડથી કપાયેલું વન ફરી ઊગે છે પણ વાણીરૂપ કુહાડીથી ઈજા પામેલ મનુષ્યને તેની કળ વળતી નથી.

(૨૩) પુરુષ જેમ જેમ શુભકર્મો કરવામાં મન જોડે છે તેમ તેમ તેના સર્વ અર્થો સિદ્ધ થાય છે.

(૨૪) તરણાના અગ્નિથી અંધારામાં રહેલી વસ્તુ દેખાય છે. વર્તન પરથી મનુષ્યની ધાર્મિકતા પરખાય છે અને વ્યવહારથી તેની સાધુતા વર્તાય છે, શૂરાની પરીક્ષા ભયના પ્રસંગે થાય છે. ધીરજની પરીક્ષા આર્થિક આપત્તિમાં થાય છે. મિત્રોની પરીક્ષા સંકટમાં થાય છે અને શત્રુતાની પરીક્ષા સંઘર્ષમાં થાય છે.

(૨૫) વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, આશા ધૈર્યને હરે છે, મૃત્યુ પ્રાણને હરે છે. ઈર્ષ્યા ધર્માચરણને હરે છે, ક્રોધ લક્ષ્મીને હરે છે, કામ લજ્જાને હરે છે અને અભિમાન સર્વને હરી લે છે.

(૨૬) યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, દયા અને ઉદારતા આ આઠ ગુણો ધર્મને પોષે છે. સત્ય, સૌમ્યરૂપ, શાસ્ત્રાભ્યાસ, દેવોપાસના, કુલીનતા, શીલ, બળ, ધન, શૌર્ય અને યુક્તિયુક્ત વચન આ દસ બાબતો સ્વર્ગ તરફ દોરી જાય છે.

(૨૭) તે સભા નથી, જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો નથી કે જે ધર્મ કહેતાં નથી, તે ધર્મ નથી જેમાં સત્ય નથી અને તે સત્ય નથી જે છળથી મુક્ત નથી.

(૨૮) તે ઋષિઓનું, નદીનું ફળ, મહાત્મા અને સ્ત્રીઓના દુષ્ચરિત્રનું મૂળ જાણી શકાતું નથી. 

(૨૯) બુદ્ધિથી સાધ્ય થતાં શ્રેષ્ઠ છે. બાહુબળથી સાધ્ય થતાં કામો અધમ છે અને સંકટથી થતાં કામો અધમાધમ છે.

(૩૦) તપ, ઈન્દ્રિય ઉપર વિજય, વેદનું અધ્યયન, અધ્યાપન, પવિત્ર વિવાહ, યજ્ઞકર્મો, હંમેશાં અન્નદાન તથા સદાચાર આ સાત ગુણો જે કુળમાં હોય તેને મહાકુળ જાણવા. સદાચાર પાળી, માતા-પિતાને દુઃખી ન કરી, અસત્ય ત્યજીને અને કુળની કીર્તિ  વધારવા ઈચ્છે છે તે વ્યક્તિ મહાકુલિન છે.

(૩૧) ઈર્ષાળુ, બીજાને દુઃખ આપનાર, અપ્રિય વાણી બોલનાર, વેરકર્તા અને શઠ મનુષ્ઠ પાપાચરણ થકી મહાદુઃખ પામે છે. ઈર્ષારહિત, સમજદાર અને સત્કર્મો કરનારા મહાન કષ્ટ પામતા નથી. સર્વત્ર દિપી ઉઠે છે. 

(૩૨) લોકો ડાહ્યા મનુષ્યની, સારી રીતે પચેલા અન્નની, યુવાની (નિષ્કલંક) ઓળંગી ગયેલી પત્નિની, સંગ્રામમાં વિજયને વરીને શૂરવીરની અને તત્ત્વજ્ઞાની તપસ્વીની પ્રશંસા થાય છે.

(૩૩) શૂરવીરો, વિદ્ધવાન અને સેવા કરી જાણનારા આ ત્રણ જણા સુવર્ણના પુષ્પોવાળી પૃથ્વીના સુવર્ણપુષ્પો વિણી લે છે. 

(૩૪) કોઈને ગાળ ભાંડવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં, મિત્રોનો દ્રોહ કરવો નહીં, નીચની સેવા કરવી નહીં, અભિમાની થવું નહીં, હીન આચરણ કરવું નહીં અને કઠોર વાણી બોલવી નહીં.

(૩૫) મનુષ્યને નિંદિત બળ વડે, નિત્ય ઉદ્યોગ વડે, બુદ્ધિની યુક્તિ વડે અને પુરુષાર્થ દ્વારા ધન મળે છે ખરું પણ તેથી તે સારી પ્રશંસા પામતો નથી. 

(૩૬) જે મિત્રના કોપની બીક લાગતી હોય, જેની સાથે શંકાપૂર્વક વર્તવું પડે તે મિત્ર કહેવાતો નથી પણ જે મિત્ર સાથે પિતાની જેમ વિશ્વાસથી વર્તી શકાય તો જ મિત્ર છે.

(૩૭) હંસો જેમ સુકાયેલાં સરોવરને છોડી જાય છે તેમ લક્ષ્મી ચંચળ ચિત્તવાળા, મૂર્ખ તથા ઈન્દ્રિયોના દાસ થયેલા પુરુષને છોડી જાય છે.

(૩૮) દુર્જનોનો સ્વભાવ વાદળાં જેવો ચંચળ છે, તેઓ વિના કારણે કોપી ઉઠે છે અને વિના કારણે રીઝી ઉઠે છે. જેઓ મિત્રોનું હિત કરતાં નથી તે કૃતધ્ની છે.

(૩૯) શોકથી ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી. શરીરે બળતરા ઉઠે છે અને શત્રુઓ અતિશય ખુશ થાય છે. તમે શોકમાં મન લગાડશો નહીં.

(૪૦) સુખઃદુઃખ, ચડતી-પડતી લાભ-હાનિ, જન્મ-મરણ, આ જોડકાંઓ અનુક્રમે સૌને પ્રાપ્ત થાય છે. ધીર મનુષ્યે તે સબંધી ન તો હર્ષ માનવો કે ન શોક કરવો.

(૪૧) જ્ઞાન વિના, ઈન્દ્રિયોના નિગ્રહ વિના અને લોભના ત્યાગ વિના શાંતિ મળતી નથી.

(૪૨) નાના નાના ઘણાં અને સરખા તાંતણા એકઠા કરવાથી મજબૂત દોરડું બને છે. બળતાં લાકડાં છૂટા પાડવાથી ધૂમાડો થાય છે અને એકઠાં થવાથી અગ્નિ પ્રગટે છે.

(૪૩) મનુષ્યમાં નિરોગીતા અને ધન એ બે સિવાયનો ગુણ નથી. આ બંનેનો અભાવ હોય ત્યાં સુખ-શાંતિ નથી.

(૪૪) મહાઅભિમાન, મર્યાદા રહિત ભાષણ, ત્યાગનો અભાવ, ક્રોધ, એકલતા અને મિત્રદ્રોહ આ છ તીક્ષ્ણ તલવારો સમાન છે અને આપણા આયુષ્યને કાપી નાખનારા છે.

(૪૫) મીઠું મીઠું બોલનાર પુરુષો તો જ્યાં ત્યાં સદૈવ મળી આવે પરંતુ કડવું છતાં હિતકારી કહેનાર અને સાંભળનાર તો દુર્લભ હોય છે.

(૪૬) કુળને માટે પુરુષનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો , દેશને માટે ગામનો ત્યાગ કરવો અને પોતાના માટે પૃથ્વીનો ત્યાગ કરવો.

(૪૭) જુગાર એ મનુષ્યો વચ્ચે વેર કરવાનું નિમિત્ત બને છે. બુદ્ધિમાન મનુષ્યે ગમ્મતને માટે પણ જુગાર રમવો નહીં.

(૪૮) જે સેવક કહેલા વચનોનો અનાદર કરે છે. કામ કરવાનું કહેતા ઉલટો ઉત્તર આપે છે. પોતાની બુદ્ધિ માટે અભિમાની રહે છે અને આજ્ઞાથી વિરૂદ્ધ બોલે છે તેવા સેવકને કાઢી મૂકવો.

(૪૯) ગર્વરહિત, સાર્મધ્યવાન, શીધ્ર કામ કરનાર, દયાળુ, મીઠા સ્વભાવનો, બીજાથી ફૂટી ન જનારો, નિરોગી, યુક્તિ ભરેલું અને મહાન અર્થવાળુંં બોલનારો એ આઠ ગુણથી સંપન્ન હોય તે સારો દૂત છે.

(૫૦) લજ્જાશીલ રાજા, વ્યભિચારી સ્ત્રી, રાજસેવક, પુત્ર, ભાઈ, બાળક, પુત્રવાળી માતા, વિધવા, સેનાપતિ અને અધિકારી પરથી દૂર કરેલો મનુષ્ય - એટલા સાથે આર્થિક વ્યવહારનો સંબંધ રાખવો નહીં.  

Comments

Popular posts from this blog