વિદુર નીતિ

                                                                                 પ્રવીણ ક. લહેરી

આપણા જાણીતા ભજન ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ની એક પંક્તિ છે; ‘‘દુર્યોધનકા મેવા ત્યાગો, સાગ વિદુર ઘર ખાયી’’ શ્રીકૃષ્ણએ જેને મહત્ત્વ આપ્યું તેવા મહાત્મા વિદુર મહાભારતનું એક વિશિષ્ટ પાત્ર છે. હસ્તિનાપુરની ગાદી પર વંશજ પ્રાપ્ત કરવાની લાલસાએ સત્યવતી પોતાના પતિ વિચિત્રવીર્યના અવસાન બાદ કાશીનરેશની પુત્રી અંબિકા, અંબાલિકાનું ભીષ્મ દ્વારા હરણ કરાવી વેદવ્યાસ દ્વારા નિયોગથી સંતાન પ્રાપ્તિનો પ્રયાસ કરે છે. વેદવ્યાસના દેખાવથી ડરેલી અંબિકા આંખ મીંચી લેતા સંભોગ બાદ જે પુત્રનો જન્મ થાય છે તે અંધ ધૃતરાષ્ટ્ર્‌. સંભોગ માટે આવેલા વેદવ્યાસને જોઈને ફિક્કી પડી જતી અંબાલિકાનો પુત્ર રોગીષ્ટ થાય છે. સત્યવતી ફરી જ્યારે વેદવ્યાસને નિયોગ અર્થે અંબિકા પાસે મોકલે છે ત્યારે અંબિકા ગુપ્ત રીતે પોતાની દાસીને વ્યાસ પાસે મોકલી આપે છે. દાસી નથી ડરતી કે ચિંતા કરતી. વેદવ્યાસના દાસી સાથેના નિયોગથી શુદ્ર મા થકી થયો છે તેથી તે સમયની અન્યાયી સમાજવ્યવસ્થામાં તેને રાજગાદી પ્રાપ્ત નથી થતી. વિદુર, ચારિત્ર્યવાન, જ્ઞાની અને વ્યવહારકુશળ છે. તે તેની ગુણવત્તાને આધારે હસ્તિનાપુરના પ્રધાનમંત્રીનું દાયિત્વ નિભાવે છે. વિદુર ધરમના કાંટા જેવા છે. તે હંમેશાં સત્ય, ન્યાય, સદ્‌ભાવ, સંવેદના અને વાસ્તવિકતાના પક્ષે રહે છે. મહાભારતના અનેક પ્રસંગે વિદુરજીની સલાહ માની હોત તો ? આ પ્રશ્નનો ઉત્તર આપણે ન આપી શકીએ. એક વાત નિશ્ચિત છે કે વિદુર સાચી સમજણનું પ્રતીક છે.

અઢાર ઐક્ષણી સેનાઓ વચ્ચે સગાં-સ્નેહીઓને જોઈને અર્જુનને જે વિષાદ થાય છે તે દૂર કરવા માટે ભગવાનશ્રી કૃષ્ણ  જે ઉપદેશ આપે છે તે હિન્દુઓ માટે ભગવદ્‌ ગીતા સ્વરૂપે શ્રેષ્ઠ ગ્રંથ છે. ભગવદ્‌ ગીતાના જ્ઞાનથી દેશ-વિદેશના અનેક ચિંતકોએ પ્રભાવિત થઈ તેના અંગે ભાષ્યો લખ્યા છે. મહાભારતમાં આવો જ બીજો સંવાદ યુદ્ધ પહેલાં હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર્‌  અને તેના લઘુબંધુ વિદુર વચ્ચે થાય છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં આઠ અધ્યાયના ૫૭૯ શ્લોકોમાં અંદાજિત ૧૦૦૦ જેટલા સુવાક્યો ‘વિદુર નીતિ’ તરીકે જાણીતા છે. અર્જુન શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારી કર્તવ્ય બોધ ગ્રહણ કરીને યુદ્ધનું કર્તવ્ય સફળતાપૂર્વક નિભાવે છે. ધૃતરાષ્ટ્ર્‌ પોતાની મુંઝવણના નિરાકરણ માટે વિદુરની સલાહ લે છે. પુત્રના મોહમાં અંધ ધૃતરાષ્ટ્ર્‌ તે પ્રમાણે વર્તતા નથી. જે સલાહ સ્વીકારવામાં ન આવી તે ઉપદેશ આજના સમયમાં પણ પ્રસ્તુત છે. વિદુર નીતિનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તેમાં મૂલ્યોની સાથે વ્યવહારિક અભિગમ છે. ભગવદ્‌ ગીતા વિવિધ યોગ, ધારણાઓ અને અભિગમો વર્ણવે છે. વિદુર નીતિ શું કરવાપાત્ર છે અને શું ન કરવું જોઈએ તે અંગે સ્પષ્ટ વાત કરે છે. જ્ઞાનનો, મૂલ્યો અને વ્યવહારનો તેમજ આદર્શો અને રોજિંદા જીવનની જરૂરિયાતોનો સમન્વય કરે છે.

વિદુર નીતિના વિસ્તારને ટુંકાવીને તેની મહત્ત્વની બાબતો અત્રે રજૂ કરવા પાછળની ભાવના એ છે કે માનવજીવનને સાર્થક રીતે જીવવામાં ઉપયોગી થાય તેવા માર્ગદર્શક સિદ્ધાંતો સમજીએ. વિદુર નીતિના મૂલ્યવાન રત્નો એટલા સ્વયં પ્રકાશિત છે કે તે વિવેચન કે વિવરણના મોહતાજ નથી. વિદુરજીની સફળ વાણી અને ઉદાહરણો સાથે જે મુદ્દો પ્રસ્તુત થાય છે તે સહેલાઈથી સમજાય છે. વિદુર નીતિથી ભલે ધૃતરાષ્ટ્રનું વલણ કે વર્તન ન બદલાયા પણ શ્રેયમાર્ગી સાધનો માટે વિદુર વચનો અમૃતકુંભ છે. 

(૧) પંડિતોની વ્યાખ્યા કરતાં વિદુરજી કહે છે; ‘ઃ જે સજ્જનોને યોગ્ય એવા કર્મોમાં પ્રીતિ રાખે છે. કોઈના હિતનો દ્વેષ નથી કરતા. જેની વાણી અસ્ખલિત રીતે વહેનારી છે, તર્કશીલ છે, પ્રભાવશાળી છે અને ગ્રંથને બરાબર સમજાવી શકે તે પંડિત છે. જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે અને મહાત્માએ દર્શાવેલ સંયમનું પાલન કરે છે તે પંડિત છે.

(૨) જે શાસ્ત્રહીન હોવા છતાં મહાઅભિમાની છે. જે હીન કર્મથી ધનસંપત્તિ મેળવવાની ઈચ્છા રાખે છે, જે પોતાનું કામ છોડીને પારકાનું કામ લઈને બેસે છે, જે પોતાના ઉપર પ્રેમ વગરનાને ચાહે છે અને પ્રેમ રાખનારનો ત્યાગ કરે છે. જે પોતાના કામો સેવકો પાસે કરાવે છે, જે જ્યાં ત્યાં શંકા કરે છે અને તરત કરવાના કામમાં વિલંબ કરે છે તે મૂર્ખ છે. 

(૩) એકલાએ કોઈ કાર્યનો વિચાર કરવો નહીં. એકલાએ પંથ કાપવો નહીં. ઘણાં સૂતા હોય ત્યારે એકલાએ જાગતા બેસવું નહિ. વણબોલાવ્યે પ્રવેશ કરવો નહિ. એકલો મનુષ્ય મુશ્કેલી અનુભવે છે. 

(૪) જેમ સમુદ્રને તરવા માટે હોડી એકમાત્ર વાહન છે, તેમ સત્યભાષણ એ જ એક સ્વર્ગની અદ્વિતીય સાધન છે.

(૫) ક્ષમા જગતમાં વશીકરણ છે. ક્ષમા વડે શું સાધ્ય થતું નથી ? અરે, જેના હાથમાં શાંતિરૂપી ખડગ છેતેને દુર્જન શું કરી શકશે ? ક્ષમાવાન મનુષ્યમાં એક જ દોષ સંભવે છે કારણ કે ક્ષમાવાન મનુષ્યને લોકો અશક્ત માને છે. એક અહિંસા જ સુખ આપનારી છે.

(૬) સર્પ જેમ દરમાં પડી રહેનારાં પ્રાણીઓએ ગળી જાય છે તેમ પૃથ્વી, શત્રુઓનો વિરોધ ન કરનાર રાજા અને પ્રવાસ ન કરનાર બ્રાહ્મણને ગળી જાય છે

(૭) કઠોર વાણી ન બોલવી, દુષ્ટની પૂજા ન કરવી, અસમર્થ હોય તેમણે ક્રોધ ન કરવો. પારકાનો વિશ્વાસ ન કરવો, નિર્ધન હોવા છતાં અનેક કામનાઓ ન કરવી. આ રીતે કાળજી ન કરનાર પરેશાની ભોગવે છે.

(૮) ગૃહસ્થે નિરુદ્યોગી ન રહેવું. સંન્યાસીએ બીનજરૂરી કાર્ય ન કરવું. વૃદ્ધ, મિત્ર અને બહેન હિતની રક્ષા કરે છે.

(૯) પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુની ઉપાસના તેમની કરવી. સેવા કરવી તે હિતકારી છે.

(૧૦) જો પાંચ ઈન્દ્રીયો વાળાની એક પણ છિદ્રવાળી (વાસનાયુક્ત)  હોય તો તે કાંણી પખાલમાંથી ટપકી જતાં પાણી જેમ તેની બુદ્ધિ પણ એ વિષયભોગ દ્વારા બહાર ટપકી જાય છે.

(૧૧) જે મનુષ્ય કામ, ક્રોધ, શોક, મોહ, મદ અને માન એ છ ઉપર પોતાની સત્તા બેસાડે છે તે જિતેન્દ્રીય છે.

(૧૨) સ્ત્રીસંગ ધુત (જુગાર), મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, કઠોર શિક્ષા અને ધનની હાનિ આ સાત દુઃખદાયી છે. તેથી રાજાએ તે સર્વદા ત્યજવા.

(૧૩) બુદ્ધિ, કુલનિતા, ઈન્દ્રિય નિગ્રહ, શાસ્ત્રોનું જ્ઞાન, પરાક્રમ, પરિમિત ભાષણ, યથાશક્તિ દાન અને ેકૃતજ્ઞતા (આભાર) આ આઠ ગુણો પુરુષોને દીપાવે છે.

(૧૪) મિત્રોનો સહવાસ, ખૂબ ધનપ્રાપ્તિ, પુત્રનું આલિંગન, મૈથુનમાં સ્ત્રી-પુરુષનો સાજે જ વીર્યસ્ત્રાવ, સમયસર પ્રિય ભાષણ, પોતાના લોકોમાં અભ્યુદય ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ અને લોકસન્માન સુખને માટે કારણભૂત છે.

(૧૫) જે રાજા મનુષ્યોને વિશ્વાસમાં લેવાનું જાણે છે, જે અપરાધી હોય તેને દંડ આપે છે, અપરાધ ધ્યાને લઈ શિક્ષા કે ક્ષમા આપે છે. શત્રુઓની નબળાઈઓ જાણી બુદ્ધિપૂર્વક અને સાવધાનીથી વર્તે છે. જે યુદ્ધ ટાળે છે પણ યુદ્ધ આવી પડે ત્યારે પરાક્રમ કરે છે. આપત્તિથી ગભરાતો નથી, સદાય ઉદ્યમશીલ છે,  દુઃખ સહન કરવામાં ધૈર્યધાન છે તેવો રાજા આદર્શ છે.   

Comments

Popular posts from this blog