સનંદી સેવા અને સુશાસન-૨

                                                                                 પ્રવીણ ક. લહેરી

સનંદી, વહીવટી સેવાનો મુળભૂત હેતુ રાજ્ય દ્વારા સુશાસન આપવાનો છે. આ કાર્ય કઠીન છે. લોકો પોતાના સ્વાર્થ, અહ્‌મ, લોભ, લાલચ અને ઈર્ષ્યાને વશ થઈને અન્યને નુકશાનકારક વર્તન કરતા હોય ત્યારે તેમને કાયદાના શાસન થકી અંકુશમાં રાખવા એ વહીવટની પ્રાથમિક જવાબદારી છે. જે જે દેશોમાં સામ્યવાદનો પ્રયોગ થયો ત્યાં સરમુખત્યારનું શાસન જ આવ્યું. યુરોપની વિકસીત લોકશાહીમાં નાગરિકોની સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય મેળવવાની સરળતા રહી છે. જે લોકશાહી દેશમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ અતિ વિષમ છે ત્યાં મૂડીવાદીઓની પકડ સમગ્ર સરકાર પર      હોય છે. વિવિધ રીત-રસમો અપનાવીને ધનવાનો લોકશાહીનો દુરુપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધી શકે છે. આપણા વડાપ્રધાને મહત્તમ વહીવટી કાર્યક્ષમતા (સ્ટ્ઠટૈદ્બેદ્બ ર્ય્દૃીટ્ઠિહષ્ઠી) અને સરકારનો અલ્પ હસ્તક્ષેપનું (સ્ૈહૈદ્બેદ્બ ર્ય્દૃીહિદ્બીહં) સૂત્ર આપ્યું છે. નાગરિકોને તેમને સ્પર્શતા નિર્ણયો લેવામાં પૂરતી મોકળાશ રહે તેવી સ્થિતિ આવકારદાયક છે. આપણું વહીવટીતંત્ર આજે પણ અગાઉની સામ્રાજ્યવાદી પરંપરા અને આઝાદી બાદ સમાજવાદી સમાજરચના માટે દાખલ કરાયેલું ‘લાયસન્સ, પરમીટ, કવૉટા’ રાજના વારસાના બોજામાંથી મુક્ત થયું નથી. આ ઉપરાંત ન્યાયની પ્રક્રિયા અતિ ખર્ચાળ અને વિલંબથી ભરેલી છે તેથી સામાન્ય નાગરિક માટે મજબૂરીની લાગણી સામાન્ય બની છે. ‘‘આ તો સરકાર છે ! આપણે શું કરી શકીએ ? સરકારમાં કામ કરાવવું હોય તે જે પાણીએ મગ ચડે તે પાણી વાપરવું પડે.’’ આવા ઉદ્‌ગારો સુશાસનનો અભાવ દર્શાવે છે. સુશાસન માટેની અમુક પૂર્વ શરતોનો વિચાર કરીએ તો આપણી સમક્ષ પાંચ મુદ્દાઓ આવે છે.

(૧) નાગરિકના હક્કો પ્રત્યે આદર :

લોકશાહીમાં નાગરિક જ કેન્દ્રસ્થાને હોવો જોઈએ. આપણો અનુભવ છે કે થોડા અપવાદો સિવાય નાગરિકને તેમના હક્કો મેળવવામાં ઘણાં અંતરાયોનો સામનો કરવો પડે છે. સૌથી મોટો પ્રશ્ન વહીવટી તંત્રની ઉદાસીનતા - ઉપેક્ષાનો છે. કોઈ કામ થાય કે નહીં એમાં તંત્રમાં રહેલી વ્યક્તિને કશો ફરક પડતો નથી. અમુક તત્ત્વો તો વહીવટમાં સ્વાર્થ સિદ્ધ કરવા માટે દરેક કામ માટે પૂછે છે; ‘‘આમાં મારું શું ? મારું કાંઈ ન હોય, મને લાભ ન થતો હોય તો મારે શું ?’’ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવામાં સરકારી અધિકારી કે કર્મચારીને સંકોચ નથી. જ્યાં સુધી વહીવટી તંત્રનો દરેક માણસ નાગરિકોને પ્રાપ્ત અધિકારો ભોગવી અને સરકારી યોજનાનો લાભ લઈ શકે તેવી કાર્યવાહી કરવાની મારી અંગત જવાબદારી છે તેવો અહેસાસ ન કરે ત્યાં સુધી સુશાસનનો પ્રયત્ન સફળ થઈ શકે નહીં. વહીવટીતંત્રને લોકભિમુખ કરવાનો પડકાર નાનો-સુનો નથી. ત્વરિત સેવા, જાહેર વહીવટી તંત્ર સામેની ફરિયાદોનો ઝડપી નિકાલ, નિર્ણયની પ્રક્રિયામાં સરળતા અને નાગરિકોમાં વિશ્વાસનું વાતાવરણ નિર્માણ ન થાય ત્યાં સુધી સામાન્ય લોકો માટે સુશાસનની ભાવના પોથીમાનાં રીંગણા જેવી બનાવટી રહેશે.

(૨) સંવેદના :

સુશાસન માટે નાગરિકોમાં અરસપરસ અને તંત્રના કાર્યવાહકોમાં સંવેદના હોવી જરૂરી છે. કમનસીબે સમગ્ર વિશ્વમાં જ્યારે જ્યારે ગંભીર પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે સમાજનો મોટો વર્ગ કોઈ પ્રદાન કરવા આગળ આવતો નથી. કોરોનાના લોકડાઉનના સમયમાં લાખો શ્રમજીવીઓની હિજરત સમયે થોડી વ્યક્તિ કે સંસ્થા સિવાય સૌએ આ ઘટના નિહાળી પણ તેમાં રહેલી વ્યથા દૂર કરવા કશું ન કર્યું તે હકીકત છે. આપણા દેશમાં જ્યાં જ્યાં દારુણ ગરીબી છે, પરિવારને બે ટંકનેું ભોજન નથી મળતું, જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે તે સૌ માટે સરકાર અને સમાજે રાહત કામગીરી કરવી જરૂરી છે. રાજકીય ચિંતક જેરમી બેન્થામે ‘‘મહત્તમ લોકોના મહત્તમ સુખને રાજ્યની ફરજ માની હતી. સર્વોદયમાં સૌને સુખ થાય તેવી ભાવના આપણા ઉપનિષદના ઉપદેશ મુજબની છે. અંત્યોદયમાં સમાજના સૌથી છેવાડાના માનવીનું જીવન અર્થસભર બને તે માટે સરકારે/સમાજે ખાસ કાળજી કરવી.

(૩) જવાબદારી :

સરકાર પાસે સત્તા છે, નાણાં છે, બળ છે, શસ્ત્રો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓ છે. આ સંજોગોમાં તંત્ર પોતાની સત્તા અને સાધનો લોકસુખાકારી માટે વાપરે છે કે તેનો દુરુપયોગ કરીને પ્રજાને રંજાડે છે તે પ્રશ્ન મહત્ત્વનો છે. સરકારી તંત્રનો કોઈપણ ભાગ ચોક્કસ કામગીરી કરવા બંધાયેલો છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ જાય તો તેની ફરજચુક માટે યોગ્ય શિક્ષા થવી જ જોઈએ. કોઈપણ અધિકારી કે કર્મચારી ફરજ અદા કરવામાં ઢીલ, અપવર્તન કે ભ્રષ્ટાચાર કરે તો તે માટે તેની જવાબદારી નક્કી થાય તો જ સુશાસનની વિભાવના સાકાર થઈ શકે. કમનસીબે બંધારણે મૂકેલા અનેક અંકુશો આજે તો ઔપચારિક બની ગયા છે. કારોબારી પર વિધાનગૃહ કે ન્યાયતંત્રનો અંકુશ ક્રમશઃ બિનઅસરકારક બનતો જાય છે તે ચિંતાનો વિષય છે. 

(૪) નાણાંકીય શિસ્ત :

સરકારનું સંચાલન લોકોએ ભરેલા કરવેરામાંથી થાય છે. અમેરિકામાં જવાબદાર લોકતંત્રની સ્થાપનાની ઝુંબેશનું મહત્ત્વનું સૂત્ર હતું; ‘‘પ્રતિનિધિત્વ નહીં તો કર નહીં.’’ આજે પ્રતિનિધિત્વ જરૂર છે પણ અફસોસ એ વાતનો છે કે તે અસરકારક નથી. કારોબારી પાંખ વહીવટ પર અંકુશ ધરાવે છે. જાહેર નાણાંનો ખર્ચ શા માટે, કેવી રીતે અને કઈ કઈ મર્યાદાઓ સાથે થઈ શકે તેની વિસ્તૃત જોગવાઈઓ નાણાં સંહિતામાં છે જ. દુઃખની વાત એ છે કે જાહેર નાણું વાપરવામાં કારોબારીની ઈચ્છા જ સર્વોપરી છે તેવી માન્યતાએ આજે વિશ્વના મોટાભાગના દેશોને ભારે દેવાના બોજ હેઠળ કચડી નાખ્યા છે. વેનેન્ઝુલા હોય કે ગ્રીસ, શ્રીલંકા હોય કે પાકિસ્તાન, દેવાની ચૂકવણીમાં નાદારી નોંધાવ્યા બાદ પણ દેખીતી રીતે નાણાંનો વેડફાટ રોકવા ક્યાંય નોંધપાત્ર કાર્યવાહી થતી નથી. વોશિંગ્ટન ડીસીમાં આપણા સાવરકુંડલાના શ્રી નટવર ગાંધીની નિમણૂક ઓડિટના વડા તરીકે થઈ. તેમણે જે જે જાહેર સેવક પાસે ઍડવાન્સની રકમ વર્ષોથી બાકી હતી, જે કરવેરા વસૂલવા કોઈ પગલાં લેવાતા ન હતાં તે બાબતોએ કાર્યવાહાી કરતાં વોશિંગ્ટન ડીસીની તિજોરી ડૉલરથી છલકાઈ ગઈ હતી. નાણાંની વસૂલાત અને ખર્ચમાં આકરી કરકસર વિના સુશાસન કે લોકોની સુખાકારી શક્ય નથી. 

(૫) કાર્યક્ષમતા અને સરળતા :

સરકારી કાર્યપદ્ધતિ એટલે મહાભારતના યુદ્ધનો ચક્રવ્યૂહ. તેમાંથી સાંગોપાંગ બહાર નીકળવામાં કોઈક વીરલાને જ સફળતા મળે છે. જો કે આ ચક્રવ્યૂહના જાણભેદુઓ તો જાદુગર જેમ આંખના પલકારામાં ધાર્યું પરિણામ લાવી દે છે. સરકારી તંત્રમાં અરજદાર નાગરિકની દૃષ્ટિએ નહીં પણ જડ અને જરીપૂરાણા નિયમો અને ઘણીવાર તો તેના વિચિત્ર અને વિકૃત અર્થઘટનના કારણે નકારાત્મકતા વધે છે. નાગરિક તેના અધિકારથી વંચિત રહે છે. ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. સરકારમાં કાર્યક્ષમતાનો અર્થ કરવો હોય તો દરેક કામ સમયમર્યાદામાં, નિષ્પક્ષ રીતે, જાહેરહિતને નુકશાન કર્યા વિના કાયદા અનુસાર અને માનવીય સ્પર્શ સાથે કરવું જોઈએ તેમ કહી શકાય. કમનસીબે લોકોના કામોમાં કે વિકાસના પ્રોજેક્ટોના અમલમાં જે શિથિલતા છે તે નિવારવી જરૂરી છે. કાર્યક્ષમતા સાથે અગ્રતાનો મુદ્દો પણ અવિભાજ્ય રીતે જોડાયેલોછે. તંત્ર માટે જે કામો છે તેમાનાં અમુક સમયમર્યાદામાં તાત્કાલિક થાય તે જરૂરી છે. જેમ કે મંત્રીશ્રી જાહેર સભાનો બંદોબસ્ત અગત્યનો છે અને તાત્કાલિક ધ્યાન માગે છે. અમુક ઉત્સવો કે રૂટીન કામગીરીમાં અગ્રતા ન આપી શકાય તો પણ લોકો માટે પરેશાની નથી થતી. આ અગ્રતા નક્કી કરવામાં તંત્રે અનેક વિરોધાભાસનો સામનો કરવો પડે છે. મહાનુભાવના પ્રવાસ માટે રસ્તા રોકવાની જરૂર હોય છે. સાથે સાથે ગંભીર બિમારીવાળા દર્દીને હૉસ્પિટલે પહોંચાડવાનો પ્રશ્ન હોય તો કયા કામનો અગ્રતા આપવી ? આ પ્રશ્નનો ઉત્તર છે કે નાગરિકનું જીવન બચાવવા માટે મહાનુભાવને થોડું મોડું થાય તો જીવન બચાવવાના કાર્યને અગ્રતા આપવી જોઈએ. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે વહીવટની આખરી સત્તા છે તેથી વહીવટીતંત્ર લાચાર છે તેવી દલીલ સાવ નિરર્થક અને જોખમી છે. લોકપ્રતિનિધિઓની સત્તાનો સુશાસન માટે ઉપયોગ થાય તે માટે કાર્ય કરવાની સક્ષમતા જેમાં ન હોય તેવો અધિકારી કે કર્મચારી વહીવટીતંત્ર માટે બોજારૂપ છે.

સરદાર પટેલે અખિલ ભારતીય સેવાના અધિકારીઓને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ કરીએ. ‘‘સૌથી પ્રથમ હું તમને સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પ્રમાણિક રહેવા માટે સલાહ આપું છું. સનંદી અધિકારીએ રાજકારણમાં ભાગ ન જ લેવો જોઈએ, તેના માટે તે જોખમી છે. સાંપ્રદાયિક ઝઘડામાં પણ તે પક્ષકાર ન બની શકે.’’‘શિસ્તની સાથે તમારે તમારા સાથીઓ સાથે સંઘબળની ભાવના કેળવવી જોઈએ. તેના વિના અખિલ ભારતીય સેવા નિરર્થક બની જશે. તમારે આ સેવાના સભ્ય હોવું તે ગૌરવભર્યો વિશેષાધીકાર છે. તમે જે શપથ લીધા છે તેને સેવાકાળ દરમિયાન સંપૂર્ણપણે વફાદાર રહેશો. તમારી આ સેવાની ગરિમા, નિષ્ઠા અને પ્રમાણિકતા જાળવી રાખશો.’’

સત્ય અને ન્યાયના માર્ગે ચાલી તમારી સેવાન ધર્મનું ચુસ્તપણે પાલન કરશો. તમારી સત્તાનો દુરુપયોગ ન કરશો. તમે સંગઠિત રહીને આગળ કૂચ કરો ત્યારે નમ્રતા જાળવશો. સાથે સાથે વાસ્તવિકતા ઓળખવામાં કચાશ ન રાખશો. તમારા અધિકારો મેળવવામાં અને તેનો ઉપયોગ કરવામાં હંમેશાં દૃઢ રહેશો.’’ 

Comments

Popular posts from this blog