સનંદી સેવા મા૮ે આત્મખોજનો અવસર

                                                                      પ્રવીણ ક. લહેરી

લોકશાહી અને કાયદાના શાસન ધરાવતા દેશ માટે સક્ષમ, તટસ્થ, નિષ્ઠાવાન, પ્રમાણિક અને સેવાભાવી અધિકારીઓની આવશ્યકતા રહે છે. ઈસવીસન પૂર્વ ચીનમાં ‘મેન્ડેરીન’ રાજ્યના ઉચ્ચ અધિકારીઓની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ગુણવત્તાના ધોરણે કરવાની પ્રથા આજે પણ અનેક દેશોમાં અપનવોલી છે. અર્વાચીન યુગમાં ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને અમેરિકાના આઝાદી સંગ્રામ બાદ બંધારણ આધારિત, નાગરિકોના મુળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર અને અંકુશ દ્વારા સંતુલન (ચેક એન્ડ બેલેન્સ) જાળવવાના પ્રયાસોના ભાગરૂપે તમામ વિકસીત દેશોમાં વહીવટી સેવા જુદા જુદા સ્વરુપે અસ્તિત્વ ધરાવે છે.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં સગાવાદ અને ગેરવહીવટની ફરિયાદો બાદ બ્રિટનની સંસદે વહીવટ માટે ગુણવત્તા આધારિત પસંદગીની ફરજ પાડી તેમાંથી ‘‘ઈન્ડીયન સિવિલ સર્વિસ’’નો જન્મ થયો. આઈ.સી.એસ. એટલે સામ્રાજયવાદી શાસનના રક્ષણ માટે ગોઠવાયેલું પોલાદી માળખું. ભારતની ‘‘ઈન્ડીયન સિવિલ સર્વિસ’’નો ઈતિહાસ ભાતીગળ છે. વહીવટ અને ન્યાયતંત્રમાં જ નહીં પણ તેમના અનેક સભ્યોએ સાહિત્ય-ભાષા, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, સિંચાઈ, ખેતી એમ અનેક ક્ષેત્રમાં આઈ.સી.એસ. અધિકારીઓનું નોંધપાત્ર પ્રદાન રહ્યું. જો કે આઝાદી આંદોલન દરમિયાન આઈ.સી.એસ.સી.ની વગોવણી સામ્રાજ્યવાદના પીઠ્ઠુઓ તરીકે થઈ હતી. પંડિત જવાહરલાલ નહેરુએ આઈ.સી.એસ. પર વ્યંગ કરતાં કહ્યું હતું કે ન તો તે ઈન્ડીયન (ભારતીય) છે, તે ન તો સિવીલ (સંસ્કારી) છે અને સેવાને અને તેમને સાંકળી શકાય તેવું કશું નથી. આઝાદી બાદ આઈ.સી.એસ. અધિકારીઓનું શું કરવું તે સમસ્યા હતી. બંધારણ સભાના મોટા ભાગના સભ્યો આ અધિકારીઓ સામ્રાજ્યની વિદાય સાથે છૂટા થાય તેવું ઈચ્છતા હતાં. બ્રિટશરોના વિશ્વાસુ એવા આ અધિકારીઓનો આઝાદ હિંદને શું ખપ ? આવી આઈ.સી.એસ. વિરૂદ્ધની લાગણીના તીવ્ર પ્રવાહમાં સરદાર પટેલે સામે પ્રવાહે તરવાનું પસંદ કર્યું. સંસદની ચર્ચામાં પોતાની કારકિર્દી અને હોદ્દાને દાવ પર મૂકી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ વ્યક્તિઓ કુશળ છે. વહીવટની સુઝબુઝ છે. તેમને અનુભવ છે. તત્કાલિન પરિસ્થિતિ વિભાજન બાદની હિંસા અને હિજરત વચ્ચે, રાજ્યોના વિલિનીકરણ વખતે તેઓની સક્ષમતાનો ઉપયોગ અનિવાર્ય છે. સરદારે આગળ વધીને કહ્યું કે, ‘‘મને તેમનામાં ૫ૂરો ભરોસો છે. તેમની દેશ પ્રત્યેની નિષ્ઠામાં મને શંકા નથી. આ હોંશિયાર લોકોને આપણે છૂટા કરશું તો તેમને બીજે સારી નોકરી મળી રહેશે. આપણને તેની કુશળતા અને અનુભવની જરૂર છે. જો તમે મારો પ્રસ્તાવ (આઈસીએસને સેવાનું રક્ષણ અને પેન્શન પાઉન્ડમાં ચૂકવવાની બાંહેધરી) નામંજૂર કરશો તો હું તેમની સાથે સરકાર છોડીને ચાલી જઈશ.’’ આઈસીએસને યથાતથા વહીવટમાં ચાલુ રાખવા માટે સરદારે જે દુરંદેશી દર્શાવી તે અજોડ છે. આ ઉપરાંત સરદારે ભારતીય બંધારણમાં અખિલ ભારતીય સેવા કે જેમાં ભરતી અને નિયમન ભારત સરકાર કેન્દ્રીય જાહેર સેવા આયોગ મારફત કરે તેવી વ્યવસ્થા સૂચવી ત્યારે મોટાભાગના પ્રાંતોના મુખ્ય પ્રધાનોએ તેનો તીવ્ર વિરોધ કર્યો. દેશની એકતા અને અખંડિતતા માટે અખિલ ભારતીય સેવા (વહીવટ અને પોલિસ) માટે જરૂરી છે તે વાત પ્રાંતોના પંતપ્રધાનોને ગળે ઉતારવામાં સરદાર સફળ રહ્યા. 

આજે યુપીએસસીએ વર્ષ ૨૦૨૨ની અખિલ ભારતીય સેવા વગેરેની પસંદગી યાદી પ્રસિદ્ધ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને મહિલાઓની પસંદગી થતાં મહિલા સશક્તિકરણનું એક નવું સોપાન સર થયું. ગુજરાતના ઉમેદવારોમાંથી માત્ર ૬ જણાંની પસંદગી કેન્દ્રીય સેવાઓમાં થઈ. આ પરિણામ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે પ્રવર્તતી ગેરસમજણો અને ઉપેક્ષાનો પૂરાવો છે. આમાં ગૌરવ લેવા જેવું કશું નથી. ગુજરાતના યુવાન-યુવતીઓએ અખિલ ભારતીય ધોરણે નોંધપાત્ર સફળતા માટે હજી ધણો લાંબો પંથ કાપવાનો બાકી છે. પરિણામ બાદ સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા અને જેઓ પસંદ નથી થયા તેમને કોઈ હીણપત રાખ્યા વિના અન્ય ક્ષેત્રોમાં પ્રદાન કરી સફળ થવા આહ્‌વાન કર્યું. આ આવકાર્ય પહેલ છે. 

આજે ભારતમાં અખીલ ભારતીય સેવાઓ એક એવા ત્રિભેટે આવીને ઊભી છે કે તેમણે કઈ દિશામાં જવું તેની પસંદગી ખાસ કરીને દરેક અધિકારીએ વ્યક્તિગત રીતે કરવાનો સમય આવી ગયો છે. સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરી નથી શક્યા તે હકીકતનો સ્વીકાર કરવો રહ્યો. ૧૯૪૮ થી શરુ થયેલી આ અખિલ ભારતીય સેવાઓ પાસે સરદાર પટેલને ખૂબ મોટી અપેક્ષાઓ હતી. ભારતમાં સુશાસન, સામાજિક પરિવર્તન, છેવાડાના માનવીના ઉત્કર્ષ સહિત દેશની સલામતિ અને એકતા માટે આ નવા પોલાદી માળખાએ મહત્ત્વની ભૂમિકા નિભાવવાની હતી.

આજે સવારે અખબાર ખોલીએ તો આ અધિકારીને ત્યાં દરોડા પડ્યા, રૂપિયા મળ્યા, અઢળક સંપત્તિના પૂરાવા મળ્યા, અમુક અધિકારીએ માફીયા અને ગુન્હેગારો સાથે સાંઠગાંઠ કરી જોખમી પદાર્થોની હેરાફેરીમાં સાથ આપ્યો. ક્યાંક ગેરકાયદે ખનન પ્રવૃત્તિ, જુગાર, દારૂ, કે ગાંજાના વેચાણમાં ભાગીદારી કરી. અમુક અધિકારીએ ફરિયાદો સાંભળી નહીં તો બીજાએ ગુન્હેગારોને છાવર્યા. અસામાજિક પ્રવૃત્તિ રોકવામાં ઉપેક્ષા કે જમીન અંગે બનાવટી પૂરાવામાં સંડોવણી જેવા આક્ષેપો જવાબદાર અધિકારીઓ પર જાહેરમાં મૂકાય ત્યારે હવે નાગરિકોને તેમાં અચરજ નથી થતું. ધીમા અવાજે એમ પણ કહે છે કે આટલું ધૂપલ ચાલે છે તેમાં કોઈક તો ક્યારેક પકડાય ને ? જાહેર વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારનો વ્યાપ એટલો વધ્યો છે કે તેની તટસ્થતા અને જવાબદારીમાંથી સામાન્ય માણસે શ્રદ્ધા ગુમાવી છે. સંદેશા અને વાહનવ્યવહાર ઝડપી બન્યા છે પણ લોકોની ફરિયાદનું નિવારણ તો હજી ગોકળગાયની ગતિએ થાય છે તેવો સૌનો અનુભવ છે. દરેક કામ માટે કોઈ સંપર્ક કે ખર્ચ કરવાની તૈયારી હોવી અનિવાર્ય લેખાય છે. નાગરિકના થવા યોગ્ય કાયદેસરના કામો ન થાય અને કામ કરાવવા માટે જુદા જુદા નુસ્ખા અપનાવવા પડે તે ચિંતાની બાબત છે.

ભારતમાં ૨૦૦૧માં કુલ ૫૯૩ જિલ્લા હતા. ૨૦૧૧માં તેની સંખ્યા ૬૪૦ની હતી. એપ્રિલ-૨૦૨૨માં આ આંકડો ૭૭૩ નો દર્શાવે છે. ૨૨ વર્ષમાં આ સંખ્યામાં ૨૨૦નો વધારો થયો છે. જિલ્લા, તાલુકા, તહેસિલ, મંડલ કે ગામડાંની કક્ષાએ નાગરિકને પોતાની કામ માટે અનેક સરકારી કર્મચારીઓનો સંપર્ક કરવો પડે છે. પંચાયતી રાજના ગ્રામીણ અને બ્લોક, તહેસિલ, તાલુકા કક્ષાએ નાગરિકો પોતાના કામ માટે સંપર્ક કરે છે ત્યારે ઉપેક્ષા, ઉધ્ધત જવાબ કે અયોગ્ય માંગણી સામે આવે છે. જિલ્લાકક્ષાએ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિકારી  અખિલ ભારતીય સેવાના અધિકારીઓ છે. સુશાસન આપે તે માટે જવાબદાર છે. વિવિધ કાયદાઓ, ઠરાવો, પરિપત્રો અને સૂચનાઓ દ્વારા તેમને વિશાળ અધિકારો સુપરત થયા છે. જો કે અનેક બાબતોમાં અનેક બીનજરૂરી નિયંત્રણો મૂકીને અનેક દરખાસ્તો સચિવાલયમાં મોકલવાની પ્રથા દૃઢ બનતી જાય છે. જિલ્લામાં નિમાતા અખિલ ભારતીય સેવાના અધિકારીઓ તેમના સ્થાને બે-ચાર વર્ષ રહે છે. તેઓ વાસ્તવિકતાથી વાકેફ ન હોય તેનો લાભ ઉઠાવવા માટે દરેક જિલ્લામાં એજન્ટોનું મજબૂત નેટવર્ક ગોઠવાયેલું છે. આ નેટવર્કમાં રાજકીય આગેવાનો પણ સામેલ હોય છે.

આવા સંજોગોમાં જિલ્લા અને તાલુકા કે ગ્રામકક્ષાએ સુશાસન આપવું એ એક કઠીન પડકાર છે. અખિલ ભારતીય સેવામાં તીવ્ર સ્પર્ધા બાદ પસંદ થયેલા અધિકારીમાં યુવાનીનો ઉત્સાહ, જવાબદારીની સમજણ, નિર્ણય લેવાની આવડત વગેરે તો હોય જ. આમ છતાં આજે લોકોમાં વહીવટી તંત્ર માટે આદર કે વિશ્વાસ નહિંવત્‌ કેમ છે ? અમુક યુવા અધિકારીઓ સક્ષમ રીતે જવાબદારી વહન કરે છે તો તેમને અપવાદરૂપ ગણીને તેમની વાહ વાહ કરવામાં આવે છે. લોકોને કદાચ માન્યામાં નથી આવતું કે અધિકારી પ્રજાભિમુખ પ્રમાણિક અને પરિશ્રમ કરવાવાળા હોય ! આ સંદર્ભે સુશાસન માટે શું જરૂરી છે તેની ચર્ચા કરવી આવશ્યક છે.    

Comments

Popular posts from this blog