જય જય ગરવી ગુજરાત

                                                                                    પ્રવીણ ક. લહેરી

ભાષાકીય પ્રાંત રચના :

આઝાદી આંદોલન દરમિયાન ભારતમાં ભાષાકીય અલગતાવાદ ન પાંગરે તે માટે કોંગ્રેસે ભાષાવાર રાજ્યો રચવાની માગણી નકારી કાઢીને રાજ્યોની રચના વહીવટી સાનુકૂળતા મુજબ કરવાનો નિર્ણય કર્યો હતો. તા.૧૦ ડિસેમ્બર ૧૯૪૮માં અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ. કે. ધારના કમિશને એક અહેવાલમાં જણાવ્યું કે ભારતમાં આગામી દસ વર્ષ સુધી ભાષાવાર પ્રાંતોની રચના કરવી તે દેશહિતમાં નથી. ત્યારબાદ આ ભલામણોનો સખ્ત વિરોધ થતાં કોંગ્રેસે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામમૈયાની સમિતી નિમી જેમણે ૧લી એપ્રિલ ૧૯૪૯ના રોજ ભાષાકીય ધોરણે પ્રાંતોની પુનઃરચના ન કરવાની ભલામણ દોહરાવી હતી.

૧૯૫૨માં તેલુુગુ ભાષીઓ માટે મદ્રાસ પ્રાંતમાંથી અલગ રાજ્યની માંગણી સાથે પોટુશ્રી રામાલ્લુ આજીવન અનશન પર બેઠા. ૫૬ દિવસના ઉપવાસ બાદ તેમનું મૃત્યુ થતાં તેમની શહિદીએ ભાષાવાર પ્રાંતોની રચનાની માંગણી સ્વીકારવા માટે કોંગ્રેસ અને ભારત સરકારને મજબૂર કર્યાં.

૧લી ઑકટોબર ૧૯૫૩ના રોજ તેલુગુભાષી આંધ્રપ્રદેશી રચના થઈ. જો કે થોડા વર્ષો પહેલાં તેલુગુભાષી વિસ્તારોમાં તેલંગાણા અને આંધ્ર એમ બે રાજ્યોની રચના થતાં ભાષાવાર રાજ્ય રચનાની માંગણીમાંથી પ્રાદેશિક હિતો માટે અલગ થવાની માંગણીઓ આવી. ભાષાકીય પ્રાંત રચનાના મુદ્દે ૧૯૫૬ થી શરુ થઈને ૨૦૨૦માં જમ્મુ-કાશ્મિર, લદાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરી જમ્મુ-કાશ્મિર એક અને લદાખ બીજો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા. હાલ ભારતમાં ૨૮ કુલ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે. આંધ્રપ્રદેશની રચના બાદ ભાષાકીય ધોરણે રાજ્યોનું પુનઃગઠન કરવા ન્યાયમૂર્તિ ફઝલઅલી, કે. એમ. પાણિકર અને હૃદયનાથ કુંઝર એમ ત્રણ સભ્યોના કમિશનની રચના થઈ. આ કમિશને તેમનો અહેવાલ ૧૦ જાન્યુઆરી ૧૯૫૫માં રોજ સુપ્રત કર્યો. તેમાં પણ ભાષાકીય ધોરણે રાજ્યો ન રચવાનું રટણ ચાલુ રહ્યું. દેશમાં ભાષાકીય ધોરણે રાજ્યો રચવાની માંગણીઓ બુલંદ બનવા લાગી હતી. કમિશનો અને સરકારને આ વાસ્તવિકતા દેખાતી ન હતી. ફઝલઅલી આયોગે પોતાની ભલામણોમાં ભાષાના ધોરણે રાજ્યો ન રચવાની વાત કરી પણ તેની રાજ્ય રચનાની ભલામણો મહ્‌દઅંશે ભાષાકીય ધોરણે રાજ્યો રચવાની રહી હતી. આ ગુંચવણો વચ્ચે એ નોંધવું જરૂરી છે કે ફઝલઅલી આયોગે ‘‘સૌરાષ્ટ્ર્‌ કચ્છ અને મરાઠાવાડાને ભેળવીને મુંબઈ રાજ્ય અને વિદર્ભના અલગ રાજ્યની ભલામણ કરી હતી. ભૌગોલિક રીતે અને વહીવટી રીતે આ ભલામણ વિચિત્ર ગણી શકાય તેવી હતી.

ગુજરાત કોંગ્રેસે ૨૫મી ઑકટોબર ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્ર્‌, મુંબઈ અને ગુજરાત એમ ત્રણ રાજ્યો રચવા માટે ઠરાવ કર્યો હતો. તા.૧૭મી જાન્યુઆરી ૧૯૫૬ના રોજ જવાહરલાલ નહેરુએ આકાશવાણી પર પ્રવચન કરીને જાહેરાત કરી કે કચ્છ, સૌરાષ્ટ્ર્‌ સહિતનું ગુજરાત, વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર્‌ અને મુંબઈ શહેરનું એમ પણ ત્રણ અલગ અલગ રાજ્યોની રચના કરવામાં આવશે. ગુજરાતના વર્તમાનપત્રોએ આ જાહેરાતને ‘‘જય જય ગરવી ગુજરાત દિસે અરૂણું પ્રભાત’’ના શિર્ષક સાથે વધાવી હતી. આ જાહેરાત સાથે મહારાષ્ટ્ર્‌માંથી મુંબઈને અલગ કરવાની વાતનો પ્રચંડ અને હિંસક વિરોધ થયો. ‘આમચી મુંબઈ’ના નારા સાથે મુંબઈમાં અરાજકતા વ્યાપી. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજીભાઈએ કડક કાર્યવાહીથી હિંસા ડામવા પ્રયાસ કર્યો. તેના સામે મરાઠી વિરૂદ્ધ ગુજરાતી લોકો વચ્ચે અવિશ્વાસ વધ્યો. મુંબઈને અલગ રાજ્ય આપી શકાય નહીં તેવો અહેસાસ થયા બાદ તારીખ ૭મી ઑગસ્ટ ૧૯૫૬ના રોજ લોકસભાએ ત્રણ રાજ્યોની દરખાસ્તમાં ફેરફાર કરી ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર્‌નું એક દ્વિભાષી મુંબઈ રાજ્ય રચવાનું નક્કી કર્યું. શ્રી મોરારજી દેસાઈ મુંબઈ છોડી કેન્દ્રમાં મંત્રી બન્યા. તેના ચેલા યશવંતરાય ચવ્વાણ ભાઉં સાહેબ જેવા વરિષ્ઠ આગેવાનને હરાવી કોંગ્રેસ પક્ષના નેતા બન્યા. મોરારજી દેસાઈના આશીર્વાદથી મુંબઈ દ્વિભાષી રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બનનાર યશવંતરાવ ચવ્વાણ એક વિચક્ષણ રાજપુરુષ સાબિત થયા. આ ઘટનાના પરિપાકરૂપે તા.૮ ઑગસ્ટ ૧૯૫૬થી ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ થયો. સૈકાઓથી કાઠિયાવાડના ૨૨૨ દેશી રજવાડા, સામ્રાજ્યના ભાગરૂપ સૂરત, ભરૂચ, ખેડા, પંચમહાલ અને અમદાવાદના પાંચ જિલ્લા, વડોદરા રાજ્યના વડોદરા, કડી, નવસારી અને અમરેલી એમ ૪ પ્રાંતો, ગુજરાતના અન્ય રજવાડાઓ સાથે ગુજરાતી ભાષી પ્રજા વહીવટી રીતે સાવ વેરવિખેર હતી. આઝાદી બાદ ગાંધી-સરદારનું ગુજરાત એક ગુજરાતી ભાષી રાજ્ય બનશે તેવી ઉમ્મીદ પર સાવ પાણી ફરી વળ્યું ત્યારે ગુજરાતમાં ઘેરો અસંતોષ પેદા થયો. આ અસંતોષને વાચા આપવા આગળ આવ્યા શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક. ગુજરાતના જાહેર જીવનમાં સરદારના વરિષ્ઠ, ગાંધીજી સાથે મતભેદો નિખાલસ રીતે વ્યક્ત કરતા, અલગારી અને રંગીન મિજાજના શ્રી ઈન્દુલાલને ગુજરાતી પ્રજાએ ઈન્દુચાચાના વ્હાલસોયા નામે વધાવીને અદકેરું સન્માન કર્યું. મહાગુજરાત ચળવળના પ્રાણ સમાન ઈન્દુચાચાએ અનોખી ખુમારી અને અજોડ પુરુષાર્થ સાથે જે આંદોલન ચલાવ્યું તે આપણા ઈતિહાસની અજોડ ઘટના છે. કોઈની શેહ શરમ રાખ્યા વિના, કશો ડર અનુભવ્યા વિના અને તાતા તીર જેવા શબ્દોથી તેમણે ગુજરાતની જનતામાં જાગૃતિ આણી, તેમના દિલ જીતી લીધા. તા.૨૨ ફેબ્રુઆરી ૧૮૯૨ના રોજ જન્મેલા ઈન્દુલાલની બહુમુખી પ્રતિમા હતી. તેમની ૪ ભાગમાં લખાયેલી આત્મકથા તેમના વ્યક્તિગત અનુભવો સાથે તત્કાલિન મુંબઈ-ગુજરાત અને દેશની સ્થિતિનું તાદૃશ નિરૂપણ કરે છે. શ્રી સનત મહેતાએ આ આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરાવી છે. દુઃખદ હકીકત છે કે મહાગુજરાત આંદોલનના રાહબર, આઝાદીના ઘડવૈયા, સમાજશાસ્ત્રી, સાહિત્યકાર, નાટ્યકાર, ફિલ્મ પ્રોડ્યુસર એવા ઈન્દુચાચાને યાદ કરવા માટે ગુજરાતને ફુરસદ નથી. ૮૦ વર્ષની જૈફ વયે ૧૭ જુલાઈ ૧૯૭૨માં તેમનું નિધન થયું. તે ઘટનાને પણ ૫૦ વર્ષો વિતી ગયા છે. નહેરુપુલના નાકે ખભે એક ઝોળો અને બુલંદ આત્મવિશ્વાસના પ્રતિક સમી તેની પ્રતિમા કોની નજરમાં આવે છે ? આ જિંદાદીલ, અલગારી, સાચો ફકીરી માણસ ગાંધીજી જેમ આખી જિંદગી શ્રેય માર્ગે ચાલ્યો. ચણા-મમરા ફાકીને, અમદાવાદમાં રીક્ષામાં ફરતો આ મોટા ગજાનો રાજકીય નેતા એટલો લોકપ્રિય હતો કે અમદાવાદમાં કોઈ રિક્ષાવાળો તેની પાસેથી ભાડુ લેતો ન હતો. ગરીબો, વંચિતો, દલિતોનો ભેરું, જે અદમ્ય ઉત્સાહ અને સમર્પણથી જીવ્યો તેની વાર્તા આજે માન્યામાં ન આવે તેવી છે. હિન્દી સિનેમામાં બાયોપિકનો ટ્ર્‌ેન્ડ ચાલ્યો છે પણ ગુજરાતીમાં ‘અલગારી ઈન્દુચાચા’ની બાયોપિક કોણ બનાવશે ? મહાગુજરાત આંદોલનની વાતમાં ઈન્દુચાચા કેન્દ્રવર્તી છે. મને એ નથી સમજાતું કે ગુજરાતી તરીકે આપણે નગુણા છીએ કે સમયની ક્રૂરતા ભૂતકાળને વિસરાવી દે છે.

મહાગુજરાત ચળવળના શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક નાયક છે તો ખલનાયક કોણ છે તે પ્રશ્ન છે. મુંબઈમાં મુખ્યમંત્રી રહેવાની લાલચે શ્રી મોરારજી દેસાઈએ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના કરાવી તેમાં પંડિત નહેરુની ભૂમિકા પણ સંદિગ્ધ રહી હતી. મહારાષ્ટ્રને મુંબઈ જેવું પંચરંગી શહેર ન સોંપવાની ઈચ્છાને કારણે દ્વિભાષી મુંબઈ રાજ્યનો જન્મ થયો. તેનાથી ગુજરાતીઓ અને મરાઠીઓ સૌ નારાજ થયા પણ સત્તાના મદમાં શ્રી મોરારજીભાઈએ મહાગુજરાત આંદોલનને કડક હાથે કચડી નાખશું તેવો હુંકાર મુંબઈ જઈને કર્યો. અહિં અમદાવાદમાં વિરોધ સરઘર પર ગોળીબાર થયો. ત્યારબાદ ગોળીબાર અને શહિદીનો સિલસીલો ચાલુ રહ્યો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ (તત્કાલિન) શ્રી ઠાકોરભાઈ દેસાઈએ ‘‘ગોળીઓ પર કોઈ સરનામાં નથી હોતા’’ જેવું બીનસંવેદનશીલ વિધાન કરીને બળતામાં ઘી હોમ્યું. મોરારજીભાઈએ ઉપવાસ કરી આંદોલન શાંત પાડવા કોશિષ કરી. તેની સભાનો જનતા કરફ્યુ દ્વારા એવો બહિષ્કાર થયો કે સમગ્ર દેશ આ ઘટનાના સમાચાર જાણી ઉત્તેજિત થયો. ૧લી ઑકટોબર ૧૯૫૬ના રોજ પંડિત નહેરુએ અમદાવાદમાં જાહેર સભા યોજી. તે જ સમયે શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકે સમાંતર સભા યોજી. પંડિત નહેરુ જેવા કરિશ્મા ધરાવતા લોકપ્રિય રાષ્ટ્ર્‌ીય નેતાની સભા ફિક્કી રહી. લોકો મોટી સંખ્યામાં સમાંતર સભામાં ઉમટી પડતા પંડિત નહેરુએ જાહેરમાં દ્વિભાષી રાજ્યની રચનાની ભૂલ સ્વીકારી પણ તા.૧લી નવેમ્બર ૧૯૫૬ થી મુંબઈનું દ્વિભાષી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. મહાગુજરાતની માંગણી સંપૂર્ણ વાજબી હોવા છતાં મોરારજીભાઈ અને કોંગ્રેસી આગેવાનોની હઠના કારણે તેનો અસ્વીકાર થયો.    

Comments

Popular posts from this blog