પહેલી મેનો દિવસ
પ્રવીણ ક. લહેરી
શિયાળાની કડકડતી ઠંડીમાંથી મુક્તિ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થાય તે ઘટના ઉષ્ણ પ્રદેશમાં રહેતાં આપણને અકળામણ કરાવે. જે દેશોમાં ઠંડી ખૂબ વધારે તેના માટે ઉષ્ણમાભર્યા દિવસો એક નવી જ ઉર્જા આપે છે. આ જ કારણે ઈસવીસનની શરુઆત પહેલાં પણ ૧લી મેનો દિવસ ઉત્સવનો દિવસ હતો. યુરોપના અનેક દેશોમાં પહેલી મે ની ઉજવણી આપણી દિવાળી અને તેમની નાતાલની જેમ ઝાકમઝોળ રીતે થતી હતી. વીસમી સદીની શરુઆતથી આ ઋતુ આધારિત દિવસની ઉજવણીનું પ્રચલન ઓછું થયું છે.
૧લી મેને આજે આંતરરાષ્ટ્ર્ીય શ્રમિક દિવસ - લૅબર ડે તરીકે મોટાભાગના દેશોમાં ઉજવાય છે. ૧૮૮૯ના વર્ષમાં પૅરિસમાં યોજાયેલ દ્વિતીય આંતરરાષ્ટ્ર્ીય કામદાર પરિષદે ૧લી મેને ‘શ્રમિક દિન’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ત્યારથી વિશ્વભરના શ્રમિકો આ દિવસ સરઘસો, પ્રવચનો, જાહેર રજા અને વિવિધ સમારંભો યોજીને ઉજવે છે. અમેરિકા અને યુરોપમાં દિવસ દરમિયાન ૮ કલાક કામ કરવા માટે કાયદો કરવાની માંગ સાથે જે ઉગ્ર આંદોલન થયા. અમેરિકામાં હડતાળ પર ઉતરેલા કામદારોના ટોળાંઓ અને પોલીસ અથડામણમાં જે મજૂરો શહિદ થયા અને જે દેખાવકારોને હિંસા માટે જવાબદાર લેખી ફાંસીની સજા થઈ તેની યાદમાં ૧લી મેનો દિવસ શ્રમિકો માટે ૧૮૮૮ થી સમર્પિત છે. આજે વિશ્વમાં સમાજવાદી/સામ્યવાદી વિચારધારાના વળતા પાણી થયા છે પણ અનેક દેશો તેમના શ્રમિક કલ્યાણને મહત્ત્વ આપી ૧લી મેના દિવસની શાનદાર ઉજવણી કરે છે.
બુકર ટી વોશ્ગિંટને કહ્યું છે; ‘‘કઠોર પરિશ્રમ કર્યા વગર કશું મૂલ્યવાન સર્જન થઈ શકતું નથી.’’ મધર ટૅરેસાએ શ્રમનો મહિમા ઉજાગર કરતાં લખ્યું હતું; ‘‘આશ્ચર્ય એ વાતનું નથી કે આપણે કામ કરીએ છીએ પણ એ ચમત્કાર છે કે કામ કરતાં કરતાં આપણે સુખનો અનુભવ કરીએ છીએ.’’ મહાત્મા ગાંધીના મતાનુસાર ‘‘શ્રમ સોનું નથી પણ તેના કરતાં પણ અમૂલ્ય છે.’’ કમનસીબે આપણા દેશની વર્ણ વ્યવસ્થામાં શ્રમનો મહિમા કરવાને બદલે શ્રમ કરતાં લોકોને નિમ્ન ‘શુદ્ર’ કક્ષામાં મૂકી જાતે પોતાના સાથે જ એક વિકૃત, નબળી અને અન્યાયી સમાજ વ્યવસ્થા ગોઠવી છે.
શ્રમિકો અને કિસાનો સંપત્તિના સાચા સર્જકો છે. કમનસીબી એ વાતની છે કે આ બંને વર્ગોનું વર્ષોથી આર્થિક શોષણ થતું આવ્યું છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ બાદ આ મુદ્દે ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. ઔદ્યોગિકરણના કારણે પેદા થયેલી મૂડીની માલિકી એ વ્યક્તિના હાથમાં રહી કે જે નવા શોધાયેલા યંત્રોનો માલિક હતો. તેને પોતાને કશો શારીરિક શ્રમ ન કરે તો પણ ખૂબ વિપૂલ નફો પ્રાપ્ત થતો હતો. આપણામાં લોભવૃત્તિ તો હોય પણ મૂડીવાદ હેઠળ આ વૃત્તિને એટલી બહેકાવવામાં આવે છે કે મૂડી એકત્ર કરતી એ જ જીવનનું એક માત્ર ધ્યેય બની જાય છે. અસીમ લોભના કારણે મૂડીવાદી માલિકની ઈચ્છાપૂર્તિ માટે માનવતાને વિસરી જઈને શ્રમિકો પાસેથી મહત્તમ કામ લેવાની વૃત્તિએ જે અનર્થ સર્જ્યો તેના સામેનો વિરોધ અને કામદારો પણ માણસ છે તેથી તેમના હક્કો નિશ્ચિત કરી સુરક્ષિત કરવા જોઈએ તેવી માંગ સાથે ચાલેલા અનેક આંદોલનનું પ્રતિક એટલે ૧લી મેનો આંતરરાષ્ટ્ર્ીય કામદાર દિવસ - સામાન્ય રીતે લૅબર ડે - શ્રમિક દિવસ તરીકે ઓળખાય છે અને ઉજવાય છે.
યુનાઈટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્ર્ીય શ્રમિક સંગઠ્ઠન (ૈંર્ન્ં)ની સ્થાપના કરવામાં આવી છે. તેનું મુખ્ય કાર્ય શ્રમિકોના હિતોની રક્ષા થાય અને તેના જીવનમાં સુખ-શાંતિ રહે તે પ્રકારના માપદંડો નક્કી કરીને દરેક દેશમાં તેનો અમલ થાય તે જોવાનું છે. શ્રમિકો માટે ઇંગ્લેન્ડના જાણીતા ચિંતક જહૉન રસ્કિને ત્રણ જરૂરિયાતો દર્શાવી છે; ‘‘લોકો પોતાના કામમાં ખુશ રહે તે માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે. શ્રમિક પોતાના કાર્ય માટે સજ્જ હોવો જોઈએ. તેની પાસેથી વધારે પડતું કામ ન લેવું જોઈએ અને કામ કર્યાનો ભાવ સફળતા અને આનંદ આપનારો હોય.’’ બાળમજૂરી પરનો પ્રતિબંધ, દિવસ દરમિયાન ૮ કલાકનું કામ, લઘુત્તમ વેન, પ્રોવિડન્ટ ફંડ (ભવિષ્યનિધી) દ્વારા સલામતી નિવૃત્તિ સમયે મળતા વિવિધ લાભો અને કામની જગ્યાએ ખાસ કરીને કારખાનામાં જાળવવાની બાબતો નિશ્ચિત થતાં શ્રમિકોનો વર્ષો જૂનો સંઘર્ષ સફળ થયો છે. આ લાભો મુખ્યત્વે સંગઠ્ઠિત ક્ષેત્રના શ્રમિકોને મળે છે. આપણા દેશમાં ૭૫ થી ૮૦ ટકા શ્રમિકો અસંગઠ્ઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય તેમને કાયદાએ નક્કી કરેલા લાભો મળતા નથી. ૧૯૯૦ બાદ મૂડીવાદી અર્થવ્યવસ્થાને છૂટો દોર શરુ થતાં રોજગારી જરૂર વધી છે પરંતુ આર્થિક વિકાસના ફળ શ્રમિક વર્ગને મોડેથી અને અલ્પ પ્રમાણમાં પહોંચે છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે કોરોનાએ બેરોજગારી અને ગરીબીમાં વધારો કર્યો છે. તે ઉપરાંત મોંઘવારીનો માર સૌથી ગરીબ લોકો પર વધારે પડે છે. તેની ખરીદશક્તિ ઘટે છે. આજે મહિને કોઈ લાખ રૂપિયા કમાતું હોય તો ૨૦ થી ૨૫ હજાર આવકવેરો ભરે, મકાન ભાડે હોય તો રૂા.૨૦ હજાર જેવું ભાડું ભરે, પાંચથી છ હજાર વીજબીલના અને તેટલી જ રકમ વાહન વ્યવહાર પાછળ ખર્ચાય. બાળકોના અભ્યાસ/ટ્યૂશનના ખર્ચનો આંકડો તો મહિનાના પગાર કરતાં વધારે હોય ત્યારે બચત કરીને ઘરનું ઘર વસાવવાનું તેનું સ્વપ્ન સાકાર થાય તેવી સ્થિતિ મોંઘવારીના કારણ નથી.એન્ડ્રે ગીડ નાનો ચિંતક સાચું કહે છે; ‘‘કઠોર શ્રમ વિના કોઈ ઉત્તમ સર્જન થયું નથી.’’ન્ કમનસીબે આપણા દેશમાં શ્રમની ગરિમા અને તેનાથી વ્યક્તિને થતો ફાયદો આપણે કેમ સમજી શકતા નથી તે એક કોયડો છે.
આપણા ભક્તિયુગના સૌ સંતોએ ભક્તિ સાથે કર્મઠ રહેવાનો બોધ આપ્યો હતો. તેઓએ સાદગી અને ગરીબીનો સ્વેચ્છાએ સ્વીકાર કરીને લોકો સાથે આત્મિયતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. જાણીતા રશિયન સાહિત્યકાર લીઓ ટૉલ્સટોયનો શ્રમ માટેનો આગ્રહ જાણીતો છે. ઉમરાવ પરિવારમાં વૈભવી જીવન માણ્યા બાદ તેને ગરીબોની સ્થિતિ નિહાળી. તેનું સ્પષ્ટ માનવું હતું કે ગરીબો એટલે ગરીબ છે કે કારણ કે સંપન્ન લોકો શ્રમિકોને તેના પરિશ્રમનું સાચું મૂલ્ય ચૂકવતા નથી. તેનું સ્પષ્ટ વિધાન છે; ‘‘ગુલામીની જડ અન્યની મહેનતનું ફળ બળજબરીથી પડાવી લેવામાં છે. એ મહત્ત્વનું નથી કે આ બળજબરી ગુલામ પરની માલિકીના કારણે છે કે શ્રમિકને જે મળવું જોઈએ તે વેતનમાંથી ખોટી રીતે ભાગ પડાવી લેવામાં આવે છે.’’ ટૉલ્સટોય તો ત્યાં સુધી કહે છે; ‘‘હું એક માણસના ખભા પર બેસી તેને ગુંગળાવી મારું છું; સાથે સાથે હું મારી જાતને અને સૌને કહું છું કે તેની આવી કફોડી હાલત માટે હું દિલગીર છું. મારે તેનો બોજો શક્ય તે તમામ રીતે હળવો કરવો છે. પરંતુ હું તેના ખભેથી ઉતરવા તૈયાર નથી.’’ રસ્કિન અને ટૉલ્સટોયના વિચારોએ મહાત્મા ગાંધીને પ્રભાવિત કરેલા તે રીતે અનેક લોકોને પણ તેની ખૂબ ઘેરી અસર થયેલીે.
આપણું બંધારણ શોષણ સામે રક્ષણને મુળભૂત અધિકાર માને છે. ૧લી મેના આંતરરાષ્ટ્ર્ીય મજૂર દિને આપણે વિચાર કરીએ તો આપણા સમાજમાં શ્રમિકો માટે રહેલી અનેક વિકૃતિઓ ધ્યાને આવે છે.
૧. અનેક પ્રયત્નો અને કાયદા બાદ પણ ફટાકડા, કાર્પેટ, કીટલીઓ, પરચૂરણ કામો, અગરબત્તી, દિવાસળી, પેકેજિંગ જેવા કામોમાં બાળમજૂરીના અને ગંભીર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે.
૨. અનુસૂચિત જાતિના મોટાભાગના લોકોને ગ્રામીણ વિસ્તારમાં છૂટક મજૂરી સિવાય કોઈ આધાર નથી. સફાઈ કામદારોમાં એક જ જ્ઞાતિના ૯૦ થી ૯૫ ટકા હોય તે કોઈ અકસ્માત નથી પણ આપણી સામાજિક જડતાનો પૂરાવો છે.
૩. કામ કરતી મહિલાઓને મજૂરી/નોકરી દરમિયાન અપમાનો ભોગવવા પડે છે. પગાર ઓછો મળે છે. જાતીય .શોષણનો ભોગ બને છે. આર્થિક કે સામાજિક સલામતિનો અભાવ છે.
૪. અસંગઠ્ઠિત કામદારોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેને મળતાં લાભો અંગે પણ જે અમલ થાય છે તેમાં શિથીલતા અને ઉપેક્ષા જોવા મળે છે. કોરોનાના કાળમાં ભારતના શ્રમિકોએ જે કષ્ટ વેઠ્યું છે તેનો વિચાર કરીએ તો આપણું માથું શરમથી ઝૂકી જાય છે.
૫. વ્યાપક બેરોજગારી, શ્રમ કરવાની અનિચ્છા અને બેઠાડું જીવન નોકનો આગ્રહ આપણા દેશને આર્થિક મહાસત્તા બનતા રોકે છે. શ્રમિકો અને મૂડીપતિઓ સાથે રહીને યોગ્ય વ્યવસ્થા હેઠળ ઉત્પાદન વધારે તો ચીનનો મુકાબલો કરી શકીએ તેમ છીએ. ભારતે આર્થિક મહાસત્તા બનવું હોય તો શ્રમનો અને શ્રમિકોના મહત્ત્વનો સ્વીકાર કરવો જ રહ્યો. પહેલી મેના દિવસે વિશ્વમાં કાર્લ માર્કસે શ્રમિકોને કરેલા આહ્વાનના શબ્દો સૌના કાનમાં ગુંજે છે; ‘‘શ્રમિકો, ક્રાંતિ કરો, તમારે તમારી જીંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી. આપણા કવિ ઈન્દુલાલ ગાંધીના ‘‘આંધળી માનો કાગળ’’ કાવ્યમાં માર્મિક પંક્તિઓમાં શ્રમિકોના અંતરમનની વ્યથા ઉજાગર કરે છે; આંધળી મા પોતના પુત્ર ગીગુભાઈ નાગજીના નામે લખે છે;
હોટલનું ઝાઝું ખાઈશ મા,
રાખજે ખરચી ખૂટીનું માપ,
દવાદારૂના દોકડા આપણે,
ક્યાંથી કાઢશું બાપ,
કાયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી’’
આમાં એક શાશ્વત સત્ય સંદેશ રજૂ થયો છે. ‘આંતરરાષ્ટ્ર્ીય શ્રમિક દિને આ શ્રમ એ જ સાચી મૂડી છે તેમ સ્વીકારી શ્રમ અને શ્રમિકોનું ગૌરવ કરીએ.
Comments
Post a Comment