સ્વદેશી અપનાવીએ તો કેમ ?
પ્રવીણ ક. લહેરી
આપણા આઝાદી સંગ્રામનું એક મહત્ત્વનું પાસુ બ્રિટીશ માલસામાનનો બહિષ્કાર કરી, વિલાયતી કપડાંઓની હોળી કરીને સામ્રાજ્યવાદીઓ દ્વારા થતું શોષણ રોકવા પ્રયત્નો થયા હતાં. આઝાદી બાદ સમાજવાદી સમાજરચના અને લાયસન્સ કવોટા પરમીટ રાજને કારણે ખૂબ થોડી વસ્તુઓ આયાત કરવાની છૂટ હતી આ ઉપરાંત આયાતી માલના કાળાબજારઅને દાણચોરીના દૂષણો વ્યાપક હતાં. ૧૯૯૦ના વૈશ્વિકરણ-ઉદારીકરણ બાદ આયાતો માટેની નીતિ ઉદાર થઈ, કસ્ટમ ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો થયો અને દેશની હુંડીયામણોની અનામત વધતી ચાલી જેથી વિદેશી વસ્તુઓનો વપરાશ વધ્યો. વિદેશ પ્રવાસો પણ સરળ અને વ્યાપક બન્યા. વૈશ્વિક મંદીના સમયાંતરે આવતાં મોજાઓ વચ્ચે પણ આપણી વિદેશી મુદ્રાની અનામતોને જાળવી રાખી. ભારત આજે અભૂતપૂર્વ વિદેશી મુદ્રા અને સોનું ધરાવે છે. આ બાબત માટે આપણા ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, કારીગરોની જહેમતને યશ આપવો જોઈએ. સરકારે ઉદારીકરણ કરતાંની સાથે જ દેશની આર્થિક ક્ષમતા ઉજાગર થઈ છે. આવી સારી સ્થિતિ વચ્ચે પણ આપણે વિદેશી વ્યાપારમાં મોટી ખાદ્ય ભોગવીએ છીએ. ચીન, અમેરિકા, યુરોપ અને ઑઈલ ઉત્પાદક દેશો સાથેના વ્યાપારની ખાદ્ય ચિંતાજનક છે. અન્ય રાષ્ટ્ર્ો યેનકેન પ્રકારે ભારતની નિકાસ રોકે છે. આ ક્ષેત્રે આપણે અસરકારક પગલાં ભરવાની જરૂર છે.
કોરોનાના સમયમાં જ્યારે વિદેશી વ્યાપાર લગભગ સ્થગિત થઈ ગયો ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ’આત્મનિર્ભર ભારત’ માટે આહ્વાન કર્યું. વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડીને સ્વદેશી અપનાવીએ તો જ આપણે આત્મનિર્ભર બની શકીએ. સિંગાપોર જેવા ટચૂકડા દેશ કે તાઈવાન, દુબઈ આયાત-નિકાસના મહત્ત્વના કેન્દ્રો બનીને પોતાની સમૃદ્ધિ વધારે છે. આત્મનિર્ભરનો અર્થ વૈશ્વિકરણનો ત્યાગ કરવાનો નથી. આત્મનિર્ભર બનવા માટે સંશોધન દ્વારા ટૅકનોલોજીનો વિકાસ, નવા પેટન્ટો, સસ્તા અને ટકાઉ ઉત્પાદનો સાથે વિશ્વની બજારમાં સફળ અને નફાકારક વ્યાપારથી પણ આપણે આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ. આત્મનિર્ભર બનવા માટે સચોટ વ્યૂહરચનાની આવશ્કયતા છે. જાપાન, જર્મનીએ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અર્થતંત્રના વિકાસ માટે જે સંકલિત અભિગમ અપનાવી, ઉદ્યોગ ધંધા માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું તેનો કેસ સ્ટડી કરવા જેવો છે. કમનસીબે આપણા દેશના ઉદ્યોગકારોમાં એકતાનો અભાવ છે. વ્યાપાર-ઉદ્યોગ અને નોકરશાહી વચ્ચે સંકલનના બદલે અવિશ્વાસનું વાતાવરણ છે. સૌનો સંયુક્ત પ્રયાસ થાય અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદેશ વ્યાપાર ખાસ કરીને નિકાસકારો માટે સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા માટે સુવિધાઓ પૂરી પાડે તો આપણે ચીનનો મુકાબલો કરીને કૃષિ તેમજ ઔદ્યોગિક નિકાસ ક્ષેત્રે ખૂબ આગળ વધી શકીએ તેમ છીએ. ઉત્પાદન અને વ્યાપારના અનેક ક્ષેત્રોમાં આપણી સ્પર્ધાત્મક શક્તિ સારી છે. થોડા વ્યવસ્થિત આયોજન, સહયોગ અને સંકલન થાય તો આપણે નિકાસ મારફત વિકાસ કરી શકીએ તેમ છીએ.
તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પરિસ્થિતિમાં જબરજસ્ત પલટો આવ્યો છે. આપણી નિકાસ થતી વસ્તુઓની સંખ્યા અંદાજિત ૭૫૦૦ જેટલી છે. ભારત ૧૯૦ દેશોમાં નિકાસ કરે છે. આ સામે ભારત ૬૦૦૦ જેટલી ચીજોની આયાત ૧૪૦ દેશોમાંથી કરે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારત સરકારને નિકાસના યુએસ ડૉલર ૪૦૦ બિલીયનને પાર કરી વાસ્તવિક નિકાસ ૪૧૭.૮૧ બિલીયન યુ.એસ. ડૉલરની થઈ એ એક વિક્રમજનક સિદ્ધિ છે. જો કે આ સામે આયાતોમાં પણ જંગી વધારો થયો છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આયાતની કુલ કિંમત ૬૧૦.રર બિલીયન યુ.એસ.ડૉલર થઈ છે. નિકાસમાં ૫૪.૧૮ ટકાનો વધારો નોંધાયો છે. આ નાણાંકીય વર્ષમાં વિદેશ વ્યાપારનું ક્ષેત્ર અનેક અનિશ્ચિતતાઓથી ગ્રસ્ત છે. યુક્રેન પર કરેલા આક્રમણથી રશિયા સામે અમેરિકા અને યુરોપના નાટો રાષ્ટ્ર્ોએ કડક આર્થિક પ્રતિબંધો લાધયા છે. આમ છતાં અનેક યુરોપિયન રાષ્ટ્ર્ો લાંબાગાળાના સોદા હેઠળ રશિયા પાસેથી સસ્તા ગૅસ અને ક્રુડ ઑઈલનો પુરવઠો મેળવે છે. ભારતે રશિયા પાસેથી સસ્તા દરે ક્રુડ ઑઈલની આયાત કરતાં અમેરિકા ધુંવાફુવા થયું છે. તેનો દુરાગ્રહ છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઑઈલ કે શસ્ત્ર સરંજામની ખરીદી ન કરવી. ભારતે ખૂબ વિચારપૂર્વક અને દૃઢતાથી અમેરિકી માંગણીને નકારી કાઢી છે. જાપાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને અન્ય દેશોને ઘઉંનો પુરવઠો ભારતે શરું કર્યો છે. આ નિર્ણય માનવતાવાદી ધોરણે કર્યો છે. આર્થિક રીતે નબળા દેશોને લાઈન ઓફ ક્રેડિટ દ્વારા ધિરાણની સવલત આપી છે.
આ નાણાંકીય વર્ષની સૌથી નોંધપાત્ર ઘટના એ ભારત અને ઓસ્ટ્ર્ેલિયા વચ્ચે થયેલ વ્યાપાર કરાર છે. ઓસ્ટ્ર્ેલિયાએ ભારતના આર્થિક મહત્ત્વને પિછાણીને ૬૦૦૦ જેટલા ભારતીય ઉત્પાદનો પરની ઈમ્પોર્ટ ડ્યૂટી સાવ રદ કરી છે. આનાથી ભારત માટે નાનું પણ સમૃદ્ધ ઓસ્ટ્ર્ેલિયન બજાર ખુલ્યું છે. આપણા ઉદ્યોગો અને નિકાસકારોને તે ખૂબ લાભકર્તા રહેશે. આપણી નિકાસ વૃદ્ધિમાં પેટ્ર્ોલિયન પ્રોડક્ટસ (આપણી આયાતના ૪૦ ટકા જેટલો ભાગ આ વસ્તુઓનો છે.) મશીનરી, હસ્તકળા, કાપડ, તૈયાર વસ્ત્રો, ચર્મ ઉદ્યોગની વસ્તુઓનો નોંધપાત્ર ફાળો છે. હિરા અને આભૂષણોની નિકાસ વધી રહી છે. પરંતુ કાચા હિરાના પૂરવઠા માટે આપણે ૧૦૦ ટકા વિદેશી દેશો પર નિર્ભર છીએ. આયાત ક્ષેત્ર આપણા પ્રતિ દુશ્મનાવટ રાખતા ચીનનો હિસ્સો ચિંતાજનક રીેતે વધારે છે. આપણા દવા, રસાયણ, એન્જિનીયરીંગ અને વીજ ઉત્પાદનો માટે ચીન મુખ્ય સપ્લાયર છે. તેના કારણે આપણા અર્થતંત્રમાં ચીનની પક્કડ મજબૂત બનતી જાય છે. આપણે ચીની ઍપ્લીકેશનોને પ્રતિબંધિત જરૂર કરીએ પણ સાથે સાથે ચાવીરૂપ ક્ષેત્રોમાં તેના પર આધારિત રહેવાના બદલે આત્મનિર્ભર થવાનો પ્રયત્ન કરીએ તે ખૂબ જરૂરી છે. પેટ્રોલિયમ પદાર્થો, શસ્ત્ર સરંજામ અને ઉદ્યોગોના કાચા માલ માટે આપણું જે અવલંબન છે તે ક્રમશઃ કેમ ઘટાડવું તે વિચારવાની ઘડી આવી ગઈ છે. નિકાસ વધારવાના પ્રયત્નો સાથે સાથે આયાતી ચીજોના સ્વદેશી વિકલ્પો વિકસાવવાને જેટલી અગ્રતા આપીએ તેટલી ઓછી છે. નોટબંધી, જીએસટી અને કોરોનાની ઘેરી વિપરીત અસરોમાંથી બહાર આવીને અર્થતંત્ર ધબકતું થયું ત્યાં યુક્રેન-રશિયા યુદ્ધે ઘણાં આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલી નાખ્યા છે. આપણી વિદેશનીતિ અને વ્યાપારનીતિ પર આજે ભયંકર દબાણ છે.
અગાઉ આપણે ‘લૂક ઈસ્ટ’ના નારા સાથે દૂર પૂર્વના દેશો જાપાન, દક્ષિણ કોરીયા, ઓસ્ટ્ર્ેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, વિયેટનામ, લાઓસ, કંબોડીયા વગેરે સાથે વેપાર વધારવાનો સંકલ્પ કર્યો હતો. કમનસીબે ઉપરોક્ત દેશોમાંથી એક પણ દેશનો આપણા સાથેનો વિદેશ વ્યાપાર નોંધપાત્ર કહી શકાય તેટલો નથી. આમાંના સમૃદ્ધ રાષ્ટ્ર્ો સાથે આપણે ઓસ્ટ્ર્ેલિયા જેવા વ્યાપાર કરાર કરી શકીએ તો ભારતની ઉત્પાદન ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. વર્તમાન વ્યાપાર ઉદ્યોગ મંત્રીશ્રી પીયૂષ ગોયલે વ્યાપાર-ઉદ્યોગ જગતને એક કુશળ અને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ભારત ૫૦૦ બિલીયન યુ.એસ. ડૉલરની નિકાસ કરી શકે તો દેશમાં રોજગારી અને આવકના પ્રમાણમાં સારો વધારો થશે. આપણો આર્થિક વૃદ્ધિ દર પણ વધશે. યુદ્ધ અને પ્રતિબંધો વચ્ચે કામગીરી કરવી તે નાનો સુનો પડકાર નથી. છેલ્લા થોડા વર્ષોમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) આપણા વિદેશી વ્યાપારમાં મહત્ત્વનું ભાગીદાર બન્યું છે. ઈરાન, ઈરાક સહિતના દેશો અને તુર્કેમિસ્તાન, કર્ઝીગીસ્તાન વગેરે રશિયાના અગાઉ તાબેદાર દેશો સાથે પણ વ્યાપાર વૃદ્ધિની શક્યતા છે.
સૌથી પેચીદો પ્રશ્ન છે યુરોપ અને અમેરિકાની સ્વાર્થી નીતિ-રિતી. આપણા દેશમાં કોઈક પ્રગતિ થાય અને આ વિકસીત દેશો આપણા માર્ગમાં રોડા નાખવાની કામગીરી કરે છે. જો કે આજે ભારત અનેક રીતે મજબૂત સ્થિતિમાં છે. આપણી ઉપેક્ષા કરવી તે કોઈપણ રાષ્ટ્ર્ના હિતમાં નથી. ચીનને ખોળે જઈ બેઠેલા શ્રીલંકાની હાલત બૂરી છે. પાકિસ્તાન પણ અસ્થિર છે. આર્થિક વિકાસની જગ્યાએ પીછેહઠ થઈ રહી છે. માત્ર બાંગ્લાદેશ આજે આપણા માટે વ્યાપાર ક્ષેત્રે હરિફ તરીકે આગળ આવ્યું છે. જો કે તેના મૂડીરોકાણમાં ભારતના રોકાણકારોનો સિંહફાળો છે.
આ વર્ષે અનેક સમસ્યાઓ વચ્ચે પણ આપણે સ્વદેશી ભાવનાને અગ્રતા આપી આયાત પરનું અવલંબન ઘટાડી નિકાસ દ્વારા વિકાસના દ્વાર ખોલીએ તો આપણી ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Comments
Post a Comment