આત્મહત્યા - કારણો અને ઉપાયો
પ્રવીણ ક. લહેરી
આપણી દૃઢ માન્યતા છે કે લખ ચોરાસીના ફેરા બાદ જીવને આ દુર્લભ માનવદેહની પ્રાપ્તિ થાય છે. આપણે આ વાત સ્વીકારીએ કે નહીં તે ગૌણ બાબત છે. મહત્ત્વ એ હકીકતનું છે કે માનવદેહ એક અજાયબીભરી સંરચના છે. માનવજીવન અનેક સંભાવનાઓથી ભરેલું છે. ઈશ્વરે આપેલો આ અનોખો દેહ-શરીર, મન અનેક રીતે અનોખા છે. જીવન સાથે ભલે સુખ દુઃખની સાંકળ અવિભિન્ન રીતે જોડાયેલી હોય પણ જિંદગીની અનુભૂતિઓ, અનુભવો, હૂંફ, પડકારો અને પ્રયત્નોનો સરવાળો કરીએ ત્યારે જિંદગીની મજા અને મસ્તીનો અંદાજ આવે છે. ભારતમાં આજે સરેરાશ આવરદા ૭૦ વર્ષે પહોંચી છે ત્યારે જીવનયાત્રાનો આનંદ સૌ માણી શકે તે માટેની વિપૂલ શક્યતાઓને અવગણીને માણસે પોતાનું જીવન જાતે ટૂંકાવે ત્યારે આપણને સવાલ થાય કે આવું શા માટે બને છે ? આવું ન બને તે માટે આપણે શું કરી શકીએ ? આત્મહત્યાના કારણો અંગે એમ કહી શકાય કે ખાનગી શાહુકારોનું ધીરાણ-બેરોજગારી, બિમારી, પ્રણયત્રિકોણ, પ્રેમમાં નિષ્ફળતા, પરીક્ષામાં નાપાસ થવું, પરિવારમાં કલહ, અપમાનજનક વર્તન, આઘાતજનક ઘટના અને ઘેરી નિરાશા (ડિપ્રેશન). આ ઉપરાંત પણ અનેક પરિબળો જવાબદાર હોય શકે. જે કારણો વ્યક્તિને જીવનનો અંત લાવવા મજબૂર કરે છે તેને ઓળખીને નિવારવાની આપણા સૌની સહિયારી ફરજ છે.
ખાનગી ધીરાણાનો બોજ : ખાનગી શાહુકારો (માફિયા)ની ગેરકાયદે ધીરાણ પ્રવૃત્તિ જેમાં ઉછીના પૈસા લેનાર વ્યક્તિ દેવાની જાળમાં બૂરી રીતે ફસાય જાય છે. ઉધાર લીધેલી રકમની અનેકગણી રકમ પરત કર્યા બાદ પણ મુદ્દલની ચૂકવણી થઈ શકતી નથી અને દેવાદાર સતત ધાકધમકી, દબાણ અને ભય હેઠળ જીવે છે. તેને પોતાની અને પોતાના પરિવારની સલામતિની ચિંતા કોરી ખાય છે. ખાનગી ધીરાણ કરતી ટોળકીઓની લાગવગને કારણે દેવાદારને પોલીસ અને વહીવટીતંત્રનું રક્ષણ મળતું નથી. આના ઉપાય તરીકે સરકારે વિશેષ અલગ વ્યવસ્થા કરીને પીડિત, દેવાદાર અને પરિવારને ન્યાય મળે અને રક્ષણ મળે તે નિશ્ચિત કરવું જરૂરી છે. આપણા દેશમાં કિસાનોની આત્મહત્યાના કિસ્સાઓમાં મહત્તમ જવાબદાર પરિબળ પઠાણી વ્યાજે કરેલું દેવું છે. દેવાના વિષચક્રમાં ફસાયેલી વ્યક્તિઓને તેમાંથી બચાવી લેવા રાષ્ટ્ર્વ્યાપી ઝુંબેશ કરવાનો સમય પાકી ગયો છે.
બેરોજગારી : દેશમાં વસ્તી વધારો, યુવાઓમાં શિક્ષણ બાદની બેકારી, મંદી, કોરોનાના કારણે ગુમાવેલી રોજગારીએ વ્યક્તિને જ નહીં પણ સમગ્ર પરિવારને આત્મહત્યા કરવા મજબૂર કર્યાં છે. બેરોજગારી એટલે કંટાળાજનક ફુરસદ, ચિંતા અને આવકનો અભાવ માનવીને વ્યગ્ર કરી દે તે સ્વાભાવિક છે. આર્થિક વિકાસ થકી નિર્માણ થતી રોજગારી ઉપરાંત ઉપલબ્ધ માનવશક્તિનો મહત્તમ ઉપયોગ કરી દેશના વિકાસના અનેક કામો કરાવીને સૌને ૧૦૦-૧૫૦ દિવસની રોજગારી અને લઘુત્તમ વેતન મળે તેની વ્યવસ્થા થાય તો ગ્રામીણ વિકાસ ઝડપી બને, જમીનની ગુણવત્તા, પાણીનો સંગ્રહ લોકપયોગી સુવિધાના નિર્માણના કામો દ્વારા ‘‘સૌનો સાથ - સૌનો વિકાસ’’ સૂત્ર સાર્થક થઈ શકે. સમાજમાં સુખ શાંતિ માટે બેરોજગારીનું નિવારણ અનિવાર્ય છે.
બિમારી : સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર બાદ બિમારીને કારણે આત્મહત્યાના કેસો વધ્યા છે. લાંબી અને અસાધ્ય બિમારીના કારણે, કંટાળીને, આર્થિક સમસ્યાને કારણે, કંટાળીને આર્થિક સમસ્યાને કારણે અથવા તો બિમારીની પીડા અને ભયથી આપઘાતો થયાની અનેક ઘટનાઓ નોંધાય છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારની ઉપલબ્ધિએ અનેક જીવન બચાવ્યા છે. રસીકરણ, ઓક્સિજન પ્લાન્ટ્સ, કોરોનાને કારણે થતી સમસ્યાના નિરાકરણથી બિમારીને કારણે થતી આત્મહત્યા ઘટાડી શકાય છે. કોરોનાના બીજા મોજામાં જે જાનહાની થઈ તેનાથી આરોગ્ય તંત્રને સુસજ્જ કરવાને સૌ અગ્રતા આપી રહ્યા છે તે આવકાર્ય છે.
પ્રણયત્રિકોણ : દંપતિના જીવનમાં ત્રીજા પાત્રનો પ્રવેશ એક એવો પ્રણયત્રિકોણ રચે છે કે જેનો અંજામ ખૂન કે આત્મહત્યામાં આવ્યાના કિસ્સાઓ આપણે દરરોજ વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. સમાજમાં સ્ત્રી-પુરુષો વચ્ચે મળવા-હળવાના પ્રસંગો વધતા જવાના છે ત્યારે વિજાતીય આકર્ષણની વૃત્તિને અંકુશમાં રાખવા અંગે કિશોરાવસ્થા-યુવાવસ્થામાં યોગ્ય સંસ્કારો આપવાની જરૂર છે. લગ્નસંસ્થામાં આવેલી કમી, પરિવારની ભાવના અંગે બદલાયેલું વલણ અને સહનશક્તિમાં ઘટાડાના કારણે એક ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રણયત્રિકોણના પાત્રોને સમજાવવાનું કાર્ય કઠિન છે. લાગણીની તીવ્રતા ઝનૂન અને ધિક્કારની લાગણીઓના કારણે પ્રણયત્રિકોણમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટે છે.
પ્રેમમાં નિષ્ફળતા : સ્ત્રી-પુરુષ વચ્ચે જે આકર્ષણ પ્રેમમાં પરિણમે છે ત્યારે ધર્મ, ભાષા, જ્ઞાતિના સામાજિક ભેદભાવના કારણે લગ્ન કરવાનું અશક્ય કે મુશ્કેલ બને ત્યારે પ્રેમીઓ સ્વસ્થ ચિત્તે ઉકેલ શોધવાને બદલે આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરે છે. તે રોકવામાં પરિવાર-મિત્રોની ભૂમિકા અહ્મ છે. પરિવારના સભ્યોએ ઉગ્રતા નિવારીને વિશ્વાસ અને સમજણનું વાતાવરણ નિર્માણ થાય તે માટે વધારે અસરકારક કામગીરી કરવાની જરૂર છે.
પરીક્ષાનો ડર : પરીક્ષામાં નાપાસ થવાના કારણે ઠપકા/નિરાશાના કારણે કિશોર-કિશોરીઓ આપઘાત કરે છે. યુવાપેઢીની પરીક્ષાની નિષ્ફળતાને બીનજરૂરી મહત્ત્વ આપીને તેમને મુંઝવવાનો કોઈ મતલબ નથી. આવા સમયે સહાનુભૂતિ, હૈયાધારણ અને હુંફની જરૂર છે.
પરિવારમાં કલહ : આજે પરિવારમાં પ્રેમ અને કાળજીની જગ્યાએ ઉપેક્ષા, સ્વાર્થ અને બેજવાબદારીનું વાતાવરણ વધતું જાય છે ત્યારે આની અસર પરિવારના સંવેદનશીલ સભ્યને વિશેષ થાય છે. પરિવારના વિખવાદને કારણે વરિષ્ઠ નાગરિક, મહિલાઓ અને અમુક કિસ્સામાં બાળકોના આપઘાતના સમાચાર વાંચીએ છીએ ત્યારે ગ્લાનિ અને ચિંતાની લાગણી આપણને ઘેરી વળે છે. પરિવાર એ તો માણસ માટે વિશ્રામ છે. સ્નેહ અને કાળજીથી આત્મવિશ્વાસ વધારે તેવી જગ્યાએ કંકાસના કારણે માનવી દુઃખી બને તે ઘટના સમયમાં આવેલ ફેરફારની નિશાની છે.
અપમાનજનક વર્તન-ઉપેક્ષા : શિક્ષક દ્વારા વિદ્યાર્થીને, માલિક દ્વારા નોકરને, મિત્રો વચ્ચે, પતિ-પત્ની આપસમાં, માતા-પિતા સાથે વિવાદમાં જ્યારે ઉપેક્ષા અને અપમાનનો ભાવ આવે છે ત્યારે વ્યક્તિ નિરાશ-નારાજ થઈને જિંદગી ટૂંકાવે છે. આવા પ્રસંગો ઘટાડવા આપસની સંવાદિતા સર્જાય તે માટે આપણે પરિવાર અને સમાજમાં, શાળા-કૉલેજ, ઑફિસ, કારખાનામાં વર્તણૂક અને વાણી અંગે વિશેષ કાળજી કરવાની જરૂરિયાત છે.
આઘાતજનક ઘટના : પરિવારના સભ્યના આકસ્મિક મરણ સહિત અનેક હાનિકારક ઘટનાના પ્રતિભાવમાં વ્યક્તિનો જીવનમાંથી રસ ઊડી જાય અને તે મોતનો માર્ગ પસંદ કરે ત્યારે સાચી સલાહ, સંવેદના અને સહાનુભૂતિ તેને બચાવવામાં ઉપયોગી થાય છે.
ડિપ્રેશન-સ્ટ્રેસ : આજના યુગનું જીવન ધમાલીયું છે. સૌને અન્ય પાસેથી ખૂબ વધારે અપેક્ષા છે. આના કારણે લગભગ ૨૦ ટકા વ્યક્તિઓ માનસિક બિમારીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. આપણી માનસિક આરોગ્યની સેવાને વિસ્તારવાની અને સુદૃઢ કરવાની જરૂર છે.
આપણે આશા રાખીએ કે કોરોનાકાળની તકલીફોમાંથી બોધ લઈને આપણે આ ક્ષેત્રે નવી પહેલ કરીશું. અંતમાં, દયારામની પંક્તિ; ‘‘જીવ તું ચિંતા શીદને કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ ભલે પ્રારબ્ધવાદી લાગે પણ ઘણો સધિયારો આપે છે.
Comments
Post a Comment