‘‘ગુજરાતમાં ૨ વર્ષમાં ૧૫,૧૪૬ લોકોએ આત્મહત્યા કરી’’
- પ્રવીણ ક. લહેરી
થોડા દિવસો પહેલા આપ સૌએ આ આંકડા વાંચ્યાનું યાદ છે ? આ આંકડાનું પૃથ્થકરણ કરીએ તો ગુજરાતમાં દર વર્ષે ૭૫૫૦ કરતાં વધારે લોકો, દરરોજ ૨૦ વ્યક્તિઓએ સંજોગાધિન પોતાની જિંદગી જાતે ટૂંકાવી મોતને વ્હાલુ કરે છે. આ વિગતો વાંચીને મારું મન વિહ્વળ થઈ ગયું છે. દેશ અને દુનિયામાં પ્રગતિશીલ ગણાતી ગુજરાતી પ્રજા, ગુજરાતની આર્થિક સમૃદ્ધિના આંકડાઓ અને સેવા-સંવેદનાની પરંપરાવાળા ગુજરાતમાં દરરોજ ૨૦ લોકો કેમ આપઘાત કરતા હશેે ? મેં આત્મહત્યાના પ્રશ્નનો ગુગલ પર અભ્યાસ કરવા પ્રયત્ન ક્યો. ગુગુલના આંકડા દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે સાત (૭) લાખથી વધારે આપઘાતના કિસ્સા નોંધાય છે. વિશ્વની ૦.૭૫ (પોણો) ટકો વસ્તી ધરાવતા ગુજરાતનો આત્મહત્યાનો દર વિશ્વની આત્મહત્યાના આંકડા કરતાં વધારે પ્રમાણમાં કેમ હોય શકે ? વર્તમાનપત્રમાં બે વર્ષના ગુન્હાઓના આંકડા સાથે અપાયેલ ૧૫,૧૪૬ આત્મહત્યા તો સરકારી દફતરે નોેધાય હોય તો જ વિધાનસભામાં માહિતી આપવામાં આવી હશે. આ બાબત ચોંકાવનારી છે, ચિંતાજનક છે, ખૂબ ગંભીર છે.
મને મનમાં હતું કે કોઈક વિધાનસભ્ય આવી મહત્ત્વની બાબતે ગૃહમાં અડધો કલાકની ચર્ચા માંગશે. આપણા જનપ્રતિનિધિઓ અને સરકાર મંથન કરીને આવી આત્મહત્યાઓની ઘટના ન થાય તે માટે કશુંક કરશે. વર્તમાન પત્રો અગ્રલેખો દ્વારા આ સમસ્યા અંગે કોઈક વિશ્લેષણ કરશે. સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓમાંથી કોઈક તો આગળ આવી ઉકેલની દિશા ચિંધશે. કમનસીબે ત્રણેક સપ્તાહની રાહ જોઈને મને નિરાશા સાંપડી છે. વ્યક્તિની મજબૂરી કેવી ભીષણ હશે કે તેને જિંદગી અસહ્ય બોજ લાગતી હશે ? તેના મનમાં કેટલો તનાવ, ગ્લાનિ અને દુઃખ હશે ? તેને હૈયાધારણ આપી ટેકો આપનાર કોઈ નહીં હોય ? તેની આત્મહત્યા બાદ પરિવારની શું સ્થિતિ હશે ? શું સમાજ તરીકે આપણે કેમ આ બાબતે ઉપેક્ષા સેવીએ છીએ. આપણે સહિયારા પુરુષાર્થથી મહામૂલું માનવજીવન બચાવવા શું કરી શકીએ ?
હવે દરરોજ વર્તમાનપત્રોમાં આત્મહત્યાના સમાચારો આવતા રહે છે પણ સૌરાષ્ટ્ર્ના સમાચાર અમદાવાદ કે સૂરતમાં પ્રકાશિત નથી થતાં. સૂરત કે અમદાવાદની ઘટનાનો ઉલ્લેખ સૌરાષ્ટ-કચ્છમાં નથી થતો. ટેલીવિઝન સમાચારો ક્યારે કઈ ઘટનાને કેટલું મહત્ત્વ આપશે કે તેની ઉપેક્ષા કરશે તે અંગે કશું કહી શકાય તેમ નથી. શું આ સમસ્યાના નિવારણ માટે આપણે આત્મહત્યાના કારણોની તપાસ કરી જે જે ખામીઓ ધ્યાને આવે તેને દુરસ્ત કરવા પ્રયાસ ન કરી શકીએ ? પ્રશ્નો અગણિત છે. આ અંગેની કાર્યવાહી શૂન્ય છે.
કોરોનાનો કહેર, બેરોજગારી, નોકરી ગુમાવવાની ઘટનાઓ, ખાનગી શાહુકારી કરતા ક્રૂર ધીરાણ કરનારાની ધાક-ધમકી, અપહરણ અને હત્યાના કિસ્સા, પ્રેમમાં નિષ્ફળતા, માનસિક બિમારી, ઠેર ઠેર થતાં અપમાનો, ઘરેલુ હિંસા, વહેમ, અંધશ્રદ્ધા અને પરીક્ષાની નિષ્ફળતા સહિત અનેક કારણો આપણે ધારી શકીએ. શું આ જવાબદાર પરિબળોના નિવારણ માટે કોઈ કશું ન કરી શકે તેટલો આપણો સમાજ હતપ્રભ તો નથી થયો ? ૧૯૩૮માં અમદાવાદમાં દાંડીકૂચ બાદ પ્રથમ વાર અને તેમના જીવનમાં અંતિમવાર અમદાવાદ આવનાર ગાંધીજીએ એચ. જે. લાયબ્રેરી સ્થાપી મ્યુનિસિપાલિટીને સોંપી ત્યારે વિશ્વ વિખ્યાત ઈતિહાસકાર વિલ ડ્રરાં મહાત્માજીને મોડી રાતે ગુજરાત વિદ્યાપીઠમાં મળ્યા. તેમણે પ્રશ્ન કર્યો; ‘‘આપના મતે હિંદુસ્તાનની સૌથી ગંભીર સમસ્યા કઈ છે ?’’ મહાત્માજીએ ન તો ગુલામી, ન તો ગરીબીનો, ન તો અસમાનતાનો કે ન તો શોષણનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું; ‘‘જે રીતે મારા દેશનો શિક્ષિત વર્ગ પાષાણહૃદયી થઈને સંવેદના ગુમાવી રહ્યો છે તેથી મને ભવિષ્યની ચિંતા છે.’’ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગાંધીજી ૮૪ વર્ષ પહેલાં સેવેલી ચિંતા વાસ્તવિક બની તેનું વિકરાળ સ્વરુપ દેખાડી રહી છે ત્યારે આપણી આંખો મીંચાઈ ગઈ છે, કાન બધિર બન્યા છે, હકીકતનો સ્પર્શ ગુમાવ્યો છે અને દિલની ધડકનમાંથી સંવેદનાનો કંપ ગાયબ થઈ ગયો છે. વૈષ્ણવજનની પીડ પરાઈ જાણવાની વૃત્તિ કુંઠિત થઈ ગઈ છે.
વાસ્તવિકતા નિરાશાજનક હોય, પ્રશ્નનો ઉકેલ ન સૂઝતો હોય, મનમાં ચિંતાના ઘનઘોર વાદળો છવાયા હોય ત્યારે કવિવર રવિન્દ્રનાથની પંક્તિઓનું સ્મરણ કરીએ. ‘‘જીવન જખન સૂકાયે જાય, કરૂણા ધારાય એસો; સકલ માધુરી લુકાયે જાય, ગીત સુધા રસે એસો.’’ સૂકાય જાય કરુણ ધારાય એસો.’’ ગ્રામ માતાની શેરડીમાં અચાનક રસ સૂકાય જાય ત્યારે તે કહે છે. ‘‘દયાહીન થયો નૃપ કે રસહીન થઈ ધરા; નહીં તો આવું ન બને.’’ આ સમય છે સ્થિર મને વિચારણા કરવાનો, આપણા અંતરાત્માને ઢંઢોળવાનો, સહચિંતન અને સહિયારા પુરુષાર્થનો. અનેક ક્ષેત્રોમાં અગ્રગામી ગુજરાત માટે અપમૃત્યુ જ નહીં જ થાય તેવો પડકાર ઝીલી લેવાની આપણી ક્ષમતા છે. કોઈને દોષ દેવાનો સમય નથી. જે ગંભીર પરિસ્થિતિ છે તેને ઓળખીને તેમાંથી યોગ્ય માર્ગ શોધવાનો સમય છે. અનેક સંસ્થાઓ ‘હેલ્પ લાઈન’ ચલાવે છે. થોડી સંસ્થાઓ માનસિક બિમારીઓના સમયસર અને વૈજ્ઞાનિક ઈલાજ માટે કાર્યરત છે. કમનસીબે સમસ્યા એટલી બધી વકરી ગઈ છે કે આપણા પ્રયત્નો ઓછા પડે છે. ‘‘આત્મહત્યા અંગે ગુજરાતના થોડા સમાચારોનું અવલોકન કરીએ તો..
(૧) ગુજરાતમાં એક માસમાં ૪ રેસીડન્ટ ડૉકટર્સે આત્મહત્યા કરી.
(૨) ૧૧ જણા સામે નર્સને હેરાનગતિ કરીને આત્મહત્યા માટે મજબૂર કરી.
(૩) ભારત પાકિસ્તાનની ગુજરાત સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાને આત્મહત્યા દ્વારા મોત વહાલું કર્યું.
(૪) જામનગરની સાંકડી ગલીમાં કામલીલા કરતાં પકડાયા બાદ યુવકે ઝેર પીધું.
(૫) ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને તેમના પત્નીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.
(૬) ગુજરાતમાં ઘરેલું ત્રાસના કારણે બે સંતાનો સાથે મહિલાએ આપઘાત કર્યો.
(૭) ગુજરાતની ત્રણ મહિલાઓએ સાથે સંબંધીના ઘરે આપઘાત કર્યો.
(૮) ૧૫ વર્ષના પુત્રના આપઘાત બાદ માતાએ આત્મહત્યા કરી.
(૯) પત્નીના ભેદી સંજોગોમાં થયેલ મૃત્યુ બાદ ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનનો આપઘાત.
આવા સમાચારો દરરોજ વાંચીને આપણી સંવેદનાની સરવાણી સૂકાય ગઈ છે. માત્ર માથાદીઠ આવક કે ઝાકમઝોળ સુવિધા વચ્ચે જ્યારે કરૂણ ઘટનાઓ બને છે ત્યારે આપણને પ્રશ્ન થાય છે - શું સમૃદ્ધિથી જ સુખ મળશે ? આપણા પૂર્વજોને આપણા કરતાં સુખ-સગવડ ઓછા હતાં પણ મનની શાંતિ અને સુખ વધારે હતાં. આપણે વિચારવાનું છે કે શા માટે આવું થાય છે ? આપણી સામાજિક, કૌટુંબિક વ્યવસ્થામાં અને માનસિક આરોગ્ય ક્ષેત્રે સવલતોના અને સમજણના અભાવે દરરોજ ૨૦ થી વધુ માનવજીવનની હાનિ ગુજરાતમાં થતી હોય ત્યારે આપણે જાગવાની જરૂર છે. આપણે જો ખરેખર સમયસર પગલાં નહીં લઈએ તો તેના ખૂબ ગંભીર અને માઠાં પરિણામો આવશે.
આપણે શું કરી શકીએ તે પ્રશ્નનો ઉત્તર અને વિવિધ વિકલ્પોની ચર્ચા આવતા સપ્તાહે કરીશું.
Comments
Post a Comment