કૃષ્ણ પ્રશ્ન-૨
પ્રવીણ ક. લહેરી
શ્રીમદ્ ભગવદ્ ગીતાચ મુળભૂત રીતે આપણા અદ્ભૂત મહાકાવ્ય ‘‘મહાભારત’’નો અંશ છે. કૌરવે-પાંડવના અઢાર ઐક્ષણી સૈન્યોની વચ્ચે મુંઝાયેલા અર્જુનને ધર્મ અને કર્મ, ભક્તિ અને જ્ઞાનની વિવિધ ધારણાઓ સાથે વિષ્ણુના આઠમા અવતાર પૂર્ણ પરમેશ્વર કૃષ્ણે આપેલો ઉપદેશ પ્રવર્તમાન સંજોગોમાં પણ પ્રસ્તુત છે. જીવન માત્ર એક જ આદર્શ મુજબ જીવવું મુશ્કેલ છે. દરેક પરિસ્થિતિ અનોખી હોય છે ત્યારે દ્વિધાના વમળમાં અટવાવા કરતાં વિવેકબુદ્ધિથી સત્ય જાણી તે મુજબ આસક્તિ અને સુખ દુઃખથી લાગણી અતિક્રમી ધ્યેય પ્રાપ્તિ માટે, કર્તવ્ય પાલન માટે કાર્યરત રહેવું. કર્મના દોષના નિવારણ માટે કર્મમાંથી કર્તાભાવ છોડીને તમામ કર્મો કૃષ્ણાર્પણ કરવા. અંતે તો સર્વ શક્તિમાન ઈશ્વરે જે નીયત કર્યું છે તે અનિવાર્યપણે બને છે. આપણે કર્તા છીએ તેવું લાગે પણ હકકીતમાં તો નિમિત્તમાત્ર જ છીએ. આ ઉપદેશમાં ભગવાન પ્રારબ્ધ અને પુરુષાર્થ, ધર્મ અને કર્મ, ભક્તિ અને જ્ઞાન, હિંસા અને અહિંસા, જીવન અને મૃત્યુ એમ જીવનના અનેક દ્વંદોને નિવારી શકાય તે રીતે અર્જુનને સમજાવે છે. આ ઉપદેશના અનેક વિધાનોની યાદ આપણને ડગલે અને પગલે આવે છે.
મહાભારતના રચયિતા શ્રી વેદવ્યાસે કહ્યું છે કે; ‘‘જે મહાભારતમાં નથી તે સંસારમાં ક્યાંય નથી, જે મહાભારતમાં છે તે સર્વત્ર છે’’ એક મહાકાવ્ય તરીકે મહાભારત સર્વગ્રાહી (એન્સાઈકોપીડીયાક) છે. માનવીની પ્રકૃતિ, વિકૃતિ, અહમ્, મોહ, લોભ, કામ, ક્રોધ અને ઈર્ષ્યાના છ માયાવી અવગુણો આપણને સતત ઘેરી રાખે છે. આ ષટ્રિપુનો ભોગ મહાભારતનું દરેક પાત્રમાં, અનેક સમાવિષ્ટ આખ્યાનોની વાર્તાઓમાં સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘કૃષ્ણપક્ષ’ ભગવદ્ ગીતા સાથે મહાભારતની પૃષ્ઠભૂમિને ખૂબ ઝીણવટભરી રીતે તપાસે છે. આપણા એક માન્યતા છે કે વહેમ છે કે મહાભારતનું પુસ્તક ઘરમાં ન રાખવું તેની કથા ન કરવી કે તેના પ્રસંગોનું પુનરાવર્તન ન કરવું. અતિ વિદ્વાન અને કુરુઓમાં શ્રેષ્ઠ અને વરિષ્ઠ એવા વિદુરજી દાસીપુત્ર છે તેથી સત્તાથી વંચિત રહે છે. શાંતનુનો મત્સ્યગંધા માટેનો મોહ અને ભીષ્મની પ્રતિજ્ઞા હસ્તિનાપુરના શાસનને તાકાતવર બનાવે છે પણ ન્યાયની જગ્યાએ દુરાગ્રહોના કારણે એક પછી એક ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ‘કૃષ્ણપ્રશ્ન’ના લેખક વિજય રંચન મહાભારતની ઘટનાઓ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપે છે. અર્જુન કૃષ્ણ પ્રશ્નમાં અંતિમ સમાપન કરે છે ત્યારે કહે છે; ‘‘હે કૃષ્ણ, હું માનું છું. ઘૂંટણે પડીને જીવવું તે સફળ થવા માટેની નિયતી છે. હે કૃષ્ણ, હું માનું છું કે તમે મને પરમ ગૃહ્ય જ્ઞાન મેળવવા માટે પાત્ર ગણ્યો. સાથે સાથે (સૂતપુત્ર) સંજયને પણ તે લાભ મળ્યો. હે કૃષ્ણ મારો અંતિમ પ્રશ્ન છે કે કોઈપણ જ્ઞાન ગોપનીય - ખાનગી કેમ ? જ્ઞાન પર આવરણ નાખવું એ તો સાંસ્કૃતિક અભિશ્રાપ છે. જ્ઞાનની ગોપનીયતાના કારણે સૈકાઓ સુધી સામાજિક અને સાંસ્કૃતિક નૈતિકતા પર ધૃતરાષ્ટ્ર્ીય અંધારું હતું. તેજસ્વી ગાંધારીએ પણ સ્વેચ્છાએ આંખો પર પટ્ટી બાંધી હતી.’’ વરવી વાસ્તવિકતા સ્વીકારી પણ તે માટે ‘‘દેખવું નહીં અને દાઝવું નહીં’’ જેવો પલાયનવાદી માર્ગ અપનાવ્યો. ‘‘હે વિશ્વેશ્વર ! આવી ગાંધારી તમને માત્ર ઘાતક શ્રાપ આપી શકે છે - કોઈને જીવન નહીં. ભારતમાં આ જ્ઞાનની પરંપરાને દેશવટો આપવામાં આવ્યો. અન્યને ગુરુપદે સ્થાપી દાસત્વનો સ્વીકાર કરવો એ સહજ સ્વીકાર્ય બન્યું. જ્ઞાન કદી વ્યક્તિગત મૂડી નથી પણ સાર્વજનિક (સંપત્તિ) છે.’’ લેખક ૭મા અધ્યાય વિજ્ઞાનયોગમાં ‘‘અમ્બા, અમ્બિકા, અમ્બાલિકા’’ ત્રણ બહેનોના અપહરણની ભીષ્મ દ્વારા વીર્યહીન રાજાના વંશને આગળ વધારવા થયેલ નિયોગની અને તેનાથી જન્મતા દાસીપુત્ર વિદુર, અંધ ધૃતરાષ્ટ્ર્ અને પાંડુ રોગથી ગ્રસ્ત પાંડુના જન્મની વિગતોના વર્ણન બાદ પ્રશ્ન પૂછે છે; ‘‘હે ભીષ્મ, જો તમે અપહરણો ન કર્યા હોત તો સંભવ છે કે કુુરુક્ષેત્રનું યુદ્ધ જ ન થયું હોત. રાજ્યના વારસદાર માટે ઋષિ પુત્ર અમ્બિકા, અમ્બાલિકાની ઈચ્છા વિરૂદ્ધ સંભોગ ન જ કરત તો ડરથી બંધ થયેલી આંખોના કારણે અંધ રાજા ઉત્પનન ન જ થયા હોત. ના તો ડરથી કાંપતી પીળા પાન જેવી અમ્બાલિકા થકી રોગગ્રસ્ત રાજસિંહાસનનો દાવેદાર હોત.’’ સ્ત્રી સમાનતાના મુદ્દે આપણે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ વાંચીએ તો ધૃણાની લાગણી થાય છે. આ સાથે મહાભારતનો અમ્બા, અમ્બિકા અને અમ્બાલિકા પર જે વીત્યુ છે તેનાથી તે સમયની માનવતાના મૂલ્યોવિહીન સ્થિતી વિચલિત કરી દે છે. ભીષ્મ પ્રતિજ્ઞા, આજીવન બ્રહ્મચર્યનો આદર્શ સાકાર કરનાર, પિતાને સમર્પિત, શક્તિશાળી, વિદ્ધાન અને ઈચ્છા-મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરનાર મહાકાવ્યની મલિનતાનું પ્રતિક બને છે. માનવતાના આદર્શો મહાભારતના પાત્રો પાળી નથી શકતા પણ ઈચ્છાપૂર્તિ માટે જરૂરી હોય તે કરવાનો કોઈ ક્ષોભ નથી.
લેખક આઠમા અધ્યાયમાં ‘‘તારક બ્રહ્મ યોગ’’માં મહાભારતના પ્રસંગો સાથે ગાઢ રીતે સંકળાયેલા શ્રીકૃષ્ણ અવતારી ઈશ્વર છે. શ્રીકૃષ્ણ સઘળું કરવા માટે સમર્થ છે. શ્રીકૃષ્ણ પોતાની ભૂમિકા એવી રીતે અદા કરે છે કે દ્રૌપદી-પાંડવની રક્ષા થાય પણ અન્ય તમામ ઘટનાઓ નિયતિ પ્રમાણે બનતી રહે છે. પુરુષાર્થની જગ્યાએ નિર્મિત પ્રારબ્ધ જીવનની નૈયા ચલાવે છે. રશ્મિરથી, સુર્યપુત્ર દાનવીર કર્ણનું સારથીપુત્ર હોવાથી અપમાન થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનનો રથ હાંકીને સારથિનું સન્માન કરે છે. શ્રીકૃષ્ણ અનેક રૂઢિભંજક કામો કરે છે પણ તત્કાલિન સામાજિક દોષો જેમાં અન્યાય, શોષણ, જુગાર, કાવતરાં, શ્રાપ, વર્ણભેદ વગેરે દૂર કરવામાં સફળ નથી થતાં. ઈન્દ્રપ્રસ્થ વસાવવા ખાંડવ વનને ઉજાડવાની, બાળી નાખવાની ઘટના આજે વિકાસના નામે પર્યાવરણનો થઈ રહેલો વિનાશ આપણી સમક્ષ ઉજાગર થાય છે. નવમા અધ્યાય ‘રાજ વિદ્યા યોગ’’માં યુધિષ્ઠિર જે ધર્મરાજા છે તેને જ્ઞાન આપવાના બદલે શ્રીકૃષ્ણ અર્જુનને પસંદ કરે છે. યુધિષ્ઠિરના વ્યક્તિત્વ માટે ધર્મરાજાના શબ્દોમાં ‘‘હું ધર્મ છું, યશ, સત્ય, દમ, સરળતા, પવિત્રતા, સ્થિરતા, લજ્જા, દાન અને તપ મારા અંગો છે. સમતા અહિંસા, શાંતિ, કરુણા અને ઈર્ષારહિત ચિત્ત મારા સુધી પહોંચવાના સાધન છે.’’ ભગવદ્ગીતા અને મહાભારત ધર્મનું અનુસરણ કરવા કહે છે પણ તેના પ્રસંગો-આખ્યાનો-પાત્રો ધર્મથી વિરૂદ્ધ મૂલ્યો રજૂ કરે છે.
દસમા અધ્યાય વિભૂતિ યોગમાં લેખક શ્રીકૃષ્ણની સર્વવ્યાપકતાનો સંદર્ભ આપીને જ્ઞાન પણ ઈશ્વર જેમ સર્વત્ર હોય તેમાં જ સાર્થકતા છે. પાંડવોની રક્ષા કાજે વરદાન પ્રાપ્ત બર્બરિકની હત્યા કરીને શ્રીકૃષ્ણે સખા અર્જુન અને પાંડવોને વિજય અપાવ્યો પણ મહાભારતમાં શ્રીકૃષ્ણ માટે રાજનીતિમાં કશું અનૈતિક નથી હોતું તેવી ધારણા સાથે અનેક કર્મો કરે છે. અન્યને તેવા કર્મો કરવા પ્રેરે છે. નૈતિકતા અને સમષ્ટિના હિત વચ્ચેનો ટકરાવ નિવારી શકાતો નથી. અગીયારમો અધ્યાય વિશ્વ સ્વરુપ દર્શન કરાવે છે. શ્રીકૃષ્ણના અલૌકિક, શાશ્વત અને ભયાવહ દર્શન કરનાર અર્જુન પ્રભાવિત થાય છે. ‘કૃષ્ણ પ્રશ્ન’માં અર્જુન કહે છે; ‘‘હે કૃષ્ણ, તમે જાણો છો કે હું તમારા વચનોના કારણે નહીં પરંતુ તમારા સંમોહન હેઠળ નિયતિએ જે નક્કી કર્યું છે તે માટે લડીશ.’’ બારમા અધ્યાયમાં ‘ભક્તિયોગ’ ભક્તોના લક્ષણો વર્ણવે છે. ‘કૃષ્ણ પ્રશ્ન’ આ અધ્યાયમાં ભક્ત શિરોમણી નારદની અનેક પ્રસંગોની ભૂમિકા વર્ણવી કઈ રીતે ભક્ત પણ વિખવાદ અને વિસંવાદનું માધ્યમ બને છે તેનું નિરૂપણ કરે છે. તેરમા અધ્યાય ‘પ્રકૃતિ પુરુષ વિવેક યોગ’’માં શ્રી રંચન જીવનનું હાર્દ શું ? તે પ્રશ્નનની છણાવટ કરતાં ઉત્તર આપે છે કે મુક્તિ ભલે માનવને મોક્ષ અપાવે પણ મોક્ષની સાધના કરતાં લોકકલ્યાણને સમર્પિત જીવન વધારે ધન્ય છે. ચૌદમા અધ્યાયમાં સત્વ, તમસ અને રજોગુણના પ્રભાવ સાથે ‘કૃષ્ણ પ્રશ્ન’ કહે છે; ‘‘આ ગુણો તો નૈસર્ગિક છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ તેનાથી મુક્ત નથી. પંદરમા અધ્યાય પુરુષોત્તમ યોગ જીવનની ક્ષણભંગુરતા અને ઈશ્વરના સર્વવ્યાપીપણાને રજૂ કરે છે. કૃષ્ણ પ્રશ્નમાં તે અધ્યાય ‘સુધન્વા’નો મોક્ષગતિ આપતા શ્રીકૃષ્ણે હકીકતમાં અર્જુનની રક્ષા માટે ‘સુધન્વા’નું જીવન હણી લીધું. કૃષ્ણ પ્રશ્ન કહે છે; ‘‘હે પુરુષોત્તમ, જ્યાં કોઈ પાપ નથી, પૂણ્ય નથી પરંતુ તમારી માયા જ છે. હે કૃષ્ણ આ મહામાયા વિના તમારું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ સમજી શકાતું નથી.’’ સોળમાં અધ્યાયમાં દૈવાસુર સંપત્તિવિભાગ યોગમાં ‘કૃષ્ણ પ્રશ્ન’ શ્રીકૃષ્ણ કઈ રીતે અનેક સમસ્યાઓના ઉકેલ માટે ક્રોધ, કામ, લોભ, પ્રપંચનો સહારો લે છે તેની વિગતો આલેખે છે. સત્તરમાં અધ્યાય ‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’માં ‘કૃષ્ણ પ્રશ્ન’ દ્વારા સાંપ્રત સમાજના અનેક દોષોને નિભાવીને તેનું મહિમા મંડન કરવા સામે સજાગ કરે છે. અઠારમા અને અંતિમ અધ્યાયમાં ‘મોક્ષ સંન્યાસી યોગ’ શિર્ષક હેઠળ કૃષ્ણ પ્રશ્ન ગાંધારી, કર્ણ, સંજય, મહાદેવ, શકુનિ વગેરેની મનોસ્થિતિ અને મંથનને વાચા આપે છે.
જો તમે જાગૃત વિચારક હો, રુઢિભંજક હો, વિવેકબુદ્ધિમાં વિશ્વાસ કરતા હો તો ‘કૃષ્ણ પ્રશ્ન’નું વાંચન તમને નવી દૃષ્ટિ આપશે.
Comments
Post a Comment