નારી જીવનની અજીબ કહાણી

                                                                      - પ્રવીણ ક. લહેરી

     ‘‘ ઔરતને જન્મ દીયા મર્દોકો,

         મર્દોને ઉસે બાઝાર કીયા.’’

સાહિર લુધિયાનવીની આ તીખાં મરચાં જેવી પંક્તિ કડવી વાસ્તવિકા આપણા સમક્ષ મૂકે છે. સ્ત્રીનો જન્મ એટલે ભ્રુણ હત્યામાંથી બચીને જીવનનો પ્રારંભ. એ જીવન એટલે પડકારો,અપમાનો,ઉપેક્ષાઓ,શોષણ,ત્રાસદી,અસલામતિ અને ગુલામીનો પર્યાય. ૮મી માર્ચે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીશું ત્યારે આ સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન કેમ આવે તેની ચિંતા અને ચિંતન કરવાની ઘડી સૂરતની ગ્રીષ્મા, દિલ્હીની નિર્ભયા,જૂનાગઢની ચાંદની કેટલા નામોનું સ્મરણ કરીએ ? વર્તમાનપત્રોમાં નારી યાતનાના થોકબંધ  સમાચારો દરરોજ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું આપણે એક સુસંસ્કૃત સમાજમાં છીએ કે વાસના ભૂખ્યા વરુઓના ટોળામાં. મહિલા દિનની ઉજવણી સમયે આપણે સગવડભર્યા અવતરણો જેવા કે ‘‘જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે’’ રજૂ કરીએ છીએ. આપણી જાતને છેતરવાનો પ્રસંગ ઉત્સવ બની ન શકે. ખૂબ ગંભીર આત્મચિંતનનો અવસર છે. ‘‘ નારી એક સાધન છે. પાપોની ખાણ છે. તેની બુદ્ધિ પગની પાનીએ છે. નારીના હાથમાં પડ્યા તો સત્યાનાશ’’ જેવી માન્યતાઓ સૌના મનમાં એટલી ધરબી ધરબીને ભરેલી છે કે નારી પ્રત્યેનો અભિગમ નથી માનવીય કે નથી ન્યાયપૂર્ણ. નારી સશક્તિકરણ શબ્દ પ્રચલિત છે પણ વાસ્તવમાં તે સાકાર કરવા માટે મહિલાએ જે સંઘર્ષ કરવો પડે છે.. જે વેઠવું પડે છે,જે જતું કરવું પડે છે તેનો સરવાળો કરીએ તો એટલું જ કહી શકાય કે સફળતા માટે નારીએ અકલ્પ્ય કિંમત ચૂકવવી પડે છે.

આ લેખ લખવાનું શરુ કર્યું તે પહેલાં ગુજરાતના જાણીતા લેખિકા,કર્મશીલ સુ. શ્રી રક્ષાબહેન શુકલનું તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક ‘‘વનિતા વિશેષ’’ વાંચવાનો મોકો મળ્યો. સમગ્ર વિશ્વમાંથી ૨૧ મહિલાઓના પ્રેરક જીવનને સંક્ષેપમાં પણ ધારદાર શબ્દો,કાવ્ય અવતરણો,નાના પ્રસંગો દ્વારા રક્ષાબહેને નારી ચેતનાને જાગૃત કરવા,સમાજને દિશા સૂચવવા અને આપણા મનના ઊંડાણમાં રહેલી અનેક ગ્રંથિઓ,પૂર્વગ્રહો અને નકારત્મક અભિગમ છોડવાનો જે સંદેશ આપ્યો છે ‘વનિતા વિશેષ’નું વાંચન સૌને પ્રેરણારૂપ બને તેમ છે.

રામાયણની ઉર્મિલાથી અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસના સંઘર્ષની કથા સાથે ‘સાત પગલાં આકાશમાં’ ના લેખિકા કુંદનિયા કાપડીયા અને સેવા સાદગી અને સફળતાના પ્રતિક સમા સુધા મૂર્તિના જીવનનો ચિતાર આપણને મળે છે. હિન્દી સિનેમામાં ગ્લેમરના પર્યાય સમા આશા પારેખ તો અમેરિકાના સૌંદર્ય સામાજ્ઞી - મેરેલીન મનરો નોબેલ વિજેતા મધર ટેરેસા,મલાલા અને ‘રેવન્યુ સ્ટેમ્પ’ - સ્ત્રીની લઘુતાની સ્થિતિ ઉજાગર કરનારી આત્મકથાની  લેખિકા કવિયત્રી અમૃતા પ્રિતમ અને સાહિત્યકાર કૃષ્ણા સોબતી, પ્રથમ ડૉકટર આનંદીબાઈ જોષી અને અવકાશયાત્રી કલ્પના ચાવલા,ભક્તિમાર્ગની કવિયત્રી રાધાસ્વરૂપ મીરા અને ગાયિકા અલકા યાજ્ઞિક એમ અનેક તેજસ્વી તારલાથી ઝગમગતા વિશ્વનું રક્ષાબહેને એક નાના પુસ્તકમાં નિર્માણ કર્યું છે. આ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તાજેતરમાં અવસાન પામેલા સિંધુતાઈ સપકાલના એક અજીબોગરીબ જીવનની વાત કરવી છે. કોરોનાગ્રસ્ત સ્થિતિમાં સમયના સદુપયોગ માટે જોયેલી કેટલીક ઓન લાઈન ફિલ્મોમાં ‘‘સિંધુતાઈ સપકાલ (૨૦૧૦)નો સમાવેશ છે. રક્ષાબહેન ‘ચિંદીમાંથી ચંદેરી શેલામાં  રૂપાંતર’’ પામેલા  સિંધુતાઈ સપકાલનો પરિચય કરાવે છે. સિંધુતાઈ સપકાલનું જીવન એટલે અસહ્ય,અકથ્ય, અને અકલ્પ્ય જીવનની રૂવાંડા ખડા કરી દે તેવી સંઘર્ષ કથા.

‘ભારતરત્ન’ લતામંગેશકરના નિધન પ્રસંગે આપણને તેમના જીવનની ઘણી જાણીતી-અજાણી ઘટનાઓ અંગે માહિતી મળી. સફળતાના  શિખરે બિરાજતાં લતાજીને એક ઈન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો ‘‘શું આપને જે જીવન મળ્યું છે તે ફરી જીવવાની ઈચ્છા (પુર્નજન્મમાં માનતા હો તો) રાખો ખરાં ?’’ લતાજીએ ભારપૂર્વક કહ્યું  ‘‘ના, બિલકુલ નહીં, મારી આ દેખતી સફળતા, લોકપ્રિયતા અને ધનસંપત્તિ માટે મેં જે કિંમત ચૂકવી છે, જે દુઃખ વેઠ્યું છે, જે અપમાનો સહ્યા છે, જે ત્રાસદાયક સ્થિતિમાંથી પસાર થઈ છું તેથી હું આવી જીંદગી ફરી કદી માગી શકું નહીં.’’ જો લતાજીની આ લાગણી હોય તો જેમના નામો અનામ છે, જેમની ઓળખ મર્યાદિત છે, જેમના દુઃખ-દર્દનો અંત નથી તેવી મહિલાઓ ફરી નારી અવતાર કેમ ઈચ્છે ? આ દેશના સૌથી કચડાયેલા દલિતો અને મહિલાઓની સ્થિતિ પ્રત્યે ધ્યાન દોરવા માટે મહાત્મા ગાંધીએ કહ્યું હતું; ‘‘એક સનાતની હિંદુ તરીકે હું મોક્ષ માટે મથું છું પરંતુ જો મારો પુનઃજન્મ થવાનો હોય તો હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે મને દલિત સ્ત્રીનો જન્મ આપે જેથી હું તેમની પીડાનો જાત અનુભવ કરી શકું.’’ ગાંધીજીએ કહ્યું હતું;  ‘‘પોતાની જાતને ઘસી નાંખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે.’’ અગાઉ ભારતના સેન્ટ્ર્‌લ પ્રોવિન્સ, હાલ વિદર્ભ મહારાષ્ટ્ર્‌ના વર્ધા જિલ્લાના પિંપરી મેઘે ગામમાં પશુપાલક અભિમન્યુ સાઠેને ત્યાં ૧૪મી નવેમ્બર ૧૯૪૮ના રોજ જન્મેલી એક પુત્રી - પુત્રી જન્મથી વગર કારણે દુઃખી માબાપે તેનું નામ રાખ્યું ચિંદી - ફાટેલા કપડાંનો ટૂકડો. સાવ ઉપેક્ષિત, અશિક્ષિત એવી આ છોકરીને ૧૨ વર્ષે તો તેનાથી ૨૦ વર્ષ મોટા શ્રી સપકાલ સાથે પરણાવી નાવરગાંવમાં મોકલી આપી. લગ્નજીવન એટલે શોષણ અને ક્રુરતા સાથેની અવહેલના. આ દુઃખની ચરમસીમા ત્યારે આવી કે સગર્ભા ચિંદીને માર મારી ગમાણમાં પશુઓ સાથે ફેંકી દેવામાં આવી. ત્યાં તેમણે પુત્રીને જન્મ આપ્યો. આ જ તો મોટો અપરાધ માનીને તેને પુત્રી સાથે ત્યજી દેવામાં આવી. પિયરમાં મા એ પણ જાકારો આપ્યો. ૧૦ દિવસની બાળકી સાથે ભૂખી, તરસી, થાકેલી અને નિરાશ ચિંદી માટે માનો, પતિનો કે કોઈ સંબંધ કામમાં ન આવ્યો. આવી પરિસ્થિતિમાં કોઈ વેરાન જમીનમાં અચાનક સરવાણી ફૂટે તેમ તેના કંઠમાંથી ગીત સ્ફૂર્યું. ટ્ર્‌ેનમાં ગીત ગાઈને ભીખ માંગીને થોડા પૈસા મેળવ્યા. ૨૦ વર્ષની યુવાન વય, હાથમાં બાળકી, ભિખારીઓ સાથે ભોજન પણ અસલામતિની તીવ્ર લાગણી. રાત્રે ક્યાં રહેવું ? ચિંદીએ હિંમત કરી. સ્મશાનમાં રાત ગાળવાનું કર્યું. વહેમો, પૂર્વગ્રહોના કારણે નિરાધાર બનેલ સ્ત્રી સ્મશાનમાં રહે પણ તેવી જ ભયપ્રેરક માન્યતાના કારણે રાત્રે કોઈ સ્મશાનમાં જવા હિંમત ન કરે. રાત્રે કોઈ આવી ચડે તો ભૂત-ભૂત કહીને નાસી જાય. એક રાત્રે ચિંદીની વ્યથાની પરાકાષ્ઠા આવી. અંતિમયાત્રાની માટલી અને લોટના લાડુ નજરે પડ્યા. લોટમાં થોડું પાણી નાખી સળગતી ચિત્તાને  ચૂલો કરી લોટ રાંધી ખાધો, બાળકીને ખવડાવ્યો. સાથે મનમાં એક લોખંડી સંકલ્પ જન્મ્યો. ‘‘મારે જીવવું જ છે - મારા માટે નહીં પણ બીજાના માટે’’ આ સંકલ્પે ચિંદીના વ્યક્તિત્વને જ નહી પણ હજારો અનાથના જીવનને ધરમૂળથી બદલી નાખ્યું આ સ્મશાન સંકલ્પ સાથે ચિંદીમાંથી સિંધુતાઈ બનેલી એક મહિલાએ પરિવર્તનના પથ પર મક્કમ કદમો સાથે અનોખી સફરનો આરંભ કર્યો. પોતાને મળતી ભિક્ષામાં દરેક ભૂખ્યાંને ભાગ આપીને જ ભોજન કરતાં સિંધુતાઈ તાઈ, માઈ, મા રૂપે અવતર્યા. રેલ્વે સ્ટેશન પર ભટકતાં અનાથ બાળકોને દત્તક લેવાની શરુઆત સાથે તેનો પરિવાર વિસ્તરતો ગયો. અન્ય બાળકો અને પોતાની પુત્રી વચ્ચે ભેદભાવ ન થઈ જાય તેની કાળજી કરવાં પુત્રીને દગડુ શેઠ અનાથશ્રમમાં પૂણેમાં મૂકી. એક પછી એક ઘટનાઓનો સિલસિલો ચાલતો રહ્યો. અમરાવતી જિલ્લામાં ટાઈગર પ્રોજેક્ટ હેઠળ ૮૪ ગામના આદિવાસીઓ નિરાશ્રીત થતાં તેમના વસવાટ-રોજગારી માટે સિંધુતાઈ લડ્યા. મહારાષ્ટ્ર્‌ના વનમંત્રી હોય કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હોય, સિંધુતાઈએ આદિવાસીઓ માટે રજૂઆતો કરીને તેમના સામાજિક હક્કો અપાવ્યા. એક કર્મશીલ સામાજિક કાર્યકર તરીકેની ઓળખ સ્થાપિત થતાં તેમણે અનાથ આશ્રમો શરુ કર્યાં. તેમણે ૧૫૦૦ અનાથોને આશરો આપી ભરણપોષણ કરી, શિક્ષિત કરી નવું જીવન લક્ષ્યું. ૩૮૨ જમાઈઓ, ૪૯ પુત્રવધૂઓ અને અનેક પોતા-પોતી સાથે તેના વિશાળ પરિવારની આ ‘મા’ને ૭૦૦ થી વધુ સન્માનો મળ્યા. દેશ-વિદેશોમાંથી દાન મળ્યા અને ૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે વર્તમાન યુગની એક અનોખી પ્રતિભા અદૃશ્ય થઈ. તેનું જીવન એટલે મહિલાની મુસીબતોની ઊંડી ખાઈમાંથી સેવા અને માનવતાના મૂલ્યોના શિખર સુધી પહોંચવાની સફર. જે નિષ્ઠુર પતિએ તેને ત્યજી દીધી હતી તે શ્રી હરિ સપકાલનો સમય બદલાયો ત્યારે પોતાના આશ્રમમાં પ્રેમથી આશ્રય આપી ‘‘અહીં હું કહું તેમ રહેવાનું’’ કહીને સિંધુતાઈએ મહિલા સશક્તિકરણનો જ નહીં પણ કરુણાનો સાર્થક પરિચય કરાવી આપ્યો. એક જર્મન કહેવત ‘‘તમારી સંકલ્પશક્તિના માલિક બનો પણ તમારા અંતરાત્માના દાસ’’ અંતમાં સહજાનંદ સ્વામીની શિખામણ; ‘‘તિલક કરવાથી કે કંઠી પહેરવાથી ધાર્મિક થઈ શકાતું નથી. પ્રેમ, દયા, સેવાની ભાવના વિનાના આચરણને ધાર્મિકતા કહી ન શકાય.’’ તે સાથે હરદ્વાર ગોસ્વામીને પંક્તિઓ; ‘‘બીજા માટે જીવવું ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાજ તો સમય લખે ઈતિહાસ.’’

Comments

Popular posts from this blog