કૃષ્ણ પ્રશ્ન
પ્રવીણ ક. લહેરી
દેશના વહીવટમાં યોગ્યતાવાળી વ્યક્તિઓ પસંદ થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ભરતી કરવાની પ્રથાનો ઈતિહાસ લાંબો અને ભાતીગળ છે. ગુજરાતી ભાષાના ઈતિહાસમાં ફોર્બસ નામના અધિકારીનું નામ ખૂબ આદરથી લેવાય છે. અવાર્ચીન સમયમાં કવિશ્રી દલપતરામના સહયોગથી આપણી માતૃભાષાને ખીલવવા માટે તેમણે કરેલું પ્રદાન એક પાયાના કાર્ય તરીકે યાદ કરીએ છીએ. તાજેતરમાં મારા વરિષ્ઠ સાથી, સ્નેહી મિત્ર શ્રી વિજય રંચનના ‘કૃષ્ણ પ્રશ્ન’ હિન્દીમાં વિમોચન કરવાના પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો. વહીવટી અધિકારી તરીકે શ્રી વિજય રંજનની ખ્યાતિ ૧૯૭૨-૭૩માં સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગઈ હતી. ત્યારના મહેમાન નિયંત્રણ ધારા હેઠળ તેમણે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતની મિટીંગમાં અનાજ આધારિત નાસ્તો પીરસવાની કાયદાકીય મનાઈ હોવા છતાં ચેવડો અપાયો ત્યારે જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે જાતે ફરિયાદ નોંધાવીને કાયદાના શાસનનો સાચો અર્થ સમજાવ્યો ત્યારે ‘ચપટી ચેવડાવાળા રંચન સાહેબ’ તરીકે તે ખાસ્સા વિવાદમાં રહ્યા હતાં. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઘનશ્યામ ઓઝાએ તેમની કાયદા પાલનની હિંમતને બિરદાવી ટેકો આપ્યો હતો. શ્રી રસિકલાલ પરીખ (સૌરાષ્ટ્ર્ના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી ચીમનલાલ પટેલે (તત્કાલિન મંત્રી) આ મુદ્દાને મહત્ત્વ આપી શ્રી ઘનશ્યામભાઈની સરકારનો અલ્પ આયૂષી અંત લાવવામાં નિમિત્ત બનાવ્યો. સમગ્ર કારકિર્દીમાં કાયદા અને નિયમોના પાલનમાં જેમની પ્રતિબદ્ધતા અને દરેક કાર્ય સમજી-વિચારી ઉમંગથી કરવા માટે તે જાણીતા રહ્યા. આજે સરકારી તંત્ર અંગેના સમાચારો વાંચીએ ત્યારે ગ્લાનિ થાય છે. સરદાર પટેલે સ્થાપેલ અખિલ ભારતીય સેવાઓનું મજબૂત માળખું ઢીલું પડતું જાય છે. અનેક સરકારી અધિકારીઓ પાસેથી અઢળક ધન મળી આવે છે. કૌભાંડો, ખંડણી, બીનકાર્યક્ષમતા, સંવેદનશીલતાના અભાવના અનેક પ્રકરણો ઉજાગર થાય છે ત્યારે સ્વરાજ થકી સુશાસનનું સ્વપ્ન ખરેખર સાકાર થશે કે કેમ ? તે પ્રશ્ન મુંઝવણભર્યો છે.
શ્રી વિજય રંચન સરકારી અધિકારી હોવા સાથે સાથે એક અભ્યાસુ, વિચારક અને ઉત્તમ લેખક છે. ભારતીય સિનેમાનો ઈતિહાસ હોય કે સંગીત, ભારતીય કલા હોય કે ધર્મની બાબત, શ્રી રંચન પાસે જ્ઞાન અને ડહાપણનો ભંડાર છે. છેલ્લા થોડાં વર્ષોથી તેમના આ ખજાનામાંથી થોડા રત્નો બહાર આવતા જાય છે. તેમના અમુક લખાણો ગ્રંથસ્થ થતાં પહેલાં દૈનિકમાં કોલમ સ્વરુપે પ્રકાશિત થયા હતાં. તેમનું તાજેતરનું પ્રકાશન ‘કૃષ્ણ પ્રશ્ન’ શિર્ષકથી શરુ કરીને અંત સુધી કવિ દિનકરની યાદ અપાવે તેવી ધારાપ્રવાહ હિન્દીમાં શ્રીમદ્ ભગવદ્ગીતાને તદ્દન મૌલિક રીતે મૂલવે છે. ગીતા પર તો અનેક ભાષ્યો ટીકાઓ લખાય છે પરંતુ ગીતા એક એવો ગ્રંથ છે કે જે જ્ઞાનનો સમુદ્ર છે. શ્રી વિજય રંચન પ્રસ્તાવના - પ્રવેશની શરુઆતમાં એક વિસ્તૃત વિધાન કરે છે.
‘‘શ્રીમદ્ ભગવત્ ગીતાના નામમાત્રથી દરેક હિંદુ નતમસ્તક થાય છે. ગીતા આપણા સ્વભાવ, લોકાચાર, જાતીય સંસ્કાર અને આદર્શ વિચારો માટે અતિ પ્રભાવશાળી છે. કર્મમાં અનાસક્ત ભાવ, યોગ્ય પુનર્જન્મ માટે સદ્કર્મોનો સંચય અને અંતમાં મોક્ષ થકી કર્મના બંધનમાંથી મુક્તિ (કાર્ય-કારણ કાર્ય શ્રૃંખલાનો સિદ્ધાંત ગૌણ છે) એ હિંદુ ચેતનામાં સર્વોપરી છે. વૈદિક અને ઉપનિષદનું સત્વ અને તત્વ અને ષટ્ (છ) દર્શનોની જ્ઞાન-મિમાંસાના કારણે ગીતાનું સ્થાન લગભગ શ્રૂતિ સમાન છે.’’ તેમના મતે ગીતાએ ભગવાન કૃષ્ણની પ્રગટ વાણી છે. સાથે સાથે આપણે શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ અવતાર માનીએ છીએ. તેમની વાણી મુખ્યત્વે અર્જુનના પ્રશ્નો અને શંકાના નિવારણ માટે જે રીતે વહે છે તે આપણા હૃદયને સ્પર્શી જાય છે. ગીતા મહાભારતનો ભાગ છે. શ્રી રંચન નિયોગ, વર્ણવ્યવસ્થા, છળકપટના અગણિત પ્રસંગો, વચનભંગ, પરશુરામની ક્ષત્રિયો વિહોણી પૃથ્વી કરવાનું અભિયાન એમ અનેક પ્રસંગોના ઔચિત્ય પર પ્રશ્નચિહ્ન મૂકે છે. અર્જુનને પ્રેરિત કરવાની પ્રક્રીયામાં ભગવાન શ્રીકૃષ્ણ તત્કાલિન સમાજની અનેક બદીઓ, મર્યાદાને વાજબી ઠેરવતા હોય તો આજના સંદર્ભમાં તે ઉચિત નથી. કોઈપણ જ્ઞાનમાંથી પ્રવાહિતા અને પરિવર્તન અદૃશ્ય થાય તો તે જ્ઞાન સત્યથી વેગળું થાય. શ્રી રંચન તે અંગે કૃષ્ણને પ્રશ્ન કરે છે તે મૂળભાવના સમજાય તે માટે હિન્દીમાં ‘‘મુઝે ડર હૈ કૃષ્ણ ! તુમ એક સાંપ્રદાયિક ધર્મ કે કિન્હી હઠધર્મિતા કો દાર્શનિક ધરાતલ પ્રદાન કર રહે હો. પ્રત્યેક પ્રકારની હઠધાર્મિકતા આત્મઘાતી હૈ. મનુષ્યની અસ્મિતા કો હીન કરતી હૈ. અસ્તિત્વ પર પ્રશ્નચિહ્ન લગાકર, શસ્ત્ર ઔચિત્ય કો કર્મ ઔર જ્ઞાનકો શાસ્ત્ર અનુમોદિત ધાર્મિક અનુષ્ઠાન બના કર.’’ વ્યક્તિ કે પુસ્તક પ્રતિ આદર હોય શકે પણ તેનું બુદ્ધિગમ્ય મૂલ્યાંકન, સમષ્ટિના હિત અને લોકકલ્યાણને વિસરીને માત્રને માત્ર શબ્દોને સત્ય માની લેવાની ભૂલ કરતાં તમામ ધર્મોને અરીસો દેખાડતું આ પુસ્તક વિવેકબુદ્ધિને ઢંઢોળીને જાગૃત કરવામાં ઉપયોગી છે. ગીતાના અઢારે અધ્યાયના શિર્ષકો યથાતથા રાખીને શ્રી રંચન તેની મિમાંસા એક ભિન્ન દૃષ્ટિકોણથી કરે છે.
વિષાદયોગના પ્રથમ અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણને અનેક પૂર્વપ્રસંગોની યાદ આપી કહે છે; ‘‘મારો વિષાદ સકારણ છે. હત્યાઓ કરીને સુખ મળે તે ભાવના જ પાયામાંથી અસત્ય છે. ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગના સત્ત્વ, રજસ-તમસ પ્રકૃત્તિની વૃત્તિઓ બાબત અર્જુન શ્રીકૃષ્ણને તેના અવતારોનો સંદર્ભ આપીને જે જે કાર્યો માયાના આવરણ નીચે કર્યાં છે. તેની યર્થાથતા અંગે પ્રશ્ન કરે છે. અર્જુન પોતાનો ભિન્ન મત દર્શાવતા કહે છે; ‘‘સંકટ સમયે ભ્રમણા વધે છે પણ હે કૃષ્ણ, આ ભ્રમ તારી માયાથી ઓછો કષ્ટદાયક છે.’’ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગમાં ધર્મ અનુસાર કર્મ કરવાના મુદ્દે અર્જુન સૂતપુત્ર સંજયને ઉદ્દેશીને કહે છે; ‘‘પોતાની જાતિ અને કર્મ ભૂલીને તું રાજનાયક બની ગયો છે. દિવ્યદૃષ્ટિ અને સર્વજ્ઞાની બન્યો છે. રાજનાયકો સત્યના આધારે નહીં પણ સમય સુવિધા મુજબ વર્તે છે. રાજ્યસત્તા વર્તમાન માળખાની રખેવાળ છે નહીં કે સત્યની સંરક્ષક.’’ કૃષ્ણ પ્રશ્નનો અર્જુન આગળ વધીને કહે છે; ‘‘કેશવ, તમે વારંવાર કહો છો, તમામ કર્મો તમને અર્પણ કરી આશાવિહીન, મમતાવિહીન, સંશયવિહીન થઈને હું યુદ્ધ કરું. હે કેશવ, હું મારા કાર્યો માટે જવાબદાર છું. .........હું ફરી કહું છું મારું કર્મ મારી જવાબદારી છે તે હું તમારા પર છોડી ન શકું.’’ ચર્તુથ અધ્યાય જ્ઞાનયોગમાં અર્જુન સંજયને પ્રશ્ન કરે છે. ‘‘જો મંત્ર લોકકલ્યાણકારી હોય તો તેને શા માટે ગુપ્ત રાખવો ?’’ અર્જુન ફરી શ્રીકૃષ્ણને કહે છે; ‘‘યોગેશ્વર, તમે કહો છો કે તમારી જ્ઞાનરૂપી નૌકામાં બેસીને હું સર્વ પાપોથી મુક્ત થઈ જઈશ. ના, હું તો મારા પાપનું ફળ ભોગવી લઈશ. સારા-નરસા કર્મોના ફળને ભોગવવા તે જ જીવન છે. જીવન જીવવાની પ્રક્રીયા જ મુક્તિ છે.’’ અર્જુનનો વિષાદ હવે આક્રોશભરી અસહમતિનું રૂપ ધારણ કરે છે. તે કહે છે; ‘‘કૃષ્ણ સાંભળો, હું આ જન્મમાં તમારી યાદોને તાજી કરીને શું કરું ? સ્નેહીઓ પર તીર ચલાવવામાં ધર્મ ન હોય કે, છળકપટથી ગુરુને મારવામાં ધર્મ ન હોય કે, વ્યક્તિને ગદાથી કચડી દેવામાં ધર્મ ન હોય શકે. કૃષ્ણ, હું તમને કહું છું વ્યક્તિનું સન્માન એ જ ધર્મ છે.’’
પાંચમા અધ્યાય સંન્યાસ યોગમાં અર્જુન પોતાનો પક્ષ રજૂ કરતાં કૃષ્ણે પ્રબોધેલા આદર્શોને બદલે પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે. અર્જુન કહે છે; ‘‘વિદ્યા, વિનય, સંપન્ન, બ્રાહ્મણ દરેકમાં ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારે છે. સમાજની વર્ણવ્યવસ્થાને કારણે તડીપાર થયેલા મનુષ્યોને પણ જ્ઞાનનો અધિકાર છે તે સૌને પ્રાપ્ત થવો જોઈએ. સૌ સમાન છે, સૌ એક થી એક કરતાં ચઢીયાતા (મહાન) છે. મારે ત્રૂટિપૂર્ણ રહેવું છે, સંપૂર્ણ વ્યક્તિ તો દેવતા હોય અને દેવતાઓમાં કોઈ મિત્ર નથી હોતા. મને મારી પૂજા નહીં પ્યાર જોઈએ છે. મારા ભૌતિક સુખ-દુઃખ (ભલે ક્ષણિક હોય) પણ તેનાથી વંચિત રહેવું નથી. શાશ્વત સુખની લાલચમાં હું તમારી સાથે નથી.’’ છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગમાં ભીષ્મ અર્જુન યુદ્ધમાં અર્જુનને બચાવવા માટે તત્પર બનેલા કૃષ્ણનું વર્ણન શ્રી રંચનના શબ્દોમાં જોઈએ;
‘‘મૃત્યુ કો શહાદત કે નામ દેનેસે પરિવાર કી પીડા કમ નહીં હોતી, ના હી મિટતા હૈ, મૃત્યુ કા નગ્ન તથ્ય, .....ગંગાકા પુત્ર ભીષ્મ ભી થા ઈતના ચિત્રવત્, યુદ્ધસ્થલીમેં જબ અર્જુન કો બચાને કૃષ્ણ સ્વયમ્ દૌડે થે. પાર્થસારથી ભૂલ ગએ થે અપના શસ્ત્ર ન ઉઠાને કા પણ, ‘‘ભગવાન’’ કો અપની ઓર આને દેખ, સુદર્શનચક્ર, ગદા, ખડગ્, સારંગ, ધનુષ સુસજ્જિત ઉનકે યોદ્ધા સ્વરુપ ધ્યાનમેં ભીષ્મ ભી હો ગયે ધન્ય.’’
કૃષ્ણપક્ષમાં અર્જુનનો વિષાદ ઘટતો નથી પણ તે વધારે ઘેરો બને છે. અર્જુન કહે છે; ગાંડીવ મારા માટે ખૂબ ભારે છે. તમે મને આજે તમે મને એક ભયંકર નરસંહાર અને નર્કના દ્વારે જવા જેવા અપરાધ માટે પ્રેરો છો.....કૃષ્ણ, તમારી સમાધીનું આભામંડળ કેટલું પ્રકાશમય ભલે હોય પરંતુ ચિત્ત-વૃત્તિની નિરંતરતા ધ્યાન છે. આ ચેતનાના પ્રવાહના ગતિનું વિશેષ સ્વરુપ હું છું.’’ કૃષ્ણ પ્રશ્ન આપણને એક નવા અર્જુનની ઓળખાણ કરાવે છે. ગીતાના વિધાનો સૌ પવિત્ર માને છે પણ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરા મુજબ શ્રી રંચને તેનો પ્રતિપક્ષ ખૂબ તાર્કિક રીતે અને લયબદ્ધ રીતે કર્યા છે.
Comments
Post a Comment