મૈત્રીભાવનું ઝરણું

                                                                                                          પ્રવીણ ક. લહેરી

મુનિશ્રી ચિત્રભાનુની ખૂબ લોકપ્રિય રચના ‘‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ જીવનમાં વહ્યાં કરો, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહ’’

જીવનમાં દરેક સંબંધોનું આગવું મહત્ત્વ હોય છે. સંબંધો જન્મ, પરિવાર, લગ્ન દ્વારા બંધાય છે. આપણે ત્યાં સંબંધોની ઓળખ પશ્ચિમ કરતાં અલગ છે. તેમના માટે મામા, માસા, ફૂઆ કે કાકાનો ભેદ નથી. સૌને માટે ‘અંકલ’ શબ્દનો વપરાશ તે જ રીતે ’આન્ટી’ શબ્દમાં કાકી, ફઈ, માસી, મામી એમ ચાર સંબંધો સમાય જાય છે. લગ્ન સંબંધમાં સૌને ‘ઈન લો’નું સંબોધન સામાજિક રીતે કેટલું નિરસ લાગે છે જેમ કવિ સુંદરમ્‌ે કહ્યું છે તેમ; ‘‘સ્નેહની કડી, સૌ સંબંધોમાં વડી’’ છે. સ્નેહ-પ્રેમ એ તો અદ્‌ભૂત લાગણી છે, એ ભાવની અનુભૂતિ અંગે અનેક કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ લખાય છે પણ હકીકતમાં આ ઉર્મિનું વર્ણન શબ્દો નથી કરી શકતાં, આંખ, ચહેરો તે દર્શાવે છે. સમગ્ર શરીરને, મનને ખૂબ સુખદ અનુભવ એ પ્રેમની નિશાની ગણી શકાય. મૈત્રી એ તમામ સંબંધોમાં એટલે વિશિષ્ટ છે કે તેમાં જન્મ, લગ્ન કે પરિવાર નહીં પણ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનું ભાવનાત્મક જોડાણ છે. આપણે ત્યાં શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનું શ્રીમદ્‌ ભાગવત્‌માં સુંદર વર્ણન છે. આપણા મહાકવિ પ્રેમાનંદ જે સુદામા આખ્યાન લખ્યું છે તે કદાચ મિત્રતાના ભાવ-નિરુપણનો અનોખો દસ્તાવેજ છે. મિત્રતા દિવસ (ફ્રેન્ડશીપ ડે)ના દિવસે કાંડે લાલ પટ્ટી બાંધવા કરતાં સુદામા આખ્યાનનું સંગીતમય ગાન સાંભળીએ તો કેવું સારું ?

હું અંગત રીતે સંબંધોની બાબતમાં ખૂબ સદ્‌ભાગી છું. મારી ૭૭ વર્ષની સફરમાં મને અગણિત લોકોનો પ્રેમ-આદર મળ્યા છે. જેમના સ્મરણ માત્રથી આનંદની હેલી વરસે તેવી મિત્રતાની મોજ મળતી રહે છે. ઈશ્વરની પાસે પ્રાર્થના કરું છું. પ્રાર્થના સમયે માંગવું કે નહીં, માગવું તો શું માંગવું જેવા પ્રશ્નોની ચિંતા કર્યા વિના પ્રભુ આપણને મિત્રોનો સાથ સદાય આપે તેવી માંગણીમાં કશું અનુચિત નથી. મારી દસ વર્ષની ઉંમરે ૧૯૫૪-૫૫, ૧૯૫૫-૫૬માં મારા વતન રાજુલાની શાળા બંધ પડતાં હું નજીક મોસાળ જાફરાબાદમાં ભણવા ગયો. આ સમયમાં જાણીતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટ પણ જાફરાબાદમાં ભણ્યા હતાં પણ તેમની ઓળખ થઈ ન હતી. ૧૯૫૬-૫૭ના શૈક્ષણિક વર્ષમાં વતન રાજુલામાં હાઈસ્કૂલ શરું થતાં ૭મું ધોરણ ભણવા ત્યાં પરત આવ્યો. ત્રીસેક વિદ્યાર્થીના વર્ગમાં સૌ સાથે મિત્રતાનો જે માહોલ હતો તે સમયે જે ધીંગામસ્તી કરતા હતાં, ઝઘડતાં હતાં, સાથે શાળાએ જતાં આવતા કે ગામમાં ઉપદ્રવ કરવામાં અમારો વર્ગ કાંઈક વિશેષ હતો. નામોની યાદી તો લાંબી છે પણ સૌને ટૂંકા નામે બોલાવવાની પ્રથામાં કેટલી આત્મિયતા હતી ! શાંતિલાલ (શાન્તિ) કનુભારથી (કનુ), રમણિક (રમુ), જયંતિલાલ (જેન્તી), પ્રતાપ (પતુ), ધીરજલાલ (ધીરુ), ભૂપત, મગન, હર્ષદ જેવાને પૂરા નામથી બોલાવીએ તો નટવરને નટુ જ નહીં પણ સનો કહીને કેમ બોલાવતા હતાં તેનું કારણ આજે પણ ગોત્યુ જડતું નથી. ૧૯૫૭ થી ૨૦૨૨ના ૬પ વર્ષ સુધીના રાજુલાના આ મિત્રોમાંથી અમુકની ગેરહાજરી થઈ છે. બાકી તો રાજુલાના જીવનને રંગેચંગે બનાવવામાં આ મિત્રોની જિંદાદિલી અને લાગણીએ ખૂબ પ્રદાન કર્યું છે.

આ સૌમાં મારી શાંતિલાલ રતિલાલ રાજ્યગુરુ સાથેની મિત્રતા (મિકેનીકલ એન્જિનીયરમાં બી.ઈ., અમદાવાદની એલ. ડી. એન્જિનીયરીંગમાં ૧૯૬૬માં અનેરી છે. રાજુલા નજીકના લુણસાપુરનો (મીઠાવાળું ગામ) તેનો વતની. તેનો સંયુક્ત પરિવાર - બાપા અને મોટાબાપાનો સહિયારો ધંધો રાજુલાના હવેલી ચોકની દુકાનમાં પણ તે જમાના મુજબ આવકો ખૂબ ટુંકી. કુટુંબના સભ્યોની સંખ્યા મોટી. દરેક બાબતમાં કરકસર અનિવાર્ય. સાતમા ધોરણથી અગીયારમાં ધોરણ સુધી પાંચ વર્ષ અમે સાથે ભણ્યા. તેના ઘરમાં અભ્યાસ માટે સાનુકૂળતા નહીં અને મારે રાત્રે મારા પિતાશ્રીના બે વૃદ્ધ મામીને ત્યાં રહેવું જરૂરી. મેં મિત્ર તરીકે શાંતિલાલને મારા સાથે રહી રાત્રે થોડો અભ્યાસ-હોમવર્ક સાથે કરવાનું સૂચવ્યું. આમ દિવસના ૨૪ કલાકોમાંથી લગભગ ૨૦ કલાક સાથે રહેવાનું થયું. શાંતિલાલનું જીવન એટલે સંઘર્ષનું મહાકાવ્ય. ૧૯૬૧માં રાજુલા હાઈસ્કૂલમાંથી ૭૨ ટકા સાથે પ્રથમ નંબરે મેટ્રિકમાં પાસ થયો પણ મોટાબાપાની આજ્ઞા; ‘‘હવે બહુ ભણી લીધું. ઘરમાં ખૂબ તંગી છે, કામ ધંધો-નોકરી શોધો. ભણવાનો ખર્ચ કરવાની કોઈ ગુંજાઈશ નથી.’’ અમારી શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ભરાતી ન હતી. મેં આંબાવાડી સચિવાલયમાં ડૉ. જીવરાજભાઈ મહેતા મુખ્યમંત્રીને મળીને રૂબરૂ આવેદન આપ્યું પણ તે જમાનામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકની સંખ્યા જ મર્યાદિત છે. ગુજરાતમાં સૌને ડૉકટર, એન્જિનીયર થવાની હોંશ ઘણી પણ ગણિત-વિજ્ઞાન સારી રીતે શીખવી શકે તેવા શિક્ષકોની સંખ્યા આજે પણ મર્યાદિત. પરિણામે ટ્યૂશનના ભાવો આ વિષયો માટે ખૂબ ઊંચા. આમાં પણ માંગ-પૂરવઠાનો સિદ્ધાંત કામ કરે છે. આપણે જો તેજસ્વી શિક્ષકો મેળવવા હશે તો સૌથી વધારે પગાર આપવો પડશે. 

ફીક્સ પેના બાલગુરુ, વિદ્યાસહાયક, સરસ્વતી સાધક જેવા રૂપાળા નામાભિધાનથી ગુણવત્તાયુક્ત શિક્ષણ કેમ મળે ? આપણે શિક્ષણને તેમાં નિમાતા મહત્ત્વના હોદ્દેદારોને ગુણવત્તામુક્ત કરી જ દીધા છે. મેટ્રિકની પરીક્ષા ૬૪ ટકાએ પાસ કર્યા બાદ મારે આર્ટ્‌સમાં મુંબઈની સેન્ટે ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ મેળવવાનો હતો. મિત્ર શાંતિલાલ આગળ ભણી ન શકે તેવી સ્થિતિથી મને અકળામણ થઈ. અમે બંનેએ ચર્ચા કરી સંકલ્પ કર્યો કે શાંતિલાલ એન્જિનીયરીંગની ડિગ્રી હાંસલ કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવવી. શાંતિલાલ ભણવામાં અવલ્લ તેથી તેના માટે મેરિટ આધારિત પ્રવેશ મેળવવાની ચિંતા ન હતી. બે પ્રશ્નો મુખ્ય હતાં. સંયુક્ત પરિવારના વડાને કેમ સમજાવવા ? આર્થિક રીતે કેમ પૈસા મેળવવા ? અમને જ્યારે સમજાયું કે સંયુક્ત કુટુંબના વડાને સમજાવવાનું અશક્ય છે ત્યારે તેની જાણ બહાર ભાવનગર જઈને કૉલેજમાં પ્રવેશ મેળવવો. શરુઆતના ખર્ચની વ્યવસ્થા તો થોડા પ્રયત્નો બાદ થઈ. શાંતિલાલને ભાવનગરની સરકારી વિજ્ઞાન કૉલેજમાં પ્રવેશ મળ્યો. હવે દર મહિને રૂા.૫૦-૬૦ની વ્યવસ્થા કેમ કરવી તે પ્રશ્ન તે જમાનાના સંદર્ભમાં વિચારીએ તો કેવો કઠિન હતો તેનો ખ્યાલ આવે.

છાપાંઓમાં ત્યારે જે જાહેરાતો સ્કૉલરશીપ માટે આવતી હતી તેમાં અરજીઓ કરી થોડી રકમ પ્રાપ્ત થઈ શકી. તેણે અતિશય કઠોર સાદગી અને કરકસરનો માર્ગ અપનાવ્યો. થોડા મહિના પછી ગણિત-વિજ્ઞાનના એક-બે ટ્યૂશન કરીને શાંતિલાલે પૂરક આવક ઊભી કરી. અમે દર અઠવાડિયે પત્ર વ્યવહારથી સતત સંપર્કમાં રહીએ. મારે મુંબઈમાં અભ્યાસ માટે દર મહિને રૂા.૧૫૦ની જરૂર હતી. મારો પરિવાર સૌના શિક્ષણ માટે ઉત્સાહી હોવાથી અમે પરિવારના ત્રણ સભ્યો સાથે રહીને મુંબઈ ભણતાં હતાં તેનો ખર્ચ પરિવારે આપ્યો હતો. 

શાંતિલાલના ભરચક પ્રયાસો, અન્ય મિત્રોના ટેકા બાદ પણ દર મહિને પાંચ-દસ રૂપિયાની ઘટ રહે ત્યારે હું કરકસર કરીને તે રકમ તેને ભાવનગર મોકલું. ઈન્ટર સાયન્સ બાદ તેને અમદાવાદ એલ.ડી.એન્જિનીયરીંગ કૉલેજમાં મિકેનીકલ શાખામાં પ્રવેશ મળતાં તેનું એન્જિનીયર થવાનું સ્વપ્ન સાકાર થવા લાગ્યું. અમદાવાદમાં ટ્યૂશનો સહેલાઈથી મળતાં અને તે માટેની ફી ભાવનગરથી વધુ હોવાથી તેનો અભ્યાસ અનેક અંતરાયો વચ્ચે પૂરો થયો. તેના બે ભાઈઓમાંથી મોટાભાઈનું અચાનક અવસાન થતાં શાંતિલાલ પર તેના ભાઈ અને છ બહેનોના અભ્યાસ અને સામાજિક આર્થિક જવાબદારી આવ્યા. રાજકોટ અને મુુંબઈ નોકરી કરીને પોતાના સુખ-સગવડના ભોગે તેમણે ભાંડરડાને જીવનમાં સ્થાયી કર્યાં. જ્યારે જ્યારે હું શાંતિલાલનો વિચાર કરું ત્યારે મારા મનમાં અનેક પ્રસંગો અને ભાવનાઓનું સ્મરણ થાય.

૧. જીવનની જટીલ સમસ્યાઓને અવસરમાં ફેરવવા માટે કેટલી શ્રદ્ધા અને કેટલી સબૂરી જોઈએ.

૨. કસોટીના પ્રસંગે કોણ સહાયભૂત થશે ? સાવ અચાનક આવી પડતી જરૂરિયાત ન સંતોષાય તો કેવા કેવા અનર્થો થાય ?

૩. મિત્રો-સ્નેહીઓ પર કેટલો ભરોસો રાખી શકાય ? એક સાંધતા તેર તૂટે જેવી કપરી સ્થિતિમાં આશાવાદી રહેવા શું કરવું ?

શાંતિલાલે નિવૃત્તિ પછીની ફુરસદનો સદુપયોગ કરી ચાર ભાગમાં સંસ્મરણો લખ્યા. જીવનની અનેક પરીક્ષાઓ પાર કરવામાં જે જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેનું સુંદર આલેખન કર્યું છે. સૌથી મઝાની વાત એ છે મિત્રોને મને આપણા ગુણો જ દેખાય છે અને ક્યારેક દોષ કે ઊણપ દેખાય જાય તો તે છાવરી લે છે કે સુધારી લે છે. શાંતિલાલના સ્મરણોનું સંક્ષિપ્ત વર્ણન હવે પછી ક્યારેક કરીશ. તેના અનુભવો વાંચનારને પોતાના જીવનની અનેક ઘટનાઓનું સ્મરણ થશે. જિંદગી કઠિન છે પણ મઝાની છે.

Comments

Popular posts from this blog