વિકાસયાત્રામાં સૌનો સમાવેશ કેમ થાય ?
પ્રવીણ ક. લહેરી
૧૯૯૦માં શરુ થયેલી ઉદારીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રીયા બાદ આપણા અર્થતંત્રે મોટી હરણફાળ ભરી છે. સમાજવાદી સમાજરચનાના નામે લાયસન્સ કવૉટા પરમીટ રાજનું અસ્તિત્વ હતું. સરકારના લોખંડી નિયમનો, બીનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર અને બીનજવાબદાર તંત્રના કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાતો હતો. ભલુ થાય શ્રી નરસિંહરાવ અને ડૉ. મનમોહનસિંહનું કે જેમણે ભારતના હાથી જેવા અર્થતંત્રની બેડીઓ દૂર કરી તેને વિકાસના રસ્તે ગતિશીલ કર્યો. આ ચિત્રની એક બાજુ છે. આના સામે મૂડીવાદી વિકાસના દૂષણો આજે આપણી સામે છે. સમાજવાદ હોય કે મૂડીવાદ, ભ્રષ્ટાચારનો ભોરીંગ તો કોઈ અંકુશ વિના ફૂફાડા મારતો જ રહે છે. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સેવાનું ખાનગીકરણ થતાં તેજસ્વી વિદ્યાર્થીઓ નાણાંના અભાવે તકથી વંચિત રહી જાય છે. આવકોની અસમાનતા એટલી વધી છે કે જે માલેતુજાર છે તેના માટે પૈસા ક્યાં અને કેમ ખર્ચવા તેની ચિંતા કરવાની હોય છે. જે ગરીબ છે તેમના માટે, બેરોજગારો માટે, ખેડૂતો માટે પરિસ્થિતિ એવી ગંભીર બને છે કે તેમાના ઘણાં જીવનનો અંત આણવાથી જ દુઃખથી છૂટી શકાશે તેવી ધારણા સાથે આપઘાત કરી લે છે. આ સામાજિક અને આર્થિક વિષમતાનો શું કોઈ ઉપાય નથી ? તેનો સચોટ ઉપાય છે - સરકાર અને ધનિકોએ સંવેદના જાગૃત કરી પીડ-પરાઈનો અનુભવ કરી વંચિતોની વ્યથા નિવારવા થોડો ત્યાગ, થોડું દાન અને થોડી વ્યવસ્થા કરવાની જરૂર છે. કોરોના કાળમાં આ વિષમતાઓ ચિંતાજનક હદે વધી છે ત્યારે શું કરીએ ? આ પ્રશ્નના ઉત્તર માટે તાજેતરનેં એક અંગત અનુભવો સૌ સાથે વહેંચવા જરૂરી જણાયા છે.
થોડા સમય અગાઉ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ફૂલવાડી ગામે એક આદિવાસી આશ્રમશાળાનો નવા સંકુલના લોકાર્પણ માટે જવાનું થયું. તા.૨૪ ઑકટોબર ૨૦૨૧ના એક આ નાનકડા સમાજે આદિજાતીના વિકાસ માટે એક નવી દિશા દેખાડી અને એક નવી આશાનો ફણગો ફૂટ્યો. અનેક વર્ષોના આયોજન પછી જ્યારે ગુજરાતની ૧૫ ટકા આદિવાસી વસ્તી વિકાસના તમામ માપદંડોમાં પાછળ છે ત્યારે લોકભાગીદારીથી કેવું પરિવર્તન આવી શકે તેનું જીવંત ઉદાહરણ જોવાનો મોકો મળ્યો. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આશ્રમશાળાઓને પુનઃ ચેતનવંતી બનાવી આદિજાતિ યુવા-યુવતીઓને સમાજ અને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમના સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે જે કામ થઈ રહ્યું છે તે કાબિલે-દાદ છે. થોડા વર્ષો પહેલાં ડાંગ જિલ્લામાં આદિવાસીઓને લાલચ, ગેરસમજ અને અપ્રચાર દ્વારા ગુમરાહ કરી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓનો વંટોળ ઊઠ્યો હતો. આવા સમયે આદિવાસી વચ્ચે રહીને તેમના વિકાસ અને કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા થોડા લોકોમાં પૂ. શ્રી પી.પી. સ્વામીનુું નામ આદરપૂર્વક લેવાય છે. દેશના આર્થિક રીતે ખૂબ પછાત જિલ્લાઓમાનો એક એવા ડાંગ જિલ્લાના માલેગાંવમાં પ્રયોશા ફાઉન્ડેશન સ્થાપી, પોતાના સંપ્રદાયની રીત-રસમ છોડીને પણ આદિવાસી માટે જે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે તેની ગુજરાતની પ્રજાએ જોઈએ તેવી નોંધ લીધી નથી. શ્રી સ્વામીનારાયણ ભગવાનના વચનમાં; ‘‘સદ્વિદ્યા અને સદાચાર પ્રવર્તન એ જ સાચો ધર્મ’’ અતૂટ શ્રદ્ધા રાખી તેમણે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વવિકાસ, સંસ્કાર, સંસ્કૃતિ, અધ્યાત્મ અને સત્સંગના પાંચ પાયા પર પ્રયોશા પ્રતિષ્ઠાનની સ્થાપના કરી છે. તેના પ્રથમ પ્રમુખ તરીકે ડાંગ જિલ્લાના લોકસેવકોના ભીષ્મ પિતામહ જેવા શ્રી ઘેલુભાઈ નાયક હતાં. હવે આ ટ્ર્સ્ટના પ્રમુખ છે હિરાના વેપારી શ્રી કેશુભાઈ ગોટી. ટ્ર્સ્ટીઓના નામો એટલે સૂરતના હિરા અને કાપડ ઉદ્યોગોના મોભીઓની નામોની સૂચિ કારમા દુષ્કાળમાં રોજગારીના તલાશમાં હિરા ઘસવા માટે, મજૂરીનું કામ કરવા માટે જે હજારો કાઠીયાવાડી કિસાનો સૂરતમાં હિજરત કરીને આવ્યા તેના જીવન અને સિદ્ધિઓનો અનેરો ઈતિહાસ છે. ભણતર ઓછું હોય પણ કોઠાસૂઝ ભારે હોય, સંજોગો વિષમ હોય પણ આત્મવિશ્વાસ બુલંદી પર હોય વાતાવરણ નિરાશાજનક હોય પણ સારું થશે જ એવી શ્રદ્ધા સાથે કાર્યનિષ્ઠા અને કાર્યકુશળતા થકી તેમણે જે ડંકો વગાડ્યો છે તેનો ધ્વનિ સમગ્ર વિશ્વમાં ગુંજે છે. ધન કમાવી સંપત્તિના સ્વામી બનવું તે સિદ્ધિ છે પણ તે ધનનો ઉપયોગ જરૂરિયાતમંદની ભલાઈ માટે કરવો તે ઉત્તમ સંસ્કારની નિશાની છે. સૂરતના આ ઉદ્યોગપતિઓએ અનેક શુભ અને ઉપયોગી કાર્યો કરવા માટે અબજો રૂપિયાના દાનની ગંગા વહાવી છે. આ પ્રયોશા પ્રતિષ્ઠાનના પ્રમુખશ્રી કેશુભાઈ ગોટી અને ટ્ર્સ્ટીઓએ મહાત્મા ગાંધીનું ટ્ર્સ્ટી અંગેનું આ વાક્ય સાર્થક કર્યું છે. ‘‘જે સદાય સર્વસ્વ આપે પણ કંઈ લે નહીં, ન લેવાની અપેક્ષા સેવે, માન, કદર કે પ્રસિદ્ધિ પણ નહીં તે સાચો ટ્ર્સ્ટી’’ આવા પ્રયોશા પ્રતિષ્ઠાને શરૂઆતમાં ૧૧ આશ્રમશાળાઓના જરીપૂરાણા સંકુલોની જગ્યાએ નવા આધુનિક સુવિધા સજ્જ સંકુલો બાંધવાનો સંકલ્પ કર્યો. તે સાકાર થયો અને તેના પરિણામે રાજ્યની ૩૮૦ જેટલી આશ્રમ શાળાઓમાંથી ૨૦૮ જેટલી આશ્રમ શાળાઓના મકાનોના નવનિર્માણનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. શ્રી પી. પી. સ્વામીની પ્રેરણાથી ટ્રસ્ટીઓ ઉપરાંત તેમના વારસદારો - યુવાન-યુવતીઓ પણ આ સંકલ્પમાં જોડાયા. કર્મયોગી પરિવારની નિશ્રામાં નવા બાંધકામ કેમ સુંદર ડિઝાઈનવાળા થાય, મજબૂત અને ઉત્તમ ગુણવત્તાવાળા બને અને કરકસરપૂર્વક થાય તેની સઘળી જવાબદારી આ યુવાનપેઢીએ અદમ્ય ઉત્સાહ અને કાર્યકુશળતાથી સંભાળી. આજે ૧૦૦ પ્રોજેક્ટો ખૂબ સારી રીતે સાકાર થયા છે. કુલ ૧૭૬ પ્રોજેક્ટોના દાતાઓ તૈયાર છે. ૧૨૨ સ્થળોના પ્રોજેક્ટોની વિગતો તૈયાર છે અને ૮૬ સ્થળોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. આ તમામ કામગીરી માત્ર ને માત્ર લોકફાળાથી થઈ રહી છે. હજી સુધી આ માટે સરકારી સહાય મેળવવા માટે કોઈ તજવીજ કરી નથી. આદિજાતિ સબપ્લાનની રકમોનો પૂરતો વપરાશ થતો નથી ત્યારે આદિવાસી ઉત્થાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર નક્કર કામગીરી કરશે તેવી આશા રાખવી અસ્થાને નથી. ગુજરાત સરકાર સામેથી આવા લોકોપયોગી કાર્યમાં સહાય જાહેર કરી સરદાર પટેલ જળસંચય યોજના જેવી ઉદાર જોગવાઈ કરે તો ગ્રામીણ ખાસ કરીને પછાત વિસ્તારોની જર્જજરિત થયેલી શાળાઓનું નવનિર્માણ ખૂબ સુંદર રીતે અને ઝડપથી થઈ શકે તે અંગે મારા મનમાં લેશમાત્ર શંકા નથી.
ગુજરાતમાં જ નહીં પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અનુરોધથી અરુણાચલ-મેઘાલયમાં પણ આશ્રમશાળાના નિર્માણનું બીડું પ્રયોશા ફાઉન્ડેશને ઊઠાવ્યું છે. પ્રયોશા પ્રતિષ્ઠાનના ફૂલવાડી ગામે ૯૯માં પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે જે શિસ્ત, ઉત્સાહ, પ્રતિભા અને શક્તિના દર્શન કર્યાં તેથી એક સત્ય ફરી સમજાયું - ‘‘કોઈ પણ દેશના વિકાસમાં સારા-યોગ્ય શિક્ષણની ભૂમિકા સૌથી વધારે અગત્યની છે. પ્રયોશા ફાઉન્ડેશનની ઓળખ - વનવાસીઓ માટે વિરલ વ્યક્તિત્વ નિર્માણની પ્રેરણા વહાવતું વિશિષ્ટ અભિયાન’’ અક્ષરજ્ઞાન, સ્વાસ્થ્ય, સંસ્કાર, પર્યાવરણ, રોજગારી અને વ્યક્તિત્વ વિકાસ માટે જે અવિરત કાર્ય થઈ રહ્યું છે તે મહાઅભિયાનમાં આપણે સૌએ યથાશક્તિ પ્રદાન કરવા જેવું છે. દલાઈ લામા જેવી વિશિષ્ટ વ્યક્તિ કહે છે; ‘‘સેવા એ જ જીવનનો પ્રાથમિક હેતુ છે. વનબંધુઓ માટે સ્વામીજીના હૃદયમાં અપાર કરૂણ ભરેલી છે એ જોઈને ચિત્ત પ્રસન્ન થયું.’’
ગુજરાતન મહાજન પરંપરા હેઠળ દાન-ધર્માંદો કરવાની વાત નવી નથી. ગાંધીયુગમાં તો ગુજરાતમાં સરદાર પટેલથી શરુ કરીને રવિશંકર મહારાજ, જુગતરામ દવે, ઠક્કરબાપા, પરિક્ષિતલાલ મજમુદાર, ડાહ્ાાઈ નાયક, ઘેલુભાઈ નાયક, મણિલાલ કોઠારી, વજુભાઈ શાહ, રતિલાલ ગોંધીયા, લલ્લુભાઈ શેઠ, મનુભાઈ મહેતા, ઈલાબહેન ભટ્ટ, ગોવિંદભાઈ રાવલ એમ અગણિત સમાજસેવકોનું ગુજરાત પર ઋણ છે. મેં ગરૂડેશ્વરના સાન્નિધ્યમાં પ્રકૃતિના ખોળે બેસેલા ફૂલવાડી ગામમાં સૂરતના ધનાઢ્ય પરિવારના ૩૦ ઉપરાંત યુવાદંપતિઓને સેવાકાર્યમાં રત જોયા ત્યારે મને મનમાં સંતોષની લાગણી થઈ. ગુજરાતની સેવા પરંપરાનું સાતત્ય જળવાશે જ તેવી મારી શ્રદ્ધા હવે દૃઢ થઈ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રેમસિંહભાઈ વસાવાએ તેમના જન્મ સમયની તે વિસ્તારની સ્થિતિનું વર્ણન કર્યું અને શ્રી રતનસિંહ મહિડાની નિઃસ્વાર્થ સેવા થકી આદિવાસી વિસ્તાર અને પરિવારોમાં આવેલ પરિવર્તનનું વર્ણન કર્યું ત્યારે આપણને સાચી લોકસેવાનું મહત્ત્વ સમજાય. પ્રેમસિંહભાઈએ શ્રી રતનસિંહ મહિડાને નરબંકા તરીકે બિરદાવી કહ્યું કે આજની ભરુચ-નર્મદા જિલ્લાની આદિવાસી નેતાગીરી રતનસિંહ મહિડાની ઋણી છે. ગુજરાતનો સંતુલિત વિકાસ કરવો હશે તો વંચિત વિસ્તારો અને પરિવારોની કાળજી લેવા આપણે સૌએ કાંઈક પ્રદાન કરવું જ પડશે. ચાલો, આપણે આ દિશામાં પહેલું પગલું ભરીએ. દરરોજ માત્ર ૧૦ રૂપિયા આપણે સૌ બચાવી સત્કાર્ય માટે વાપરીએ તો અનેકની જિંદગી પ્રકાશમય બને.
Comments
Post a Comment