લુપ્ત થતી સંસ્કૃતિ

                                                                                            પ્રવીણ ક. લહેરી

ગુજરાતી પ્રજાની છાપ વ્યાપાર-ઉદ્યોગમાં રસ ધરાવતી પ્રજા તરીકે હોવાથી આપણી સાંસ્કૃતિક વિરાસત અંગેની જાણકારી ગુજરાત બહાર અલ્પ હોય તે સમજી શકાય તેમ છે. આપણી યુવાપેઢી ખૂબ સર્જનાત્મક શક્તિ ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી ફિલ્મોએ કાઠું કાઢ્યું છે, અનેક યુવાસર્જકો અને કલાકારો પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે ત્યારે આપણા સમૃદ્ધ કલા વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે કાળજી કરવાનો સમય આવી પહોંચ્યો છે. ડાયરાના આધુનિકરણ સાથે ગુજરાતના ગાયકો અને માંડીને વાત કહેનારા લોકકલાકારો ખૂબ લોકપ્રિય થયા છે. દેશ-વિદેશમાં કાર્યક્રમો યોજીને ગુજરાતના ભાતીગળ લોકસાહિત્યને વિશ્વભરમાં ગુંજતું કર્યું છે. કમનસીબે ગુજરાતના નાટ્ય મંચ હજી રંક જ રહ્યો છે. કોરોના કાળે તો નાટ્યપ્રવૃત્તિનું હીર ચૂસી લીધું છું. ગુજરાતની અનોખી નાટ્ય શૈલી ભવાઈ આમ તો લગભગ લુપ્ત થઈ ગઈ છે. વિજાણુ સાધનોમાં ઉપલબ્ધ મનોરંજન ગ્રામીણ જીવન સાથે વણાયેલી ભવાઈકલાને સુષુપ્ત અવસ્થામાં મૂકી દીધી છે.

આવા નિરાશાજનક વાતાવરણમાં અસાઈત સાહિત્ય સભાએ તેમના મુખપત્ર કલાવિમર્શના પેટ્ર્‌નોને માધવ રામાનુજ લિખિત જસ્મા-ગુરુગણિકાના બે ભવાઈ વેશોના પુસ્તકો ભેટ મોકલીને ભવાઈની ભવ્યતા તરફ આપણું ધ્યાન દોર્યું છે. આમ તો લગભગ ૪૦ વર્ષ પહેલાં અમ્મા મૃણાલિનીબહેનના નિમંત્રણથી કૈલાસ પંડ્યા અને દામિની મહેતાના પ્રયત્નથી ‘જસમા ઓડણ’ના વેશ આધારિત એક નૃત્યનાટિકા લગભગ ૪૦ વર્ષ પહેલાં જોઈ હતી તેનું સ્મરણ થયું. જસ્માનો રોલ નિભાવનાર રૂપા મહેતા (ત્યારે દિવેટીયા)ની લાલિત્યપૂર્ણ અને અદ્‌ભૂત કહી શકાય તેવી અદાકારી-નૃત્ય અને ત્યારના ટાગોર હૉલના સમગ્ર પરિવેશના સ્મરણની સુનામી માનસપટ પર ફરી વળી. જસ્માની નૃત્યનાટિકાએ સિદ્ધ કરી આપ્યું હતું કે આ પ્રાચીન કલા સાંપ્રત સમયમાં પણ એક અનોખી અને અસરકારક રજૂઆત માટે સબળ માધ્યમ છે.  આ ભવાઈ વેશનું સંપાદન જાણીતા કવિ-સાહિત્યકારક માધવ રામાનુજે કર્યું હતું તે હકીકતથી ત્યારે અજાણ હતો. માધવભાઈની ઓળખાણ પણ ત્યારે ન હતી. અસાઈત સાહિત્ય સભા તરફથી માધવ રામાનુજના બે ભવાઈ વેશના પુસ્તકો ‘જસ્મા’ અને ગુરુગણિકા જ્યારે સાવ અચાનક મળ્યા ત્યારે ખોવાયેલો ખજાનો અચાનક મળે ને જે આનંદ થાય તે થયો છે. 

ગુરુગણિકાનો વેશ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં આપણો સૌથી અલગારી અને અનોખા કલાકાર નિમેષ દેસાઈએ અને તેની સાથે ગુજરાતની સંવેદનશીલ અને કલ્પનાશીલ કલાકાર ગોપી દેસાઈએ ભજવ્યો ત્યારે ભવાઈનું હાસ્ય તત્ત્વ સુપેરે ઉજાગર થયું હતું. ૩૫-૪૦ વર્ષના અંતરાલ પછી પ્રકાશિત થતાં આ બે ભવાઈ વેશ ગુજરાતી સાહિત્ય-કલા જગત માટે સીમાચિન્હ રૂપ ઘટના લેખાવવી જોઈએ તેવો મારો નમ્ર પણ દૃઢ અભિપ્રાય છે. માધવ રામાનુજ તેની પ્રસ્તાવનામાં ‘ગુરુગણિકા’ના વેશ અંગે લખ્યું છે; ‘‘કવિતાની રચના જેવી સર્જન પ્રક્રીયાનો અનુભવ ક્યારેક અન્યથા પણ થાય છે. અહિં એવું જ થયું છે. પચ્ચીસ-ત્રીસ મિનીટના મૂળ પ્રહસનને આધારે માત્ર પાંચ દિવસમાં જ આ ત્રણ કલાકનું પ્રહસન કંઈક નવા સ્વરુપે ગુજરાતીમાં લખાઈ ગયું. એમાં ગીતો પણ આવ્યા.’’

આવા એક ગીત અંગે માધવ રામાનુજ લખે છે...

‘‘એમ કરી યમદૂત હાલી રે નીકળ્યા,

ધરતીના અંજળ ખૂટ્યાં રે રામ,

ઊંડા આકાશે હાલ્યો રે હંસલો,

ધરતીના સગપણ છૂટ્યાં રે રામ.’’ 

એ દૃશ્યને આપણા મહાન નૃત્યાંગના અને નાટ્યગુરુ શ્રીમતી મૃણાલિની સારાભાઈના નૃત્ય સંયોજનનો લાભ મળ્યો હતો. સ્ટેજ પર અંધારુ અને કાળા વસ્ત્રો પહેરેલી દસ-પંદર બહેનોને માથા પર દીવડા લઈને વર્તુળાકારે ગીત પૂરું થાય ત્યાં સુધી એના તાલે લયબદ્ધ ફરતી રહે એવું અત્યંત અસરકારક સંયોજન થયું હતું.

‘જસ્મા’ના ભવાઈ વેશનો રસાસ્વાદ આપણા જાણીતા નાટ્યવિદ્‌ - વિવેચક શ્રી મહેશ ચંપકલાલે સુદીર્ઘ રીતે કરાવ્યો છે. તેમાં તે ‘જસ્મા’ના વેશ અંગે સમાપન કરતાં લખે છે; ‘‘મધ્યકાળના લોકસાહિત્ય અને લોકનાટ્યમાં દંતકથારૂપે સચવાયેલી જસમા તો ‘એક’ જ છે. જે અર્વાચીન કાળમાં સતિ નારી તરીકે, તો ક્યારેક ગૌરવશાળી, શ્રમજીવી નારાયણી તરીકે પુનઃ સંસ્કાર પામતી ક્યાંક નાટ્યસ્વરુપે પરંપરિત લોકનાટક સ્વરુપે એમ અનેક રૂપે રંગમંચ પર અવિરત થતી રહે છે ને એ રીતે પોતાની સર્વકાલિનતા અને શાશ્વતતા સિદ્ધ કરતી રહી છે.’’

આ બંને ભવાઈ વેશોનું ખૂબ ઓછા શબ્દોમાં કથાવસ્તુ વર્ણવવાનું કામ માધવ રામાનુજે જે બેખૂબીથી કર્યું છે તેમાં તેની આગવી સુઝ, શક્તિ અને સર્જનાત્મકતાના દર્શન થાય છે. આ બે ભવાઈ વેશ ભલે લાંબી પ્રતીક્ષા બાદ પ્રકાશિત થયા પણ તેને આવકારવા માટે હિન્દીની ઉક્તિનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ‘‘દેર આયે દ્રુસ્ત આયે’’ જસમા વેશનો પરિચય માધવ રામાનુજના શબ્દોમાં; ‘‘એક તપસ્વી ઋષિ, એક ઈન્દ્રની અપ્સરા...બંનેએ એકબીજાને શાપ આપ્યાને ઓડ પરિવારમાં જન્મ્યાં. જસ્મા અપ્સરાનું અઢળક રૂપ લઈને આવ્યાં અને ઋષિ કદરૂપા ચહેરા સાથે રૂડિયા નામે જન્મ્યા. સૌંદર્ય અને કુરુપતાના સમન્વય સાથે આત્માની દિવ્યતાનો આ ભવાઈ વેશ છે.’’

ગુરુગણિકાના વેશ અંગે માધવ રામાનુજનું સંક્ષિપ્ત બયાન; ‘‘એક સિદ્ધ તપસ્વી સંન્યાસી પોતાના અડબંગ શિષ્ય પરત્વેના રાગથી પ્રેરાઈને પોતાની અલૌકિક સિદ્ધિનો પ્રયોગ કરે છે અને સર્જાય છે એક અદ્‌ભૂત પ્રહસન ! સમગ્ર નાટકમાં સહજ રીતે હાસ્ય વેરાતું રહે છે, સાથોસાથ જીવન, સમાજ, સંસાર, અધ્યયનના પ્રણય અને દેહની નશ્વરતા આદિ અનેક પ્રકારે ગહન ચિંતન પણ ઉઘડતું રહે છે. ગુરુ ગણિકામાં સમગ્રપણે અલૌકિક પરમતત્ત્વનો અને જીવનના સૌંદર્યનો સ્પર્શ થતો રહે છે.’’

આ બે ભવાઈ વેશોના પુસ્તકોનું પ્રકાશન અનેક બંધ દરવાજા ખોલી આપે છે. આજે નાટકો ભજવવામાં સારા લેખનકાર્યની ઉણપ છે તે આ બે પ્રકાશનો દૂર કરે છે. આ બે ભવાઈ વેશોનું કથાનક સૌ કોઈને રસપ્રદ તો લાગે પણ તેની શૈલી તો દરેકને જકડી રાખે તેવી પ્રભાવક છે. ફિલ્મ બનાવવા માટે કે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે, શેરી નાટક તરીકે કે નૃત્યનાટિકા તરીકે ભાવવાહી પઠન તરીકે અથવા તો પરંપરાગત પરિવેશમાં આની રજૂઆત ધારદાર રહેશે તેમાં શંકાનું સ્થાન નથી. આપણે આશા રાખીએ કે આ બે વેશ અનેક રંગમંચો પર ભજવાતા રહે.

‘ગુરુ ગણિકા’ના વેશ અંગે આપણા જાણીતા સંસ્કૃતના વિદ્વવાન શ્રી વિજય પંડ્યાની પ્રસ્તાવના ભવાઈ વેશનો સંસ્કૃત સાહિત્ય સાથેનો સંબંધ ઉજાગર કરતાં લખે છે; ‘‘દક્ષિણ ભારતના પલ્લવવંશના સાતમી સદીમાં થઈ ગયેલા પ્રતાપી રાજવી મહેન્દ્ર વિક્રમ વર્માએ રચેલું મનાતું ‘ભગવજ્જુકીય’ નાટક સંસ્કૃત નાટ્યશાસ્ત્રની પરિભાષા પ્રમાણે પ્રહસન છે. ....‘ભગવજ્જુકીય’માં જીવોની અદલાબદલીનું કથાઘટક છે. ગણિકાના શરીરમાં પરિવ્રાજકનો જીવ અને પરિવ્રાજકના શરીરમાં ગણિકાનો જીવ એમ અદલાબદલીનું થતાં જે ગોટાળા છે તે નાટકનું કથાવસ્તુ છે. ...આજ કથાનક લઈ માધવ રામાનુજે ‘ગુરુ ગણિકા’ ઘડ્યું છે અને સર્જ્યુ છે. ...સંસ્કૃતમાં કહ્યું છે કે કવિત્વની અંતિમ કસોટી નાટક (નાટકાન્તં કવિત્વં) છે અને આપણા ગુજરાતી સાહિત્યના અગ્રણી લોકપ્રિય કવિ માધવ રામાનુજે ગુરુ ગણિકા નાટકમાં - પ્રહસનમાં કવિત્વ અને નાટ્યત્વનો એમ બંનેનો સમન્વય સાધ્યો છે.’’

ગુજરાતના કલારસિકો અને કલાપારખુઓ માટે આ એક અવસર છે, એક પડકાર છે, એક અદ્‌ભૂત ઘટના છે. એક આશા છે કે આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને પુનઃ ધબકતી કરવા માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત થઈને કાર્યરત થશું. ભવાઈવેશના અંતમાં માધવ રામાનુજની શુભેચ્છા માણીએ;

‘‘હે વેશ પૂરો કરીને રાજી થઈએ રે,

કોઈ ભૂલચૂક હોય તો કહેજો રે.

આ ગામ રળિયામણું રહેજો રે,

ધનધાન સુખ-સાહ્યબીમાં ફરજો રે.

સદાય યશની તે વરમાળા વરજો રે,

કોઈ વાંચે જુએ કે પછી ભજવે રે.

એની કીર્તિ તો ત્રિભુવન ગજવે રે,

માધવ રામાનુજના વંદન લેજો રે.

અને આશીર્વાદ અમને દેજો રે,

તા...થૈયા, થૈયા, તાક થૈ.’’ 

Comments

  1. રૂપાબેનને વાત કરી ખૂબ રાજી થયા સદવિચાર માં ભવાઇ વેશ ઉપર અર્ચન સાથે મળી કાર્યક્રમ કરવાનું સૂચન કરેલ છે રૂપાબેને ભવાઇ ઉપર પી એચ ડી કરેલ છે, લેખ ખૂબ સરસ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog